ગંભીરે જ્યારે કોહલીને પોતાનો ઍવૉર્ડ આપી દીધો હતો....

બીસીસીઆઈના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર જાણકારી આપી છે કે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા હેડ કોચ બનશે.

તેમણે પોતાના ટ્વિટર પર લખ્યું કે આધુનિક ક્રિકેટ ઝડપથી બદલાઈ રહ્યું છેે અને ગૌતમ ગંભીરે આ બદલાતા લૅન્ડસ્કેપને નજીકથી જોયું છે. સંપૂર્ણ કૅરિયરમાં મુશ્કેલીઓને સહેવા અને સારું પ્રદર્શન કર્યા બાદ મને આશા છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે આદર્શ વ્યક્તિ છે.

જય શાહે કહ્યું કે ટીમ ઇન્ડિયા માટે તેમનો અનુભવ, સ્પષ્ટ દૃષ્ટિકોણ તેમને આ રોમાંચક ભૂમિકા માટે ઉપયુક્ત ઉમેદવાર બનાવે છે. બીસીસીઆઈ તેમને આ નવી યાત્રા માટે પૂર્ણ સમર્થન આપે છે.

2023 માં લખનૌમાં રમાયેલી IPLની એક મૅચ બાદ લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોરના ભૂતપૂર્વ કૅપ્ટન વિરાટ કોહલી વચ્ચે 'ગરમાગરમી' થઈ હતી. ત્યારે વાત દસ વર્ષ પહેલાંની એ મૅચની જેમાં ગંભીર અને કોહલી આમને-સામને હતા. તે સમયે ગંભીર કોલકાતા નાઇટ રાઇડર્સના કૅપ્ટન હતા અને કોહલી બેંગલોરના કૅપ્ટન હતા.

તે સમયે રજત ભાટિયાએ દરમિયાનગીરી કરીને બંનેને અલગ કર્યા હતા. ગંભીર અને કોહલી બંને દિલ્હીવાસી છે.

ઘણાં વર્ષો સાથે રમી ચૂકેલા ગંભીર-કોહલી જ્યારે પણ એકબીજાનો સામનો કરે છે ત્યારે વિવાદ સર્જાય તે કોઈ નવી વાત નથી. પરંતુ ઘણાં વર્ષો પહેલાં આ બંનેની લડાઈમાં એક સુખદ ઘટના પણ ઘટી હતી.

24 ડિસેમ્બર 2009ના રોજ, ભારત અને શ્રીલંકા વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે વન-ડે મેચ રમાઈ હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં 315 રનનો પહાડ ખડકી દીધો હતો. શ્રીલંકા તરફથી ઓપનર ઉપુલ થરંગાએ 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 118 રન બનાવ્યા હતા.

કૅપ્ટન કુમાર સંગાકારાએ 60 રન બનાવીને તેમને સારો સાથ આપ્યો હતો. ભારત તરફથી ઝહીર ખાન અને આશિષ નહેરાએ 2-2 વિકેટો ઝડપી હતી. આ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે તેની બે વિકેટો ઝડપથી ગુમાવી દીધી હતી.

ગંભીર અને કોહલીની ભાગીદારીએ નાખ્યો જીતનો પાયો

વીરેન્દ્ર સહેવાગ 10 રને અને સચીન તેંડુલકર આઠ રને આઉટ થઈ ગયા હતા.

ભારતનો સ્કોર એક સમયે બે વિકેટે 23 રન હતો. પરંતુ આ પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 224 રનની મેરાથૉન ભાગીદારી કરીને જીતનો પાયો નાખ્યો હતો.

ગંભીરે 14 ચોગ્ગાની મદદથી અણનમ 150 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા.

વિરાટ કોહલીની આ પ્રથમ વન-ડે સદી હતી. ભારતીય ટીમે 11 બૉલ બાકી હતા ત્યારે સાત વિકેટે જીત મેળવી હતી. ગંભીરને તેની શાનદાર ઇનિંગ્સ બદલ 'મૅન ઑફ ધ મૅચ' ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઍવૉર્ડ મેળવતી વખતે ગંભીરે કહ્યું કે "વિરાટે તેની પહેલી વન-ડે સદી ફટકારી છે. તે મારા કરતાં આ ઍવૉર્ડ માટે વધુ હકદાર છે. હું તેને આ ઍવૉર્ડ આપવા માગુ છું."

આથી ગંભીરે કોહલીને સ્ટેજ પર બોલાવી ઍવૉર્ડ એનાયત કરાયો હતો.

ત્યારબાદ બોલતા ગંભીરે કહ્યું, "અમે જાણતા હતા કે વિવાદનો મુદ્દો મહત્ત્વનો રહેશે. થોડા દિવસો પહેલાં જ્યારે અમે અહીં રમ્યા હતા, ત્યારે ગ્રીમ સ્મિથે સદી ફટકારી હતી. આજે અમે એક પછી એક બે વિકેટ ગુમાવી દીધી પરંતુ વિરાટ એક સકારાત્મક ખેલાડી છે. તે ઝડપી રન કરે છે. તે મને સ્થાયી થવાની તક આપે છે."

ગંભીરે વધુમાં ઉમેર્યું, "વિરાટે મારા પરનું દબાણ ઓછું કર્યું. અમે વિચાર્યું કે અમે 35 ઓવર સુધી ભાગીદારી કરીશું. પછી ત્યારબાદ શું થાય તે જોઈશું. પરંતુ અમારે પાવરપ્લે લેવાની જરૂર નહોતી."

"છેલ્લી બે ઇનિંગ્સમાં મેં મોટી ઇનિંગ્સ નહોતી રમી. પરંતુ આ મેચમાં મેં સદી ફટકારીને ટીમની જીતમાં ફાળો આપ્યો. તેનો મને આનંદ છે."

"અહીં ઇડન ગાર્ડન્સમાં સદીની ઉજવણી કરવાનો આનંદ અનોખો છે."

આ મૅચમાં જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-1ની સરસાઈ મેળવી લીધી. તે સમયે ગંભીરની ઘણી પ્રશંસા થઈ હતી.