હરભજનસિંહે દિલ્હી કૅપિટલના ડેવિડ વૉર્નર માટે કેમ કહ્યું કે તે ટીમમાં માત્ર 'અંગ્રેજી બોલવા' માટે નથી

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલમાં શનિવારે બે મૅચ રમાઈ હતી. પ્રથમ મૅચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સરળતાથી કોલકાતા નાઇટ રાઇડર્સને સાત વિકેટથી હરાવી દીધું હતું અને પૉઇન્ટ ટેબલમાં ફરી એકવાર પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.

હાર્દિકની ટીમે આઠમાંથી માત્ર બે મૅચ ગુમાવી દીધી છે અને કોઈ પણ અન્ય ટીમની સરખામણીએ સૌથી વધુ છ મૅચ જીતી છે. આગામી તેમની મૅચ દિલ્હી કૅપિટલ્સ જેવી આ ટૂર્નામેન્ટમાં સૌથી નીચલા સ્થાને ચાલી રહેલી ટીમ સાથે છે. જોકે તે ગયા વર્ષની જેમ જ ઘણી ઝડપથી પ્લેઑફ તરફ પગલાં ભરી રહી છે.

સાથે બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ સન રાઇઝર્સ હૈદરાબાદ સામે સારું રમી હતી, પરંતુ 9 રનથી હારી ગઈ હતી. આ સાથે જ પૉઇન્ટ ટેબલમાં તેમણે સૌથી નીચલા સ્થાન પર પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે.

મૅચ બાદ ડેવિડ વૉર્નરે હારના કારણો ગણાવ્યા, ત્યારે કૉમેન્ટ્રી કરી રહેલા પૂર્વ ક્રિકેટર 'ટર્બનેટર' હરભજન સિંહ અને યુસુફ પઠાણે સ્પષ્ટ શબ્દોમાં વૉર્નરને કપ્તાનીમાંથી હઠાવવાની માગ કરી હતી.

જ્યારે અંતિમ ઓવરમાં અક્ષર છગ્ગા ફટકારી રહ્યા હતા, ત્યારે સંજય માંજરેકરે પણ કહ્યું કે શું તેમને બેટિંગ કરવા અને વહેલા નહોતા મોકલવા જોઈતા?

અક્ષર પટેલને છેલ્લે બેટિંગ કરવા માટે ઉતારવાની ટીકા યુસૂફ પઠાણે પણ કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “અક્ષર પટેલને વહેલા મોકલવાનું દિલ્હી કૅપિટલ્સ ભૂલી ગયું હતું. તેઓ આ સીઝનમાં સારી સ્થિતિમાં ચાલી રહ્યા છે.”

‘વૉર્નરને ઘરે મોકલવા જોઈએ’

મૅચ બાદ વાતચીત દરમિયાન વૉર્નરે પણ કહ્યું હતું કે અમે અક્ષરને પહેલા મોકલવા અંગે વિચારીએ છીએ.

આ મૅચ વિશે વાત કરી રહેલા હરભજન સિંહે કહ્યું હતું કે, “ડેવિડ વૉર્નરને ઘરે મોકલી દેવા જોઈએ અને અક્ષર પટેલને કપ્તાન બનાવવા જોઈએ. વૉર્નર માત્ર અક્ષર પટેલ સાથે અંગ્રેજી બોલવાનું કામ સારું કરી રહ્યા છે.”

ટર્બનેટરે કહ્યું હતું કે, “મૅચ બાદ અંગ્રેજી સાંભળવાનો અમને શોખ નથી. તે અમે દરેક મૅચમાં જોઈ રહ્યા છીએ કે શું થયું. તમારી બેટિંગથી જે નથી થઈ રહ્યું, તેની પર જરા ધ્યાન આપો. અક્ષર પટેલને પહેલા મોકલો, નહીં તો તેમને કપ્તાન બનાવો. મોટું નામ ના જોવો, કામ જોવો.”

ઇમરાન તાહિરે કહ્યું હતું કે, “જો તમે વૉર્નરને આટલા પૈસા આપીને લાવ્યા છો અને કપ્તાન બનાવ્યા છે, તો તેમનું પ્રદર્શન પણ એવું હોવું જોઈએ.”

સાથે હરભજને કહ્યું હતું કે, “વૉર્નરના જલદી આઉટ થવાથી દિલ્હી માત્ર 9 રનથી હારી ગયું હતું. જો તેઓ વધુ પીચ પર ટકી રહ્યા હોત તો દિલ્હી 50-60 રનથી હારી જતું. તેઓ બૉલ ખરાબ કરે છે. 50 બૉલમાં 50 બનાવે છે. તેનો શું ફાયદો, ટીમમાં માત્ર અંગ્રેજી બોલવા માટે રાખવામાં આવ્યા નથી.”

આ મૅચમાં વૉર્નર શૂન્ય પર બોલ્ડ થયા હતા. આ સીઝનમાં તેમને 306 રન ફટકાર્યા હતા, પરંતુ તેમનો સ્ટ્રાઇક રેટ 118.60 રહ્યો છે. તેમણે અત્યાર સુધી માત્ર એક જ છગ્ગો ફટકાર્યો છે.

બીજી તરફ અક્ષર પટેલે આ મૅચમાં 14 બૉલમાં 29 રન બનાવ્યા અને અણનમ રહ્યા હતા. અત્યાર સુધી આ સીઝનમાં અક્ષરે 142.56ના સ્ટ્રાઇક રેટથી 211 રન બનાવ્યા છે. સાથે 11 છગ્ગા પણ લગાવ્યા છે. અક્ષરે 7.07ની ઇકોનૉમીથી સાત વિકેટ પણ લીધી છે.

હરભજને કહ્યું હતું કે, દિલ્હીની ટીમ સૌથી નીચે ચાલી રહી છે અને વૉર્નરને તેનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે.

દિલ્હીની ટીમ આઈપીએલની આ સીઝનમાં આઠમાંથી માત્ર બે મૅચ જીતી છે અને પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે 10મા સ્થાને છે.

ગુજરાત ટાઇટન્સ પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર

ગુજરાત ટાઇટન્સ માત્ર આઈપીએલની વર્તમાન વિજેતા ટીમ નથી, પરંતુ આ સીઝનના પૉઈન્ટ ટેબલમાં પણ ટૉપ પર છે.

આ ટીમ જોડે શરૂઆતથી લઈને અંત સુધી જ્યાં બેટિંગથી પ્રદર્શન કરનારા એકથી એક ચઢિયાતા બૅટ્સમૅન છે, ત્યાં બૉલ હાથમાં રાખીને વિકેટ લેનારા ઘણા છે.

આ મૅચમાં ગુજરાત ટાઇટન્સ તરફથી વિજય શંકરે સૌથી શાનદાર ઇનિંગ રમી હતી, જેણે પહેલા 12 બૉલમાં માત્ર 12 રન બનાવ્યા હતા, પરંતુ

આગામી 12 બૉલમાં તેમણે 39 રન બનાવ્યા હતા.

24 બૉલમાં અણનમ 51 રન બનાવનાર વિજય શંકરે મૅચ બાદ કહ્યું હતું કે, "જ્યારે હું ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે વિરાટ કોહલીએ મને સલાહ આપી હતી અને તેમના મૂલ્યવાન સૂચનો આપ્યા હતા. તેનાથી મારી બેટિંગમાં સુધારો આવ્યો છે."

આ મૅચમાં જ્યાં શુભમન ગિલ (49 રન), વિજય શંકર (અણનમ 51) અને ડેવિડ મિલર (અણનમ 32) એ બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે બૉલિંગથી મોહમ્મદ શમી, નૂર મોહમ્મદ અને જૉસ લિટલે જોરદાર પ્રદર્શન કર્યું હતું.

તેમની 100મી આઈપીએલ મૅચ રમી રહેલા રાશિદ ખાન આ મૅચમાં ફીકા પડ્યા હતા. તેમણે ચાર ઓવરોમાં 54 રન આપ્યા હતા, ત્યારે જૉસ લિટિલ અને નૂર અહમદ જેવા યુવાન બૉલરોએ કમાન સંભાળી હતી.

બન્ને બૉલરોએ તેમની કુલ આઠ ઓવરોમાં માત્ર 46 રન આપીને ચાર વિકેટ લીધી હતી. આ સાથે જ એવરગ્રીન મોહમ્મદ શમીએ પણ ત્રણ વિકેટ લીધી હતી. આ ત્રણ બૉલરોએ કુલ મળીને 36 ડૉટ બૉલ પણ નાખ્યા હતા.

હાર્દિક પંડ્યા માટે મોહમ્મદ શમી હંમેશાં વિકેટ ચટકાવનારા બૉલર રહ્યા છે. આ મૅચમાં પણ તેમણે ત્રણ વિકેટ લીધી હતી.

ટીમ પાસે હાર્દિક પંડ્યા જેવા કપ્તાન છે, જે દરેક પરિસ્થિતિમાં જીતવાનું જાણે છે. મૅચ બાદ તેમણે કહ્યું પણ હતું કે તેમને ખબર હતી કે 180નો સ્કોર આ પીચ પર કોઈ પણ દિવસે બનાવી શકાય.

તેમની પાસે સકારાત્મક વિચારો સાથે તેમના ખેલાડીઓને રોટેટ કરવાની ઘણી સારી ક્ષમતા છે. જોકે આગામી મૅચમાં તેમની કપ્તાનીમાં વધુ નિખાર જોવા મળવાની પૂરેપૂરી શક્યતા છે.

કેકેઆરને શું થયું?

આઈપીએલમાં 150મી મૅચ રમી રહેલા આન્દ્રે રસેલનો શનિવારે જન્મદિવસ પણ હતો. તેમણે 19 બૉલમાં 34 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને બૉલિંગ દરમિયાન એક વિકેટ પણ લીધી હતી. આ સાથે અફઘાનિસ્તાનના ક્રિકેટર રહમાનુલ્લાહ ગુરબાઝે પણ સાત છગ્ગા ફટકાર્યા હતા અને માત્ર 39 બૉલમાં 81 રન બનાવ્યા હતા.

આ બે સિવાય અન્ય કોઈથી રન નહોતા થયા અને મિડલ ઑર્ડર સંપૂર્ણ ફ્લૉપ સાબિત થયો હતો. શાર્દુલ ઠાકુર શૂન્ય, કપ્તાન નિતિશ રાણા (4 રન), વૈંકટેશ ઐયર (14 બૉલમાં 11 રન) અને રિંકુ સિંહ (20 બૉલમાં 19 રન) બધા ફિક્કા રહ્યા હતા.

શાર્દુલ ઠાકુર અને રિંકુ સિંઘના શાનદાર પ્રદર્શનને કારણે આ આઈપીએલ સીઝનમાં મજબૂત શરૂઆત કરનાર કેકેઆર ત્યારથી અત્યાર સુધીમાં પાંચ મૅચ હારી ચૂકી છે અને પૉઈન્ટ ટેબલમાં ટૉપ પરથી સાતમા સ્થાને આવી ગઈ છે.

ગુજરાત ટાઇટન્સ સામે રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી, પરંતુ શનિવારે કેકેઆરની ટીમ 13 બૉલ બાકી રહેતા સાત વિકેટે હારી ગઈ હતી, આ હારનું કારણ શું હતું?

કપ્તાન રાણાએ મૅચ બાદ હારના કારણો ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે આ મૅચમાં તેમની ટીમે 20-25 રન ઓછા બનાવ્યા હતા.

મૅચ દરમિયાન કેકેઆરની ફિલ્ડિંગ સરેરાશ રહી હતી અને કૅચ પણ છૂટ્યા હતા.

નિતિશ રાણાએ કહ્યું હતું કે, “જ્યાં સુધી આપણે રમતનાં તમામ ત્રણ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન નહીં કરીએ, ત્યાં સુધી પરિણામ આપણા પક્ષમાં નહીં આવે.”

કપ્તાન રાણાએ મૅચ દરમિયાન મોટી ભાગીદારીની ઉણપ તરફ પણ ઇશારો કર્યો હતો.

બે મૅચ, બે મહત્ત્વપૂર્ણ ભાગીદારી, પરંતુ પરિણામ વિપરીત આવ્યું.

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મોટી ભાગીદારીની ગેરહાજરી પણ મોટો સ્કોર ન કરવા પાછળનું એક કારણ હતું, જ્યારે દિલ્હી કૅપિટલ્સ ટીમ સદીની ભાગીદારી રમવા છતાં તેને જીતમાં પરિવર્તિત કરી શકી ન હતી.

દિલ્હી કૅપિટલ્સના કપ્તાન ડેવિડ વૉર્નરને આઉટ કર્યા બાદ બીજી વિકેટ માટે 'પ્લેયર ઑફ ધ મૅચ' બનેલા મિચેલ માર્શ અને ફિલ સાલ્ટે 112 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ તેઓ આઉટ થતાં જ દિલ્હીની ટીમ વિખેરાઈ ગઈ હતી.

ત્રીજી વિકેટ માટે ત્રણ રનની ભાગીદારી, પછી ચોથી વિકેટ માટે 10 રન, પાંચમી વિકેટ માટે 15 રન અને છઠ્ઠી વિકેટ માટે માત્ર આઠ રનની ભાગીદારી હતી.

જો કે સાતમી વિકેટ માટે 40 રન નિશ્ચિતપણે ઉમેરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને સનરાઈઝર્સ હૈદરાબાદના બૉલરોએ ખૂબ જ ચુસ્ત બૉલિંગ કરી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી મયંક માર્કંડેયે માત્ર માર્શ અને સાલ્ટની સદીની ભાગીદારી તોડી જ નહીં, પરંતુ તેમની ચાર ઓવરમાં માત્ર 20 રન ખર્ચ્યા અને બે વિકેટ પણ લીધી હતી.

ટી નટરાજન અને ભુવનેશ્વર કુમારે પણ ડેથ ઓવરોમાં ચુસ્ત બૉલિંગ કરી હતી અને રન બનાવવા દીધા ન હતા.

બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમ તરફથી ત્રણ મહત્ત્વની ભાગીદારી તેમની જીતનો આધાર બની હતી. પ્રથમ વિકેટ માટે 41 રન અને બીજી વિકેટ માટે 50 રનની ભાગીદારી થઈ હતી.

આ સાથે જ ચોથી વિકેટ માટે વિજય શંકર અને ડેવિડ મિલરે 87 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી હતી.

અભિષેકનું ઑલરાઉન્ડર પ્રદર્શન

આઈપીએલ હંમેશાં નવા અને યુવા ક્રિકેટરો આપવા માટે પ્રખ્યાત છે. આ સિઝનમાં પણ રિંકુસિંહ, યશસ્વી જયસ્વાલના પ્રદર્શનની ચર્ચા થઈ રહી છે.

આ ખેલાડીઓ સાથે સનરાઇઝર્સ હૈદરાબાદના ભારતીય બૅટ્સમૅનોની પ્રશંસા પણ કરવી પડે, તે છે અભિષેક શર્મા, જેઓ આ મૅચમાં સૌથી મોટી ઇનિંગ રમ્યા હતા.

તેમણે 38 બૉલમાં 67 રન બનાવ્યા હતા. જ્યાં સુધી તેઓ પીચ પર હતા, ત્યાં સુધી તેઓ ચોગ્ગા ફટકારતા રહ્યા હતા. આ ઇનિંગ દરમિયાન અભિષેકે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો, એટલે કે બાઉન્ડરીથી જ 54 રન બનાવ્યા હતા.

22 વર્ષીય અભિષેક શર્માએ બૉલિંગનું પોતાનું કૌશલ્ય તો દર્શાવ્યું જ, પરંતુ સાથે-સાથે કટ, પુલ, સ્ટ્રેટ ડ્રાઇવ જેવા શૉટ પણ માર્યા હતા. સ્પિન બૉલિંગ સામે પણ સારી રીતે રમ્યા હતા અને ટીમને મજબૂત આધાર આપ્યો હતો.

અભિષેક શર્માએ છેલ્લી સિઝનમાં જ પોતાની બેટિંગની કુશળતા બતાવી હતી. તેઓ ચેન્નાઈ સામે 75 રનની યાદગાર ઇનિંગ રમ્યા હતા.

જોકે આ સિઝનમાં તેમણે વધુ રન નહોતા બનાવ્યા. સિઝનની પ્રથમ મૅચમાં ટ્રેન્ટ બોલ્ટે તેમને શૂન્ય પર બૉલ્ડ કર્યા હતા, ત્યારબાદ તે પછીની બે મૅચો માટે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થઈ ગયા હતા.

ચોથી મૅચમાં તેઓ ટીમમાં પરત ફર્યા અને ચોથા સ્થાને 32 રનની ઝડપી ઇનિંગ રમ્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં હૅરી બ્રુકે આ આઈપીએલ સિઝનની પ્રથમ સદી ફટકારી હતી અને હૈદરાબાદે તે મૅચ જીતી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મૅચમાં તેમણે ફરીથી ઇનિંગ્સની શરૂઆત કરી અને 34 રન બનાવ્યા હતા. હવે આ ઇનિંગમાં તેમણે 67 રન બનાવ્યા છે.

શનિવારે રમી રહેલી ટીમ દિલ્હી કૅપિટલ્સે હવે તેમની આગામી મૅચ ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે, જ્યારે સનરાઇઝર્સ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટકરાશે.

આઈપીએલની 1000મી મૅચ

આજે એટલે કે 30 એપ્રિલ 2023ના રોજ આઈપીએલની 1000મી મૅચ રમાશે.

રવિવારે પ્રથમ મૅચ, જે આઈપીએલની 999મી મૅચ રમાશે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે.

આ પછી આઈપીએલની હજારમી મૅચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને 2008ની વિજેતા રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે.