You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IPL: ધોનીએ શ્રીલંકાના આ બૉલર પર નજર રાખવાની સલાહ કેમ આપી?
- લેેખક, મોહમ્મ્દ શાહિદ
- પદ, બીબીસી સંવાદદાતા
આઈપીએલમાં શનિવારે રમાયેલી બંને મૅચમાં કેટલીક સમાનતાઓ જોવા મળી હતી, જેમ કે રન ચેઝ કરનારી બંને ટીમોએ મૅચ જીતી હતી અને બંને મૅચ શરૂઆતથી જ લગભગ એકતરફી રહી હતી.
જો આપણે પ્રથમ મૅચની વાત કરીએ તો ચેન્નઈ સુપરકિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને ચેન્નઈના એમએ ચિદંમ્બરમ સ્ટેડિયમમાં 6 વિકેટે હરાવ્યું હતું. ચેન્નઈએ આ સ્ટેડિયમમાં છેલ્લી વખત મુંબઈને વર્ષ 2010માં હરાવ્યું હતું. એટલે ચેન્નઈને 13 વર્ષ બાદ મુંબઈ સામે આ સ્ટેડિયમમાં જીત મળી છે.
ચેન્નઈના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કપ્તાન ધોનીનો આ નિર્ણય સાચો સાબિત થયો હતો. તેમના બૉલરોએ ખૂબ જ જોરદાર બૉલિંગ કરતા મુંબઈની ટીમને માત્ર 8 વિકેટના નુકસાને 139 રન જ બનાવવા દીધા હતા.
મુંબઈ તરફથી કૅમરૂન ગ્રીન, ઈશાન કિશન અને રોહિત શર્મા ત્રીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારે નેહલ વાઢેરાએ 64 રનની ઇનિંગ રમી હતી.
વાઢેરાએ 51 બૉલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. આ સિવાય સૂર્યકુમાર યાદવે 26 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 20 રન બનાવ્યા હતા.
મુંબઈનો 140 રનનો ટાર્ગેટ ચેન્નઈએ 17.4 ઓવરમાં જ પૂરો કર્યો હતો. ચેન્નઈમાંથી ડેવન કૉન્વેએ 44 રન અને ઋતુરાજ ગાયકવાડે 30 રનની ઇનિંગ રમી હતી.
રોહિત શર્માના નામે અનોખો રેકૉર્ડ
ચેન્નઈની ટીમ શરૂઆતથી જ મુંબઈના બૉલરો પર હાવી થઈ હતી. મુંબઈના કપ્તાન રોહિત શર્માએ કહ્યું હતું કે તેમના બૅટ્સમૅનો વધુ રન બનાવી શક્યા નથી, જ્યારે પીયુષ ચાવડા સિવાય કોઈ સારી બૉલિંગ કરી શક્યું નહોતું.
રોહિત શર્મા પોતે આ મૅચમાં શૂન્ય પર આઉટ થયા હતા અને તેઓ આઈપીએલમાં સૌથી વધુ એટલેકે 16 વખત ડક આઉટ થનારા બૅટ્સમૅન બની ગયા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચેન્નઈની આ જીત પર કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે આ જીતથી રાહત મળશે, પરંતુ આપણે આરામથી બેસી શકીએ નહીં અને ઘણી મૅચ તેમના મુજબ રમાઈ નથી, ત્યારે જીતવું સારું લાગે છે.
ધોનીએ પ્રથમ બૉલિંગ કરવાના નિર્ણય અંગે કહ્યું કે આ નિર્ણયને લઈને પહેલાં તેઓ ઘણા કૉન્ફિડન્ટ નહોતા અને પ્રથમ બેટિંગ કરવા માગતા હતા, પરંતુ બધાએ મળીને નક્કી કર્યું કે વરસાદ પડી શકે છે, તેથી તેમણે બધાની વાત સાંભળીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ મૅચમાં મુંબઈ માટે નેહલ વઢેરાએ શાનદાર બેટિંગ કરી હતી, ત્યારે ચેન્નઈના મથીશા પથિરાનાએ શાનદાર બૉલિંગ કરી હતી.
શ્રીલંકાના બૉલર જેમના ધોનીએ કર્યા વખાણ
શ્રીલંકાના 20 વર્ષીય જમણા હાથના ઝડપી બૉલર મથીશા પથિરાનાએ 15 રનમાં 3 વિકેટ લીધી હતી અને તેઓ મૅન ઑફ ધ મૅચ પણ રહ્યા હતા. આ તેમનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
તેમણે તેમના પ્રદર્શન વિશે કહ્યું હતું કે છેલ્લી સીઝનમાં તેઓ રિપ્લેસમૅન્ટ તરીકે આવ્યા હતા અને બે ગેમ રમી હતી, પરંતુ હવે તેમને વધુ મૅચ મળી રહી છે, જેનાથી તેઓ ખૂબ ખુશ છે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.
તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ટી-20માં આ તેમનું અત્યારસુધીનું સૌથી સારું પ્રદર્શન છે.
મથીશા વિશે ધોનીએ કહ્યું કે તેમની ઍક્શન જ નહીં, પરંતુ તેમના બૉલની શાર્પનેસ, ઝડપ અને તેમાં આવતા ઉતાર-ચઢાવ તેમને ખાસ બનાવે છે.
ધોનીએ કહ્યું કે, “મથીશા પર નજર રાખવાની જરૂર છે કે તેઓ કેટલું રમી શકે છે, કારણ કે મારું માનવું છે કે તેઓ એવા પ્રકારના ખેલાડી નથી કે જેમણે ઘણી બધી રેડબૉલ ક્રિકેટ રમવી જોઈએ, 50 ઓવરની ગેમ પણ તેમણે ઓછી જ રમવી જોઈએ. મને લાગે છે કે તેમણે આઈસીસીની મોટી ટૂર્નામેન્ટ રમવી જોઈએ.”
“તેઓ કોઈ મોટો ફેરફાર લાવે એવું જરૂરી નથી, પરંતુ નિર્ણાયક સમયે તેમનો ઉપયોગ કરી શકાય છે. મહત્ત્વનું એ છે કે તેઓ ફીટ રહે અને તમામ આઈસીસી ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહે.”
“મને લાગે છે કે તેઓ શ્રીલંકા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે. એ ભૂલવું ન જોઈએ કે તેઓ હજુ ઘણા નાના છે. જ્યારે તેઓ આવ્યા હતા, ત્યારે તેઓ ઘણા પાતળા હતા, પરંતુ હવે તેમણે ખૂબ મસલ્સ બનાવ્યા છે. શ્રીલંકા માટે તેઓ ઘણા મહત્ત્વપૂર્ણ થનારા છે અને તેમની પર નજર રાખવાની જરૂર છે.”
મથીશાએ તેમના બૉલિંગ ઍક્શનને લઈને ‘જૂનિયર મલિંગા’ પણ કહેવામાં આવે છે. તેમણે ગયા વર્ષે ઑગસ્ટમાં તેમનો અફઘાનિસ્તાન સામેની મૅચથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ થયો હતો.
તેમણે અત્યારસુધી માત્ર એક આંતરરાષ્ટ્રીય ટી-20 મૅચ રમી છે, જેમાં તેઓ કોઈ વિકેટ લઈ શક્યા ન હતા.
કોહલી-લોમરોરની ઇનિંગ કામ ન આવી
જો શનિવારે રમાયેલી બીજી મૅચની વાત કરીએ તો તે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડીયમમાં દિલ્હી કૅપિટલ્સ ને રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ વચ્ચે હતી. દિલ્હીએ બૅંગલુરુને 7 વિકેટે હરાવ્યું હતું.
બૅંગલુરુના કપ્તાન ફૅફ ડુપ્લેસીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વિરાટ કોહલી (55 રન), મહિપાલ લોમરોર (54 રન અણનમ) અને ફૅફ ડુપ્લેસી (45 રન)ની ઇનિંગના કારણે બૅંગલુરુએ 182 રનનો ટાર્ગેટ દિલ્હીને આપ્યો હતો.
જોકે આ ટાર્ગેટ પણ દિલ્હી માટે નાનો સાબિત થયો હતો, કારણ કે દિલ્હીની ટીમે 16.4 ઓવરમાં જ આ મૅચ જીતી લીધી હતી.
મૅચ પહેલા પૉઇન્ટ ટેબલમાં 10માં સ્થાને ચાલી રહેલી દિલ્હીની ટીમના બૅટ્સમૅનોએ જોરદાર શૉટ ફટકાર્યા હતા.
ઓપનર બૅટ્સમૅન ફિલિપ સૉલ્ટે 45 બૉલમાં શાનદાર 87 રન બનાવ્યા હતા. જોકે જ્યારે સૉલ્ટ 17 રનના નિજી સ્કોર પર હતા, ત્યારે વિકેટકીપર દિનેશ કાર્તિકે તેમનો કૅચ છોડ્યો હતો અને તે બૅંગલુરુ માટે ખૂબ ભારે સાબિત થયા હતા.
દિલ્હી માટે સૌથી મહત્ત્વના કપ્તાન ડેવિડ વૉર્નર (22 રન) અને સૉલ્ટની ભાગીદારી રહી હતી. બંનેએ 60 રનની ભાગીદારી કરી હતી. ત્યારબાદ સૉલ્ટે મિચેલ માર્શ (26 રન) સાથે પણ 59 રનની ભાગીદારી કરી હતી, પછી રિલી રુસો (અણનમ 35 રન) અને સૉલ્ટે 52 રનની ભાગીદારી કરી હતી.
બૅંગલુરુમાંથી કોઈ પણ બૉલર પોતાની છાપ છોડી શક્યા ન હતા અને જૉશ હૅઝલવુડ, કરણ શર્મા અને હર્શલ પટેલે એક-એક વિકેટ લીધી હતી.
સિરાજની થઈ ટક્કર
કપ્તાન ડુપ્લેસીએ સ્વીકાર્યું હતું કે તેમનો ટાર્ગેટ સ્કોર સારો હતો, પરંતુ દિલ્હીના બૅટ્સમૅનોએ સારી બેટિંગ કરી અને તેમના પર થોડું દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્પિનરોએ કેટલીક ભૂલો કરી હતી.
બીજી તરફ દિલ્હીના કપ્તાન ડેવિડ વૉર્નરે કહ્યું હતું કે 180 જેવો ટાર્ગેટ શક્ય છે અને તેમણે શરૂઆતથી જ સિરાજને નિશાન બનાવ્યા હતા, કારણ કે તે સારી બૉલિંગ કરી રહ્યા છે અને તે ટીમના કરોડરજ્જુ છે અને તેઓ જ તેમની ટીમની તરફેણમાં ગયા છે.
મોહમ્મદ સિરાજ બૅંગલુરુના સફળ બૉલરોમાંના એક છે અને આ સીઝનમાં તેમણે શરૂઆતની મૅચોમાં શાનદાર બૉલિંગ કરી હતી, પરંતુ ગઈકાલે તે ચાલી શક્યા નહોતા. તેમણે કુલ બે ઓવર નાંખી અને તેમાં 28 રન આપ્યા હતા.
આ સિવાય જ્યારે સૉલ્ટ તેમના બૉલ ફટકારી રહ્યા હતા, ત્યારે એક વખત તેમની સાથે અથડામણ પણ થઈ હતી.
આ જીત સાથે જ દિલ્હી પૉઈન્ટ ટેબલમાં એક સ્થાનની છલાંગ લગાવીને નવમાં સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ પાંચમા સ્થાને યથાવત છે.
ચેન્નઈ સુપરકિંગ્સ હવે 11 મૅચમાં 6 જીત સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે અને હવે તેમના 13 પૉઈન્ટ થઈ ગયા છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ છઠ્ઠા સ્થાને છે.
આઈપીએલમાં આજની મૅચની વાત કરીએ તો આજે પ્રથમ મૅચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે અને બીજી મૅચ રાજસ્થાન રૉયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.