IPL: રાશિદ ખાન અને નૂર અહમદને હાર્દિક પંડ્યાએ શું છૂટ આપી છે?

    • લેેખક, મોહમ્મ્દ શાહિદ
    • પદ, બીબીસી સંવાદદાતા

આઈપીએલમાં શુક્રવારે જયપુરમાં રમાયેલી 48મી મૅચને લઈને અનેક અટકળો લગાવાઈ રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ મૅચ ખૂબ જ રોમાંચક હશે, પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે પરિણામ આવું આવશે.

આ મૅચ સાથે ગુજરાત ટાઇટન્સે 16 એપ્રિલે અમદાવાદમાં પોતાના હોમગ્રાઉન્ડ પર મળેલી 3 વિકેટની હારનો પૂરેપૂરો બદલો લીધો હતો. ગુજરાતે માત્ર બદલો લીધો એટલું જ નહીં, પરંતુ રાજસ્થાનને હંફાવી દીધું હતું.

ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રૉયલ્સને માત્ર 118 રનમાં ઑલઆઉટ જ કરવાની સાથે સાથે પોતાની બેટિંગ દરમિયાન, માત્ર 13.5 ઓવરમાં 119 કરીને 9 વિકેટે જીત પણ મેળવી લીધી હતી.

કપ્તાન હાર્દિક પંડ્યાની ટીમે રાજસ્થાન રૉયલ્સને દરેક મોરચે પોતાના પર હાવી થવા દીધું નહોતું.

રાજસ્થાન રૉયલ્સના કપ્તાન સંજુ સૅમસને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે હાર્દિક પંડ્યાએ પણ કહ્યું હતું કે જો તેઓ પણ ટૉસ જીત્યા હોત તો તેમણે પણ આ જ નિર્ણય લીધો હોત.

શરૂઆતમાં રાજસ્થાનના કપ્તાનનો આ નિર્ણય સાચો જણાતો હતો, કારણકે યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનિંગ જોડીએ આવતાની સાથે જ શૉટ ફટકારવાના શરૂ કરી દીધા હતા, પરંતુ બીજી ઓવરમાં બટલર 8 રનના સ્કોર પર પંડ્યાના બૉલ પર કૅચઆઉટ થઈ ગયા હતા.

રાજસ્થાનની ક્યાં થઈ ભૂલ

ત્યારબાદ કપ્તાન સંજુ સૅમસને જયસ્વાલ સાથે ક્રિઝ પર ટકી રહેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છઠ્ઠી ઓવરમાં જયસ્વાલ અને સૅમસન વચ્ચે સમજણનો અભાવ રહેવાના કારણે તેઓ રનઆઉટ થઈ ગયા હતા.

ત્યારબાદ બધો ભાર સૅમસનના ખભા પર આવી ગયો હતો, પરંતુ તેઓ પણ સાતમી ઓવરમાં જોશ લિટિલના બૉલ પર એક ખરાબ શૉટ રમીને કૅચઆઉટ થઈ ગયા હતા.

રાજસ્થાન તરફથી કપ્તાન સંજુ સૅમસને સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટ 15 રન બનાવી શક્યા હતા. રાજસ્થાનની આખી ટીમ 17.5 ઓવરમાં 118 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.

રાજસ્થાનની ટીમે જે રીતે શરૂઆત કરી, તેનું પરિણામ આ આવશે તે વિશે કોઈએ વિચાર્યું પણ ન હતું. પ્રથમ પાવરપ્લે સમાપ્ત થયો, ત્યારે ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાને 50 રન હતો.

સૅમસને મૅચ બાદ કહ્યું હતું કે 'અમે શરૂમાં પાવરપ્લેમાં સારું રમ્યા હતા. તેમણે ઘણી સારી બૉલિંગ કરી, તેમણે મિડલ ઑર્ડરમાં ઘણી મહત્ત્વની વિકેટો લીધી.’

છેલ્લી પાંચ મૅચમાં રાજસ્થાનની આ ચોથી હાર છે અને આ સાથે જ તેમના 10 પૉઇન્ટ અકબંધ છે અને તેઓ પૉઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

પૉઇન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઇટન્સ ટોચ પર

બીજી તરફ ગુજરાત ટાઇટન્સ પાસે હવે સૌથી વધુ 14 પૉઈન્ટ છે અને તે પૉઇન્ટ ટેબલમાં ટોચ પર છે.

જો ગુજરાત ટાઇટન્સની બેટિંગની વાત કરીએ તો રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલની ઓપનિંગ જોડીએ 71 રનની ભાગીદારી કરી હતી.

9.4 ઓવરમાં ગિલ 36 રન બનાવી યુઝવેન્દ્ર ચહલના હાથે આઉટ થઈ ગયા હતા. જોકે ત્યાં સુધીમાં ગુજરાતની જીત લખાઈ ચૂકી હતી.

ત્યારબાદ બેટિંગ કરવા આવેલા કપ્તાન હાર્દિક પંડ્યાએ 15 બૉલમાં 39 રન ફટકારીને પોતાની ટીમને 13.5 ઓવરમાં 9 વિકેટે જીત અપાવી હતી. સાહાએ 34 બૉલમાં અણનમ 41 રન બનાવ્યા હતા.

અંતે ગુજરાતની આ જીતમાં બૉલરોનો ફાળો મહત્ત્વનો રહ્યો હતો.

રાજસ્થાનની ટીમને આટલા ઓછા સ્કોર સુધી પહોંચાડવા માટે ઘણા બૉલરો જવાબદાર છે, પરંતુ તેમાંથી સૌથી મહત્ત્વના બે સ્પિનર રાશિદ ખાન અને નૂર અહમદ છે. બંને બૉલર અફઘાનિસ્તાનના છે અને રાશિદ ખાન મૅન ઑફ ધ મૅચ પણ રહ્યા હતા.

રાશિદ ખાને 4 ઓવરમાં 14 રન બનાવીને 3 વિકેટ લીધી હતી, જ્યારે નૂર અહમદે 3 ઓવરમાં 25 રન બનાવીને 2 વિકેટ લીધી હતી.

તેમના સિવાય મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા અને જોશ લિટલે એક-એક વિકેટ લીધી હતી.

હાલ આઈપીએલમાં પર્પલ કૅપ મોહમ્મદ શમી પાસે છે. મૅચ દરમિયાન એક સમયે આ કૅપ રાશિદ ખાનના માથા પર હતી, પરંતુ શમીએ વિકેટ લઈને તે પાછી મેળવી હતી. આ સમયે આઈપીએલની આ સિઝનમાં બંને બૉલરોના નામે 18-18 વિકેટ છે.

ગઈ કાલે લેગ-સ્પિન જાદુગર રાશિદ ખાને જે પ્રકારનું પ્રદર્શન કર્યું હતું, તે આ આઈપીએલની સિઝનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ તેમણે કોલકાતા અને દિલ્હી સામેની તેમની પ્રથમ બે મૅચમાં પણ 3-3 વિકેટ લીધી હતી.

રાશિદ અને નૂર વિશે શું કહ્યું પંડ્યાએ?

બીજી તરફ તેમના દેશબંધુ ડાબા હાથના રિસ્ટ સ્પિનર નૂર અહમદ વિશે વાત કરીએ, તો તે આ સિઝનમાં છ મૅચ રમ્યા છે અને દરેક મૅચમાં તેમણે સારી બૉલિંગ કરી છે.

ગુજરાત ટાઇટન્સમાં રાશિદ અને નૂરની જુગલબંધી એકસાથે ચાલે છે અને હાર્દિક પંડ્યાએ પણ જણાવ્યું કે તેમને કેવી રીતે સફળતા મળી છે.

મૅચ પછીના સમારોહમાં તેમણે ક્રિકેટ ઍક્સ્પર્ટ હર્ષા ભોગલેને કહ્યું હતું કે, તેઓ રાશિદ અને નૂરને પોતાની મરજી પ્રમાણે બૉલિંગ કરવાની છૂટ આપે છે.

પંડ્યાએ કહ્યું હતું કે, "તેઓ અંદરોઅંદર પોતાની ભાષામાં વાત કરે છે અને રાશિદથી શ્રેષ્ઠ કોઈ નથી. મને લાગે છે કે તે ખૂબ જ સ્ટાન્ડર્ડ ફિલ્ડ છે, જ્યાં તેઓ બૉલિંગ કરી રહ્યા છે."

ત્યારબાદ રાશિદ ખાને મૅચ પછીના સમારોહમાં તેમની શ્રેષ્ઠ બૉલિંગ માટે તેમની સખત મહેનતનો શ્રેય આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, “તેમણે તેમની બૉલિંગમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ તેમણે એ પ્રયાસ કર્યા છે કે તમે બૅટ્સમૅનને એવો કોઈ સંકેત ન આપો કે તે બૉલ તેમના માટે સરળ રહેશે.”

અત્રે એ નોંધનીય છે કે 29 એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામેની મૅચમાં રાશિદ ખાનની બૉલિંગમાં ઘણા ફટકા મારવામાં આવ્યા હતા અને તેમણે કોઈ વિકેટ લીધા વિના 54 રન આપ્યા હતા.

રાશિદ ખાને કહ્યું હતું કે છેલ્લી મૅચ તેમના માટે ખૂબ જ ખરાબ હતી, પરંતુ તેમણે પોતાનું પ્રદર્શન જોઈને તેમાં સુધારો કર્યો છે, વધુ ઝડપી અને લાઇન લેન્થ સાથે બૉલિંગ કરી છે.

રાશિદ ખાને શું કહ્યું નૂર અહમદ વિશે

નૂર અહમદ સાથે મળીને બૉલિંગ કરવા પર રાશિદ ખાન બોલ્યા હતા કે, તેઓ ‘એકબીજાને જાણે છે અને પોતાની ભાષામાં વાત કરે છે, તેથી તેમના માટે ચીજો સરળ થઈ જાય છે. અને હાર્દિક ઇચ્છે છે કે હું તેમની સાથે અમારી જ ભાષામાં વાત કરું.’

રાશિદ ખાને નૂર અહમદ વિશે કહ્યું હતું કે, તેઓ મહેનતુ છે અને સતત સવાલ પૂછે છે, સાંભળે છે જેના કારણે તેઓ સફળતા મેળવી રહ્યા છે.

હર્ષ ભોગલેએ તેમને પૂછ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં હજુ કેટલા સ્પિનરો છે? આ સવાલ પર રાશિદ ખાને કહ્યું હતું કે, "સાચું કહું તો અત્યારે હજારોથી વધુ લોકો ત્યાં છે. હું ઘણી ઍકેડમીમાં રહ્યો છું. મેં ત્યાં ઘણા લેગ સ્પિનરો જોયા છે."

"સાત વર્ષ પહેલાં જ્યારે મેં આઈપીએલ રમવાનું શરૂ કર્યું, ત્યારે ત્યાં 250-300 સ્પિનરો હતા. મારી તેમના પર અસર પડી છે, મને હવે ઘણા સંદેશા મળે છે અને તેમના વીડિયો જોઉં છું, પરંતુ તેમને તક મળવાની વાત છે."

રાશિદે આઈપીએલની આ સિઝનમાં ગુજરાત માટે તમામ 10 મૅચ રમી છે. માત્ર 29મી એપ્રિલે કોલકાતા સામે રમાયેલી મૅચમાં તે કોઈ વિકેટ લઈ શક્યા નહોતા.

બીજી તરફ નૂર અહમદે ગુજરાત માટે અત્યાર સુધીમાં 6 મૅચ રમી છે અને તેઓ હવે રાશિદ ખાન સાથે સતત વિકેટો લઈ રહ્યા છે. ગઈકાલની મૅચમાં બંનેએ એકસાથે પાંચ વિકેટ ઝડપી હતી, જ્યારે 25મી એપ્રિલે મુંબઈ સામેની મૅચમાં બંનેએ પાંચ વિકેટ ઝડપી હતી.

હવે ગુજરાત ટાઇટન્સને બંનેની જોડી પાસેથી ઘણી આશા છે. ગુજરાતની આગામી મૅચ શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ સાથે થવાની છે.

જો આજની મૅચની વાત કરીએ તો આજે આઈપીએલમાં પ્રથમ મૅચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે અને બીજી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.