100 વર્ષ પહેલાં જ્યારે વિશ્વની સૌથી મોટી ઇસ્લામિક સલ્તનત તોડીને આરબ રાષ્ટ્રો બનાવાયાં
- 1920ની 19થી 26 એપ્રિલ દરમિયાન યોજવામાં આવેલી સાન રેમો પરિષદમાં નક્કી થયા મુજબ પેરિસને લેબનોન તથા સીરિયા મળવાનાં હતાં, જ્યારે લંડનને ઈરાક તથા પૅલેસ્ટાઈન પર અંકુશ મળવાનો હતો.
- વસંતઋતુના એ સપ્તાહમાં મધ્ય-પૂર્વની હાલની સરહદનો જ નહીં, પરંતુ આજે પણ અનિર્ણિત રહેલી અનેક સમસ્યાઓનો પાયો પણ નખાયો હતો.
- “આજે પેલેસ્ટાઈન, લેબનોન, ઈરાક કે સીરિયામાં જે સમસ્યાઓ જોવા મળી રહી છે તેને 1920માં અને પછી 1921, 1922 તથા 1923માં જે બન્યું હતું તેની સાથે સીધો સંબંધ છે.”
- સરહદોની આંકણી, એ પ્રદેશ વિશેની ખાસ કોઈ જાણકારી વિના ‘પેન્સિલ અને ફૂટપટ્ટી વડે’ કરવામાં આવી હતી.
- ફ્રાન્સ અને બ્રિટને કરેલી સીમા આંકણીમાં સાંપ્રદાયિક, આદિવાસી અને વંશીય ભેદભાવને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
- આજે આ સરહદોને “પશ્ચિમના દૂષણનું” ઉદાહરણ ગણાવવામાં આવે છે
- લેેખક, નોબર્તો પરેદેસ
- પદ, બીબીસી વર્લ્ડ ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વેના ઑટોમન સામ્રાજ્ય હેઠળના મધ્ય-પૂર્વ પ્રદેશના ઔપચારિક વિતરણના હેતુસર ફ્રાન્સ અને બ્રિટને ઇટાલીની રિવિએરા નદીના કિનારે આવેલા નાના ગામમાં 1920ના એપ્રિલની એક સવારે બેઠક ગોઠવી હતી.
1920ની 19થી 26 એપ્રિલ દરમિયાન યોજવામાં આવેલી સાન રેમો પરિષદમાં નક્કી થયા મુજબ પેરિસને લેબનોન તથા સીરિયા મળવાનાં હતાં, જ્યારે લંડનને ઈરાક તથા પૅલેસ્ટાઈન પર અંકુશ મળવાનો હતો.
એ સમયની બે મહાન સંસ્થાનવાદી શક્તિ વચ્ચે આ વહેંચણી બાબતે ચાર વર્ષ પહેલાંની એક ગુપ્ત બેઠકમાં સહમતી સધાઈ ગઈ હતી. એ બેઠકમાં ફ્રાન્સના ફ્રાન્કોઈસ જ્યોર્જ-પીકોટ અને બ્રિટનના સર માર્ક સાઈક્સે હાલ સાઈક્સ-પિકોટ કરાર નામે પ્રખ્યાત કરાર વિશે વાટાઘાટ કરી હતી.
વસંતઋતુના એ સપ્તાહમાં મધ્ય-પૂર્વની હાલની સરહદનો જ નહીં, પરંતુ આજે પણ અનિર્ણિત રહેલી અનેક સમસ્યાઓનો પાયો પણ નખાયો હતો.
કેર્જી-પોન્ટોઈઝ યુનિવર્સિટી ખાતેના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અને મધ્ય-પૂર્વના નિષ્ણાત જીન - પોલ ચેગ્નોલોડે બીબીસી વર્લ્ડ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે “સાન રેમો ખાતેની પરિષદમાં જે થયું તેનું પરિણામ નાટકીય હતું. ફ્રાન્સ અને બ્રિટને કરેલા નિર્ણયને લીધે, પોતાના અધિકાર વિશે બોલવાનો અધિકાર ન ધરાવતા રાષ્ટ્રોનું નિર્માણ થયું હતું.”
“આજે પેલેસ્ટાઈન, લેબનોન, ઈરાક કે સીરિયામાં જે સમસ્યાઓ જોવા મળી રહી છે તેને 1920માં અને પછી 1921, 1922 તથા 1923માં જે બન્યું હતું તેની સાથે સીધો સંબંધ છે.”
સાયક્સ-પિકોટ કરાર પર સહી-સિક્કાની શતાબ્દી 2016માં ઉજવાઈ ત્યારે મીડિયાને તેમાં બહુ રસ પડ્યો હતો. જોકે, સાન રેમો પરિષદનાં 100 વર્ષ મોટાભાગે તકલીફ કે ગૌરવની લાગણી વિના પસાર થયાં હતાં.
તેનાં સંભવતઃ કારણો ઘણાં હતાં. એક, તે કરાર વિશેની જાહેરાત કરવામાં આવી ત્યારે સમજાયું હતું કે તે કેટલો મહત્ત્વનો છે. બીજું, ફ્રાન્કોઈસ જ્યોર્જસ પિકોટ તથા સર માર્ક સાયક્સ વચ્ચેની ગુપ્ત વાટાઘાટ અને ત્રીજું એ કે મધ્ય-પૂર્વના લોકોનું યુરોપિયન શાસન હેઠળ ભલું થશે એવું પિકોટ તથા સાયક્સ બન્ને માનતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બ્રિટનના વચનો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બ્રિટિશરોએ આરબોને વચન આપ્યું હતું કે તેઓ ઑટોમન વિરુદ્ધ બળવો કરશે તો તે સામ્રાજ્યના પતન પછી તેઓ મુક્ત તથા સ્વતંત્ર થઈ જશે. પેરિસ અને લંડન વચ્ચેની ગુપ્ત સંધિને લીધે બ્રિટને આપેલું વચન ભૂલાઈ જશે એ હકીકતની આરબોએ વર્ષો સુધી અવગણના કરી હતી.
પ્રથમ વિશ્વયુદ્ધમાં મધ્ય-પૂર્વમાં સાથી રાષ્ટ્રોનો વિજય ઑટોમન સામ્રાજ્યના વિઘટનનું એક કારણ હતો. એ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘના પુરોગામી લીગ ઓફ નેશન્સની દેખરેખ હેઠળના આયોજન મુજબ, સીરિયા સંબંધે ફ્રાન્સનો અને ઈરાક તથા પૅલેસ્ટાઈન સંબંધે બ્રિટનનો આદેશ તૈયાર કરવામાં આવ્યો હતો.
સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને બ્રિટીશ સામ્રાજ્યના ઈતિહાસ નિષ્ણાત પ્રિયા સેઠિયાએ બીબીસીને કહ્યું હતું કે “બ્રિટને એ પ્રદેશમાંના આરબોને ઑટોમન શાસન સામેના બળવામાં મદદ કરી હતી, પરંતુ વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે અલગ જૂથોને વચન આપ્યું હતું.”
“તેમણે આરબોને વચન આપ્યું હતું કે તેઓ પૅલેસ્ટાઈનમાં સ્વતંત્ર રીતે શાસન કરી શકશે. તેમણે ફ્રાન્સને એવું વચન આપ્યું હતું કે તેઓ તેમના કેટલાક પ્રદેશોનું વિભાજન કરશે અને આ વચન તેમણે બેલફોર ડિક્લેરેશન પહેલાં આપ્યું હતું.”

‘તેઓ આઝાદી માટે તૈયાર નથી’
સાન રેમો પરિષદમાં બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન ડેવિડ લૉયડ જ્યોર્જ, ફ્રાન્સના ભૂતપૂર્વ વડા પ્રધાન એલેક્ઝેન્દ્રે મિલેરેન્ડ, ઇટાલીના વડા પ્રધાન ફ્રાન્સેસ્કો નિત્તિ અને જાપાનના રાજદૂત કેઈશિરો મોત્સુઈ એક વાતે સહમત થયા હતા કે સમગ્ર પ્રદેશ આઝાદી માટે તૈયાર નથી.
જીન-પોલ ચેગ્નોલોડે કહ્યું હતું કે “ફ્રાન્સ અને બ્રિટન વચ્ચે વહેંચી નાખવામાં આવેલા પ્રદેશો બાબતે સાન રેમો પરિષદમાં મુખ્યત્વે મંત્રણા થઈ હતી. ખાસ કરીને પૅલેસ્ટાઈન અને બેલફોર ડિક્લેરેશન સંબંધી ચર્ચા અનેક કલાકો સુધી ચાલી હતી.”
બેલફોર ડિક્લેરેશન પર, વિશ્વ યુદ્ધ તેની ચરમસીમા પર હતું ત્યારે 1917ની બીજી નવેમ્બરે સહી-સિક્કા થયા હતા. આ એ દસ્તાવેજ છે, જેમાં બ્રિટિશ સરકારે જ્યુ લોકોને પૅલેસ્ટાઈન પ્રદેશમાં તેમનો પોતાનો દેશ રચવાનું વચન આપ્યું હતું.
બ્રિટન અને ફ્રાન્સે લેવેન્ટ મેડિટૅરેનિયન તરીકે પણ ઓળખાતા વૅલેન્ટ પ્રદેશના વિભાજનની યોજના બનાવી હતી. લેબનોનનો વિચાર ખાસ કરીને મેરોનાઈટ્સ ખ્રિસ્તીઓ અને ડ્રુઝ લોકોના આશ્રયસ્થાન તરીકે કરવામાં આવ્યો હતો.
પૅલેસ્ટાઈન સારી એવી વસ્તી ધરાવતા જ્યુ સંપ્રદાયનો દેશ હશે, જ્યારે લેબનોન-સીરિયાની સરહદ નજીક આવેલો બેક્કા ખીણ વિસ્તાર શિયા મુસ્લિમો માટે અને સીરિયા સુન્ની મુસ્લિમો માટે હશે, એવું પણ વિચારવામાં આવ્યું હતું.

‘પેન્સિલ અને ફૂટપટ્ટી વડે’ સરહદોની આંકણી
આ પ્રકારના વિભાજનમાં ભૂગોળ મદદરૂપ થઈ હતી, પરંતુ મોટાભાગના નિષ્ણાતો એ વાત સાથે સહમત છે કે સરહદોની આંકણી, એ પ્રદેશ વિશેની ખાસ કોઈ જાણકારી વિના ‘પેન્સિલ અને ફૂટપટ્ટી વડે’ કરવામાં આવી હતી. ફ્રાન્સ અને બ્રિટને કરેલી સીમા આંકણીમાં સાંપ્રદાયિક, આદિવાસી અને વંશીય ભેદભાવને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.
સાન રેમો પરિષદમાં પણ એકસૂત્રતા ન હતી. ફ્રાન્સને એલેઝેન્ડ્રે મિલેરેન્ડ અને બ્રિટનના ડેવિડ લૉયડ જ્યોર્જ અમુક મુદ્દે સંપૂર્ણપણે સહમત થયા ન હતા.

ઇમેજ સ્રોત, Getty Images
જીન-પોલ ચેગ્નોલોડે કહ્યું હતું કે “ફ્રાન્સ બેલફાસ્ટ ડિક્લેરેશનમાં મૅન્ડેટના સમાવેશને ટેકો આપતું હતું, પરંતુ તેઓ પૅલેસ્ટાઈનના લોકોને રાજકીય અધિકારની ખાતરી આપવામાં આવે એવું પણ ઇચ્છતા હતા. આ મુદ્દે જોરદાર ચર્ચા થઈ હતી.”
અમેરિકા નિયંત્રિત પ્રદેશ હશે કે એકમાત્ર બ્રિટિશ મૅન્ડેટ હશે એ બાબતે પ્રારંભે શંકા હતી, પરંતુ મહિનાઓની રાજદ્વારી વાટાઘાટો પછી ક્ષેત્રના પુનર્ગઠનમાં ફ્રાન્સને સામેલ કરવા બ્રિટન સહમત થયું હતું.

અમેરિકાની ભૂમિકા

ઇમેજ સ્રોત, Getty Images
કોલેજ દ ફ્રાન્સ ખાતે હિસ્ટ્રી ઑફ કન્ટેમ્પરરી આરબ વર્લ્ડના પ્રોફેસર અને 19મી તથા 20મી સદીના યુરોપિયન તથા ઑટોમન ઈતિહાસ વિશે સંખ્યાબંધ પુસ્તકોના લેખક હેન્રી લૌરેન્સે કહ્યું હતું કે “બ્રિટનને સમજાયું હતું કે સમગ્ર મધ્ય-પૂર્વને નિયંત્રિત કરવાના આર્થિક સાધનો તેની પાસે નથી. તેથી તેણે ફ્રેન્ચ મૅન્ડેટ સ્વીકારી લીધો હતો.”
પ્રથમ વિશ્વ યુદ્ધનો અંત દર્શાવતી વર્સેલ્સ સંધિનો અમેરિકન સંસદે અસ્વીકાર કર્યો એ પછી અમેરિકા આ વાટાઘાટમાંથી ખસી ગયું હતું.
તે પરિષદમાં આર્મેનિયા અને તેની સરહદ વિશે તેમજ કુર્દિશ રાષ્ટ્રની સંભાવના વિશે અને ઑટોમન સામ્રાજ્યના કેટલાક ચોક્કસ પ્રદેશોની તબદિલી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. આર્મેનિયાના સર્જનના નિર્ણયનો અમેરિકાએ અસ્વીકાર કર્યો હતો.
ચાર મહિના પછી ઑગસ્ટ, 1920માં સેવ્રેસ સંધિ કરવામાં આવી હતી અને ઑટોમને બ્રિટિશ તથા ફ્રાન્સના આદેશો સ્વીકારીને તેના પ્રદેશો સત્તાવાર રીતે સોંપી દીધા હતા.
તે ઑટોમન સામ્રાજ્યના પતન તરફનું અને ટર્કીના નિર્માણ તરફનું વધુ એક પગલું હતું. ત્રણ વર્ષ બાદ ટર્કીનું નિર્માણ થયું હતું.

વહેંચણીના ત્રણ સિદ્ધાંત
સાયક્સ-પિકોટ કરાર હેઠળ પ્રારંભે, લંડન તથા પેરિસની સલાહ અનુસાર, મધ્ય-પૂર્વને સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે વિભાજિત કરવાની અને ઈરાકમાં નિયંત્રણ ક્ષેત્ર રચવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ 1919માં જનાદેશ બનાવવાના વિચારના ઉદય સાથે તે યોજના પડતી મૂકવામાં આવી હતી.
એક વખત એ નક્કી થઈ જાય પછી પૅલેસ્ટાઈનની સીમાનો ક્યાં અંત આવશે અને સીરિયાની હદ ક્યાંથી શરૂ થશે તે જ નક્કી કરવાનું હતું.
સરહદની આંકણી માટે સાન રેમોમાં સંસ્થાનવાદી દેશોએ ત્રણ સિદ્ધાંત નક્કી કર્યા હતા. પૅલેસ્ટાઈન અને બાઈબલને જોડતી કડીની હિમાયત કરવામાં આવી હતી. તેથી જ લૉયડ જ્યોર્જે હિસ્ટોરિકલ જ્યોગ્રાફી ઓફ હોલી લૅન્ડના નકશાનો ઉપયોગ પ્રદેશની સીમાને પરિભાષિત કરવા માટે કર્યો હતો.
હેન્રી લોરેન્સે કહ્યું હતું કે, “પોતાના પ્રદેશમાં જ્યુ વસાહતો હોય તેવું ફ્રાન્સ ઇચ્છતું ન હતું. એ બીજો સિદ્ધાંત હતો. આ કારણસર સીરિયા અને લેબનોન વચ્ચેના ગેલેલી નામે ઓળખાતા નાનકડા પ્રદેશનો સમાવેશ પૅલેસ્ટાઈનમાં કરવામાં આવ્યો હતો. તેનું કારણ એ હતું કે તે વિસ્તારમાં જ્યુ લોકોની વસાહતો હતી.”
બ્રિટન એવું ઇચ્છતું હતું કે તેના પૅલેસ્ટાઈન તથા ઇરાક મૅન્ડેટ્સ વચ્ચે ક્ષેત્રીય સાતત્ય જળવાઈ રહે.
હેન્રી લોરેન્સે ઉમેર્યું હતું કે “આ રીતે સમજી શકાય છે કે જોર્ડનથી ઇરાક વચ્ચેના કોરિડોરનું નિર્માણ કઈ રીતે થયું હતું. તેનો અર્થ એ પણ છે કે સીરિયા અને સાઉદી અરેબિયા વચ્ચે સહિયારી સરહદ નથી.”



‘આરબોએ તેમાં રંગ પૂર્યા’

ઇમેજ સ્રોત, Getty Images
હેન્રી લોરેન્સના મતાનુસાર, ફ્રાન્સ અને બ્રિટને સરહદો નક્કી કરી, પણ પછી ભદ્ર વર્ગના સ્થાનિક લોકો સત્તા પર ચડી બેઠા હતા.
તેમણે કહ્યું હતું કે “આ સંદર્ભે મારો મત એવો છે કે ફ્રાન્સ તથા બ્રિટને નકશા દોર્યા હતા અને આરબોએ તેમાં રંગ પૂર્યા હતા.”
“1920માં નક્કી કરવામાં આવેલી સરહદ આ જ કારણસર આજ સુધી ટકી રહી છે. જેરુસલેમમાં સમાજના ઉચ્ચ વર્ગના લોકોએ પેલેસ્ટાઈનને પોતાના તાબામાં લઈ લીધું છે. એવું જ લેબનોન, સીરિયા અને ઈરાકમાં થયું છે.”
જોકે, આવું એક દિવસમાં નહીં, પણ દાયકાઓ બાદ થયું હોવાનું તેઓ માને છે.
આજે આ સરહદોને “પશ્ચિમના દૂષણનું” ઉદાહરણ ગણાવવામાં આવે છે, પરંતુ હેન્રી લોરેન્સે જણાવ્યું તેમ કોઈએ આ નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો નથી અને સ્થાનિકોએ તો તેનો બહુ ઝડપથી સ્વીકાર કરી લીધો છે.
તેમણે કહ્યું હતું કે “અન્ય પ્રદેશોમાંથી અહીં આવેલા લોકોને ઘણાં વર્ષો પૂર્વેથી જ વિદેશી ગણવામાં આવે છે. ઈરાકમાં જન્મેલા સીરિયાના મૂળ નાગરિકને છેક 1930ના દાયકાથી વિદેશી ગણવામાં આવતા રહ્યા છે. બીજી તરફ પેલેસ્ટાઈનના નિરાશ્રિતો 1948માં સીરિયા કે જોર્ડનમાં આવ્યા હતા તેમને પણ વિદેશી ગણવામાં આવે છે.”
“તે દર્શાવે છે કે સરહદની સીમાંકનને હજુ માંડ 25 વર્ષ થયાં છે ત્યારે પણ આ વલણ પ્રવર્તે છે અને તેને સ્વીકારી લેવામાં આવ્યું છે.”

બીજી સાન રેમો પરિષદ

ઇમેજ સ્રોત, Getty Images
એ જ સમયે સાન રેમોમાં ઓઈલ સ્રોતોના વિતરણ બાબતે બીજી પરિષદ યોજવામાં આવી હતી. વિશ્વ યુદ્ધ દરમિયાનની ઊર્જાની જબરી માગ સંબંધે મહાસત્તાઓને સમજાયું હતું કે પોતાની માલિકીનો ઓઈલ ભંડાર તો હોવો જ જોઈએ.
હેન્રી લોરેન્સ નોંધે છે કે પોતાના આદેશોને સત્તાવાર સ્વરૂપ આપીને ફ્રાન્સ તથા બ્રિટને તે પ્રદેશના કાળા સોનાના ભવિષ્ય વિશેની મંત્રણા પણ કરી હતી. એ બાબતે તેમણે છેક 1919થી વાટાઘાટ શરૂ કરી હતી.
એ સમયે લેવાયેલા નિર્ણય મુજબ, ફ્રાન્સને ટર્કિશ પેટ્રોલિયમ કંપની મૂડીનો 25 ટકા હિસ્સો મળશે. ટર્કિશ પેટ્રોલિયમ કંપની બાદમાં ઈરાક પેટ્રોલિયમ કંપની બની હતી.
હેન્રી લોરેન્સે કહ્યું હતું કે “એ વખતે ટેકનિકલ કારણોસર ટકાવારીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ સચ્ચાઈ એ છે કે ઓઈલના જથ્થાના ભાગલાનું માઠું પરિણામ આવ્યું હતું. તેના અનુસંધાને કોમ્પેની ફ્રેન્સાઈઝ દેસ પેટ્રોલ્સ (એફસીપી)નો જન્મ થયો હતો, જે આજે ટોટલ નામે ઓળખાય છે.”

થોડી જીત, થોડી હાર
જીન-પોલ ચાગ્નોલાઉડના જણાવ્યા મુજબ, પ્રદેશમાંના કેટલાક લોકો વિભાજનથી સંતુષ્ટ હતા.
“લેબનોનના લોકો, તેમણે આ નિર્ણયના પરિણામે પારાવાર પીડા ભોગવવી પડી હોવા છતાં, તેનાથી મહદંશે રાજી હતા.”
“ઈઝરાયલના લોકો પણ બેલફોર ડિક્લેરેશન અને પૅલેસ્ટાઈન રાષ્ટ્રની સ્થાપનાથી બહુ રાજી હતા. હું માનું છું કે તેમને સૌથી વધુ લાભ થયો હતો. અલબત, બીજાં સ્થળોએ આડેધડ વિભાજનને લીધે ઘણી સમસ્યાઓ સર્જાઈ હતી.”
1938ની 14 મેએ ઈઝરાયલની સ્થાપના પછી સ્થાનિક સમસ્યાઓએ પ્રાદેશિક સમસ્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. પૅલેસ્ટાઈનવાસીઓ માટે નકબા અથવા કથિત વિનાશનો આરંભ થયો હતો. એ પછી પૅલેસ્ટાઈન અને ઈઝરાયલના લોકો વચ્ચે શરૂ થયેલી અથડામણોમાં આજ સુધી ચાલી રહી છે તથા તેમાં સંખ્યાબંધ લોકો માર્યા ગયા છે.
દરમિયાન ઈરાકમાં બહુમતી શિયા સંપ્રદાય અને સુન્ની સંપ્રદાય તથા કુર્દ લોકો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. કુર્દ લોકો પોતાના સ્વતંત્ર દેશની માગણી કરી રહ્યા છે.
ફ્રાન્સના આદેશને કારણે સર્જાયેલું સીરિયા સુન્ની લોકોની બહુમતીવાળું રાષ્ટ્ર છે. તેના પછી અલાવાઈટ લઘુમતીનો ક્રમ આવે છે. શાસક અલ-અસદ પરિવાર એ સમુદાયનો છે. સીરિયામાં ખ્રિસ્તીઓ, ડ્રુઝ અને જ્યુ સમુદાયના લોકો પણ વસે છે.
આરબ આંદોલનથી પ્રેરાઈને સીરિયાના લોકોએ 2011માં રાષ્ટ્રપ્રમુખ બશર અલ-અસદ વિરુદ્ધ શાંતિપૂર્ણ બળવો શરૂ કર્યો હતો, જે ટૂંક સમયમાં હિંસક બની ગયો હતો અને ઘાતક, લોહિયાળ યુદ્ધમાં પરિણમ્યો હતો.
સાન રેમો પરિષદમાં લેવાયેલા નિર્ણયો (અને તેના અનુસંધાને મધ્ય-પૂર્વના વિભાજન)ને કારણે આજે 100થી વધારે વર્ષ પછી એ ક્ષેત્ર વિશ્વના સૌથી વધુ અશાંત પ્રદેશો પૈકીનું એક બની રહ્યું છે.















