સીરિયા: અસદ શાસનના અંત પછી ભયાવહ દૃશ્યો, ગાયબ સ્વજનોની તલાશમાં કબરો ખોદી રહ્યા છે લોકો

- લેેખક, લ્યુસી વિલિયમસન
- પદ, બીબીસીનાં મધ્ય-પૂર્વના સંવાદદાતા, દમાસ્કસથી
અદ્રા એક અજબ કબ્રસ્તાન છે જ્યાં ઉબડખાબડ જમીન પર માત્ર બે કબરો છે, જે ઘાસથી ઢંકાયેલી છે.
વર્ષો સુધી આ ક્ષેત્ર રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સેનાના નિયંત્રણમાં હતું.
હવે અસદ દેશ છોડીને ભાગી ગયા તેનાં બે અઠવાડિયાં પછી આ ખાલી કબ્રસ્તાનના એક ખૂણામાંથી કૉંક્રીટની ઇંટોના સ્લૅબને હઠાવવામાં આવ્યો છે, જેમાંથી એક ઉખડેલી કબર દેખાય છે.
તેમાં ઓછામાં ઓછી છએક સફેદ બૉડી બૅગ્સ છે, જેના પર નામ અને જેલનો નંબર લખેલા છે.
અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે નજીકમાં રહેતા ખાલિદ અલ હમદ મુશ્કેલીથી એ બૅગ્સને બહાર કાઢી રહ્યા હતા.
તેમણે અમને એ ત્રણ બૅગ્સ બતાવી, જેને પહેલેથી જ ખોલેલી હતી. દરેક બૅગમાં માણસની ખોપડીઓ અને હાડકાં છે. બૅગ પર લખેલા શબ્દોથી ખ્યાલ આવે છે કે એ મહિલા કેદી અને પુરુષ કેદીના અવશેષો છે.

અસદ શાસનમાં ગાયબ થયેલા લોકોની તલાશ

એ સ્પષ્ટ નથી કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું અને તે અસદ શાસન દરમિયાન થયેલા ગુનાહિત દુરુપયોગના પુરાવા છે કે કેમ?
પણ ખાલિદને કંઈ સમજવાની જરૂર નથી. તેઓ તો તેમના બે ભાઈઓ, જેહાદ અને હુસૈનને શોધી રહ્યા છે. તેમના બે ભાઈઓએ એક દાયકા પહેલાં અસદની કુખ્યાત ઍરફૉર્સની ગુપ્તચર એજન્સીઓએ પકડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્યારથી આ બંને ભાઈઓ વિશે કંઈ જાણવા મળ્યું નથી.
ખાલિદ કહે છે, "કેટલાક લોકોને 'ડ્રાઈવિંગ સ્કૂલ' નામના વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમની હત્યા કરવામાં આવી હતી. મને લાગે છે કે મારા ભાઈઓ સાથે પણ એવું જ થયું હશે. શક્ય છે કે તેમને અહીં દફનાવવામાં આવ્યા હોય. કદાચ કોઈ બૅગમાંથી તેમના અવશેષો મળી આવે. "
બીબીસીએ આ માહિતી સીરિયામાં હ્યુમન રાઈટ્સ વૉચને પણ આપી છે. તેમનું કહેવું છે કે તેઓ અન્ય સ્થળોએ પણ કેદીઓના અવશેષો આવી બૅગ્સમાં ડમ્પ કરવામાં આવ્યા હોવાના અહેવાલોની તપાસ કરી રહ્યા છે.
અસદના પતનથી એવા પરિવારો માટે આશાનું કિરણ આવ્યું છે, જેઓ તેમનાં સ્વજનો વિશેની માહિતી મેળવવા માટે દાયકાઓથી શોધ કરી રહ્યા છે.
ખાલિદે કહ્યું, "જો તમે અસદના સમયમાં, પહેલાં ક્યારેય અહીંથી પસાર થયા હોત, તો તમે અહીં ઊભા પણ ન રહી શકો કે ઉપર પણ જોઈ ન શકો એવી સ્થિતિ હતી."
"આ વિસ્તારમાંથી વાહનો ખૂબ જ ઝડપે પસાર થતાં હતાં. જો તમે અહીં ઊભા રહો તો તેઓ તમારી પાસે આવશે, તમારા માથા પર પ્લાસ્ટિકની થેલી મૂકશે અને તમને ઉપાડી જશે."
ખાલિદની જેમ, હજારો પરિવારો હવે સીરિયામાં એવા સંબંધીઓને શોધી રહ્યા છે જેઓ અસદની કુખ્યાત જેલ વ્યવસ્થા અથવા તેના લશ્કરી પૂછપરછ કેન્દ્રોમાં ગાયબ થઈ ગયા છે.
આમાંથી કેટલાકને દમાસ્કસના મઝેહ લશ્કરી ઍરપૉર્ટ પર લઈ જવામાં આવ્યા હતા.
'400 મહિલાઓ સાથે નિયમિતપણે બળાત્કાર'

ઇમેજ સ્રોત, Getty Images
આ સ્થાન એક સમયે અસદ અને બળવાખોર દળો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બફર ઝૉન હતું, જે હવે નિર્જન છે. અહીં રન-વે પર ફેંકવામાં આવેલા સૈનિકોના પગરખાં વેરવિખેર પડ્યાં છે અને એક જીવંત રૉકેટ જમીન પર પડેલું છે.
આ સ્થાન પર જીવનની એકમાત્ર નિશાની તેના દરવાજા પર ઊભા હોય તેવા નવા રક્ષકો છે. તેઓ હયાત તહરીર અલ-શામ (HTS)ના યુવાનો છે. આ જ જૂથે ગયા અઠવાડિયે સીરિયા પર કબજો કર્યો હતો.
તેમણે અમને અસદની સેનાની ટૉર્ચર ચૅમ્બર બતાવી હતી જેમાં માર મારવા માટે કેદીઓના પગ બાંધવા માટે એક થાંભલો હતો અને ઈલેક્ટ્રિકલ સ્વિચબૉર્ડની બાજુમાં જ વાયરો પડેલા હતા.
ગાર્ડ કમાન્ડર અબુ જર્રાહે અમને કહ્યું, "અહીં તેમણે કેદીઓને ઇલેક્ટ્રિક શૉક આપ્યા છે. આ ઇલેક્ટ્રિક વાયર છે. પૂછપરછ કરનાર અહીં બેસતો હતો. આ વાયરોથી જ કેદીઓને ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવતા હતા."
"અહીં, કેદીઓના મગજ પર એટલી અસર પડતી હતી કે તેઓ દરેક વાતની કબૂલાત કરી દેતા હતા. તેઓ પૂછપરછ કરનારાઓને તેઓ જે ઇચ્છે તે લખવા કહેતા. કેદીઓને એવી આશા હતી કે તેના કારણે તેમને જે ત્રાસ આપવામાં આવતો હતો તે બંધ થઈ જશે."
અબુ જર્રાહે એમ પણ કહ્યું કે, "અહીં જેલમાં બંધ 400 મહિલાઓ પર નિયમિત બળાત્કાર થતો હતો અને તેમનાં બાળકોનો જન્મ જેલમાં જ થતો હતો."
અહીં ઉપલબ્ધ રેકૉર્ડ્સમાં તમારા માતાપિતા અથવા બાળકોને શોધવાં એ ખૂબ પીડાદાયક છે.
બાજુની બિલ્ડીંગમાં જ પીડિતોના પરિવારો કૉંક્રીટના ભોંયતળિયા પર વિખેરાયેલાં ફોટોગ્રાફ્સથી તેમના પરિવારજનોના અવશેષો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક પછી એક વ્યક્તિના ચહેરા પર તેમના પ્રિયજનોની શોધમાં ગંભીરતા અને ખાલીપણું ઊડીને આંખે વળગે છે. આ ચહેરા અસદના શાસનના યુગના મૂક સાક્ષી છે.
'જેવું દરદ અમને મળ્યું, એવું અસદનેય મળે'

એ પૈકી જ એક રડતાં માતા અલ-કામિશલીના કુર્દ મહમૂદ સઈદ હુસૈનનાં મા પણ હતાં.
તેમનું કહેવું છે કે, "કાલે અમે જોયું કે એનું નામ ઍરબેઝ જેલના રેકૉર્ડમાં છે. અમે અહીં પહોંચ્યા, પરંતુ એને શોધી ન શક્યાં. હું એને 11 વર્ષથી જુદી જુદી જેલોમાં શોધી રહી છું."
તળિયા પર પડેલી તસવીરો તરફ ઇશારો કરતાં તેઓ રડી પડ્યાં, "આ બધા મારા દીકરા છે. ઈશ્વર અસદનેય એવું દરદ દે, જેવું એણે અમને આપ્યું."
તેમની પાછળ ત્રણ રૂમ છે, જેમાં ફાઇલો ખૂલેલી પડી છે. ઘણા લોકો તળિયા પર ઘણા ફૂટ ઊંચા દસ્તાવેજોના ઢગલા પર ગોઠવાયેલા છે.
એક મહિલાએ ગુસ્સે ભરાઈને કહ્યું, "આ નોટ શું છે?"
"કોઈ અમારી મદદ નથી કરી રહ્યું. અમે ઇચ્છીએ છીએ કે કોઈ અમારી પાસે આવીને આ દસ્તાવેજોની તપાસ કરે. આ જેલની આટલી બધી ફાઇલોમાંથી હું તેને કેવી રીતે શોધી શકું?"
અહીં કોઈ પણ પ્રકારની સુચારુ વ્યવસ્થાના અભાવનો અર્થ એ નીકળે છે કે સીરિયામાં દરરોજ મહત્ત્વપૂર્ણ પુરાવા નષ્ટ થઈ રહ્યા છે.
તેમાં ગુમ થયેલા લોકો અંગે જાણકારી અને કદાચ અસદના શાસન અને અમેરિકા કે બ્રિટન જેવી વિદેશી સરકારો વચ્ચે કોઈ પણ પ્રકારના સંબંધની જાણકારી સામેલ છે.
તેમના પર અમેરિકાની અસાધારણ પ્રત્યાવર્તન નીતિનો લાભ ઉઠાવવાનો આરોપ પણ લાગ્યો છે, જે અંતર્ગત સંદિગ્ધ આતંકવાદીઓને પૂછપરછ માટે એવા દેશોમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને યાતના અપાય છે.
માનવાધિકાર સમૂહોએ બ્રિટન સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેણે આતંકવાદ વિરુદ્ધ કહેવાતા યુદ્ધ દરમિયાન અમેરિકાની કાર્યપ્રણાલી સામે એ સમયે આંખ આડા કાન કર્યા જ્યારે તેણે સીરિયા સહિત મધ્ય પૂર્વના ઘણા દેશોમાં બંદીઓને મોકલ્યા હતા.
નષ્ટ થઈ રહેલા દસ્તાવેજ

અહીં બહારની તરફ ઍરબૅઝના શાંત હૅન્ગરોમાં રશિયામાં બનેલાં વિમાનો અને રડારના બળી ગયેલા અવશેષ વિખેરાયેલા પડ્યા છે, જે ગત અઠવાડિયા દરમિયાન વારંવાર ઇઝરાયલી હુમલામાં ક્ષતિગ્રસ્ત થયા હતા.
અસદના ચાલ્યા ગયા બાદ સીરિયામાં સંઘર્ષ કરી રહેલાં જૂથો અને તુર્કી, ઈરાન અને અમેરિકા સહિત જુદા જુદા આંતરરાષ્ટ્રીય સમર્થકો વચ્ચે વિસ્તારમાં શક્તિનું નાજુક સંતુલન બદલી દીધું છે.
આ માત્ર સીરિયાનું જ યુદ્ધ નહોતું. અહીં જે કાંઈ પણ થઈ રહ્યું હતું તેમાં અન્ય દેશોનાં પોતાનાં હિત પણ સામેલ હતાં.
સીરિયન લોકો એ વાતે અડગ છે કે હવે સમય પાકી ગયો છે કે તેઓ કોઈનાંય નિર્દેશ કે સૂચન વિના જાતે દેશ પર શાસન કરે.
જ્યારે અમે આ સ્થળેથી નીકળી રહ્યા હતા ત્યારે જ એટીએસનો એક યુવાન લડવૈયો પૂછપરછ ભવન ઉપર લાગેલી અસદની તસવીર પર હુમલો કરવા માટે ધાબે ચડી ગયો.
એણે નીચે પોતાના સાથીઓ સામે જોઈને સ્મિત આપ્યું. એ સમયે અસદ શાસનની સૈન્ય ફાઇલો, તસવીરો અને દસ્તાવેજ તેમનાં જૂતાંની ચારેતરફ ફફડી રહ્યા હતા.
અસદના પતને ન માત્ર સીરિયાના ભવિષ્ય અંગે ઘણા નવા સવાલ ઊભા કરી દીધા છે, પરંતુ ઘણા જૂના સવાલ પણ પેદા કરી દીધા છે, જેના પણ જવાબ શોધાઈ રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












