પ્રસિદ્ધ તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની ઉંમરે નિધન, કેવી રહી સૂરીલી સફર?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સહિત દુનિયાભરમાં ઉત્તમ તબલાવાદક તરીકે પ્રસિદ્ધી મેળવનાર ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેમની ઉંમર 73 વર્ષની હતી.
તેમની તબિયત 15 ડિસેમ્બરે લથડી હતી અને તેમને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારે સમાચાર સંસ્થા પીટીઆઈએ લખ્યું, પરિવારે પુષ્ટિ કરી છે કે 73 વર્ષના ઝાકિર હુસૈનનું સૅન ફ્રાન્સિસ્કોની હૉસ્પિટલમાં અવસાન થયું છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલું નિવેદન શેર કર્યું છે.
ઝાકિર હુસૈનને ભારતના સર્વોચ્ચ સન્માન પૈકીના પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમને આંતરરાષ્ટ્રીય સ્તરનો ગ્રૅમી ઍવૉર્ડ પણ એકથી વધુ વાર મળી ચૂક્યા હતા.

ખૂબ નાની ઉંમરે તબલાવાદન શરૂ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઉસ્તાદ અલ્લારખાં અને બાવી બૅગમના ઘરે 9 માર્ચ, 1951ના રોજ મુંબઈના માહિમમાં તેમનો જન્મ થયો હતો.
ખૂબ નાની ઉંમરે જ તેમણે તબલાવાદન શરૂ કરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના તબલાવાદક પિતાને કારણે તેમને અતિશય નાની ઉંમરે જ ઘણું ઍક્સ્પોઝર મળ્યું હતું.
12 વર્ષની ઉંમરે તેઓ ગુલામ અલી, આમિર ખાં અને ઓમકારનાથ ઠાકુર સાથે કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. જ્યારે 16-17 વર્ષની ઉંમરે તેઓ રવિશંકર, અકબર અલી ખાં સાથે તબલાવાદન કરતા હતા.
ત્યારપછી તેમણે નવી પેઢી એટલે કે હરિપ્રસાદ, શિવકુમાર અને શાહિદ પરવેઝ, રાહુલ શર્મા અને અમાન-અયાન સાથે પણ કાર્યક્રમો કર્યા.
આમ, અલગ-અલગ ચાર પેઢીઓ સાથે તબલાવાદન કરવાને કારણે તેમને વિશાળ અનુભવ મળ્યો. તેમને બોલીવૂડ અને હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી.
તેમણે જ બીબીસી સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "મને એ સમયે ખ્યાલ પણ નહોતો કે હું કેવા વ્યક્તિઓ સાથે કામ કરી રહ્યો છું. મારો પહેલો પ્રોફેશનલ કાર્યક્રમ 12 વર્ષની ઉંમરે આપ્યો. પણ તેનો અહેસાસ મને 10 વર્ષ પછી થયો કે મેં પહેલો કાર્યક્રમ કેટલા મોટા કલાકાર અકબર અલી ખાં સાહેબ સાથે આપ્યો હતો."
પિતા પાસેથી પ્રેરણા

ઝાકિર હુસૈનના જીવનમાં તેમના પિતાનો રોલ ખૂબ મહત્ત્વનો મનાય છે. તેમણે જ ઝાકિર હુસૈનને પ્રારંભિક તાલીમ આપી હતી.
તબલા પર કેવી રીતે અને ક્યાં હાથ રાખવો, બોલ સાથે કેવી રીતે સંતુલન બેસાડવું, ક્યા ઘરાનાની શું ખાસિયત છે, વગેરે જેવી બાબતોની જાણકારી અને શીખ તેમના પિતાએ જ આપી હતી.
ત્યારબાદ તેઓ અલગ-અલગ જગ્યાએ તબલાવાદન કરતાં રહ્યા અને તેમાંથી વધુ શીખતા ગયા.
તેમણે કહ્યું હતું કે, "મારા પિતાએ ક્યારેય મને સારી વસ્તુઓનું ગ્રહણ કરવામાં ટોક્યો નથી. મારા પિતા મારી તાલીમનો પાયો હતા. પરંતુ ઉસ્તાદ હબીબુદ્દીન ખાં, ખલીફા વાજિદ હુસૈન, કંઠા મહારાજજી, શાંતાપ્રસાદજી વગેરેની મારા પર મોટી અસર પડી."
મહેનતથી મેળવી ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
ઝાકિર હુસૈને જ્યારે તબલાવાદન શરૂ કર્યું ત્યારે ન તો સોશિયલ મીડિયા હતું કે ન તો મીડિયાનો એવો કોઈ પ્રભાવ.
લગભગ 20-25 વર્ષોની મહેનત પછી તેમને સ્ટેટસ મળ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે તેમણે કારકિર્દીની શરૂઆતમાં ટ્રેઇનના થર્ડ ક્લાસમાં પણ મુસાફરી કરી હતી અને ક્યારેક તો તેમને બેસવાની જગ્યા પણ મળતી ન હતી.
તેઓ ટ્રેનમાં જ મુંબઈથી પટણા, વારાણસી અને કોલકાતાની સફર ખેડતા હતા અને ક્યારેક તો ત્રણ-ત્રણ દિવસની મુસાફરી થતી હતી.
અંદાજે 20-22 વર્ષ સુધી આમ જ ચાલતું રહ્યું. તેમણે તબલાવાદનની શરૂઆત વર્ષ 1961-62માં કરી હતી અને 70ના દાયકામાં તેમને લોકો ઓળખતા થયા.
ત્યારબાદ તેમણે વિદેશની પણ ટુર કરી અને તેમનાથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો.
તેમણે કહ્યું હતું કે, "ભારતની બહાર જઈને મેં એક વાત શીખી કે મંચ પર બેસવાનો હેતુ માત્ર શ્રોતાઓ તાળી પાડે એવું જ કરવાનો ન હોઈ શકે. પરંતુ તબલા વગાડવાનો આનંદ લેવો જોઈએ. લોકોને હવે મારો આનંદ દેખાય પણ છે."
હેરસ્ટાઇલ પણ ચર્ચામાં રહી

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે બીબીસી સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમની હેરસ્ટાઇલ વિશે પણ વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "મારી હેરસ્ટાઇલ મેં ક્યારેય વિચારીને નથી બનાવી. કાયમ નાહીને બહાર નીકળ્યા પછી વાળને ઓળવાનો ટાઇમ પણ ન રહેતો. એ સમયે અમેરિકામાં હિપ્પી સ્ટાઇલનો ટ્રૅન્ડ હતો, લાંબા વાળ અને લાંબી દાઢીનો ટ્રૅન્ડ હતો."
"તો મેં પણ હૅરસ્ટાઇલ પર ધ્યાન ન આપ્યું. પછી 'તાજ ટી' સાથે મારો કરાર થયો અને તેમણે કરારમાં એ શરત રાખી કે તમે વાળ ન કપાવી શકો. તો મારી મજબૂરી પણ બની ગઈ."

ભારતીય કલાજગતમાં ઝાકીર હુસૈનનું પ્રદાન

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતીય શાસ્ત્રીયસંગીતજગતમાં તથા વિશ્વસંગીતમાં ઝાકીર હુસૈનનું પ્રદાન અતિશય મોટું છે.
ભારત સહિત આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં તેમના તબલાનો સૂર સાંભળવા મળ્યો છે. આવી ફિલ્મોની સંખ્યા ખૂબ મોટી છે. તેમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ પણ મળી ચૂક્યો છે.
તેમને 1992માં બેસ્ટ મ્યુઝિક આલ્બમ માટેનો ગ્રૅમી ઍવૉર્ડ મળ્યો હતો.
તેઓ તબલા બીટ સાયન્સ નામના મ્યુઝિક ગ્રૂપના સ્થાપક સદસ્ય છે. તેમણે બિલ લાસવેલ સાથે મળીને આ જૂથની સ્થાપના કરી હતી.
તબલા બીટ સાયન્સ એ હિન્દુસ્તાની સંગીત, ઍશિયન અન્ડરગ્રાઉન્ડ, ઍમ્બિયન્ટ મ્યુઝિક અને ઇલેક્ટ્રોનિકાનું મિશ્રણ છે.
તેમણે કહ્યું હતું કે હું પોતાને શાગિર્દ કહેવા માગું છું. હું દરરોજ નવું શીખવાની કોશિશ કરું છું.
મારા પિતાએ હંમેશાં મને કહ્યું છે કે, "બેટા, ક્યારેય ઉસ્તાદ બનવાની કોશિશ ન કરતો. સારો શાગિર્દ બનજે, ખૂબ આગળ વધીશ."
તેમણે કહ્યું હતું કે, "હું વિનમ્ર થઈને નથી કહી રહ્યો પણ જ્યારે હું ઘરેથી નીકળું છું ત્યારે મને એ ખ્યાલ હોય છે કે મારે આજે કંઈક નવું શીખવાનું છે. એટલે મારા હિસાબે જીવવની મંજિલ પર પહોંચવાનો નહીં, પરંતુ જીવનના સફરનો આનંદ ઉઠાવવો જરૂરી છે."
(આ અહેવાલની વિગતો ઝાકિર હુસૈને 2009માં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવી છે.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












