સીરિયાનું ગુપ્ત ઠેકાણું: અન્ડરગ્રાઉન્ડ અંધારી કોટડી, સુરંગો અને ગોપનીય ફાઇલો

બીબીસી અરબીના ફેરસ કિલાની અંધારા રૂમમાં રાખવામાં આવેલી પુસ્તકોના ભંડાર તરફ જોઈ રહ્યા છે
ઇમેજ કૅપ્શન, બીબીસી અરબીના ફેરસ કિલાની અંધારા રૂમમાં રાખવામાં આવેલા પુસ્તકોના ભંડાર તરફ જોઈ રહ્યા છે
    • લેેખક, ફેરાસ કેલાની
    • પદ, બીબીસી અરબી વિશેષ સંવાદદાતા, દમાસ્કસ, સીરિયા

સીરિયન લોકોના ભય પેદા કરનાર જાસૂસી ઠેકાણાંનો પૂર્વ સરકાર અટકાયત અને ટૉર્ચર માટે ઉપયોગ કરતી હતી. બીબીસી અરબીએ આ ગોપનીય સ્થળની મુલાકાત લીધી, જ્યાં બહારના બહુ ઓછા લોકોને જવાની મંજૂરી મળી હતી.

સીરિયાના સ્ટેટ સિક્યૉરિટી હેડક્વાર્ટરના ભોંયરામાં અમને દેશના ગુપ્તચર નેટવર્કની દુનિયાના એક ક્રૂર હિસ્સા વિશે જાણકારી મળી. આ ગુપ્તચર નેટવર્કે દાયકાઓ સુધી દેશના ક્રૂર નેતૃત્વને સત્તા પર રાખ્યું હતું.

સ્ટીલના જાડા દરવાજાઓ સાથેની કતારબંધ કોટડીઓ છે, જેનો ઉપયોગ કેદીઓને ગોંધવા માટે થતો હતો.

એ પૈકીની એકમાં નજર કરતાં દેખાય છે કે તે માત્ર બે મીટર લાંબી અને એક મીટર પહોળી છે. અત્યંત ગંદા ડાઘાવાળી દીવાલો છે. દીવાલો પરની ઊંચી જાળીમાંથી બહુ ઓછો સૂર્યપ્રકાશ નીચે સુધી પહોંચે છે.

અટકાયતમાં લેવાયેલા લોકોને આ કોટડીઓમાં મહિનાઓ સુધી ગોંધી રાખવામાં આવતા હતા. તેમને પૂછપરછ કરાતી હતી અને તેમના પર અત્યાચાર કરવામાં આવતો હતો.

વિશાળ જાસૂસી નેટવર્કનો ભાગ

અટકાયતમાં લેવાયેલા લોકોને આવી સાંકળી કોટડીઓમાં મહિનાઓ સુધી ગોંધી રાખવામાં આવતા હતા
ઇમેજ કૅપ્શન, અટકાયતમાં લેવાયેલા લોકોને આવી સાંકળી કોટડીઓમાં મહિનાઓ સુધી ગોંધી રાખવામાં આવતા હતા

આ કાળકોટડીઓ મધ્ય દમાસ્કસના વ્યસ્ત ક્રાફ સોસા વિસ્તારમાં સ્ટ્રીટ લેવલથી નીચે, હેડક્વાર્ટર હેઠળ આવેલી છે.

આજીવિકા રળવા કામ પર જતાં હજારો સીરિયનો અહીંથી રોજ પસાર થાય છે, જ્યાં તેમના દેશબંધુઓને અટકાયતમાં રાખવામાં આવતા હતા અને તેમના પર અત્યાચાર કરવામાં આવતા હતા.

આ ભોંયરામાં તાજેતરમાં જ પદભ્રષ્ટ રાષ્ટ્રપતિની ફાટેલી તસવીરો જમીન પરની ફાઇલોના ઢગલાની ગંદકીમાં ઉમેરો કરે છે. એ ફાઇલોનો ઉપયોગ દેશની ગુપ્તચર એજન્સીઓ લાખો લોકોની હિલચાલ પર નજર રાખવા માટે કરતી હતી.

અહીં અસ્થાયી રૂપે રાખવામાં આવતા કેદીઓને, રાજધાનીની બહાર આવેલી કુખ્યાત સૈદનાયા જેલ જેવા લાંબા ગાળાના અટકાયત કેન્દ્રોમાં ખસેડવામાં આવતા હતા.

આ ભંડકિયું સીરિયાની ભૂતપૂર્વ સરકાર દ્વારા સંચાલિત વિશાળ નેટવર્કો એક હિસ્સો માત્ર છે. સીરિયાના ભદ્ર વર્ગના ભૂતપૂર્વ સભ્યોની ફાટેલી તસવીરો હજુ પણ દીવાલો પર લટકી રહી છે.

સીરિયાના ભદ્ર વર્ગના ભૂતપૂર્વ સભ્યોની ફાટેલી તસવીરો હજુ પણ દિવાલો પર લટકી રહી છે.
ઇમેજ કૅપ્શન, સીરિયાના ભદ્ર વર્ગના ભૂતપૂર્વ સભ્યોની ફાટેલી તસવીરો હજુ પણ દિવાલો પર લટકી રહી છે

સ્વતંત્ર મૉનિટરિંગ જૂથ સીરિયન નેટવર્ક ફૉર હ્યુમન રાઇટ્સ (એસએનએચઆર)ની નોંધ અનુસાર, 2011માં રાષ્ટ્રપતિ અસદ વિરુદ્ધના બળવાની શરૂઆતથી ગત જુલાઈ સુધીમાં દેશની જેલોમાં ત્રાસને કારણે 15,102 લોકોનાં મોત થયાં હતાં.

એસએનએચઆરનો અંદાજ છે કે આ વર્ષે ઑક્ટોબર સુધીમાં 1,30,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અથવા તો તેમને બળજબરીથી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.

એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા મુજબ, સીરિયાની ભૂતપૂર્વ સરકારે ભીન્નમતને કચડી નાખવાના સાધન તરીકે અત્યાચાર અને લોકોને ગુમ કરી દેવાના સાધનનો ઉપયોગ દાયકાઓ સુધી કર્યો હતો.

દેશની ગુપ્તચર એજન્સીઓ "કોઈને પણ જવાબ આપતા બંધાયેલી ન હોવાનું" તે જણાવે છે.

સ્ટેટ સિક્યૉરિટી હેડક્વાર્ટરથી થોડા મીટર દૂર ચાલીને અમે જનરલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ પર પહોંચીએ છીએ. આ ડિરેક્ટોરેટ દેશની જાસૂસી એજન્સીઓના નેટવર્કનો બીજો ભાગ છે.

અસદ સરકારના વિરોધીઓ આક્ષેપ કરે છે કે આ સંસ્થા લોકોના જીવનની દરેક બાબતની જાસૂસી કરતી હતી.

હેડક્વાર્ટરની અંદર શું છે?

હેડક્વાર્ટરની અંદર સ્થિત કોમ્પ્યુટર સર્વર રૂમ
ઇમેજ કૅપ્શન, હેડક્વાર્ટરની અંદર સ્થિત કોમ્પ્યુટર સર્વર રૂમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હેડક્વાર્ટરની અંદર એક કમ્પ્યુટર સર્વર રૂમ છે. શ્વેત રંગની દીવાલો તથા ભોંય અને કાળા રંગના ડેટા સંખ્યાબંધ સ્ટોરેજમાં પગલાનો એક ધીમો અવાજ આવે છે.

દમાસ્કસના મોટા ભાગના વિસ્તારોમાં વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો છે, પરંતુ આ ઇમારત એટલી મહત્ત્વપૂર્ણ છે કે તેની પોતાની પાવર સપ્લાયની વ્યવસ્થા છે.

ડિજિટલ સિસ્ટમ હોવા છતાં પેપર રેકૉર્ડ્સના અકબંધ ગંજ જોવા મળે છે.

ફાઇલો એક ઓરડાની દીવાલે કતારબંધ ગોઠવાયેલા ધાતુના કબાટોમાં રાખવામાં આવી છે. બીજી હરોળમાં ભોંયથી છત સુધી નોટબુક્સના ઢગલા છે.

અહીં કામ કરતા લોકોને, તેઓ જેના માટે કામ કરતા હતા તે શાસન ભાંગી પડવાને કારણે, નાસી જતા પહેલાં એકેય ચીજનો નાશ કરવાની તક મળી નહીં હોય એવું લાગે છે.

વર્ષોનો રેકૉર્ડ જળવાયેલો છે. કોઈ ચીજનો ક્યારેય નાશ કરવામાં આવ્યો નથી. અમને તેમાં વપરાયેલી બુલેટ કારતૂસનાં બૉક્સ પણ મળ્યાં હતાં.

એક અન્ય વિભાગમાં મોર્ટાર અને લૅન્ડમાઇન સહિતનાં હથિયારો છે.

દમાસ્કસ પર નિયંત્રણ મેળવનાર ઇસ્લામિક આતંકવાદી જૂથ એચટીએસના એક લડવૈયા અમારી સાથે છે. હું તેમને પૂછું છું કે આ શસ્ત્રો અહીં શા માટે રાખવામાં આવ્યા છે?

અત્યાચાર માટે જવાબદાર લોકો પર ગાળિયો કસાશે?

બૉક્સની અંદર લૅન્ડમાઈન મળી આવ્યું હતું
ઇમેજ કૅપ્શન, બૉક્સની અંદર લૅન્ડમાઈન મળી આવ્યું હતું

તેઓ જણાવે છે કે અસદ સરકારના રશિયા સાથેના સહકાર દરમિયાન "તમામ સરકારી સંસ્થાઓ સીરિયન લોકો સામે લડવાના અને તેમના પર જુલમ કરવાનાં મુખ્ય મથકોમાં પરિવર્તિત થઈ ગઈ હતી."

સીરિયન નાગરિકોની અટકાયત અને તેમના પર જુલમ કરનાર લોકો સામેની ભવિષ્યના કાર્યવાહીમાં જનરલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટમાં ખડકાયેલો દસ્તાવેજો તથા કમ્પ્યુટર રેકૉર્ડ્સનો ગંજ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

અબુ મોહમ્મદ અલ-જોલાની તરીકે પણ ઓળખાતા એચટીએફના નેતા અહેમદ અલ-શારાએ રૉઇટર્સ સમાચાર સંસ્થાના ધ્યાનમાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના શાસન દરમિયાન અટકાયતીઓને યાતના આપવામાં કે તેમની હત્યામાં સામેલ દરેક વ્યક્તિને શોધી કાઢવામાં આવશે. તેમને માફી આપવાનો સવાલ જ નથી.

ટેલિગ્રામ પર પ્રકાશિત એક મૅસેજમાં તેમણે કહ્યું હતું, "અમે તેમને સીરિયામાંથી શોધી કાઢીશું અને જેઓ અન્ય દેશોમાં ભાગી ગયા છે તેમનો કબજો મેળવવા અમે સંબંધિત દેશની સરકારોને જણાવીશું. જેથી અમે ન્યાય કરી શકીએ."

જોકે, સીરિયન સુરક્ષા નેટવર્કના પતનના પડઘા દેશની સરહદો બહાર પણ પડી શકે છે.

અમને જૉર્ડન, લેબનોન અને ઇરાક સાથે સંકળાયેલી સંખ્યાબંધ ફાઇલ્સ પણ જોવા મળી હતી.

આ દસ્તાવેજો જાહેર થાય અને એ દેશોની અગ્રણી વ્યક્તિઓ તથા અસદની સુરક્ષા સેવા વચ્ચેની કડીઓ જાહેર થાય તો સમગ્ર પ્રદેશમાં તેના આંચકા અનુભવાઈ શકે છે. અસદની ભૂતપૂર્વ સલામતી વ્યવસ્થાની વિગત જાહેર થવાનું પરિણામ વ્યાપક હોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.