ગુજરાતમાં વરસાદને લઈને આગામી દિવસોમાં શું આગાહી કરવામાં આવી છે, શનિ-રવિમાં ક્યાં પડશે વરસાદ?

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ સંપૂર્ણપણે અટક્યો નથી. કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પુષ્કળ હેત વર્ષાવ્યું છે, તો અમુક વિસ્તાર હજુ આ સ્નેહથી વંચિત રહ્યા છે.

ઑગસ્ટ મહિનાના બીજા અઠવાડિયા દરમિયાન સાતમ-આઠમના તહેવારો છે, જે દરમિયાન ગુજરાતમાં અનેક સ્થળોએ લોકમેળાઓનું આયોજન થતું હોય છે.

આયોજકો અને લોકો દ્વારા આ તહેવારોની તૈયારીઓ દિવસો પહેલાં શરૂ થઈ જતી હોય છે, પરંતુ તેમાં વરસાદ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મોટાભાગે અરબ સાગર કે બંગાળની ખાડીની સિસ્ટમ કે ઉત્તર ભારતનું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ માટેનું કારક બનતું હોય છે.

ત્યારે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન હવામાન કેવું રહેશે, ક્યાં વરસાદ પડી શકે છે અને તહેવારોની તૈયારીઓના દિવસો દરમિયાન કેવું વાતાવરણ રહેશે, તેના ઉપર નજર કરીએ.

ગુજરાતમાં શનિ-રવિ દરમિયાન કેવો રહેશે વરસાદ?

હવામાન વિભાગના વર્ગીકરણ મુજબ વાત કરીએ તો : શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર એમ તમામ જિલ્લાનાં અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાત વિસ્તારના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડના તમામ જિલ્લાનાં અનેક સ્થળો ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલી; સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ ઉપરાંત જિલ્લાનાં અમુક સ્થળોએ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ક્યાંક-ક્યાંક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

રવિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લાનાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડના મોટાભાગના વિસ્તારોમાં લોકો રવિવારે વરસાદની મજા માણી શકશે. આ સિવાય કેન્દ્રશાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડવાની આગાહી છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, બોટાદ જિલ્લાઓમાં ; દીવ અને કચ્છમાં અમુક સ્થળોએ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ

હવામાન વિભાગ દ્વારા ગુજરાત, દીવ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો માટે આગામી સપ્તાહ દરમિયાન હવામાનસંબંધિત કોઈ ઍલર્ટ આપવામાં નથી આવ્યું.

રાજ્ય સરકારના ડેટા પ્રમાણે, ગુજરાતમાં ગત 24 કલાક દરમિયાન મહત્તમ 0.6 ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડામાં પડ્યો હતો. રાજ્યમાં વરસાદ માટેના ટૉપ-10 વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, નવસારી અને નર્મદાના વિસ્તારો હતા.

આ સિવાય અરવલ્લીના ધનસૂરામાં (0.51) નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો નોંધપાત્ર વરસાદથી વંચિત રહ્યા હતા.

ગુજરાતમાં સરેરાશ 55.69 મીમી વરસાદ પડ્યો છે, જે તેની કુલ જરૂરિયાતના 63.01 ટકા જેટલો છે. આ પરિસ્થિતિ મહદંશે આગલા વર્ષ જેવી જ છે, ગત સાલે અત્યારસુધીમાં 558.14 મીમી વરસાદ પડ્યો હતો, જે સિઝનનો સરેરાશ 63.21 ટકા વરસાદ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન