બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા, 35નાં મૃત્યુ, દેશવ્યાપી કરફ્યૂનું એલાન

બાંગ્લાદેશમાં હિંસા, અનામત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અકબર હુસેન
    • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા

બાંગ્લાદેશની સરકારે અનામતવિરોધી આંદોલન દરમિયાન થયેલી હિંસાને કાબુ કરવા માટે દેશવ્યાપી કરફ્યૂ એલાન કર્યું છે.

બાંગ્લાદેશમાં અનામતવિરોધી આંદોલન દરમિયાન ચાલી રહેલી હિંસામાં 35 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

બાંગ્લાદેશમાં 1971ના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર સૈનિકોના પરિવારના લોકોને સરકારી નોકરીઓમાં મળતી અનામત વિરુદ્ધ વિદ્યાર્થીઓ અને યુવાનો આંદોલન ચલાવી રહ્યા છે. જોકે, આ આંદોલન હિંસક બની ગયું છે.

બાંગ્લાદેશના પાટનગર ઢાકા સહિત કેટલાંક શહેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા થઈ રહી છે. આ પરિસ્થિતિની જોતાં મોટા પાયે સુરક્ષાબળ તૈનાત કરવામા આવ્યું છે.

કેટલાંક સ્થળો પર પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. જોકે, નરસિંગળીમાં શુક્રવારે એક જેલ પર હુમલો કરીને સૈંકડો કેદીઓને છોડાવી લેવામા આવ્યા હતા. ત્યારબાદ વડા પ્રધાન શેખ હસીનાએ દેશવ્યાપી કરફ્યૂનું એલાન કર્યું હતું.

સરકારના પ્રેસ સચિવ નઇમુલ ઇસ્લામ ખાને કહ્યું કે કાયદોવ્યવસ્થા જાળવી રાખવા માટે હવે સૈનાની મદદ લેવામા આવશે.

આ પહેલાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ બુધવારે જ્યારે રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે બધાની નજર તેમના પર હતી કે તેઓ શું કહેશે. લોકો રાહ જોઇએ રહ્યા હતા કે સરકાર હાલની પરિસ્થિતિમાં કયો રસ્તો કાઢશે.

વડાં પ્રધાનના ભાષણ પર અનામત વિરોધી આંદોલનકારીઓ કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે પણ ઉત્સુકતા હતી.

પ્રદર્શનકારીઓએ વડાં પ્રધાનના ભાષણને નકારવામાં વધારે સમય ન બગાડ્યો. આ ભાષણ પછી અનામત વિરોધી આંદોલનકારીઓએ “સંપૂર્ણ બંધ”નું એલાન કર્યું. દેશના અલગ-અલગ વિસ્તારોમાં રાતથી જ હિંસક પ્રદર્શનો શરૂ થઈ ગયા હતા.

એક તરફથી અનામતનો વિરોધ કરનાર લોકો તો બીજી તરફ સત્તાધારી પાર્ટીના અલગ-અલગ સંગઠનો પણ રસ્તા પર આવી ગયા.

ત્યારબાદ પાટનગર ઢાકા અને અલગ-અલગ વિસ્તારોમાંથી મૃત્યુના અહેવાલો આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિ જોતા લાગે છે કે વડાં પ્રધાને બુધવારની રાતે આપેલા ભાષણ પછી સંધર્ષ વધારે ઉગ્ર બન્યો.

બીબીસી ગુજરાતી

વડાં પ્રધાન શેખ હસીનાના આશ્વાસન છતાં આંદોલનકારીઓ શાંત ન થયા

બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક પ્રદર્શન

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક પ્રદર્શન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડાં પ્રધાન શેખ હસીનાએ આંદોલનકારીઓને ધીરજ રાખવાનો આગ્રહ કર્યો હતો. તેમણે ભરોસો આપ્યો હતો કે ન્યાયાલય દ્વારા તેમને ‘ન્યાય’ મળશે. તેમણે લોકોને ન્યાયની પ્રક્રિયા પર ભરોસો રાખવાની અપીલ કરી હતી.

રાજકીય પર્યવેક્ષક મોહિઉદ્દીન અહમદે કહ્યું, “વર્તમાનમાં પરિસ્થિતિમાં એક સરકારના વડાં પોતાની સરકારના સમર્થનમાં જે પ્રકારની ચોખવટ કરી શકે એવી જ વાત શેખ હસીનાએ કરી હતી. મૂળ સમસ્યા એ છે કે તેમણે કંઈ જ ન કહ્યું.”

સરકાર તરફથી શિક્ષણ સંસ્થાઓ બંધ કરાવવા અને યુનિવર્સિટીની હોસ્ટેલોને ખાલી કરાવ્યા છતાં આંદોલનની તસવીર બદલાઈ નથી.

જોકે, અનામત વિરોધીઓનું કહેવું છે કે તેમને વડાં પ્રધાનના ભાષણ પર જે આશા હતી તે પૂર્ણ ન થઈ. ઢાકાના અલગ-અલગ વિસ્તારોમાં અનામત વિરોધી લોકો ગુરૂવારે સવારથી જ રસ્તા પર આવી ગયા હતા.

ઢાંકા કૅન્ટોનમૅન્ટ પાસે આવેલો ઈસીબી સંકુલ પણ એક એવો વિસ્તાર છે જ્યાં મોટાપાયે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આ દરમિયાન લોકો અનામતની વ્યવસ્થામાં સુધારાની તરફેણમાં નારા લગાવવામાં આવી રહ્યા. વિદ્યાર્થીઓએ તે જ સમયે કેટલાક વાહનોમાં તોડફોડ કરીને આગ ચાંપી દીધી.

વડાં પ્રધાન હસીનાએ બુધવારે રાષ્ટ્રના નામે પોતાના ભાષણમાં અનામત સુધાર આંદોલન વિશે જે કહ્યું તેના વિશે કેટલાક વિદ્યાર્થીઓ વાંધો ઉઠાવ્યો હતો.

પોતાને એક ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે ઓળખ આપનાર અલીમ ખાને બીબીસી બાંગ્લાને કહ્યું કે વડાં પ્રધાનનું ભાષણ અમને સ્વીકાર્ય નથી. કારણ કે વડાં પ્રધાને પોતાના ભાષણમાં અનામત રદ કરવા વિશે કોઈ વાત કરી નથી.

અલીમ ખાને કહ્યું, “ વડાં પ્રધાન વિદ્યાર્થીઓને શાંતિ અને ધીરજ રાખવાની વાત કરી રહ્યાં છે. જોકે, પોલીસ અને બીજીબીએ વિદ્યાર્થી લીગના સભ્યો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. આ સરકારના બેવડા ધોરણો છે.”

'વિદ્યાર્થીઓ સમાધાનના મૂડમાં નથી'

બાંગ્લાદેશમાં અનામત વિરોધી હિંસક પ્રદર્શન

કાયદામંત્રી અનીસ-ઉલ હકે ભારે વિરોધ વચ્ચે ગુરૂવારની બપોરે કહ્યું, “અનામતમાં સુધારો કરવાના મુદ્દે સરકારમાં સૈદ્ધાંતિક રીતે સર્વસંમતિ બની છે. સરકાર સુધારના મુદે આંદોલનકારીઓ સાથે કોઇપણ સમયે વાતચીત કરવા માટે તૈયાર છે.”

જોકે, વડાં પ્રધાને બુધવારે આપેલા ભાષણમાં આંદોલનકારીઓ સાથે વાતચીતનો કોઈ ઉલ્લેખ ન હતો.

સરકારે સ્થિતિ પર કાબુ મેળવવા માટે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ અનામતના મુદાની સુનાવણી નિર્ધારિત સમય પહેલા કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

પર્યવેક્ષકો માને છે કે વિદ્યાર્થીઓનું વિરોધપ્રદર્શન એ સ્તર પર પહોંચી ગયું છે કે વાતચીત વગર માત્ર બળપ્રયોગથી તેનો ઉકેલ શક્ય નથી.

અનામત સુધારા આંદોલનના પ્રમુખ સંયોજક નાહિદ ઇસ્લામે ફેસબુક પર જાહેર કરેલા એક નિવેદનમાં આ વાત સ્પષ્ટ કરી હતી.

તેમણે પોસ્ટમાં લખ્યું, “સરકારે શાંતિપૂર્વક વિરોધપ્રદર્શનને દબાવવા માટે હિંસાનો ઉપયોગ કરીને વર્તમાન પરિસ્થિતિ ઊભી કરી છે. સરકાર આ માટે જવાબદાર છે. સરકારે વાતચીત માટે કોઈ અવકાશ છોડ્યો નથી. જો સુરક્ષા દળોને રસ્તા પરથી હટાવવામાં ન આવ્યા અને હૉલ, કેમ્પસ અને શિક્ષણ સંસ્થા ખોલવામાં ન આવી અને ગોળીબાર ચાલુ રહ્યો તો સરકારે જવાબદારી લેવી પડશે.”

નાહિદ ઇસ્લામનું કહેવું છે કે અનામત વ્યવસ્થામાં સુધારો કરવાથી કોઈ પરિણામ આવશે નહીં. સરકારે ન્યાયાલયનો ઉપયોગ કરીને અમારી માગણીઓ પર ધ્યાન ન આપ્યું.

તેઓ કહે છે, 'સરકારે સુરક્ષા દળોની મદદથી આંદોલનને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. સરકાર હવે વાતચીતના નામે નવું નાટક કરી રહી છે. અમે ન્યાયિક તપાસ સમિતિના નામે પણ કોઈ નાટક સ્વીકારીશું નહીં."

આ આંદોલનના બીજા એક સંયોજક આસિફ મહમૂદે પોતાની ફેસબુક પોસ્ટ પર લખ્યું, “એક પછી એક હત્યાઓ થકી સરકાર શું સંદેશ આપવા માંગે છે? આ અત્યાચારનો યોગ્ય જવાબ આપીશું.”

હિંસક આંદોલનને કારણે ચિંતા વધી

બાંગ્લાદેશમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાંગ્લાદેશમાં પ્રદર્શનકારી વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો

કેટલાક લોકો માને છે કે આ આંદોલન હવે અનામત વિરોધી આંદોલન પુરતું જ સિમિત નથી.

કેટલાક રાજકીય પર્યવેક્ષકો માને છે કે આ આંદોલન યુવા સમાજમાં વધી રહેલા રોષની અભિવ્યક્તિ છે.

જોકે, આંદોલનને નેતૃત્વ કરનાર વિદ્યાર્થીઓ કહેતા હતા કે તેમનું આંદોલન માત્ર અનામતના મુદા માટે જ છે. આ આંદોલન સાથે બીજા કોઈ મુદાનો કોઈ સંબંધ નથી.

કેટલાક આંદોલનકારીઓ માને છે કે વડા પ્રધાને પોતાના ભાષણ થકી વિદ્યાર્થીઓને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

અહમદે કહ્યું, “એક તરફ આંદોલનકારીઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ તેઓ (વડાં પ્રધાન હસીના) પોતાના ભાષણ થકી સ્થિતિને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પરસ્પર વિરોધાભાસી સ્થિતિ છે.”

લગભગ બે અઠવાડીયા પહેલાં શરૂ થયેલું અનામત વિરોધી આંદોલન શરૂઆતમાં શાંતિપૂર્ણ હતું. સત્તાધારી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનોએ આંદોલનમાં કોઈ દખલ કરી ન હતી. આંદોલનકારીઓએ પણ હિંસાનો માર્ગ અપનાવ્યો ન હતો. જોકે, આ આંદોલન અચાનક જ હિંસક બની ગયું.

પ્રોફેસર સાદિકા હલીમ રાજકીય વિશ્લેષક અને જગન્નાથ યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ છે.

તેમણે કહ્યું, “મને લાગે છે કે વડાં પ્રધાને પોતાના ભાષણમાં જે વાત કરી શકાય તે બધી જ વાત કરી હતી. વડાં પ્રધાન ન્યાયાલય વિશે કોઈ સીધી ટિપ્પણી ન કરી શકે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે રાષ્ટ્રનાં પ્રમુખ તરીકે હસીના અનામતને રદ કરવાનું એલાન કરે તે શકય નથી. સરકારનાં વડાં તરીકે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ન્યાયાલયનો નિર્ણય વિદ્યાર્થીઓની વિરોધ નહીં જાય.”

હલીમે ઉમેર્યુ, “શરૂઆતમાં આંદોલન વિદ્યાર્થીઓ પુરતુ જ હતું. આંદોલન જેમજેમ આગળ વધ્યું તેમતેમ બીજા લોકો પણ સામેલ થયા. ત્યારબાદ આંદોલનનું સ્વરૂપ બદલાઈ ગયું.”