ઈશા યોગ સેન્ટરમાં રહેતી દીકરીઓને પાછી લાવવા એક પિતાનો સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સારદા વી
- પદ, બીબીસી સંવાદદાતા, ચેન્નઈ
સુપ્રીમ કોર્ટે તામિલનાડુ પોલીસને આદેશ આપ્યો છે કે તે ઈશા સેન્ટર વિરુદ્ધ કાર્યવાહી બંધ કરે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ સહિત ત્રણ સભ્યોની બૅન્ચએ ગુરુવારે ઈશા યોગ કેન્દ્ર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.
ઈશા યોગ કેન્દ્રમાં કથિત રીતે અટકાયતમાં રાખવામાં આવેલાં બે મહિલાઓ સાથે વાત કર્યા બાદ મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે જણાવ્યું, "તેમને (બંને મહિલાઓ) કહ્યું કે તેઓ ત્યાં પોતાની મરજીથી રહી રહ્યાં છે."
આ સિવાય બંને મહિલાઓના પિતાએ મદ્રાસ હાઈકોર્ટમાં જે અરજી કરી છે તે સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આમ થયું છે.
સમગ્ર મામલો શું છે?

નિવૃત્ત પ્રોફેસર કામરાજે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની બંને દીકરીઓ જે ઈશા યોગ કેન્દ્રમાં છે અને તેમને છોડાવીને બહાર લાવવામાં આવે.
પ્રોફેસર કામરાજનો આક્ષેપ છે કે તેમની દીકરીઓને બળજબરીપૂવર્ક ઈશા યોગ કેન્દ્રમાં રાખવામાં આવી છે અને ત્યાં તેમનું બ્રેઇનવૉશ કરવામાં આવી રહ્યું છે.
પરંતુ પ્રોફેસરની દીકરીઓએ મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું કે તેઓ પોતાની મરજીથી ઈશા યોગ સેન્ટરમાં રહે છે.
ઈશા યોગ સેન્ટર અનુસાર કોઈપણ વ્યક્તિને લગ્ન અથવા સન્યાસ લેવા બાબતે દબાણ કરવામાં આવતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેસની સુનાવણી બાદ મદ્રાસ હાઈકોર્ટે પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા હતા અને 4 ઑક્ટોબરના રોજ રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું.
કોર્ટના આદેશ બાદ પોલીસ અને અન્ય બીજા વિભાગોના અધિકારીઓએ ઈશા યોગ કેન્દ્ર પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બુધવારે સાંજ સુધી ચાલુ રહી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસને આ રીતે સંસ્થામાં પ્રવેશવાની પરવાનગી આપવી જોઈએ નહીં. કોર્ટે પોલીસને આદેશ આપ્યો છે કે, જે રિપોર્ટ મદ્રાસ હાઈકોર્ટમાં રજૂ કરવાના હતા તે હવે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે ઈશા યોગ કેન્દ્રમાં પાડ્યા દરોડા
કોયમ્બત્તૂરના વેલ્લિંગિરીમાં આવેલા ઈશા યોગ કેન્દ્ર પર કોયમ્બત્તૂર જિલ્લા પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ 150થી વધુ પોલીસકર્મીઓ અને સમાજ કલ્યાણ અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દરોડા બે દિવસ સુધી ચાલ્યા હતા.
મદ્રાસ હાઈકોર્ટે પોલીસને આદેશ આપ્યો હતો તે ઈશા યોગ કેન્દ્ર સામે જાતીય આક્ષેપો સહિત જેટલા પણ ફોજદારી કેસ છે તે અંગે એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે.
કોયમ્બત્તૂર જિલ્લા પોલીસ અધિક્ષક કાર્તિકેયનના નેતૃત્વમાં અલગ-અલગ વિભાગોના અધિકારીઓની ટીમે ઈશા યોગ કેન્દ્રમાં તપાસ હાથ ધરી હતી.
પોલીસે માત્ર ભિક્ષુકોની જ નહીં પરંતુ ઈશા કેન્દ્રમાં હાજર અનેક લોકોની પૂછપરછ કરી હતી.
મદ્રાસ હાઈકોર્ટે પોલીસને 4 ઑક્ટોબરના રોજ તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ રિપોર્ટ 18 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટને સોંપવામાં આવે.
કેસની પૃષ્ઠભૂમિ શું છે?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાલ 1992માં જગ્ગી વાસુદેવે કોયમ્બત્તૂર જિલ્લાના વેલ્લિંગિરી ખાતે ઈશા યોગ કેન્દ્રની સ્થાપના કરી હતી. આ કેન્દ્રમાં હજારો પરિણીત, અપરિણીત અને બ્રહ્મચર્યના માર્ગને અનુસરતા લોકો રહે છે.
કોયમ્બત્તૂર વડાવલ્લી વિસ્તારમાં રહેતા પ્રોફેસર કામરાજે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે ઈશા યોગ કેન્દ્રમાંથી પોતાની બંને દીકરીઓને પરત લાવવાની માંગ કરી હતી.
પ્રોફેસર કામરાજ તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા છે. તેઓ યુનિવર્સિટીની કૃષિ એન્જિનિયરિંગ વિભાગના વડા હતા. કામરાજનાં એક દીકરી 42 વર્ષનાં છે અને બીજી દીકરી 39 વર્ષનાં છે.
તેમની મોટી દીકરીએ ઇંગ્લૅન્ડની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી મેકાટ્રોનિક્સમાં માસ્ટર્સ કર્યું છે. સાલ 2008માં તેમનાં છૂટાછેડા થઈ જવાથી તેઓ ઈશા કેન્દ્રમાં જોડાઈ ગયાં હતાં.
પ્રોફેસર કામરાજની નાની દીકરી સૉફ્ટવૅર એન્જિનિયર છે. તેઓ પણ ઈશા સેન્ટરમાં રહે છે.
કામરાજે તેમની અરજીમાં આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીઓને 'મગજની કાર્યક્ષમતા ઘટાડવા માટે દવાઓ આપવામાં આવી હતી' અને તેના કારણે બંનેએ પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે.
કામરાજનો આક્ષેપ છે કે ઈશા કેન્દ્રમાં આવતાં કેટલાક લોકોનું બ્રેઇનવૉશ કરીને તેમને સાધુ બનાવી દેવામાં આવે છે. આ લોકોને તેમનાં માતા-પિતા સુધ્ધાંને પણ મળવાની પરવાનગી આપવામાં આવતી નથી.
કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કામરાજે જણાવ્યું કે, 15 જૂનના રોજ સાંજે 6 વાગ્યે મારી મોટી દીકરીએ મને ફોન કરીને કહ્યું કે જ્યાં સુધી ઈશા યોગ કેન્દ્ર સામેનો કેસ પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી મારી નાની દીકરી ઉપવાસ કરશે.
દીકરીઓનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મદ્રાસ હાઈકોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન પ્રોફેસર કામરાજનાં બંને દીકરીઓ કોર્ટમાં હાજર હતાં. કામરાજ દાવો કરે છે કે તેમની દીકરીઓ ઈશા કેન્દ્રમાં કેદ છે પરંતુ દીકરીઓ અનુસાર તેઓ ત્યાં પોતાની મરજીથી રહી રહ્યાં છે અને તેમની ઉપર કોઈએ દબાણ કર્યું નથી.
ઈશા યોગ કેન્દ્ર વતી હાજર રહેલા વકીલ કે. રાજેન્દ્રકુમારે દલીલ કરી હતી કે પુખ્ત વયના લોકોને તેમના જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર છે.
રાજેન્દ્રકુમારે કહ્યું કે દીકરીઓના અંગત નિર્ણયોમાં કોર્ટ દ્વારા હસ્તક્ષેપ કરવો બિનજરૂરી છે. પરંતુ ન્યાયાધીશોએ આ દલીલ સ્વીકારી નહોતી.
પિતાએ શું વિનંતી કરી છે?
પ્રોફેસર કામરાજ કહે છે કે, તેમનાં નાની દીકરી જ્યારે ચેન્નાઈમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં હતાં. કોલેજમાં જગ્ગી વાસુદેવનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં તે વાસુદેવથી પ્રભાવિત થયાં હતાં.
કામરાજે બીબીસીને જણાવ્યું કે તેમની દીકરી સાથે કૉલેજમાં ભણતી બીજી 20 છોકરીઓ પણ પોતાની નોકરી છોડીને ઈશા સેન્ટરમાં જોડાઈ ગઈ છે.
કામરાજે કહ્યું, “સાલ 2016માં બંને દીકરીઓ ઈશા સેન્ટરમાં જોડાઈ હતી. એ જ વર્ષે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી અને કોર્ટે બંને દીકરીઓને મળવાની મંજૂરી આપી હતી. સાલ 2017માં ઈશા કેન્દ્રના કહેવાથી મારી દીકરીઓએ સ્થાનિક અદાલતમાં મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.''
''મારી ઉપર ઈશા કેન્દ્રને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. કેસ પૂરો થતાં છ વર્ષ લાગ્યાં અને આટલા સમય સુધી હું મારી બંને દીકરીઓને મળી શક્યો નથી. ગયા વર્ષે મદ્રાસ હાઈકોર્ટના હસ્તક્ષેપ પછી, મને તેમને ફરીથી મળવાની મંજૂરી આપવામાં આવી હતી."
કામરાજે જણાવ્યું કે, ''તેમણે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી કે વરિષ્ઠ નાગરિક અધિનિયમ મુજબ દીકરીઓ માતા-પિતાની સંભાળ રાખવાની ફરજમાં નિષ્ફળ રહી છે. જ્યારે રેવન્યૂ કમિશનરના નેતૃત્વમાં તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ઈશા કેન્દ્રએ કહ્યું કે જો માતા-પિતા ઈશા કેન્દ્રમાં આવશે તો તેમની સંભાળ લેવામાં આવશે.''
મદ્રાસ હાઈકોર્ટે શું કહ્યું હતું?
આ કેસની સુનાવણી કરતી વખતે મદ્રાસ હાઈકોર્ટના જજ શિવજ્ઞાનમએ ઈશા કેન્દ્રની વિગતવાર તપાસના આદેશ આપ્યા હતા.
ન્યાયાધીશોએ પ્રશ્ન કર્યો હતો કે, સદગુરુ તરીકે ઓળખાતા જગ્ગી વાસુદેવે પોતાની દીકરીનાં લગ્ન કરાવ્યાં છે. પરંતુ યોગ કેન્દ્રોમાં રહેતાં મહિલાઓને માથું મુંડાવીને સન્યાસીની તરીકે રહેવાં માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આવું કેમ?"
ન્યાયાધીશોએ કોર્ટમાં હાજર મહિલાઓને પૂછ્યું હતું કે, "તમે આધ્યાત્મિક માર્ગ પર હોવાનો દાવો કરો છો. શું માતા-પિતાને છોડી દેવું એ તમને પાપ નથી લાગતું?"
મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે 'આની પાછળનું સત્ય જાણવા માટે વધુ તપાસની જરૂર છે'
મદ્રાસ હાઈકોર્ટે કોયમ્બત્તૂર ઉપનગરીય પોલીસને ઈશા કેન્દ્ર સામેના આક્ષેપોની તપાસ કરીને 4 ઑક્ટોબરના રોજ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
ઈશા સેન્ટરનું આ મામલે શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ આ બાબતે ઈશા યોગા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. ઈશા યોગ કેન્દ્રના પ્રવક્તાએ બીબીસી સાથે એક લેખિત નિવેદન શૅર કર્યું છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ઈશા યોગ કેન્દ્ર કોઈને લગ્ન કરવા અથવા સન્યાસ લેવા માટે દબાણ, પ્રોત્સાહિત અથવા પ્રેરિત કરતું નથી. બે બ્રહ્મચારી મહિલાઓનાં માતા-પિતા છેલ્લાં આઠ વર્ષથી ખોટા કેસો દાખલ કરી રહ્યાં છે.''
''કેટલાક ગુપ્ત હેતુઓ માટે તેઓ વિરોધપ્રદર્શન કરી રહ્યા છે અને બિનજરૂરી વિવાદ પેદા કરી રહ્યા છે. હાલમાં જ પ્રોફેસર કામરાજે ઈશા યોગ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને બંને દીકરીઓને મળ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ અમે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કર્યા છે.''
ઈશા યોગ કેન્દ્રે પોતાના નિવેદનમાં લખ્યું છે કે, "સાલ 2016માં કોયમ્બત્તૂર જિલ્લા ન્યાયાધીશોની એક સમિતિએ પ્રોફેસર કામરાજની અરજીની તપાસ કરી હતી. સમિતિના સભ્યો ઈશા યોગ કેન્દ્રમાં બંને બહેનોને મળ્યા હતા."
ઈશા યોગ કેન્દ્રના જણાવ્યા અનુસાર, ન્યાયાધીશોની સમિતિએ તે સમયે કહ્યું હતું કે, "માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલો કેસ સાચો નથી અને અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે જે લોકોની અટકાયત કરવામાં આવી હોવાનો આરોપ છે તેઓ પોતાની મરજીથી કેન્દ્રમાં રહે છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












