આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : યોગ એટલે માત્ર આસન નહીં, પણ તેનાં આઠ અંગ છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

21મી જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ રહી છે.

પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઊજવવામાં આવ્યો હતો.

પ્રાણાયામ એ યોગનાં આઠ અંગોમાંથી એક છે જેમાં શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. યોગના તમામ આઠ ભાગો મળીને અષ્ટાંગ યોગ કહેવાય છે.

યોગ એટલે જોડાવું. મનને કાબૂમાં રાખવું અને વૃત્તિઓથી મુક્ત થવું એ યોગ છે.

સદીઓ પહેલાં મહર્ષિ પતંજલિએ મુક્તિના આઠ દરવાજા વર્ણવ્યા, જેને આપણે 'અષ્ટાંગ યોગ' કહીએ છીએ.

હાલમાં, આપણે અષ્ટાંગ યોગના માત્ર અમુક ભાગો જ જાણીએ છીએ જેમ કે આસનો, પ્રાણાયામ અને ધ્યાન.

આજે અમે તમને પતંજલિ યોગનાં આઠ અંગો વિશે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છીએ.

1. યમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

યમ શબ્દ સંયમ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે સંયમિત વર્તન. યમના પાંચ ભાગ છે.

અહિંસા - મન, વચન અને કાર્યથી કોઈને નુકસાન ન કરવું

સત્ય - ભ્રમની દૂર સત્યનું જ્ઞાન

અસ્તેય - નકલ અથવા ચોરી ન કરવી

બ્રહ્મચર્ય - ચેતનાને બ્રહ્મ તત્વ સાથે એકાકાર રાખવી

અપરિગ્રહ - સંગ્રહખોરી અથવા સંચય ન કરવો

2. નિયમ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

નિયમોના પણ પ્રકાર છે.

શૌચ - આંતરિક અને બાહ્ય સ્વચ્છતા

સંતોષ - જે છે તે પૂરતું છે એમ સ્વીકારવું

તપ - સ્વયંને તપાવી અસત્યને બાળી નાખવું

સ્વાધ્યાય - આત્મા-પરમાત્માને સમજવા માટે અભ્યાસ કરવો

ઈશ્વર પ્રણિધાન - ભગવાન પ્રતિ સમર્પણ, અહંકારનો ત્યાગ

3. આસન

વિશ્વ યોગ દિવસ

યોગનો એ પ્રકાર જે વર્તમાન સમયમાં સૌથી વધુ પ્રખ્યાત છે તે આસન છે.

આસન એ માત્ર શારીરિક કસરત નથી.

મહર્ષિ પતંજલિએ તેના વિશે સમજાવતા કહ્યું હતું - સ્થિરમ્ સુખમ્ આસન.

શરીરની સ્થિરતા અને મનમાં આનંદ અને સહજતા એ જ આસન છે.

જો તમને આ બે સ્થિતિઓ ન મળે, તો તમે આસનમાં નથી.

4. પ્રાણાયામ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

પ્રાણાયામ એ શરીરમાં સૂક્ષ્મ જીવન શક્તિને વિસ્તારવાની સાધના છે.

યોગ યાજ્ઞવલ્ક્ય સંહિતામાં, પ્રાણ (આવતા શ્વાસ) અને અપાન (બહાર જતા શ્વાસ) પ્રત્યે સજાગતાના જોડાણને પ્રાણાયામ તરીકે વર્ણવવામાં આવ્યું છે.

શ્વાસની મદદથી આપણે શરીર અને મન બંનેને સાધી શકીએ છીએ.

હઠયોગ ગ્રંથ કહે છે 'ચલે વાટે, ચલન ચિત્ત' એટલે ઝડપી શ્વાસ લેવાથી આપણું મન તેજ બને છે અને શ્વાસને લયબદ્ધ કરવાથી મનમાં શાંતિ રહે છે.

સિદ્ધાર્થ ગૌતમને શ્વાસની શક્તિ દ્વારા જ બુધ્ધત્વ પ્રાપ્ત થયું. તે જ સમયે, ગુરુ નાનકે દરેક શ્વાસની રક્ષાને પરમાત્મા સાથે જોડાવા માટેની ચાવી છે એમ કહ્યું.

5. પ્રત્યાહાર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

આપણી પાસે 11 ઇન્દ્રિયો છે - એટલે કે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને એક મન.

પ્રત્યાહાર શબ્દ પ્રતિ અને આહારથી બનેલો છે, એટલે કે ઈન્દ્રિયો જે વસ્તુઓનો આનંદ લઈ રહી છે તેમાંથી તેને મૂળ સ્ત્રોત (સ્વ) તરફ વાળવી.

જાણકાર લોકો કહે છે કે જે સક્રિય છે તે દરેક વસ્તુ ઊર્જા વાપરે છે.

ઇન્દ્રિયોની સતત દોડ આપણી શક્તિને ઘટાડે છે. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોની દોડ ત્યજીને મગ્ન રહેવું.

6. ધારણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

'દેશ બંધઃ ચિત્તસ્ય ધારણા' એટલે મનને એક જગ્યાએ સ્થિર રાખવું એ ધારણા છે.

આપણે વારંવાર ધારણાને ધ્યાન સમજવાની ભૂલ કરીએ છીએ. ધારણા એ મનને એકાગ્ર કરવાની સાધના છે.

તેનાં ઘણાં સ્વરૂપો છે. જેમકે પ્રાણ-ધારણા એટલે કે શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું, જ્યોતિ અથવા બિંદુ ત્રાટક વગેરે.

ધારણા એ હકીકતમાં ધ્યાન પહેલાની અવસ્થા છે. મનમાં રહેલા વિચારોના પૂરને કાબૂમાં રાખીને ધારણા આપણને શાંતિ આપે છે.

7. ધ્યાન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

યોગ સૂત્રો કહે છે કે જ્યારે ધારણા ટકી રહે છે, ત્યારે ધ્યાન થાય છે.

તે સ્પષ્ટ વાત છે કે આપણે ધ્યાન કરી શકતા નથી, પરંતુ તે થઈ જાય છે. એટલે કે ધ્યાન લાગી જાય છે.

ધ્યાનના નામે આપણે જે પણ પદ્ધતિ કે પ્રક્રિયા અપનાવીએ છીએ, તે જ આપણને ધારણા એટલે કે એકાગ્રતા તરફ લઈ જઈ શકે છે.

ધ્યાન એ એવી સ્થિતિ છે જ્યાં કર્તા, પદ્ધતિ અથવા પ્રક્રિયાનું અસ્તિત્વ મટી જાય છે, ત્યાં માત્ર એક શૂન્યતા રહે છે.

ઉદાહરણ તરીકે, આપણે ઊંઘ પહેલાં ઊંઘવાની તૈયારી કરીએ છીએ, પરંતુ આ તૈયારી ઊંઘની ગેરંટી નથી, તે અચાનક આવી જાય છે.

8. સમાધિ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, યોગ એટલે શું, આસન, હેલ્થ, બીબીસી ગુજરાતી

સમાધિ શબ્દ સામ એટલે કે સમાનતા પરથી આવ્યો છે. યોગ યાજ્ઞવલ્ક્ય સંહિતામાં આત્મા અને પરમાત્મા વચ્ચેની સમાનતાની સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે.

મહર્ષિ પતંજલિ કહે છે કે જ્યારે યોગી તેના વાસ્તવિક સ્વરૂપ (સત્ ચિત્ આનંદ સ્વરૂપ) માં ડૂબી જાય છે, ત્યારે સાધકની તે સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.

સમાધિ એ સંપૂર્ણ યૌગિક અવસ્થાનું સ્વરૂપ છે.

આ અવસ્થા વ્યક્ત કરતાં કબીર કહે છે- ‘જબ-જબ ડોલૂં તબ-તબ પરિક્રમા. જો-જો કરું સો-સો પૂજા.’

બુદ્ધે આ અવસ્થાને નિર્વાણ અને મહાવીરે તેને કૈવલ્ય કહી છે.

(આલેખ: યોગગુરુ ધીરજ- 'યોગ સંજીવની'ના લેખક. ચિત્રાંકન: પુનીત બરનાલા)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન