લંડનમાં સાઉથેન્ડ ઍરપૉર્ટ પર ધડાકા સાથે એક પ્લેન ક્રૅશ, ત્યારબાદ શું થયું?

    • લેેખક, હૅરિયેટ હેવૂડ
    • પદ, બીબીસી સંવાદદાતા

લંડનમાં એક વિમાન ક્રૅશ થયાં પછી વિમાન તરત જ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું, જેના કારણે સાઉથેન્ડ ઍરપૉર્ટ આગામી સૂચના સુધી બંધ રહેશે.

ઍસેક્સ પોલીસે જણાવ્યું કે રવિવારે સાંજે ચાર વાગ્યા (ભારતીય સમય મુજબ)થી થોડા સમય અગાઉ સાઉથેન્ડ ઍરપૉર્ટ નજીક 12 મીટર લાંબા એક વિમાનમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી.

સાઉથેન્ડ ઍરપૉર્ટે જણાવ્યું કે કોઈ પણ અપડેટ વિશે લોકોને સૂચના આપવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રવાસીઓએ સોમવારે પ્રવાસ કરતા અગાઉ પોતાની ઍરલાઇનનો સંપર્ક કરવો.

આ ઘટનામાં કોઈ જાનહાનિ થયા વિશે પુષ્ટિ નથી મળી.

ડચ કંપની ઝ્યુચ ઍવિયેશને કહ્યું કે તેના SUZ-1 વિમાનને લંડનના સાઉથેન્ડ ઍરપૉર્ટ પર અકસ્માત નડ્યો છે.

નેધરલૅન્ડના લેલિસ્ટેડ ઍરપૉર્ટથી સંચાલિત કંપનીએ જણાવ્યું કે "તેઓ તપાસમાં સત્તાવાળાઓને સહકાર આપી રહ્યા છે" અને 'અસરગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ' ધરાવે છે.

આ વિમાને ગ્રીસની રાજધાની એથેન્સથી ઉડાન ભરી હતી અને સાંજ સુધીમાં લેલીસ્ટેડ ઍરપૉર્ટ પર પાછું આવવાનું હતું.

ઍસેક્સના 40 વર્ષીય જ્હોન જ્હોન્સન પોતાનાં પત્ની અને બાળકો સાથે વિમાન જોઈ રહ્યાં હતાં, ત્યારે તેમણે જોયું કે વિમાન સૌથી પહેલાં ક્રૅશ થઈને જમીન પર પટકાયું અને પછી આગના ગોળામાં ફેરવાઈ ગયું.

જ્હોન્સને કહ્યું કે તેમનાં બાળકોને વિમાનોમાં રસ છે તેથી તેઓ પત્ની અને બાળકો સાથે ઍરપૉર્ટ આવ્યાં હતાં.

તેમણે બીબીસીને જણાવ્યું કે, "તમે (પાઇલટ્સને) સ્મિત કરતા જોઈ શકો, અમે પણ વળતું સ્મિત કર્યું. ત્યાર પછી વિમાને 180 ડિગ્રીનો વળાંક લીધો, ટેક-ઑફ કરવાના પૉઇન્ટ પર પહોંચ્યું, તેનાં ઍન્જિન ચાલું કર્યાં, અમારી પાસેથી પસાર થયું અને રન-વે પર દોડવા લાગ્યું."

"ત્રણથી ચાર સેકન્ડ પછી તે ટેક-ઑફ થયું અને ડાબી બાજુ નમવા લાગ્યું."

"મેં મારી પત્નીને કહ્યું કે આ અસામાન્ય છે. સામાન્ય રીતે ઉપર ચઢતી વખતે વિમાન આવી રીતે એક બાજુ વળાંક નથી લેતું."

"ત્યાર પછી થોડી જ સેકન્ડમાં વિમાને ગોથું ખાધું અને જમીન પર પટકાયું. આગનો એક મોટો ગોળો દેખાયો."

તેમણે 999 પર ફોન કરીને ઘટના વિશે જાણ કરી.

બધા લોકો વિમાન તરફ દોડવા લાગ્યા

રોકફર્ડ હન્ડ્રેડ ગોલ્ફ ક્લબમાં બાર-ટેન્ડર તરીકે કામ કરતા જૅમ્સ ફિલપૉટને અચાનક પ્રચંડ ગરમી અનુભવાઈ હતી.

તેમણે બીબીસીને કહ્યું કે "મેં માથું ઉઠાવીને જોયું તો આગનો મોટો ગોળો હતો."

"અમને બધાને આંચકો લાગ્યો હતો. અમે આવું ક્યારેય જોયું ન હતું."

"કોઈને ઈજા થઈ છે કે નહીં તે જોવા માટે લોકો તેના તરફ દોડવા લાગ્યા હતા."

ક્રૅશની જગ્યાથી નજીક હોવાના કારણે ગોલ્ફકોર્સ પરથી લોકોને હટાવવામાં આવ્યા હતા, પરંતુ ફિલપૉટે જણાવ્યું કે કેટલાક લોકો ક્લબહાઉસ પર જ રહ્યા હતા.

સાઉથેન્ડ ઍરપૉર્ટ નજીક આવેલી વેસ્ટક્લિફ રગ્બી ક્લબના ચૅરમૅને કહ્યું કે પ્લેન ક્રૅશ પછી ક્લબ પરના લોકોને ત્યાંથી ખસેડવાની જરૂર પડી ન હતી.

પીટ જૉન્સે કહ્યું કે પોલીસે મન બદલી નાખતા તેવું ન થયું.

"અમે અહીં મોટી ઇવેન્ટ રાખી હતી. 250 લોકો હતા. તેમણે કહ્યું કે તમારે સ્થળ ખાલી કરવાની જરૂર નથી."

જૉન્સે કહ્યું કે "ક્લબહાઉસથી લગભગ 1000 મીટરના અંતરે વિમાન નીચે પડ્યું. ત્યાર પછી વિમાનમાંથી ધુમાડો નીકળતો જોઈ શકાતો હતો."

ઍસેક્સ પોલીસે કહ્યું કે "તેઓ ઍર ઍક્સિડન્ટ ઇન્વેસ્ટીગેશન બ્રાન્ચ સાથે કામ કરે છે."

અધિકારીએ કહ્યું કે "આ શરૂઆતના તબક્કામાં અમે જરૂરી માહિતી એકત્ર કરીએ અને ઍસેક્સના લોકોને મદદ કરીએ તે જરૂરી છે."

પોલીસે અકસ્માત માટેના ખાસ પોર્ટલનો ઉપયોગ કરીને લોકોને ઇમર્જન્સી લાઇન ખુલ્લી રાખવા જણાવ્યું હતું.

લોકોને દુર્ઘટનાસ્થળ નજીક ન જવા સલાહ

પરિવહન મંત્રીએ જણાવ્યું કે તેઓ સાઉથેન્ડ ઍરપૉર્ટ ક્રૅશના પીડિતોની સાથે છે અને તેમને નિયમિત અપડેટ્સ મળી રહ્યા છે.

હેઇડી એલેક્ઝાન્ડરે એક્સ પર લખ્યું કે "આજે બપોર પછી સાઉથેન્ડ ઍરપૉર્ટ પર બનેલી દુ:ખદ ઘટનાથી હું વાકેફ છું."

"ઇમર્જન્સી સર્વિસ ઘટનાસ્થળે પહોંચી છે અને લોકોને એ જગ્યાએ ન જવા સલાહ આપવામાં આવી રહી છે."

તેમણે કહ્યું, "હું પરિસ્થિતિ પર નજર રાખી રહી છું અને અપડેટ મેળવી રહી છું."

રવિવારે સાંજે સાઉથેન્ડ વેસ્ટ અને લેઇના લેબર પાર્ટીના સાંસદ અને સાઉથેન્ડ સિટી કાઉન્સિલના બિઝનેસ, સંસ્કૃતિ, સંગીત અને પર્યટન માટેના કૅબિનેટ સભ્યએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાથી વાકેફ કરવામાં આવ્યા છે.

ડૅવિડ બર્ટન-સૅમ્પસન અને મૅટ ડેન્ટે ઍક્સ પર પોસ્ટ કરી હતી કે અસરગ્રસ્ત લોકો અને ઇમર્જન્સી સર્વિસ આપતા લોકો સાથે તેઓ સહાનુભૂતિ ધરાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન