વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં ગયા છે તે બ્રુનેઈ દેશ કેવો છે અને શું છે તે દેશમાં કે જેની આટલી ચર્ચા થઈ રહી છે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે રાષ્ટ્રોની વિદેશયાત્રાના પહેલા તબક્કે બ્રુનેઈ પહોંચ્યા અને અહીંથી સિંગાપોર જશે.

વડા પ્રધાને અહીંના ભારતીય સમાજ સાથે વાત કરી અને તેમને બંને દેશોને જોડનારા સેતુરૂપ કહ્યા. મોદીએ હાઈકમિશનની નવી ઇમારતનું લોકાર્પણ પણ કર્યું.

વડા પ્રધાન મોદી તેમની યાત્રા દરમિયાન અલી સૈફુદ્દીન મસ્જિદ ગયા હતા.

બ્રુનેઈ પૂર્વ એશિયાનો આ દેશ વિશ્વના ટચૂકડા દેશોમાંથી એક છે, જ્યાં તેના સુલતાન હસનઅલ બોલ્કિયાનું 'વેણ જ વહીવટ' છે.

ગિનીઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર વિશ્વનો સૌથી મોટો નિવાસી મહેલ, અશ્વો માટે ઍરકન્ડીશન્ડ તબેલો, સોને મઢેલાં ટાઇલૅટ્સ; ફરારી, રોલ્સ રૉયસ અને લૅમ્બર્ગીની સહિત લગભગ સાત હજાર વૈભવી ગાડીઓનો કાફલો અને સોનાનું રાચરચીલું ધરાવતા પ્રાઇવેટ જેટ જેવી જણસો તેમની સંપત્તિમાં સામેલ છે.

બ્રુનેઈના નાગરિકોએ નોકરી, રહેવાની કે ટૅક્સની ચિંતા કરવાની જરૂર નથી રહેતી.

વૈભવી મહેલ અને ગાડીઓ

બ્રુનેઈના સુલતાન હસનઅલ બોલ્કિયા વર્ષો સુધી 'વિશ્વમાં સૌથી ધનવાન વ્યક્તિ' રહ્યા છે. તેમણે સ્વતંત્રતાની ખુશીમાં વર્ષ 1984માં 'ઇસ્તાના નુરુલ ઇમાન'નું નિર્માણ કર્યું, જે વિશ્વનો સૌથી મોટો રહેણાંક મહેલ છે.

ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ અનુસાર આ મહેલ બે લાખ વર્ગ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં એક હજાર 788 રૂમ છે. મહેલનો મુખ્ય હૉલ શાહી કાર્યક્રમ માટે એક સાથે પાંચ હજાર જેટલા મહેમાનોને સમાવી શકે છે. સુલતાન તથા તેમનાં બેગમના તખતની ઉપર સોનાનું છત્ર અને સુવર્ણજડિત પૃષ્ઠભૂમિ છે.

મહેલમાં પાંચ સ્વિમિંગ પુલ તથા 200 અશ્વોને સમાવી શકે તેઓ ઍરકન્ડિશન્ડ તબેલો છે. વર્ષ 1984માં તેના નિર્માણ પાછળ એક અબજ 40 કરોડ ડૉલરનો ખર્ચ થયો હતો.

2011માં સુલતાને વિશ્વમાં સૌથી વધુ રોલ્સ રોયસ ગાડી ધરાવવાનો કિર્તીમાન પોતાના નામે કર્યો હતો. તેમના ગૅરેજમાં પૉર્શ, બુગાતી, બૅન્ટલે, જેગ્યુઆર, મર્સિડિઝનો સમાવેશ થાય છે.

સુલતાન સોનાજડિત રોલ્સરૉયસમાં જાહેરજનતા વચ્ચે આવે છે. ગાડી ઉપર સોનાની છત્રી છે અને તેની રીમ ઉપર પણ સોનું લગાડેલું છે.

બ્રુનેઈ ઇન્વેસ્ટમૅન્ટ એજન્સીના નેજા હેઠળ સુલતાન લંડન તથા અમેરિકામાં વિખ્યાત હૉટલો ધરાવે છે જેમાં ડોરચેસ્ટર અને બેવર્લી હિલ હોટલ્સ પણ સામેલ છે. બ્રુનેઈ ઍરલાઇન્સની ઉડ્ડાણો એશિયા તથા યુરોપિયન દેશોને જોડે છે.

આવકવેરો કે ઘરની ચિંતા નહીં

તમામ બ્રુનેઈવાસી મલય નથી. મલેશિયામાં 80 ટકા વસતી મુસ્લિમની છે, જે આસપાસના ઇસ્લામિક દેશોની સરખામણીમાં ઓછી છે. અહીં મુખ્યત્વે મલય ભાષા બોલાય છે, પરંતુ ઇંગ્લિશ પણ વ્યાપક રીતે પ્રચલિત છે.

બ્રુનેઈવાસીઓએ આવકવેરો નથી ભરવો પડતો. નાગરિકોને અલગ-અલગ યોજના હેઠળ સુલતાન દ્વારા જ સમયાંતરે રહેણાંક જમીન કે ઘરોની ફાળવણી કરવામાં આવે છે.

વર્ષ 2019માં બીબીસીની ટીમ બ્રુનેઈ પહોંચી ત્યારે જૉનાથન હેડે અવલોક્યું કે પ્રથમ નજરે તે સિંગાપોર જેવું જણાય આવે. પાટનગર બંદર સિરી બેગવાનના રસ્તા પહોળા, સારી રીતે રખરખાવ કરાયેલા અને સ્વચ્છ છે. પુષ્કળ લીલોપવન ઉપરાંત રાહદારીઓ માટે ખાસ્સા મોટા ફૂટપાથ છે. નગર શાંત, સલામત અને આયોજનબદ્ધ છે. અહીં ઠેર-ઠેર સુલતાનની તસવીરો જોવા મળે છે.

શુક્રવારની બપોરે અહીંના રસ્તા સૂમસામ થઈ જાય છે. સરકારી કચેરીઓ અને દુકાનો બંધ રહે છે. મુસ્લિમોએ નજીકની મસ્જિદોમાં જવું ફરજિયાત છે.

ઘણાં લોકો શનિવારની રાત્રે મલેશિયાના લિમ્બાંગ શહેરમાં પહોંચી જાય છે, જ્યાં તેઓ છૂટથી સ્મૉક અને ડ્રિંક કરે છે. ઊંચા અવાજે સંગીતના તાલે ઝુમે છે, જે ઘરઆંગણે સુગમ નથી.

દેશમાં સુલતાનનું 'વેણ જ વહીવટ' છે. કોઈપણ નાગરિક તેમનો બોલ ઉથાપી ન શકે. બ્રુનેઈમાં કોઈ વિપક્ષ કે સિવિલ સોસાયટી નથી. વર્ષ 1962માં કટોકટી લાદવામાં આવી હતી, જે યથાવત્ છે. લોકો એકઠાં ન થઈ શકે કે પોતાના વિચારોને રજૂ ન કરી શકે.

વિદેશીઓ એમાં પણ વિશેષ કરીને શ્વેત કે પશ્ચિમી લોકો તથા સંદિગ્ધ વિરોધીઓ ઉપર ઇન્ટર્નલ સિક્યૉરિટી ડિપાર્ટમેન્ટ નજર રાખે છે. વિરોધીઓ ઉપર દેશદ્રોહનો કડક કાયદો લગાડવામાં આવે છે.

બ્રુનેઈમાં મીડિયા સ્વતંત્ર નથી. રાજવી પરિવાર તેની માલિકી ધરાવે છે અથવા તેને નિયંત્રિત કરે છે. રાજકારણ અને ધર્મની બાબતમાં મીડિયા સ્વ-સૅન્સરશિપનું પાલન કરે છે. વર્ષ 2004માં સંસદ ફરી ખુલી, જેમાં અમુક સભ્યોની ચૂંટણી વગર સીધી જ નિમણૂક કરવામાં આવી.

વર્ષ 2014માં બ્રુનેઈમાં શરિયતનો કાયદો લાગુ થયો. પહેલા તબક્કે સામાન્ય કાયદો અને શરિયત એકસાથે અમલમાં હતા. જેમાં સજા અને દંડનીય જોગવાઈઓ લાગુ થઈ હતી.

વર્ષ 2019માં તે પૂર્ણપણે લાગુ થયો. મધ્ય-પૂર્વ એશિયા તથા આફ્રિકાના અનેક દેશોમાં શરિયત લાગુ છે, પરંતુ બ્રુનેઈ આમ કરનારો પૂર્વએશિયાનો પ્રથમ દેશ બન્યો.

જેમાં ચોરી, લૂંટ બદલ હાથ કાપી નાખવા, લગ્નેત્તર કે અકુદરતી સંબંધ બદલ પથ્થરથી માર મારીને હત્યા જેવી સજાકીય જોગવાઈઓ હતી. આમ તો 1957થી બ્રુનેઈમાં કોઈને મૃત્યુદંડ અપાયો ન હતો, છતાં આંતરરાષ્ટ્રીય દબાણને પગલે આ જોગવાઈઓ પડતી મૂકવામાં આવી હતી.

દક્ષિણ પૂર્વ એશિયામાં ઇસ્લામના જાણકાર ડૉમનિક મ્યુલરના કહેવા પ્રમાણે, 'સુલતાન ગત ત્રણ દાયકાઓમાં ઝડપથી ધર્મ તરફ વધ્યા છે. ખાસ કરીને 1987માં તેમની મક્કા યાત્રા બાદ. તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે અલ્લાહની મરજી અનુસાર બ્રુનેઈ શરીયત લાવવા માગેછે. સરકારી મુફ્તી પણ આવું જ વિચારે છે. ઇસ્લામિક સરકારી અધિકારીઓને ઘટાડીને ન જોઈ શકાય. ઇસ્લામિક સરકારી અધિકારીઓ લાંબા સમયથી સુલતાનો અને જનતાને કહેતા આવ્યા છે કે બ્રુનેઈમાં અલ્લાહનો કાયદો લાગુ કરવો જોઈએ.'

'ઇસ્લામિક તત્ત્વો દ્વારા હસનઅલની સલ્તનતને પડકાર ઊભો ન થાય, તે માટે તેમણે ઇસ્લામવાદી વલણ અપનાવ્યું હોય શકે છે, જેથી રાજકીય સમર્થન મળી રહે.'

રોજગારના મુખ્ય સ્રોત સરકારી નોકરીઓમાં ઘટાડો, બેરોજગારી, સપાટ વિકાસદર, ક્રૂડતેલના નીચા ભાવો તથા નાણાખાધને કારણે સત્તાની કાયદેસરતાને જાળવી રાખવા માટે તેમણે કટ્ટર ઇસ્લામિક સિદ્ધાંત અપનાવ્યા હોવાનું ચર્ચાય છે.

બ્રુનેઈમાં સર્વોચ્ચ સત્તાધીશ સુલતાન

બ્રુનેઈનું સત્તાવાર નામ બ્રુનેઈ દારેસલામ છે, જેણે ચાલીસેક વર્ષ પહેલાં આઝાદી હાંસલ કરી. હસનઅલ બોલ્કિયા દેશના 29મા સુલતાન છે.

તે વિશ્વભરમાં સળંગ રીતે ચાલી આવતી અને સમૃદ્ધ મુસ્લિમ સલ્તનતમાંથી એક છે.

વર્ષ 1841માં બ્રુનેઈના તત્કાલીન સુલતાને ગૃહયુદ્ધ દરમિયાન મદદ કરવા બદલ બ્રિટિશ સૈન્યઅધિકારી જેમ્સ બ્રૂકને સારાવાક પ્રાંતનું નિયંત્રણ સોંપી દીધું. વર્ષ 1846માં લાબુઆન પણ બ્રિટનને સોંપી દેતા તેમની પાસે હાલ જેટલો વિસ્તાર રહ્યો.

હાલ બ્રુનેઈના લગભગ પાંચ હજાર 765 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ચાર લાખ 60 હજાર જેટલા લોકો રહે છે. વર્ષ 1888માં બ્રુનેઈએ બ્રિટનનું સંરક્ષણ સ્વીકાર્યું.

વર્ષ 1929માં બ્રુનેઈમાંથી ઑઈલ અને ગૅસના ભંડાર મળી આવ્યા, જેના કારણે સમગ્ર દેશની કિસ્મત પલટાઈ ગઈ. આ પહેલાં ઑઈલની ખોજમાં અહીં પહોંચેલા વિદેશીઓમાં બ્રિટિશરાજ હેઠળના ભારતીયોનો પણ સમાવેશ થતો હતો.

1963માં મલેશિયા સ્વરૂપે રજવાડાંના સંઘનું સ્વરૂપ સ્વીકાર્યું, ત્યારે બ્રુનેઈએ અલગ રહેવાનું પસંદ કર્યું. આ માટે તેમણે ઉગ્ર વિરોધપ્રદર્શન તથા બળવાનો પણ સામનો કર્યો. વર્ષ 1984માં બ્રુનેઈ સંપૂર્ણપણે સ્વતંત્ર થયું.

વર્ષ 1967માં હસનઅલના પિતા સર હાજી ઉમર અલી સૈફુદ્દીને પદત્યાગ કર્યો, ત્યારે ઑગસ્ટ-1967માં તેઓ તખતનશીન થયા. હસનઅલ બોલ્કિયા સમગ્ર દેશ ઉપર અબાધિત પ્રભુત્વ ધરાવે છે. તેઓ વડા પ્રધાન ઉપરાંત વિદેશમંત્રી, સંરક્ષણ મંત્રી, નાણામંત્રી તથા બ્રુનેઈમાં ઇસ્લામના સર્વેસર્વા છે.

વર્ષ 1984માં મલેશિયા સ્વતંત્ર થયું ત્યારે સંસદને ભંગ કરી દેવામાં આવી, છતાં સુલતાને જ વડા પ્રધાનનું પદ ધારણ કર્યું. વર્ષ 1991માં તેમણે 'મલય મુસ્લિમ સુલતાન'ની વિભાવના રજૂ કરી અને ધર્મના સંરક્ષક તરીકેનું પદ ધારણ કર્યું.

એશિયાના સૌથી વધુ વાંચ્છુક યુવક

સુલતાન હસનઅલના 10મા દીકરા પ્રિન્સ અબ્દુલ મતીન ધનસંપદા, દેખાવ તથા સૈન્યસેવાઓને કારણે એક સમયે 'એશિયાના સૌથી વધુ વાંચ્છુક યુવક' તરીકે ઓળખાતા.

જાન્યુઆરી-2024માં તેમણે અનિશા રોશના નામનાં યુવતી સાથે નિકાહ કર્યાં. અનિશા ફૅશન તથા ટ્રાવેલ કંપની ચલાવતાં હોવાના, જ્યારે તેમના દાદા સુલતાનના સલાહકાર હોવાના અહેવાલ છે.

સુલતાનના મહેલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશ-વિદેશના પાંચ હજાર કરતાં વધુ મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં જૉર્ડન તથા સાઉદી અરેબિયાના રાજવી પરિવારના સભ્યો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ તથા ફિલિપિન્સના પૂર્વ રાષ્ટ્રપતિ વગેરેનો સમાવેશ થતો હતો.

જ્યારે રાજધાની બંદર સિરી બેગવાનના રસ્તા ઉપર ખુલ્લી રોલ્સ રોયસમાં નવદંપતીનો કાફલો નીકળ્યો, ત્યારે હજારો નાગરિકો તેમને જોવા તથા તેમના ફોટોગ્રાફ લેવા માટે આતુર હતા.

બ્રુનેઈ અને ભારતના સંબંધ

ભારતના વિદેશ મંત્રાલયની વિજ્ઞપ્તી પ્રમાણે, લગભગ 14 હજાર પાંચસો ભારતીયો બ્રુનેઈમાં રહે છે, જેમાં અડધોઅડધ બાંધકામ તથા ઑઈલક્ષેત્રે શ્રમિક છે. બાકીની વસતી શિક્ષણ, એંજિનિયરિંગ તથા તબીબી ક્ષેત્રે કામ કરે છે.

બ્રુનેઈની સ્વતંત્રતા સાથે જ ભારતના નવગઠિત દેશ સાથે કૂટનીતિક સંબંધ પ્રસ્થાપિત થયા હતા. મલેશિયાના હાઈકમિશનર જ બ્રુનેઈનો કારભાર સંભાળતા. વર્ષ ઑગસ્ટ-1992માં બ્રુનેઈ ખાતે રૅસિડન્ટ હાઈકમિશનની સ્થાપના થઈ, જ્યારે મે-1993માં મિશન શરૂ થયું.

બિનજોડાણવાદ, કૉમનવૅલ્થ તથા આસિયાન જેવા ગઠબંધનો તથા સાંસ્કૃતિક સામ્યતાને કારણે ભારત અને બ્રુનેઈ વચ્ચે નિકટતા વધવા પામી હતી.

વર્ષ 2022માં ભારતે 31 કરોડ 40 લાખ ડૉલરનાં ઉત્પાદનોની નિકાસ કરી હતી, જ્યારે 69 કરોડ ડૉલર જેટલી આયાત કરી હતી. ભારત દ્વારા ઑટોમોબાઇલ, એંજિનિયરિંગ, ચોખા તથા તેજાનાની નિકાસ કરવામાં આવે છે, જ્યારે મુખ્યત્વે ક્રૂડઑઈલની આયાત કરવામાં આવે છે.

વર્ષ 1992, 2008, 2012 તથા 2018માં સુલતાન હસનઅલ ભારત આવ્યા હતા. વર્ષ 2012માં તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે બ્રુનેઈ ગયા હતા.

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ભારત અને બ્રુનેઈ વચ્ચે સૈન્ય આદાનપ્રદાન વધ્યું છે. ભારતના કેટલાક સૈન્યઅધિકારીઓ બ્રુનેઈમાં લશ્કરી તાલીમ મેળવી છે, તો બ્રુનેઈની શાહી સેનાના અમુક અધિકારીઓ તાલીમ મેળવવા ભારત આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.