You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આઈસી 814 : કંદહાર અપહરણકાંડ પર આધારિત અનુભવ સિન્હાની નૅટફ્લિક્સ વેબસિરીઝ પર કયો વિવાદ થયો
ફિલ્મ દિગદર્શક અનુભવ સિન્હા અને તેમની નવી વેબસિરીઝ ચર્ચામાં છે. આઈસી-814 વેબસિરીઝ હાલમાં ઓટીટી પ્લૅટફૉર્મ નૅટફ્લિક્સ પર રિલિઝ થઈ છે. આ સિરીઝ કંદહાર હાઇજેક કાંડ પર આધારિત છે.
સોશિયલ મીડિયા પર આ સિરીઝને બૉયકોટ કરવાની માગણીઓ થઈ રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ #IC814, #BoycottNetflix, #BoycottBollywood જેવા હૅશટૅગનો ઉપયોગ કરીને પોતાનો વિરોધ જાહેર કરી રહ્યા છે.
શું છે આરોપ?
સોશિયલ મીડિયા પર યૂઝર્સનો આરોપ છે કે અનુભવ સિન્હાએ જાણીજોઈને તથ્યો સાથે છેડછાડ કરી છે.
તેમનું કહેવું છે કે સિરીઝનો ઉપયોગ એક પ્રૉપેગૅન્ડા તરીકે કરવામાં આવ્યો છે. કારણ કે આ સિરીઝમાં હાઇજેકર્સના નામ ચીફ, ડૉક્ટર, બર્ગર, ભોલા અને શંકર બતાવવામાં આવ્યાં છે.
યૂઝર્સનો આરોપ છે કે વેબસિરીઝમાં ચાર હાઇજેકર્સનાં નામો જાણીજોઈને બદલવામાં આવ્યાં હતાં.
સોશિયલ મીડિયા પર દલીલો વચ્ચે ઑલ ઇન્ડિયા રેડિયો અને ડીડી ન્યૂઝે જણાવ્યું છે કે આ મામલે કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રાલયે નૅટફ્લિક્સના કન્ટેન્ટ હેડને બોલાવ્યા હતા.
બંને ચૅનલોએ આપેલી માહિતી પ્રમાણે નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને સૂચના પ્રસારણ મંત્રાલય અધિકારીઓ સામે હાજર થવાનું હતું.
કોણે શું કહ્યું?
આ વિવાદમાં ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા હેડ અમિત માલવીયએ નિર્માતાઓ પર નિશાન સાધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિતે કહ્યું, “આઈસી 814ના હાઇજેકર્સ આતંકવાદી હતા. તેમણે પોતાની મુસ્લિમ ઓળખાણ છુપાવી હતી. અનુભવ સિન્હાએ તેમને ગેરમુસ્લિમ નામ આપીને તેમના ગુનાને છૂપાવવાનો પ્રયાસ કર્યો છે. તેનું શું પરિણામ થશે? દાયકાઓ પછી લોકો વિચારશે કે આઈસી 814ને હિન્દુઓએ હાઇજેક કર્યું હતું.”
જોકે, આ મુદે ફિલ્મમેકર અનુભવ સિન્હાએ કોઈ નિવેદન આપ્યું નથી. જોકે, તેમણે કૉંગ્રેસ પ્રવક્તા ડૉક્ટર અરૂણેશકુમાર યાદવની એક પોસ્ટને રિપોસ્ટ કરી હતી.
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે પોતે જ હાઇજેકર્સનાં નામો જણાવ્યાં હતાં.
જોકે, ડૉક્ટર યાદવની પોસ્ટ પણ વાસ્તવિક નથી. તેમણે પત્રકાર સિદ્ધાંત મોહનની પોસ્ટનો હવાલો આપીને આ વાત કરી હતી.
સિદ્ધાંત મોહને લખ્યું છે, “હાઇજેકર્સનાં નામોને લઈને કેટલાક લોકો હંગામો કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમનાં સાચાં નામોનો ઉપયોગ કેમ ન કર્યો? ‘ભોલા’ અને ‘શંકર’ કહીને બોલાવવા હિંદુ ધર્મનું અપમાન છે. હકીકત એ છે કે હાઇજેકર્સ આ નામ આપીને જ પ્લૅનમાં દાખલ થયા હતા. તેમનાં સાચાં નામ સિરીઝને અંતે આવે છે.”
તેમણે પોતાની પોસ્ટમાં સરકારની એક વિજ્ઞપ્તિનો એક હિસ્સો પણ લગાવ્યો છે.
વેબસિરીઝના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “શો માટે તમામ રિસર્ચ કરવામાં આવી છે. હાઇજેકર્સ એકબીજાને આ નામથી જ બોલાવતા હતા.”
શું છે હકીકત?
ગૃહ મંત્રાલયે 6 જાન્યુઆરી, 2000ના રોજ જાહેર કરેલા નિવેદન પ્રમાણે, હાઇજેકર્સના સાચાં નામો ઇબ્રાહિમ અતહર (બહાવલપુર), શાહિદ અખ્તર સૈયદ (ગુલશન ઇકબાલ, કરાચી), સની અહમદ કાઝી (ડિફેન્સ એરિયા, કરાચી), મિસ્ત્રી ઝહૂર ઇબ્રાહિમ (અખ્તર કૉલોની, કરાચી) અને શાકિર (સુક્કૂર સિટી) હતા.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મુસાફરોની સામે હાઇજેકર્સ એકબીજાને ચીફ, ડૉક્ટર, બર્ગર, ભોલા અને શંકરના નામે સંબોધિત કરી રહ્યા હતા.
ગૃહ મંત્રાલયનું આ નિવેદન ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર આજે પણ છે.
ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લૅન હાઇજેકની ઘટના પછી ગુપ્તચર એજન્સીઓએ મુંબઈથી ચાર ચરમપંથીઓની ધરપકડ કરી હતી.
મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, આ ચરમપંથીઓ પાસેથી જાણકારી મળી કે હાઇજેકની આખી યોજના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈનું એક ઑપરેશન હતું જેને ચરમપંથી સંગઠન હરકત-ઉલ-અંસારે અંજામ આપ્યો હતો.
વેબસિરીઝ શેના પર આધારિત છે?
નૅટફ્લિક્સની આ વેબસિરીઝ પત્રકાર શ્રીન્જૉય ચૌધરી અને કૅપ્ટન દેવી શરણ (ફ્લાઇટ આઈસી 814ના પાઇલટ)નું પુસ્તક “ફ્લાઇટ ઇન ટૂ ફિયર : ધી કૅપ્ટન્સ સ્ટોરી” પર આધારિત છે.
આ કંધાર પ્લૅન હાઇજેકની ઘટના પર આધારિત છે. આ સિરીઝમાં વિજય વર્મા, નસીરૂદ્દીન શાહ, પંકજ કપૂર, મનોજ પાહવા, અરવિંદ સ્વામી, અનુપમ ત્રિપાઠી, દીયા મિર્ઝા, પત્રલેખા, અમૃતા પુરી, દિબ્યેંદુ ભટ્ટાચાર્ય અને કુમુદ મિશ્રાએ કામ કર્યું છે.
કંદહારમાં શું થયું હતું?
ચરમપંથી સંગઠન હરકત-ઉલ-અંસારનાં પાંચ ચરમપંથીઓએ 24મી ડિસેમ્બર, 1999ના દિવસે નેપાળની રાજધાની કાઠમાંડૂથી દિલ્હી જઈ રહેલી ફ્લાઇટને હાઇજેક કરી લીધી હતી.
આ દરમિયાન વિમાનમાં મુસાફરો અને ક્રુ મેમ્બર મળીને કુલ 180 લોકો સવાર હતા. વિમાન હાઇજેક કર્યા પછી થોડાક જ કલાકોમાં ચરમપંથીઓએ એક મુસાફર રૂપિન કાત્યાલની હત્યા કરી દીધી. 25 વર્ષનાં રૂપિન કાત્યાલ પર ચરમપંથીએ ચાકુના ઘા માર્યા. આ વિમાન રાતે લગભગ પોણા બે વાગ્યે દુબઈ પહોંચ્યું. ત્યાં ઇંધણ ભરાવવાના બદલામાં કેટલાક મુસાફરોને મુક્ત કરવા પર સમજૂતી થઈ હતી.
દુબઈમાં 27 મુસાફરોને છોડવામાં આવ્યાં, જેમાં મોટેભાગે મહિલાઓ અને બાળકો સામેલ હતાં. પેટના કૅન્સરના દર્દી સિમોન બરાર નામક મહિલાને કંદહારમાં સારવાર માટે વિમાનની બહાર જવા માટે માત્ર 90 મિનિટની પરવાનગી આપવામાં આવી હતી.
ચરમપંથીઓએ શરૂઆતમાં પોતાના 36 સાથી ચરમપંથીઓને મુક્ત કરવાની અને સાથે-સાથે 20 કરોડ અમેરિકન ડૉલરની ખંડણીની માંગણી કરી હતી.
આ ઉપરાંત હાઇજેકર્સ એક કાશ્મીરી અલગતાવાદીના મૃતદેહને સોંપવાની પણ માગણી કરી હતી. જોકે, તાલિબાનના આગ્રહ પર હાઇજેકર્સે પૈસા અને મૃતદેહની માગણી છોડી દીધી. પરંતુ હાઇજેકર્સ ભારતીય જેલોમાં બંધ ચરમપંથીઓને મુક્ત કરવાની માંગણી પર અડગ હતા.
આઠ દિવસ સુધી ચાલેલા આ સંકટનો ત્યારે અંત આવ્યો જ્યારે તત્કાલીન વાજપેયી સરકાર ભારતીય જેલમાં બંધ કેટલાક ચરમપંથીઓને મુક્ત કરવા માટે તૈયાર થઈ.
આઠ દિવસ પછી એટલે કે 31 ડિસેમ્બરે સરકારે સમજૂતીની જાહેરાત કરી. વડા પ્રધાન વાજપેયીએ નવવર્ષની પૂર્વ સંધ્યા પર દેશને જણાવ્યું કે તેમની સરકાર હાઇમાકર્સની માંગણીઓને કેટલીક હદ સુધી ઓછી કરવામાં સફળ રહી છે.
તત્કાલીન વાજપેયી સરકારના વિદેશમંત્રી જસવંતસિંહ 31મી ડિસેમ્બર, 1999ના દિવસે ત્રણ ચરમપંથીઓને પોતાની સાથે કંદહાર લઈ ગયા.
મુક્ત કરવામાં આવેલા ચરમપંથીઓમાં જૈશ-એ-મહમદના પ્રમુખ મૌલાના મસૂદ અઝહર, અહમદ ઝરગર અને શેખ અહમદ ઉમર સઈદ સામેલ હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન