You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ છોકરી જેણે મુંબઈ પર 26/11ના આતંકી હુમલાખોર કસાબને ઓળખી બતાવ્યો હતો
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
26 નવેમ્બર 2008ના મુંબઈ માં થયેલા હુમલામાં માત્ર નવ વર્ષની ઉંમરની દેવિકા રોટાવન બચી ગઈ હતી. પગમાં ગોળી વાગી, તેણે બાદમાં કોર્ટમાં એકમાત્ર જીવિત બંદૂકધારીને ઓળખી કાઢ્યો. પંદર વર્ષ પછી, બીબીસીના સૌતિક બિસ્વાસ હત્યાકાંડ પછી જીવતા બચી ગયેલી દેવિકાના જીવનમાં આવેલા ફેરફારોને જોવા તેમને ફરી મળ્યા હતા.
હું દેવિકા રોટાવનને પહેલીવાર 2010માં મુંબઈની એક ઝૂંપડપટ્ટીમાં મળ્યો હતો. દેશની નાણાકીય અને મનોરંજન ક્ષેત્રની રાજધાનીને હચમચાવી ગયેલા ઘાતક આતંકવાદી હુમલામાં આ નાજુક છોકરી બચી ગયાને માંડ બે વર્ષ થયાં હતાં.
મુંબઈ પરનો 60 કલાકનો આતંકવાદી હુમલો 2008ની 26 નવેમ્બરે શરૂ થયો હતો. મુખ્ય રેલ્વે સ્ટેશન, એક લક્ઝરી હોટેલ અને એક યહૂદી સાંસ્કૃતિક કેન્દ્ર પરના હુમલામાં 166 લોકોનાં મોત થયાં હતાં. તેમાં નવ બંદુકધારી હુમલાખોરો પણ માર્યા ગયા હતા.
દેવિકાના દસમા જન્મદિવસને માત્ર એક મહિનાની વાર હતી ત્યારે છત્રપતિ શિવાજી ટર્મિનસ ટ્રેન સ્ટેશન પરના હુમલામાં બચી ગયેલા એકમાત્ર બંદુકધારી હુમલાખોર મોહમ્મદ અજમલ અમીર કસાબે તેને પગમાં ગોળી મારી હતી. માત્ર સ્ટેશન પર કરવામાં આવેલા ગોળીબારમાં જ લગભગ 50 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય 100 ઘાયલ થયા હતા.
આ કેસની કાર્યવાહી દરમિયાન પુરાવા આપનારાઓમાં દેવિકા સૌથી નાની વયની સાક્ષી હતી અને તેણે કોર્ટમાં કસાબને ઓળખી દેખાડ્યો હતો. દેવિકાએ શપથ લીધા હતા અને તમામ સવાલના જવાબ શાંતિથી આપ્યા હતા. મીડિયાએ તેને ‘કસાબની ઓળખ કરનાર છોકરી’ તરીકે વર્ણવી હતી. (મે, 2010માં કસાબને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવ્યો હતો અને બે વર્ષ પછી પૂણે શહેરની મહત્તમ સુરક્ષાવાળી જેલમાં તેને ફાંસી આપવામાં આવી હતી)
દેવિકાને હું 2010માં મળ્યો ત્યારે એ શરમાળ છોકરી હતી. તે લંગડાતા પગે ચાલતી હતી. ખૂબ હસતી હતી અને વધારે વાત કરતી ન હતી. હાડકાની બીમારીથી પીડાતો તેનો ભાઈ જયેશ એક ઓરડાના ઘરના ખૂણામાં સૂતો હતો. ડ્રાયફ્રુટ્સનું વેચાણ કરતા તેના પિતા નટવરલાલ કામસર બહાર ગયા હતા અને ભવિષ્ય બાબતે ચિંતિત હતા. પરિવાર પાસે પ્લાસ્ટિકની કેટલીક ખુરશીઓ, એક ટ્રંક અને વાસણો હતાં. દેવિકાએ મને કહ્યું હતું, “હું મોટી થઈને પોલીસ અધિકારી બનવા ઇચ્છું છું.”
આ અઠવાડિયાની શરૂઆતમાં, અમારી પહેલી મુલાકાતના 13 વર્ષ પછી હું દેવિકાને ફરી મળવા ગયો હતો. દેવિકા એક મહિના બાદ 25 વર્ષની થશે. એ હવે તેજસ્વી અને આત્મવિશ્વાસસભર યુવતી બની ગઈ છે. તેઓ નવા ઘરમાં, નાના ઍપાર્ટમૅન્ટમાં રહે છે. આજકાલ બધી વાતો દેવિકા જ કરે છે અને તેના પિતા બધું સાંભળે છે.
દેવિકા આટલાં વર્ષો સુધી પત્રકારો, ટીવી શો, પોડકાસ્ટ્સ અને જાહેર સમારંભોમાં એકશ્વાસે બધી વાતો કહેતી રહી છે. તેણે ફરી એકવાર અસ્ખલિતપણે કથા કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૂણે જવા માટે રાતની ટ્રેનની રાહ જોતી વખતે તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો અને જોયું તો તેની આસપાસ અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. એક “નિડર દેખાતો” યુવાન મોટી બંદુક લઈને ચારે તરફ ગોળીબાર કરતો હતો. એ પછી તે ભાગી રહી હતી ત્યારે પાછળથી એક ગોળી આવી હતી અને તેના જમણા પગમાં વાગી હતી. એ કારણે દેવિકા બેભાન થઈ ગઈ હતી. છ વખત સર્જરી અને રિકવરીમાં 65 દિવસ પસાર કર્યા પછી દેવિકા ઘરે પાછી ફરી હતી.
તેણે તેના જીવનમાં પહેલીવાર 11 વર્ષની વયે સ્કૂલમાં નિયમિત રીતે જવાનું શરૂ કર્યું હતું. દેવિકાને ઍડમિશન આપવાથી અન્ય વિદ્યાર્થીઓ પર જોખમ સર્જાશે એમ કહીને સ્કૂલે શરૂઆતમાં તેને પ્રવેશ આપવાનો વિરોધ કર્યો હતો. દેવિકાએ જૂન, 2009માં સ્પેશિયલ કોર્ટમાં કસાબને ઓળખી દેખાડ્યો હતો. દેવિકા કહે છે, “મેં તેના તરફ આંગળી ચીંધી હતી. તેણે મારી તરફ જોયું અને પછી નીચે જોવા લાગ્યો હતો.”
હવે દેવિકાનો ભૂતકાળ અને વર્તમાન સંપૂર્ણપણે 26/11 દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
મુંબઈ આગળ વધી ગયું છે, પરંતુ હુમલાની ભૂતાવળનો ઓછાયો દેવિકાના જીવન પર છવાયેલો છે. તેનું ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ Devika Rotawan26/11 છે. ફેસબુક પર તે ખુદને “મુંબઈના આતંકવાદી હુમલાની સૌથી નાની પીડિતા” તરીકે ઓળખાવે છે. રાહત ફતેહ અલી ખાનની ગીતો પર ઝૂમતાં જન્મદિવસની ઉજવણી અને દરિયા કિનારે નૃત્યના તેના જીવંત રીલ્સની વચ્ચે દેવિકાની નિસ્તેજ ઇમેજ પ્રગટ થાય છે. દેવિકા સભાઓને સંબોધન કરે છે, પીડિતોને શ્રદ્ધાંજલિ આપે છે અને હિંમત દાખવવા બદલ લોકોની પ્રશંસા જ નહીં, ઘણીવાર નાણાકીય સહાય પણ મેળવે છે.
તેના ઘરની દિવાલ પર 26/11ની થીજી ગયેલી સ્મૃતિઓ જોવા મળે છે. તેની હિંમતને બિરદાવતાં ફ્રેમ કરેલાં પ્રમાણપત્રો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનિયો ગુટેરેસ ગયા વર્ષે મુંબઈની મુલાકાતે આવ્યા ત્યારે તેમની સાથેની દેવિકાની મુલાકાતની તસવીરો લટકે છે. દિવાન ખંડમાં સંખ્યાબંધ ટ્રૉફીઓની કતાર છે. પ્લાસ્ટિકમાં વિંટાળેલું, ફેન ક્લબ દ્વારા ભેટ આપવામાં આવેલું એક મોટું ટૅડી બૅર બેડરૂમના કબાટ પર જોવા મળે છે. અમિતાભ બચ્ચનના કાર્યક્રમ કૌન બનેગા કરોડપતિમાં અને બ્રિટિશ કાર્યક્રમ પોપ આઇડલના ભારતીય સંસ્કરણ ઇન્ડિયન આઇડલમાં દેવિકાને 26/11ના હુમલામાં બચી ગયેલી વ્યક્તિ સ્વરૂપે મહેમાન તરીકે બોલાવવામાં આવી હતી.
મીડિયા તો કાયમ હોય જ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલીને ઉજાગર કરતી કોઈ સ્ટોરી બહાર આવે છે ત્યારે મીડિયાના પ્રતિનિધિઓ ક્વોટ લેવા કાયમ દેવિકા પાસે આવે છે. દેવિકા કહે છે, “મારી ટિપ્પણી મેળવવા ક્યારેક તેઓ રીતસર ધસી આવે છે. ઘણીવાર એ વિચિત્ર લાગે છે.” દેવિકા આ બધું સહજતાથી હૅન્ડલ કરે છે. ક્યારેક એ તેનો આનંદ માણતી હોય તેવું લાગે છે. દેવિકા ઇન્સ્ટાગ્રામ પર લખે છેઃ “જીવનમાં તમે ભલે ગમે તે કરો, પણ દિવસના અંતે તમે ખુશ હો તે સુનિશ્ચિત કરો.”
તેમ છતાં રોટાવન પરિવારે ખુશ રહેવા માટે આકરી મહેનત કરવી પડે છે. અન્ય લોકોની માફક તેમણે પણ ઝડપથી બદલાતા મહાનગરમાં રહેવાના પડકારો સામે ઝઝૂમવું પડે છે. 12 વર્ષથી વધુ સમય સુધી ચાલ (એક રૂમ અને સહિયારા બાથરૂમવાળા મકાન)માં રહ્યા બાદ તેમણે પાડોશમાં પુનર્વિકાસને કારણે એ મકાન છોડવું પડ્યું હતું. બિઝનેસ ઓફિસ અને ઍપાર્ટમૅન્ટ્સનાં જંગી ટાવર્સનાં નિર્માણ માટે તેમની ચાલને તોડી પાડવામાં આવી હતી.
બે કરોડ લોકોની વસતી ધરાવતા અને જગ્યાની તંગીવાળા આ મહાનગરમાં વર્ટિકલ લિવિંગ ઝડપથી જરૂરિયાત બની રહ્યું છે ત્યારે રોટાવન પરિવારે ઉપનગરની એક ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ ઇમારતના સાતમા માળે 270 ચોરસ ફૂટનો એક મામૂલી એપાર્ટમૅન્ટ છ મહિના પહેલાં ભાડેથી લીધો છે. દેવિકાના જણાવ્યા મુજબ, તેના માસિક રૂ 16,000 ભાડાથી નાણાકીય બોજ વધે છે.
દેવિકા વિખ્યાત વ્યક્તિ હોવા છતાં બધું ઠીકઠાક નથી. 15 વર્ષ પહેલાંની માફક આજે પણ દેવિકાની પ્રસિદ્ધિને લીધે તેનો પરિવાર ટકી રહ્યો છે.
26/11 પછી ડ્રાયફ્રુટ્સનો બિઝનેસ બંધ થઈ જવાને લીધે 60 વર્ષના નટવરલાલ હવે બેરોજગાર છે. 28 વર્ષનો જયેશ હવે કામ કરવા લાયક થઈ ગયો છે અને તે થોડા મહિના પહેલાં જ ઓફિસ આસિસ્ટંટ તરીકે નોકરીએ લાગ્યો છે. દેવિકાને આઠ વર્ષમાં બે હપ્તામાં સરકારી વળતર તરીકે 13 લાખથી થોડા વધુ રૂપિયા મળ્યા છે. સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને ટીબી થયો હતો. તેની અસર દેવિકાના અભ્યાસ પર થઈ હતી. કોર્ટની કાર્યવાહી ચાલુ હતી ત્યારે તેને એક ઘરનું વચન આપવામાં આવ્યું હતું. એ મેળવવા માટે હવે તે સરકારને આગ્રહ કરી રહી છે. આતંકવાદી હુમલામાંથી બચી ગયેલા લોકોને સહાય કરતું એક ખાનગી ટ્રસ્ટ દેવિકાની કૉલેજ ફી ચૂકવે છે.
મુખ્ય વિરોધ પક્ષ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમની પાંચ મહિનાની 4,000 કિલોમીટરની એકતા માર્ચમાં સામેલ થવા માટે દેવિકાને જાન્યુઆરીમાં આમંત્રણ આપ્યું હતું. દેવિકાના જણાવ્યા મુજબ, એ તેના પૈતૃક રાજ્ય રાજસ્થાનમાં એકતા માર્ચમાં સામેલ થઈ હતી. રાજસ્થાનની કૉંગ્રેસ સરકારે તેને રાજ્યમાં એક નાનકડો પ્લોટ ભેટમાં આપ્યો છે.
દેવિકા આગામી વર્ષની શરૂઆતમાં પોલિટિકલ સાયન્સ અને હ્યુમાનિટીઝના વિષય સાથે ગ્રૅજ્યુએશન પૂર્ણ કરવા તથા પોલીસકર્મી બનવા માટેની પરીક્ષા આપવા ઇચ્છે છે. દેવિકા કહે છે, “હું છેલ્લા છ મહિનાથી નોકરી શોધી રહી છું, પણ મળતી નથી. આ ચિંતાજનક છે, કારણ કે મુંબઈ રહેવા માટે બહુ મોંઘું શહેર બનતું જાય છે.”
દૂર્ઘટનાનાં 15 વર્ષ પછી દેવિકા અને તેનો પરિવાર દોસ્તો, સખાવતીઓ તથા ક્લબ્ઝ પાસેથી મળતી થોડી મદદ વડે ગુજરાન ચલાવી રહ્યાં છે. નટવરલાલ કહે છે, “દેવિકાને બોલાવવામાં આવી હોય તેવા કાર્યક્રમમાં હાજરી આપવા માટે ટ્રેન કે પ્લેનમાં પ્રવાસ કરીએ છીએ. તેઓ દેવિકાને પ્રમાણપત્ર અને થોડા પૈસા પણ આપે છે.”
“અમે એવા હજારો કાર્યક્રમોમાં હાજરી આપી છે. આ રીતે અમે જીવીએ છીએ.”
આ ‘કાર્યક્રમ’ ક્યાં સુધી ચાલશે? કસાબની ઓળખ કરનાર છોકરી તરીકેની પોતાની કાયમી ઓળખ દેવિકાને કેટલી સહજ લાગે છે?
દેવિકા કહે છે, “મને પસંદ એકમાત્ર અન્ય ઓળખ એક પોલીસ અધિકારીની અને આતંકવાદીઓથી ભારતનું રક્ષણ કરવાની છે.”
દેવિકાના ચહેરા પર સ્મિત સદા ઝળકતું રહે છે. સપનાં આસાનીથી ચકનાચૂર થતાં નથી.