You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી રહ્યાં છે તે વાયનાડમાં શું થઈ રહ્યું છે?
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બીબીસી માટે, વાયનાડથી
વાહનોનો કાફલો રેલીના સ્થળે પહોંચતાની સાથે જ યજમાન - ઉદ્ઘોષકે ઉત્સાહભેર ત્યાં હાજર જનમેદનીને કહ્યું, "આ આપણાં પ્રિયંકા ગાંધી છે. તેમને આશીર્વાદ આપો અને વિજયનું તિલક લગાવો."
યજમાનના ઉત્સાહી આહવાનનો ભીડ દ્વારા એ જ ઉત્સાહ સાથે જવાબ આપવામાં આવે છે, જે દોઢ કલાકથી પ્રિયંકા ગાંધીના ત્યાં પહોંચવાની રાહ જોઈ રહી હતી. અહીં આવેલાં પુરૂષો, મહિલાઓ અને બાળકોના ચહેરા પર ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળે છે.
વાયનાડ લોકસભા મતવિસ્તારમાં કુવામન્નમ, થડિયોર, કાલપેટ્ટા ખાતેનો નાનો મુખ્ય માર્ગ ભરચક્ક છે અને લોકો તેમના ફોન પર ફટાફટ તસવીરો લઈ રહ્યા છે, કારણ કે કાફલો તેમની પાસેથી પસાર થઈ રહ્યો છે.
પ્રિયંકા ગાંધી સ્મિત સાથે મંચ પર આવે છે કે તરત જ ભીડમાં એક પ્રકારે ગર્જના જેવો અવાજ આવે છે. એ અવાજ એવો જ હતો જે 1978માં જ્યારે ઇંદિરા ગાંધી ચિકમંગલુર લોકસભા પેટાચૂંટણી લડી રહ્યાં હતાં અથવા જ્યારે 1999માં સોનિયા ગાંધી બેલ્લારીથી ચૂંટણી લડી રહ્યાં હતાં અને પ્રિયંકા ગાંધી તેમનાં માતા માટે પ્રચાર કરી રહ્યાં હતાં.
પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધીએ મનંતાવાડીના ગાંધી પાર્કમાં એક જાહેર સભામાં કહ્યું હતું કે, "મારી બહેને આટલાં વર્ષોમાં મારાં માતા, મારા પિતા અને મારા માટે પ્રચાર કર્યો છે. આ પહેલીવાર છે જ્યારે તે પોતે ચૂંટણી લડી રહી છે."
ચૂંટણી સફરની શરૂઆત
પોતાનાં દાદી અને માતાની જેમ જ પ્રિયંકા ગાંધીએ આટલી લાંબી રાહ જોવા બદલ લોકોનો આભાર માન્યો હતો.
પરંતુ તેમનાં દાદી અને માતાથી વિપરીત, તેમણે મોડું આવવાનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું કે રસ્તામાં રાહ જોઈ રહેલા લોકોને મળવા માટે ઘણી જગ્યાએ રોકવું પડ્યું જેને લીધે વાર થઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે, "હું તમારો આભાર પ્રગટ કરીને મારા ભાષણની શરૂઆત કરવા માંગુ છું કે તમે એવા સમયે મારા ભાઈની પડખે ઊભા હતા જ્યારે તેઓ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા."
"ચૂંટણીપ્રચારના તે અંતિમ દિવસોમાં જ્યારે મોટાભાગના લોકોએ મારા ભાઈ તરફ પીઠ ફેરવી લીધી હતી, ત્યારે તમે લોકો તેમના પડખે હતા. વાયનાડની મારી બહેનો અને ભાઈઓ હતા જે તેમની સાથે ઉભા હતા. તમે તેમને પ્રેમ, શક્તિ અને તમે જે પણ આપ્યું તે, આ દેશ માટે યોગ્ય છે તેવી લડતમાં તેમનો સાથ આપ્યો."
તેમની આ વાતને લોકોએ તાળીઓનો ગડગડાટ કરી વધાવી.
પ્રિયંકા ગાંધીએ વાયનાડના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પોતાના પાંચ દિવસના પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધીએ દરેક જાહેર સભામાં પોતાની ભાવના અલગ-અલગ રીતે વ્યક્ત કરી હતી.
તેમણે લોકોને સરળ શબ્દોમાં પોતાનો સંદેશ પણ આપ્યો. તેમણે વાયનાડના મતદારોની અલગ અંદાજમાં પ્રશંસા કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "હું જોઈ શકું છું કે તમે શેના માટે ઊભા છો. હું અહીં એક કૅથલિક બહેનને જોઈ શકું છું, હું તેની બાજુમાં એક મુસ્લિમ મહિલાને ઊભેલી જોઈ શકું છું, અને તેની બાજુમાં એક હિન્દુ મહિલા છે. હું જાણું છું કે તમે જે રીતે સ્મિત કરી રહ્યાં છો જાણે બહેનો જેવા છો. તમે જે મૈત્રીપૂર્ણ ભાવના સાથે ઊભા છો તે આ સુંદર ભારતની છબી દર્શાવે છે."
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં ભયંકર ભૂસ્ખલનનો ઉલ્લેખ કરીને મતદારોના હૃદયને સ્પર્શી લીધું. પરંતુ તેમણે નામ લીધા વગર રાજકીય સંદેશ પણ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, "કેન્દ્ર સરકારે હજુ સુધી સહાયની જાહેરાત કરી નથી. તમે આવા લોકોની નિર્દય રાજનીતિની દયા પર ન રહી શકો... જે તમને મદદ કરતા પહેલા તમારી રાજનીતિ શું છે તે જુએ છે."
તેમણે કહ્યું કે, "મારે તમારા ઘરે આવીને તમારી સાથે વાત કરવી છે... હું સમજવા માંગુ છું કે તમારી જરૂરિયાતો શું છે જે પૂરી કરવાની છે..." અનુવાદક સમજાવવાનું પૂરું કરે તે અગાઉ જ ભીડમાંથી અવાજ ગુંજવા માંડે છે.
કાલપેટ્ટાની જાહેર સભામાં રાહુલ ગાંધીએ પ્રિયંકા વિશે ભારપૂર્વક કહ્યું કે, "તે તમારી કોઈપણ સમસ્યાને અવગણશે નહીં."
જે રીતે લોકોને પ્રિયંકા ગાંધીનાં દાદી પસંદ હતાં તેવી રીતે જ પ્રિયંકા ના આવે ત્યાં સુધી લોકો રસ્તાની બંને બાજુ કતારબદ્ધ ઊભા રહ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ અહીં પણ મોડા પહોંચવા બદલ માફી માંગી હતી. તે અહીં બે કલાક મોડા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે તે ખેડૂતોના પરિવારોને મળવા ગઈ હતી જેમણે ખેતીની સમસ્યાઓ વિશે જણાવ્યું હતું.
વાયનાડ કેમ? રાયબરેલી કેમ નહીં?
જ્યારે પ્રિયંકા ગાંધીને અરણાદના અરિકોડ બ્લૉકના કિઝિસેરી નગરમાં વાયનાડ અને રાયબરેલી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે બીબીસી હિન્દીને કહ્યું,"તમારે મારા ભાઈને આ વિશે પૂછવું પડશે... અમારા માટે બંને સરખા છે... અમે બંને મતવિસ્તારના લોકોને પ્રેમ કરીએ છીએ... અમે તેમના પ્રત્યે સમાન જવાબદારી અનુભવીએ છીએ. બંને કેમ નહીં? એનાથી કોઈ ફરક પડતો નથી. બંને એકબીજાથી અલગ નથી."
રાહુલ ગાંધીએ માનંતવાડીના ગાંધી પાર્ક ખાતેના તેમના ભાષણમાં કહ્યું કે, "છેવટે, વાયનાડ દેશનો એકમાત્ર મતવિસ્તાર બનવા જઈ રહ્યો છે જેમાં બે સાંસદ હશે. એક સત્તાવાર સાંસદ છે અને બીજા બિન-સત્તાવાર સાંસદ છે."
આ શબ્દો સાથે તેમનું ભાષણ સમાપ્ત થયા પછી ભીડ લાંબા સમય સુધી તાળીઓ પાડતી રહી. પરંતુ તેમના હરીફ ઉમેદવારો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ પાસે ભાઈ-બહેનોની ટીકા કરવા માટે ઘણા મુદ્દા છે.
સત્યન મોકેરીએ સૌથી પહેલા નિશાન તાક્યું કે પ્રિયંકા પણ તે જ કરશે જે તેના ભાઈ રાહુલે કર્યું હતું. તે પણ આ સીટ ખાલી કરશે.
"હા, મેં આ કહ્યું હતું. તેઓ આવશે અને જશે,પરંતુ હું અહીં લોકોની સાથે રહીશ," સત્યેન મોકેરીએ અરીકોડ બ્લૉકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન બીબીસીને કહ્યું.
સીપીઆઈના ઉમેદવાર માકેરીને આશા છે કે તેમનું પ્રદર્શન 2014ની લોકસભા ચૂંટણી કરતાં વધુ સારું રહેશે. તે સમયે તેઓ કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સામે લગભગ 20,000 મતોથી હારી ગયા હતા.
એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, તેઓ વારંવાર તેમના પ્રચાર વાહનમાંથી નીચે ઉતર્યા અને લોકોને મળ્યા, તેઓ એક મસ્જિદમાં પણ રોકાયા હતા.
જ્યારે કે સૉફ્ટવૅર એન્જિનિયરની નોકરી છોડીને રાજકારણમાં જોડાયેલાં ભાજપનાં ઉમેદવાર નવ્યા હરિદાસે પ્રચાર વખતે રાહુલ ગાંધી પર અન્ય એક મુદ્દે નિશાન તાક્યુ હતું.
તેમની પાર્ટીના પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે 1.41 લાખ મત મેળવ્યા હતા.
નવ્યા હરિદાસે બીબીસીને કહ્યું કે, "લોકોએ રાહુલ ગાંધી પરથી વિશ્વાસ ગુમાવી દીધો છે કારણ કે તેમણે લોકોને 2024 માં ઘણાં વચનો આપ્યાં હતાં... તેમણે કહ્યું હતું કે તેઓ પાંચ વર્ષ સુધી લોકોની સમસ્યાઓ હલ કરશે અને પછી તેમણે વાયનાડના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો. તેથી માહોલ એવો છે કે, લોકો માને છે કે જો પ્રિયંકા ગાંધી ચૂંટાશે તો પણ આવું જ થશે.
પરંતુ પ્રિયંકા ગાંધી તેમના હરીફોની ટીકા પર ધ્યાન આપવા માંગતા નથી. તેમણે બીબીસીને કહ્યું કે, "અરે... પહેલા મને આવવા દો... પહેલા મારી વર્તણૂક જુઓ અને પછી તેના વિશે બોલો. જ્યારે હું લોકસભાની સભ્ય પણ બની નથી, હજી પ્રતિનિધિ બની નથી, તો પછી આ બધી વાતો કરવાનો ફાયદો શું છે? પહેલાં એ જુઓ હું શું કરું છું."
ચૂંટણીના મુદ્દા ક્યા ક્યા છે?
વાયનાડના મતદારોને પરેશાન કરતો સૌથી મોટો મુદ્દો એ છે કે જિલ્લામાં કોઈ મોટી હૉસ્પિટલ નથી. અહીં મેડીકલ કૉલેજ અને હૉસ્પિટલ બનાવવાની માગ ઘણા સમયથી થઇ રહી છે.
થમ્માસેરી માઉન્ટેન પાસ પર દર અડધા કલાકે ઍમ્બુલન્સની સાયરન સંભળાય છે. ગંભીર રીતે બીમાર લોકોને ખાસ સારવાર માટે કોઝિકોડ લઈ જવામાં આવે છે.
ધન્યા ઉન્નીકૃષ્ણન કેળાની પતરી - ચિપ્સ બનાવતી કંપનીમાં કામ કરે છે.
તેઓ કહે છે કે, "આ એક આદિવાસી વિસ્તાર છે. તેથી જ અહીં કોઈ મેડિકલ કૉલેજ નથી. ત્યાં કોઈ યોગ્ય રસ્તા નથી અને જેમ જેમ આપણે જંગલમાં જઈએ છીએ, ત્યાં મામૂલી પગદંડી પણ નથી. રસ્તાની સમસ્યાને કારણે, ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીને હૉસ્પિટલમાં લઈ જવામાં ખૂબ મુશ્કેલી પડે છે. આશા છે કે પ્રિયંકા આ તરફ ધ્યાન આપશે. અમને મેડિકલ કૉલેજની પણ આશા છે."
કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રિયંકા ગાંધી અને ભાજપનાં ઉમેદવાર નવ્યા હરિદાસ આના માટે ડાબેરી મોરચાની સરકાર પર આંગળી ચીંધે છે. સીપીઆઈના સત્યન મોકેરી કહે છે કે રાજ્ય સરકાર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલની સ્થાપના માટે ભંડોળ વધારશે. આ જરૂરિયાત પૂરી ન કરવા માટે ભાજપ પણ રાહુલ ગાંધીને જવાબદાર ગણે છે.
તો વાયનાડના લોકો માટે તેની શું ગૅરંટી છે, ખાસ કરીને જ્યારે કૉંગ્રેસે 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી પછી દરેક ચૂંટણીમાં વારંવાર ગૅરંટી જાહેર કરી છે?
આ સવાલના જવાબમાં પ્રિયંકા ગાંધીએ બીબીસીને કહ્યું કે, "વાયનાડ માટે એ ગૅરંટી છે કે હું તેમના માટે દિવસ-રાત કામ કરીશ. અહીં મોટી સમસ્યાઓ છે જેના માટે મારા ભાઈ લડી રહ્યા હતા. હું તે સંઘર્ષ ચાલુ રાખીશ અને મને લાગે છે કે અહીં જે ખેતી-કૃષિ અને ફૂડ પ્રૉસેસિંગ છે તેના પર અમે ભાર મૂકીશું. અમે ખેતીને મજબૂત કરીશું અને પ્રવાસનને પણ.
ટીકાઓ છતાં ગાંધી પરિવારનો કરિશ્મા અહીં અકબંધ છે. અમને એક સલૂન માલિક મળ્યા જેઓ છેલ્લાં 12 વર્ષથી વાયનાડ જિલ્લાના મુખ્ય મથક કાલપેટ્ટામાં રહે છે. તેવી જ રીતે જિલ્લામાં અન્ય લોકો પણ છે જેઓ મતદાર છે.
મુબારક અલીએ કહ્યું, "અમે તો એમ પણ સમર્થન કરીએ છી જ, પ્રિયંકા ગાંધીને વધુ સમર્થન આપીશું... રાહુલ ગાંધીએ ઘણું કર્યું છે.અમે યુપીથી અહીં આવ્યા છીએ. અહીં ઘણી એકતા છે."
પરંતુ એવું શું છે કે જે ગાંધી પરિવાર માટે સુરક્ષિત બેઠક છે?
રાજકીય વિવેચક કે.આર. વાંચીશ્વરને કહ્યું કે, "સૌ પ્રથમ, નહેરુનો વારસો છે અને બીજું, તેઓ ઇંદિરા ગાંધી જેવા દેખાય છે. આ કરિશ્મા હજુ પણ કામ કરી રહ્યો છે. જીતની શક્યતા અહીંના સામાજિક તાંતણામાં રહેલી છે. આ કોંગ્રેસનો ગઢ છે. અહીં લઘુમતી વસ્તીની પણ નોંધપાત્ર સંખ્યા છે."
2019ની લોકસભા ચૂંટણીમાં, રાહુલ ગાંધીએ સીપીઆઈના પીપી સનીર સામે 4.31 લાખ મતોના અંતરથી જીત મેળવી હતી. બીડીજેએસ થુસાર વેલ્લાપલ્લીના ઉમેદવારને 78,816 મત મળ્યા. વર્ષ 2024માં રાહુલ ગાંધીને સીપીઆઈના એની રાજા સામે 3.64 લાખ મત મળ્યા હતા. જ્યારે ભાજપને 1.41 લાખ મત મળ્યા હતા.
પ્રશ્ન એ છે કે શું પ્રિયંકા ગાંધી તેમના ભાઈ કરતાં વધુ સારું પ્રદર્શન કરી શકશે અને છ લાખથી વધુ મતોના અંતરથી જીતી શકશે? જેને કોંગ્રેસ પક્ષના કાર્યકરો પોતાનું લક્ષ્ય માને છે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન