H-1B વિઝા ફીમાં વધારો : ભારતીય ડૉક્ટરો વિના અમેરિકામાં ગ્રામીણ હેલ્થકેર ખોરવાઈ જવાનો ભય

ઇમેજ સ્રોત, Mahesh Anantha
- લેેખક, સવિતા પટેલ
- પદ, બીબીસી ન્યૂઝ, કૅલિફોર્નિયા
ડૉ. મહેશ અનંથા અમેરિકાના અર્કાન્સસમાં ગ્રામીણ વિસ્તાર બેટ્સવિલેની આસપાસ કેટલાય માઈલો સુધીમાં ઉપલબ્ધ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉસ્ટ પૈકીના એક છે.
ખેતરો, નાના ઉદ્યોગો અને બૅન્કોથી ઘેરાયેલા આ ગ્રામીણ શહેરમાં લગભગ 11 હજાર લોકો વસે છે. આસપાસનાં ગામડાં અને ટાઉન માટે તે એક કેન્દ્રની ગરજ સારે છે, જ્યાં ડૉ. મહેશ અનંથા જેવા ડૉક્ટરોની ખાસ જરૂર છે.
તેઓ કહે છે, "અહીંથી એક કે બે કિલોમીટર સુધી કોઈ મેડિકલ સુવિધા નથી. તેથી લોકો દરેક તકલીફ માટે અમારા પર નિર્ભર રહે છે."
મદ્રાસ મેડિકલ કૉલેજમાંથી ગોલ્ડ મેડલ મેળવનારા ડૉ. મહેશ અનંથા અમેરિકાનાં નાનાં અને અંતરિયાળ શહેરોમાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ ડૉક્ટરો પૈકી એક છે.
અમેરિકામાં તબીબી સુવિધા આપનારા દર ચારમાંથી એક ડૉક્ટરે વિદેશથી તાલીમ મેળવેલી હોય છે.
તાજેતરના આંકડા દર્શાવે છે કે આ પૈકી મોટા ભાગના ડૉક્ટરો એવા ઉપેક્ષિત ગ્રામીણ વિસ્તારોમાં કામ કરે છે, જ્યાં જવા માટે અમેરિકન ડૉક્ટરો ખચકાતા હોય છે. તેમાંથી ઘણા ડૉક્ટરો એચ-1બી વિઝા પર અમેરિકા આવ્યા છે અને કેટલાક ગ્રીન કાર્ડની રાહ જોવામાં જ પોતાની આખી કારકિર્દી વિતાવી દે છે. તેના કારણે તેમણે ગમે ત્યારે નોકરી ગુમાવવી પડે અથવા લાંબા ગાળા સુધી અસ્થિરતા જેવાં જોખમોનો સામનો કરવો પડે છે.
ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે નવા અરજકર્તાઓ માટે એચ-1બી વિઝાની ફી વધારીને એક લાખ ડૉલર (લગભગ 88 લાખ રૂપિયા) રૂપિયા કરવાની જાહેરાત કરી, ત્યારે અમેરિકામાં કામ કરતા લગભગ 50 હજાર ભારતીય ડૉક્ટરોમાં ભય અને ચિંતાનો માહોલ પેદા થયો.
આ પગલાની જાહેરાત થઈ ત્યાર પછી ડૉક્ટરો પર કેટલી અસર પડશે તે સ્પષ્ટ ન હોવાથી તેમના માટે અનિશ્ચિતતા પેદા થઈ. જેમણે અમેરિકામાં કારકિર્દી બનાવવામાં વર્ષો ગાળ્યાં છે, એવા લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભવિષ્યમાં અમેરિકામાં ભારતીય ડૉક્ટરોનો સપ્લાય ચાલુ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારે વિરોધ થયા પછી વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ 12 સપ્ટેમ્બરે બ્લૂમબર્ગને ઇમેઇલથી જણાવ્યું કે આ જાહેરાતમાં સંભવિત છૂટછાટની મંજૂરી અપાઈ છે, જેમાં ડૉક્ટરો અને મેડિકલ રેસિડન્ટ્સ સામેલ હોઈ શકે છે.
ગયા સોમવારે અમેરિકન અધિકારીઓએ જાહેરાત કરી કે એક લાખ ડૉલરની ફી "અગાઉથી જારી કરાયેલા અને હાલમાં માન્ય હોય તેવા કોઈ એચ-1બી વિઝાને લાગુ નહીં પડે."
આ સ્પષ્ટતાથી અમેરિકામાં પહેલેથી એચ-1બી વિઝા પર કામ કરતા ડૉક્ટરોને થોડી રાહત મળી શકે છે. છતાં સવાલ એ થાય છે કે શું ભવિષ્યમાં અમેરિકામાં ભારતીય ડૉક્ટરોનો નિરંતર સપ્લાય ચાલુ રહેશે?
વિઝાની ફી વધારવામાં આવી તે અગાઉ એક્ઝિક્યુટિવ ઑર્ડરમાં જણાવાયું હતું કે જો હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરી એવું સ્થાપિક કરી શકે કે કેટલાક કર્મચારીઓની નિમણૂક રાષ્ટ્રીય હિતમાં છે, તો વધારવામાં આવેલી ફી માફ કરી શકાય છે, પરંતુ મેડિકલ ઉદ્યોગ અને જૂથોનું કહેવું છે કે મેડિકલ સહિત કોઈ પણ શ્રેણીના કર્મચારીઓને આવી છૂટ અપાઈ હોય એવા કોઈ સંકેત નથી.
ઘણા લોકોને ચિંતા છે કે ડૉક્ટરો અને અન્ય કર્મચારીઓની નિમણૂક કરવા માટે હૉસ્પિટલનો ખર્ચ વધશે અને આખી સિસ્ટમ પર તેની અસર પડશે.
ગયા મહિને અમેરિકન મેડિકલ ઍસોસિયેશન (એએમએ)ના નેતૃત્વમાં 50થી વધુ જૂથોએ હોમલૅન્ડ સિક્યૉરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે ફીમાં વધારો થવાના કારણે હૉસ્પિટલો એચ-1બી ડૉક્ટરોની ભરતી કરવા તૈયાર નહીં થાય. તેના કારણે ભવિષ્યમાં ડૉક્ટરોની અછત પેદા થઈ શકે અને જેમને તબીબી સેવાની ખાસ જરૂર છે તેવા લોકોને અસર થઈ શકે છે.
એએમએના પ્રમુખ ડૉ. બોબી મુક્કામાલા કહે છે કે, હેલ્થ સિસ્ટમ પાસેથી અમે જાણવા મળ્યું છે કે આ ફી વિનાશક હશે. ડૉ. મુક્કામાલાનાં માતાપિતા પણ ભારતીય ઇમિગ્રન્ટ ડૉક્ટર હતાં અને તેઓ આ સંસ્થાનું નેતૃત્વ કરતા પ્રથમ ભારતીય મૂળના ડૉક્ટર છે.
આંકડા દર્શાવે છે કે અમેરિકામાં દર પાંચમાંથી ઇમિગ્રન્ટ ડૉક્ટર ભારતીય મૂળના છે.
અમેરિકામાં પણ ડૉક્ટરો અને નર્સની અછત

ઇમેજ સ્રોત, Getty Images
ફી વધારવાની તરફેણ કરનારાઓ કહે છે કે અમેરિકામાં અમેરિકનોને જ રોજગારી મળે તે માટે ઇમિગ્રેશન નીતિઓ ચુસ્ત બનાવવાની જરૂર છે.
પરંતુ કેલિફોર્નિયા યુનિવર્સિટી, સેન ડીઆગો (યુસીએસડી)ની સ્કૂલ ઑફ ગ્લોબલ પૉલિસી ઍન્ડ સ્ટ્રેટેજીનું સંશોધન કહે છે કે વિઝામાં ઢીલ આપવાથી અમેરિકન મેડિકલ ગ્રેજ્યુએટ્સની નોકરીઓને કોઈ અસર નથી થતા, પરંતુ તેના કારણે વિદેશમાં શિક્ષણ મેળવનારા વધુ ડૉક્ટરો અંતરિયાળ અને નીચી આવક ધરાવતા વિસ્તારોમાં પ્રેક્ટિસ કરી શકે છે.
એએમએએ ભારપૂર્વક જણાવ્યું કે "વિદેશી ડૉક્ટરો અમેરિકન ડૉક્ટરોની નોકરીઓ આંચકી રહ્યા નથી", પરંતુ તેઓ "તબીબી સુવિધાઓની અછતને ભરી રહ્યા છે".
ઘણા પશ્ચિમી દેશોની જેમ અમેરિકા પણ લાંબા સમયથી ડૉક્ટરો અને નર્સની અછતનો સામનો કરે છે. યુસીએસડીના અભ્યાસ પ્રમાણે 2034 સુધીમાં અમેરિકામાં 1.24 લાખ ડૉક્ટરોની ઘટ પડશે.
અમેરિકન ઍસોસિયેશન ઑફ ફિઝિશિયન ઑફ ઇન્ડિયન ઓરિજિનના પ્રમુખ (2024-25) ડૉ. સતીશ કથુલા કહે છે કે આની અસર ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વર્તાશે, કારણ કે મોટા ભાગના અમેરિકન મેડિકલ ગ્રેજ્યુએટ્સ વધુ સગવડો ધરાવતાં મોટાં શહેરોમાં કામ કરવાનું પસંદ કરે છે.
ગ્રામીણ ફ્લોરિડામાં ઉછરેલાં સ્ટેન્ફર્ડ મેડિકલનાં વિદ્યાર્થિની ગીતા મિનોચા કહે છે કે આર્થિક કારણોથી આ ગેપ વધી જાય છે. શહેરની ધનાઢ્ય હૉસ્પિટલો વધુ સારો પગાર ઑફર કરે છે જેથી ગ્રામીણ વિસ્તારની સંઘર્ષ કરતી હૉસ્પિટલો પાછળ રહી જાય છે.
નિષ્ણાતો કહે છે કે વિઝાની ફીમાં કોઈ પણ જાતના વધારાથી વિદેશથી નવા ડૉક્ટરોને લાવવાનું મુશ્કેલ બની જશે. પરિણામે ગ્રામીણ હૉસ્પિટલો પર નાણાકીય બોજ વધશે, જે પહેલેથી આર્થિક સંકડામણમાં છે.
આ માત્ર દૂરના અંતરિયાળ શહેરોની વાત નથી. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનથી લઈને મિશિગન, ન્યૂ જર્સી, ફ્લોરિડા, ન્યૂ યૉર્ક, કૅલિફોર્નિયા જેવાં ઘણાં રાજ્યો વિદેશી ડૉક્ટરો પર દારોમદાર રાખે છે. અહીં ઇમિગ્રન્ટ ડૉક્ટરોનો હિસ્સો 30 ટકા કરતાં વધુ છે.
'ઇમિગ્રન્ટ ડૉક્ટર્સઃ ચેન્જિંગ ધ બિગ અમેરિકન ડ્રીમ' પુસ્તકમાં ડૉ. કથુલાએ અમેરિકામાં ભારતીય મેડિકલ ગ્રેજ્યુએટ્સની ઘણી વાતો લખી છે, જેમણે પોતાના હિતની પરવા કર્યા વગર સેવા આપી હતી.
તેઓ કહે છે, "1980-90ના દાયકામાં એચઆઇવી સંકટ વખતે લૅબોરેટરીના કર્મચારીઓ લોહીનું સેમ્પલ લેતા પણ અચકાતા હતા. હાલમાં કોવિડ-19 વખતે પણ આવી સ્થિતિ હતી, તે વખતે આ ડૉક્ટરો આપણા દેશની સેવા કરતા કરતા મૃત્યુ પામ્યા. હું એવા ઘણા ડૉક્ટરોને ઓળખું છું જેઓ અહીં દર્દીઓનો ઇલાજ કરતા હતા, પરંતુ કોવિડ વખતે ભારતમાં પોતાનાં માતાપિતાના અંતિમસંસ્કાર માટે પણ જઈ ન શક્યા."

ઇમેજ સ્રોત, Rakesh Kanipakam
તેમાંથી ઘણા ડૉક્ટરો 1960ના દાયકામાં આવવા લાગ્યા હતા, જ્યારે અમેરિકાએ વધતી જતી માગને પૂરી કરવા માટે પોતાના દરવાજા ખોલ્યા હતા. તે સમયે ભારત જેવા વિકાસશીલ દેશોમાંથી હજારો ઉચ્ચ તાલીમબદ્ધ ડૉક્ટરો અમેરિકા આવ્યા હતા.
તેમાંથી મોટા ભાગના ક્લિનિકલ રેસિડન્સી ટ્રેનિંગ માટે J-1 વિઝા પર અમેરિકામાં પ્રવેશે છે.
પોતાની મેડિકલ રેસિડન્સી પૂરી કર્યા પછી કોઈ હૉસ્પિટલ તેમને સ્પૉન્સર કરે તો તેઓ એચ-1બી વિઝા પર આવી જાય છે. અથવા J-1 વિઝાની શરતો મુજબ તેમણે પોતાના દેશ પાછા જવું પડે છે (જેના માટે તેમણે ફરીથી અરજી કરતા પહેલાં ઓછામાં ઓછા બે વર્ષ માટે પાછું જવું પડે છે).
1990માં ડૉક્ટરોની સખત તંગીને દૂર કરવા અમેરિકાએ એક છૂટછાટ આપી. તેમાં ડૉક્ટરોની અછત હોય તેવા પ્રદેશો (એચપીએસએ)માં કામ કરવા ઇચ્છતા ડૉક્ટરોને બે વર્ષ માટે પાછા જવાની શરતમાંથી મુક્તિ આપી.
આ છૂટને કોનરાડ વેઇવર કહેવામાં આવે છે. તેમાં વિદેશી ડૉક્ટરો પોતાનો જે-1 વિઝા પૂરો થઈ જાય પછી નિશ્ચિત એચપીએસએમાં એચ-1બી વિઝા પર કામ કરી શકે છે.
આવું જ એક એચપીએસએ સાઉથ એલેબામામાં આવેલી છે. જ્યાં ડૉ. રાકેશ કનિપકમ આંધ્ર પ્રદેશથી ભણીને આવેલા ડૉક્ટર છે, તેઓ કિડનીની બીમારી ધરાવતા દર્દીઓની સારવાર માટે દર અઠવાડિયે સેંકડો માઈલનો પ્રવાસ કરે છે.
તેઓ કહે છે, "અમે ત્રણ શહેર, પાંચ ગ્રામીણ ક્લિનિક અને 100 માઈલના વિસ્તારમાં ડાયાલિસીસ કેન્દ્રોમાં સેવા આપીએ છીએ. આખા વિસ્તારમાં માત્ર એક નેફ્રોલૉજિસ્ટ હતા, પરંતુ હવે તેઓ પણ રિટાયર થવાના છે."
વિદેશી ચિકિત્સકો અમેરિકાના અર્થતંત્રને લાખો ડૉલરનું યોગદાન આપે છે.
બેટ્સવિલેમાં ડૉ. અનંથાના સહકર્મીઓ તેમને બિરદાવે છે અને હૉસ્પિટલને આગળ લાવવાનું શ્રેય આપે છે.
ડૉ. અનંથની ગ્રીન કાર્ડની અરજીના સમર્થનમાં લખાયેલા પત્રમાં હૉસ્પિટલના સીઇઓએ જણાવ્યું હતું કે ડૉક્ટરે હૉસ્પિટલની નાણાકીય સ્થિરતામાં વાર્ષિક 40 મિલિયન ડૉલરથી વધુનો વધારો કર્યો છે અને આરોગ્ય-સંભાળ ક્ષેત્રે તેમને ઘણા પુરસ્કારો પણ અપાવ્યા છે.
હાલ પૂરતું AMAએ કહ્યું છે કે તે "વહીવટીતંત્રે આપેલી છૂટછાટથી પ્રોત્સાહિત" છે.
પરંતુ ડૉ. મુક્કામાલા ચેતવણી આપે છે કે આ અંગે ઝડપથી કાર્યવાહી કરવાની જરૂર છે, "કારણ કે આંતરરાષ્ટ્રીય તબીબી સ્નાતકો હવે તેમના આગામી પગલાં નક્કી કરી રહ્યા છે અને આ ફી વધારાની શક્યતા ઉચ્ચ લાયકાત ધરાવતા ડૉક્ટરોને યુએસમાં કામ કરતા અટકાવી શકે છે".
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












