ટ્રમ્પના શાસનમાં હવે અમેરિકાની નાગરિકતા લેવી હોય તો કઈ કઈ શરતો પૂરી કરવી પડે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અવતારસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
11 ઑક્ટોબરના રોજ અમેરિકાના વર્જિનિયાના ઘણા ઇમિગ્રન્ટ્સ ઇમિગ્રેશન ઑફિસે પહોંચ્યા એ પહેલાં ખૂબ ખુશ હતા. તેમના આ રાજીપાનું કારણ એ હતું કે તેઓ નાગરિકતા માટેની પ્રક્રિયાનો અંતિમ તબક્કો પાસ કરીને અમેરિકાના નાગરિક બની ગયા હતા.
પરંતુ અમેરિકા પ્રત્યે 'નિષ્ઠાના શપથ' લેવા માટે પહોંચેલા આ લોકોને અચાનક ખબર પડી કે આ શપથવિધિ અમેરિકામાં ચાલી રહેલા શટડાઉનને કારણે રદ કરી દેવાઈ હતી.
અમેરિકન સરકારે દર વર્ષે કામકાજ ચાલુ રાખવા માટેનું બજેટ પાસ કરવાનું હોય છે. જો સૅનેટ અને ગૃહ ફંડિંગ બિલ મામલે સંમત ન થાય તો સરકારી કર્મચારીઓને ચુકવણી ન કરી શકાય. જેના કારણે, 'બિનજરૂરી' સેવાઓ અને ઑફિસો બંધ કરી દેવાય છે. આને 'સંઘીય શટડાઉન' કહેવાય છે.
શનિવારે પરત ફરેલા લોકોએ આ પેપરવર્ક અને ઇન્ટરવ્યૂ માટે વર્ષો સુધી રાહ જોઈ હતી. તેમણે નાગરિકતાની પરીક્ષા માટેની તૈયારી પણ કરી હતી.
કેટલાક લોકો પાસે તો એક દાયકાથી ગ્રીન કાર્ડ હતાં, પરંતુ હવે તેઓ અનિશ્ચિતતાની સ્થિતિમાં ફસાઈ ગયા છે.
આ પૈકીના એક વ્યક્તિએ તો અમેરિકન નાગરિક બનાવાના પોતાના પરિવાર માટેના આ અંતિમ તબક્કાની ઉજવણી કરવા માટે લોકોને પણ આમંત્રિત કરી લીધા હતા, પરંતુ હવે તેઓ ચિંતિત છે.
હાલમાં, આ લોકોનું અમેરિકન નાગરિક બનવાનું સ્વપ્ન ક્યારે પૂર્ણ થશે એ વાત સ્પષ્ટ નથી. પરંતુ આ અહેવાલને આધારે અમે આપને અમેરિકન નાગરિક બનવાની રીતો અંગે માહિતગાર કરીશું.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કઠોર ઇમિગ્રેશન નીતિઓને કારણે અમેરિકન નાગરિકતા હાંસલ કરવી એ ઇમિગ્રન્ટ્સ માટે દૂરનું સ્વપ્ન બની ગયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકન નાગરિકતાની બાબતમાં ભારતીયો બીજા ક્રમે

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય વર્ષ 2024માં અમેરિકા અને વિશ્વનાં અન્ય સ્થળોએ નૅચરલાઇઝેશન સૅરિમની મારફતે 8,18,500 લોકોને નાગરિકતા આપી હતી.
જોકે, આ આંકડો ગત વર્ષની સરખામણીએ સાત ટકા ઓછો હતો. પાછલાં ત્રણ વર્ષમાં 26 લાખ કરતાં વધુ લોકો અમેરિકાના નવા નાગરિક બની ચૂક્યા છે.
યુએસસીઆઇએસ ડેટા પ્રમાણે, નાણાકીય વર્ષ 2024માં અમેરિકન નાગરિકતા હાંસલ કરનાર લોકોની યાદીમાં 1,07,700 લોકો સાથે મૅક્સિકો પ્રથમ, 49,700 લોકો સાથે ભારત બીજા અને 41,200 લોકો સાથે ફિલિપાઇન્સ ત્રીજા ક્રમે છે.
અમેરિકન નાગરિકત્વ હાંસલ કરવાની પ્રક્રિયા શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકન સિટીઝનશિપ અને ઇમિગ્રેશન સર્વિસિસ વેબસાઇટ પ્રમાણે, 18 વર્ષની ઉંમર બાદ વિદેશમાં પેદા થયેલી વ્યક્તિ નૅચરલાઇઝેશન મારફતે અમેરિકન નાગરિક બનવા માટે એન-400 ફૉર્મ ભરીને અરજી કરી શકે છે.
નૅચરલાઇઝેશન એ અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કરવાની એક રીત છે.
આની સાથે, કાયદાને અનુસરીને અમેરિકામાં પાંચ વર્ષથી રહેતી વ્યક્તિ પણ નાગરિકત્વ માટે અરજી કરી શકે છે.
એન-400 ફૉર્મ ભરવાની તારીખ અગાઉનાં પાંચ વર્ષ દરમિયાન તમે સળંગ 30 મહિના સુધી અમેરિકામાં રહેતા હતા એ વાતનો પુરાવો તમારે આ અરજી માટે આપવો પડે છે.
ઉપરાંત, તમારે તમારા નૈતિક ચારિત્ર્યનો પુરાવો આપવો પડશે, અમેરિકન બંધારણના સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠા બતાવવી પડશે તેમજ બેઝિક અંગ્રેજી બોલતા, લખતા અને વાંચતા આવડતું હોવાનું પુરવાર કરવું પડશે.
એ બાદ, અધિકારીઓ દ્વારા એક ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે.
અમેરિકામાં સાડા પાંચ વર્ષ સુધી રહીને અમેરિકન નાગરિકત્વ મેળવનાર પંજાબી યુવાને બીબીસીને કહ્યું કે અરજીના અઢી મહિના બાદ તેમને ઇન્ટરવ્યૂ માટેનો પત્ર મળ્યો હતો.
તેમણે કહ્યું, "ઇન્ટરવ્યૂમાં, વિવિધ સવાલો અને બૅકગ્રાઉન્ડ સવાલો પુછાય છે. ઇન્ટરવ્યૂ દરમિયાન, તેઓ તમને અંગ્રેજી શબ્દભંડોળ, નાગરિક નિયમો અને મૂલ્યો વિશે પૂછે છે. આ સિવાય, તેઓ અંગ્રેજી ભાષા લખીને અને શીખવીને પણ તમારી પરીક્ષા લે છે."
નિષ્ઠાના શપથ

ઇમેજ સ્રોત, Getty Images
યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ પ્રમાણે, નાગરિકત્વના શપથને નિષ્ઠાના શપથ કહેવાય છે. તેમાં ઉમેદવારોએ પોતાના અગાઉનાં દેશ અને રાજ્ય પ્રત્યેની નિષ્ઠા સંપૂર્ણપણે ત્યાગી હોવાની વાત કહેવી પડે છે. આ ઉપરાંત તેઓ અમેરિકાના કાયદા અને બંધારણને સંપૂર્ણ ટેકો આપશે તેમજ તેનું રક્ષણ કરશે તેવા શપથ લેવાના હોય છે.
આમાં ઉમેદવારો દેશ પ્રત્યે તેના દુશ્મનો સામે અને દેશની સુરક્ષા માટે વફાદારીના શપથ લે છે. આ શપથમાં એવું વચન પણ સામેલ હોય છે કે જરૂર પડે ત્યારે ઉમેદવાર હથિયાર ઉઠાવશે અને અમેરિકાના સૈન્યમાં લડશે પણ ખરો, અથવા તો જંગમાં સામેલ ન થાય તો તેમાં મદદગારી કરશે કે દેશ માટે મહત્ત્વપૂર્ણ જરૂરી નાગરિક કાર્ય કરશે.
નિષ્ઠાના શપથનો ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
યુએસ સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ વેબસાઇટ પ્રમાણે પાછલાં 235 વર્ષોથી વિદેશીઓએ અમેરિકન નાગરિક બનવા માટે નિષ્ઠાના શપથ લેવાના રહે છે.
1790ના પ્રથમ નૅચરલાઇઝેશન કાયદા બાદથી ઉમેદવારો બંધારણ પ્રત્યે નિષ્ઠાના શપથ લેતા આવ્યા છે.
1795માં, નાગરિકત્વ માટે અરજી કરતાં પહેલાં, ઉમેદવારો માટે પોતાના ઇરાદા સ્પષ્ટ કરવાનું ફરજિયાત બનાવાયું હતું. 1906 પહેલાં, દરેક કોર્ટ પોતાની રીતે શપથ લેવડાવતી, પહેલાં આ અંગે કોઈ એકરૂપ સૂચનો નહોતાં.
1929માં, નાગરિકતાનું પ્રમાણપત્ર જાહેર થાય એ પહેલાં લેવાના સ્ટાન્ડર્ડ લેખિત શપથ નક્કી થયા. 1950 અને 1952ના કાયદાઓએ શપથમાં હથિયાર ધારણ કરવાના અને નાગરિક સેવાઓ બજાવવા બાબતના નવા ભાગ ઉમેર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












