યુકેમાં નોકરી માટે જનારા લોકો માટે હવે ઉચ્ચસ્તરનું અંગ્રેજી જરૂરી, કયા નિયમો કડક કરાયા?

બ્રિટન, નોકરી, સ્કિલ, શિક્ષણ, વિઝા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, યુઆન ઑ’બર્ન મુલિગન
    • પદ, બીબીસી સંવાદદાતા

યુકે જવાની ઇચ્છા રાખતા ભારતીયો માટે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે. ઇમિગ્રન્ટ્સ માટે બ્રિટનની સરકારે ઉચ્ચસ્તરનું અંગ્રેજી- એ લેવલ અંગ્રેજી અનિવાર્ય બનાવ્યું છે.

આ પરિવર્તન આઠ જાન્યુઆરી, 2026થી લાગુ થશે જેની અસર ઘણા ગ્રેજ્યુએટ્સ અને સ્કિલ્ડ વર્ક્સ (કુશળ કામદારો), કે સ્કેલ-અપ વિઝા માટે આવેદન કરનારા લોકો પર પડશે. સ્કેલ-અપ વિઝા એવા લોકો માટે છે જે ઝડપથી આગળ વધતા વ્યવસાયોમાં કામ કરે છે.

નવા નિયમો બ્રિટન આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યાને ઓછી કરવાની યોજનાનો હિસ્સો છે, જેની રૂપરેખા મે મહિનામાં જાહેર કરવામાં આવેલા શ્વેતપત્રમાં કરવામાં આવી હતી.

બ્રિટનનાં ગૃહસચિવ શબાના મહમૂદે કહ્યું હતું કે, "જો તમે આ દેશમાં આવી રહ્યા છો, તો તમારે અમારી ભાષા શીખવી જોઈએ અને કર્તવ્ય નિભાવવું જોઈએ."

મહમૂદે કહ્યું હતું કે, "આ દેશે હંમેશાં એ લોકોનું સ્વાગત કર્યું છે જેઓ અહીં આવીને યોગદાન આપે છે. પરંતુ અમારી ભાષા શીખ્યા વિના જેઓ અમારી રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન ન આપી શકે, તેઓ અસ્વીકાર્ય છે."

ઉચ્ચસ્તરનું અંગ્રેજી એટલે શું અને પ્રક્રિયા શું હશે?

બ્રિટન, નોકરી, સ્કિલ, શિક્ષણ, વિઝા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા નિમાયેલા અધિકારીઓ વ્યક્તિગત રૂપે અરજી કરનારા લોકોની અંગ્રેજી ભાષાની વાંચનક્ષમતા, બોલવાની ક્ષમતા, શ્રવણશક્તિ અને લેખનક્ષમતાની ચકાસણી કરશે.

સ્કિલ્ડ વર્કર્સ, સ્કેલ-અપ અને ઉચ્ચ ક્ષમતા ધરાવતી વ્યક્તિઓ (એચપીઆઈ), વિઝા આવેદકોએ બી-2 સ્તર સુધી પહોંચવું પડશે.

હાલમાં આ પ્રકારના વિઝા માટે બી-1 સ્તર સ્વીકાર્ય છે, જેનાથી એક સ્તર વધુ સારું અંગ્રેજી જરૂરી બનશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સ્કિલ્ડ વર્કર્સ વિઝા લઈને બ્રિટન આવનારા લોકો માત્ર સરકાર દ્વારા માન્ય નોકરી આપતી કંપનીઓ માટે જ કામ કરવાનું રહેશે.

ન્યૂનતમ વાર્ષિક વેતન (41,700 પાઉન્ડ) 49.17 લાખ રૂપિયા અથવા તો લાગુ પડતા કામ માટે જેટલું વેતન હોય તેમાંથી જે વધારે હોય તે મેળવવાનું રહેશે.

આ સિવાય સ્કેલ-અપ વિઝા એવા જ ઇમિગ્રન્ટ્સ માટે વિકલ્પ છે જેઓ ઝડપથી આગળ વધતા વ્યવસાયો માટે યુકેમાં કામ કરવા આવવા ઇચ્છે છે.

બ્રિટન આવનારા લોકોએ પાંચ વર્ષની અંદર જો કોઈ ઉચ્ચ વિશ્વસ્તરીય યુનિવર્સિટીમાંથી ડિગ્રી હાંસલ કરી હશે તો તેઓ ઉચ્ચ ક્ષમતાવાળા વ્યક્તિગત વિઝા માટે આવેદન કરી શકે છે.

બ્રિટિશ કાઉન્સિલ એક એવી સંસ્થા છે જે અંગ્રેજી ભાષામાં મહારત મેળવવા માટે માર્ગદર્શન આપે છે. તેના અનુસાર, બી2 સ્તર હાંસલ કરનારા લોકો વિષયો પર જટિલ ભાષામાં લખાયેલા લેખોના મુખ્ય વિચારો સમજી શકે છે.

તેઓ તેમની વાત પ્રવાહિત રીતે અને સ્પ્ષ્ટપણે વ્યક્ત કરી શકશે અને અન્ય અંગ્રેજી બોલનારા લોકો સાથે સહજતાથી સંવાદ કરી શકશે. તેઓ વિભિન્ન વિષયો પર સ્પષ્ટ અને વિસ્તૃત લેખ લખવામાં પણ કુશળ હશે અને જટિલ દૃષ્ટિકોણને પણ સમજાવી શકશે.

બ્રિટન આવનારા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો

બ્રિટન, નોકરી, સ્કિલ, શિક્ષણ, વિઝા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ગૃહમંત્રી માઇક ટેપે બ્રિટનની સંસદમાં ગત 14 ઑક્ટોબરે કહ્યું હતું કે એડિશનલ વિઝાના આ નિયમો તથા અંગ્રેજીની જરૂરિયાત અંગેના આ નિયમો જે સમયગાળો જાહેર થયો છે એ સમયે જ લાગુ થશે એવી આશા છે.

વડા પ્રધાને પણ ભૂતકાળમાં કહ્યું છે કે શ્વેતપત્રમાં ઉલ્લેખ થયો છે એ તમામ ફેરફારોથી યુકેની ઇમિગ્રેશન સિસ્ટમ નિયંત્રિત, સિલેક્ટિવ અને વધુ ઉચિત બનશે.

ગૃહ મંત્રાલયનું અનુમાન છે કે તેના કારણે યુકે આવનારા ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વાર્ષિક એક લાખ જેટલો ઘટાડો થશે.

2024માં યુકે આવનારા કાયમી ઇમિગ્રન્ટ્સની સંખ્યા લગભગ 4.31 લાખ હતી. જે 2023માં રેકૉર્ડ સંખ્યા 9.06 લાખથી લગભગ અડધી હતી. આ સંખ્યા જેઓ કાયમ માટે દેશ છોડીને જઈ રહ્યા છે તેમની બાદબાકી કર્યા પછીની સંખ્યા છે.

નોકરીઓ પર શું અસર થશે?

બ્રિટન, નોકરી, સ્કિલ, શિક્ષણ, વિઝા, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑક્સફર્ડ યુનિવર્સિટીના માઇગ્રેશન ઑબ્ઝર્વેટરીનાં ડાયરેક્ટર ડૉ. મૅડેલિન સમ્પ્શનનું કહેવું છે કે, "સરકારને એ સુનિશ્ચિત કરવા વચ્ચે સમાધાન કરવું પડી રહ્યું છે કે ઇમિગ્રન્ટ્સ સારું અંગ્રેજી પણ બોલે અને કંપનીઓને એવા લોકોની ભરતી કરવા માટે સક્ષમ બનાવવામાં આવે જેનાથી આર્થિક લાભની આશા રાખી શકાય. "

તેમણે કહ્યું કે, "અનેક ગ્રેજ્યુએશન લેવલની નોકરીમાં પહેલેથી એ લેવલ કરતાં ઉપરના લેવલની ભાષાદક્ષતા જરૂરી હોય છે. નવી ભાષા સંબંધી જરૂરિયાતોનો ટૅક્નિકલ અને શારીરિક સ્કિલની જરૂરિયાતવાળી નોકરીઓ પર તથા મિડલ લેવલ સ્કિલ્ડ જોબ પર વધુ પ્રભાવ પડશે. સામાન્ય રીતે એ નોકરીઓમાં અત્યાર સુધી ઉચ્ચસ્તરના ભાષાજ્ઞાનની જરૂરિયાત રહેતી નહોતી."

વકીલ અફસાના અખ્તરે બીબીસીને જણાવ્યું હતું કે, "એ ખોટી વાત છે કે ઇમિગ્રન્ટ્સને આટલું ઉચ્ચસ્તરનું અંગ્રેજી શીખવું પડે. કારણ કે બ્રિટનમાં પણ ઘણા લોકો એ-લેવલનું અંગ્રેજી પાસ કરી શકતા નથી."

તેમણે કહ્યું, "આનાથી એ સ્કિલ્ડ વર્કર્સ માટે પણ દરવાજા બંધ થઈ જશે જેઓ બ્રિટન આવીને અર્થવ્યવસ્થામાં યોગદાન આપવા માગે છે."

"આ લેવલ ખૂબ ઊંચું છે અને જ્યારે તેઓ અહીં આવશે અને રહેશે તો ઇંગ્લૅન્ડ અને અહીંના મૂળ નિવાસીઓની જીવનશૈલીમાં તેઓ આત્મસાત થઈ જશે અને તેમની અંગ્રેજી આપોઆપ સુધરી જશે."

બીજા કેટલા ફેરફારો સંભવ છે?

શ્વેતપત્રમાં સૂચવવામાં આવેલા ઉપાયોમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન સ્તરે નોકરી મેળવવાની સમયસીમા બે વર્ષથી ઘટાડીને 18 મહિના કરવાનું સામેલ છે. જે જાન્યુઆરી, 2027થી લાગુ થશે.

વિદ્યાર્થીઓએ નાણાકીય આવશ્યકતાઓને પણ પૂરી કરવી પડશે જેને લંડન સિવાયનાં શહેરોમાં વધારીને 1171 પાઉન્ડ પ્રતિમાસ કરી દેવામાં આવી છે.

ટૅક્નિકલ, કલા, અને શિક્ષણના ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરનારા લોકો માટે ગ્લોબલ ટૅલેન્ટ વિઝાનો વિસ્તાર કરવામાં આવ્યો છે અને તેમાં ક્ષેત્રોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

શ્વેતપત્રમાં અન્ય પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આઈએસસી (ઇમિગ્રેશન સ્કિલ્સ્ ચાર્જ)માં વધારો કરવો પણ સામેલ છે. યુકેના નોકરીદાતાઓ જ્યારે અપ્રવાસીઓને સ્પૉન્સર કરે ત્યારે આ રકમ આપવી પડતી હોય છે. નાની કંપનીઓ માટે તેની ફી 480 પાઉન્ડ પ્રતિવર્ષ, મધ્યમ તથા ઉચ્ચ લેવલની કંપનીઓ માટે 1320 પાઉન્ડ ફી નક્કી કરવામાં આવી છે. અગાઉ આ ફી 364 પાઉન્ડ અને 1320 પાઉન્ડ હતી.

પરંતુ બીજી તરફ હાઈ સ્કિલ્ડ વર્કર્સને દેશમાં આકર્ષવા માટે સરકારે પગલું ભરવાનું નક્કી કર્યું છે અને હવે એ વિઝા 8 હજાર પ્રતિવર્ષ આપવામાં આવશે. જેના કારણે આ ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધીને 2 હજારથી 4 હજાર કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન