અમદાવાદ પ્લેન ક્રૅશ : 'મૃતદેહ આવે તો લોકો ઊંચા થઈને જોતા કે...' સિવિલ હૉસ્પિટલમાં કેવી સ્થિતિ હતી?

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદથી લંડન જતું ઍર ઇન્ડિયાનું વિમાન ગુરુવારે મેઘાણીનગર રહેણાક વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં વિમાનના 241 મુસાફરનાં મૃત્યુ થયાં છે અને એક મુસાફરનો આબાદ બચાવ થયો છે.
વિમાન બીજે મેડિકલ કૉલેજની બૉય્ઝ હૉસ્ટેલ પર પડ્યું હતું, જેમાં ચાર વિદ્યાર્થીનાં મૃત્યુ થયાં હોવાના પ્રાથમિક અહેવાલ સામે આવ્યા છે.
વિમાન દુર્ઘટનાને કારણે ઘાયલ તેમજ મૃત્યુ પામેલા લોકોને સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યા હતા. આ દુર્ઘટનાસ્થળ સિવિલ હૉસ્પિટલથી ખૂબ જ નજીક છે.
ઘટનાસ્થળથી સિવિલ હૉસ્પિટલ સુધી રસ્તા પર આવતાં-જતાં વાહનોને રોકીને ઍમ્બુલન્સની અવરજવર માટે કૉરિડૉર બનાવાયો હતો.
આખા રસ્તા પર પોલીસ અને સ્વયંસેવકો ગોઠવાઈ ગયા હતા. સિવિલ હૉસ્પિટલની બહાર જોવા માટે આવેલા લોકોની ખૂબ જ મોટી ભીડ હતી, જેને પોલીસે હઠાવી રહી હતી.
તો સિવિલ હૉસ્પિટલમાં ખાનગી ડૉક્ટરો પણ સેવા માટે દોડી આવ્યા હતા. સિવિલ હૉસ્પિટલમાં સતત ઍમ્બુલન્સની સાયરનોનો જ અવાજ સંભળાતો હતો.
બીબીસીએ 12 જૂને હૉસ્પિટલ અને તેની બહાર રહેલા મુસાફરોના સ્વજનો સાથે વાતચીત કરી હતી.
સિવિલમાં ટ્રૉમા સેન્ટરની બહાર કેવો માહોલ હતો?

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP via Getty Images
સિવિલ હૉસ્પિટલમાં ટ્રૉમા સેન્ટર પાસે મુસાફરોનાં સગાંસંબંધી મોટી સંખ્યામાં હતાં. ચારેબાજુ સગાંસંબંધી રડી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ સ્વજનોની વિમાનની ટિકિટ લઈને ટ્રૉમા સેન્ટરની બહાર જે પણ હૉસ્પિટલનો સ્ટાફ દેખાય તેમને આજીજી કરીને પૂછપરછ કરતા હતા.
કેટલાક મુસાફરોનાં સગાંસંબંધીઓ તેમને ઍરપૉર્ટ પર મૂકીને ગયા બાદ રસ્તામાં જ હતાં અને તેમને સમાચાર મળતા તેઓ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યાં હતાં.
કોઈ પોતાનાં ભાઈ-ભાભી, તો કોઈ પતિ, તો કોઈ દીકરા-દીકરી કે માતાપિતાને શોધી રહ્યાં હતાં.
ટ્રૉમા સેન્ટર પર ઍમ્બુલન્સ આવે એટલે સગાં તેમને જોવા માટે પડાપડી કરી રહ્યા હતા.
વીનુભાઈ રાદડિયા ઘટનાસ્થળની નજીકથી જ પસાર થઈ રહ્યા હતા. તેમણે આગ અને ધુમાડા જોયા તો તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
વીનુભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "દુર્ઘટનામાં ઘાયલ બે લોકોને પોતાના ગાડીમાં લઈને તેઓ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા."
સિવિલ હૉસ્પિટલ ઑથૉરિટી દ્વારા સાંજ (12 જૂન, 2025) સુધી કોઈ ઑફિશિયલ માહિતી આપવામાં આવી ન હતી. ટ્રૉમા સેન્ટરન અંદર કોઈને જવા દેવામાં આવતા ન હતા. બપોરથી બેસેલા સંબંધીઓને સાંજ સુધી કોઈ માહિતી મળી ન હતી. એક તબક્કે અંદર જવા માટે બોલાચાલી પણ થઈ હતી.
બપોર સુધી ટ્રૉમા સેન્ટરમાં જ બેસેલા પીડિતોનાં સગાંને બપોર બાદ સ્વજનની ભાળ મેળવવા માટે પોસ્ટમૉર્ટમ રૂમ તરફ જવા દેવાયા હતા.
આણંદ જિલ્લાના તારાપુરના કમલેશભાઈ અને તેમનો પરિવાર રડી રહ્યો હતો. બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "મારો દીકરો પાર્થ સ્ટુડન્ટ વિઝા પર પહેલી વાર લંડન જઈ રહ્યો હતો. અમે તેને મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. અમે એક હોટલમાં જમવા ઊભા રહ્યા હતા, ત્યારે જ મેં મોબાઇલમાં જોયું કે લંડન જતું વિમાન તૂટી પડયું છે."
"અમે તરત જ સિવિલ હૉસ્પિટલ આવવા નીકળી ગયાં હતાં. જો કે રસ્તામાં દરેક જગ્યા પર ટ્રાફિકજામ હતો, અહીંયાં પહોંચતા કલાક થઈ ગયો."
મૃતદેહ આવે એટલે લોકો ઊંચા થઈને જોતા કે...

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કમલેશભાઈ તેમના દીકરાનો ફોટો લઈને હાજર સ્ટાફને પૂછી રહ્યા હતા કે 'સારવાર માટે મારા દીકરાને લાવ્યા છે?' તેમનાં પત્ની તો એકબાજુ બેસીને ખૂબ જ રડતાં હતાં. તેમનાં અન્ય સગાં તેમને સાંત્વના આપી રહ્યાં હતાં.
ખંભીસરના ક્રિશ્ના પટેલનાં ભાભી જયશ્રીબહેન પટેલ વિમાનમાં હતાં. તેઓ રડતાં-રડતાં બોલી રહ્યાં હતાં, "ભાઈ લંડનમાં જ રહે છે. ભાભી લંડન જઈ રહ્યાં હતાં. તેઓ તેમનાં ભાભીને ઍરપૉર્ટ પર મૂકીને 11 વાગ્યે જ ત્યાંથી નીકળ્યા હતા."
ક્રિશ્ના પટેલ ખૂબ જ હીબકાં ભરીને રડી રહ્યાં હોવાથી વધારે કંઈ બોલી શક્યાં ન હતાં.
લંડનમાં રહેતો એક યુવક પિતાના અંતિમ સંસ્કાર માટે આવ્યો હતો, એ પણ જે આ વિમાનમાં હતો. તેમનો પરિવાર હૈયાફાટ રુદન કરી રહ્યો હતો.
ભરૂચથી દીકરાને ઍરપૉર્ટ પર મૂકવા આવેલાં માતા દીકરાને શોધવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ દોડાદોડી કરી રહ્યાં હતાં. તેમના દીકરાને બે વર્ષના યુકેના વિઝા મળ્યા હતા.
અરવલ્લીનાં કૈલાસબહેન પટેલ તેમના દીકરાને મળવા લંડન જઈ રહ્યાં હતાં. તેમનો પરિવારના લોકો સવારથી રાત સુધી સિવિલ હૉસ્પિટલમાં હાજર હતા. બપોર બાદ સ્વજનો હિમંત હારીને પોસ્ટમૉર્ટમ રૂમ તરફ જઈ રહ્યાં હતાં.
દુર્ઘટનાસ્થળ પરથી દરેક ઍમ્બુલન્સ પહેલાં ટ્રૉમા સેન્ટર પર આવતી હતી. મૃતદેહોને પહેલાં ટ્રોમા સેન્ટર લવાતા અને બાદમાં પોસ્ટમૉર્ટમ રૂમમાં લઈ જવાતા હતા. પોસ્ટમૉર્ટમ રૂમની બહાર પણ ઍમ્યુલન્સની લાઈન હતી.
મોટી સંખ્યામાં સગાંવહાલાં પીએમ રૂમ હાજર હતાં. જેઓ દરેક મૃતદેહ આવે એટલે ઊંચા થઈને કે નજીક જઈને જોવા માટે પ્રયત્ન કરતા હતા કે તેમના સ્વજન તે નથી ને.
'મને સમજાતું નથી કે ક્યાં જાઉં અને કોને પૂછું?'

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images
પીએમ રૂમની બહાર એક મંદિર છે, જ્યાં મુસાફરોનાં સગાં પોતાના સ્વજનોની બચી જવાની સતત પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યાં હાજર ડૉક્ટરો સાથે મેં વાત કરતાં તેમનું કહેવું હતું કે મૃતદેહ પર કપડાં નહોતાં, ચામડી પણ દાઝી ગઈ છે, તેથી તેમની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ છે.
વિમાનમાં લંડન જઈ રહેલા મુસાફરનાં બહેન ખૂબ જ જોર-જોરથી રડી રહ્યાં હતાં. સલમાબહેને કહ્યું, "લંડનમાં રહેતાં તેમનાં દીકરી ગર્ભવતી છે, તેમનાં બહેન સારસંભાળ લેવા માટે લંડન જઈ રહ્યાં હતાં. પહેલાં તેઓ એક અઠવાડિયા બાદ જવાનાં હતાં, પરંતુ તેમને 11 તારીખે જ તાત્કાલિક ટિકિટ કરાવીને 12 તારીખે નીકળ્યાં હતાં."
12મી જૂને સાંજ થવા આવી હતી અને ઍમ્બુલન્સ આવવાની સંખ્યા થોડી ઓછી થવા લાગી હતી, પરંતુ ત્યાં સાંજ સુધી મુસાફરોનાં સગાંને કોઈ જ માહિતી મળી રહી ન હતી.
મુસાફરનાં સગાં ટ્રૉમા સેન્ટરની બહાર, તો કેટલાક પીએમ રૂમની બહાર રાહ જોતા હતા. ઉદય મહેતા વડોદરાથી લંડન જઈ રહેલાં ઇન્દ્રવદન દોશી અને જ્યોતિબહેન દોશીની શોધખોળ કરતા હતા.
ઉદય મહેતાએ જણાવ્યું, "મારાં મામા અને મામી આ વિમાનમાં લંડન જઈ રહ્યાં હતાં. હું છેલ્લા ત્રણ, સાડા ત્રણ કલાકથી એક જગ્યાથી બીજી જગ્યા પર ફરી રહ્યો છું, પરંતુ મને કોઈ માહિતી મળી રહી નથી. મને સમજાતું નથી કે ક્યાં જાઉં અને કોને પૂછું?"
દુર્ઘટનામાં એક યુવાન બચી ગયા

ઇમેજ સ્રોત, Hindustan Times
12 જૂને વિમાનની દુર્ઘટનામાં એક યુવાન બચી ગયા હોવાની માહિતી આવી હતી. એક ખાનગી ડૉક્ટરે માહિતી આપી કે તે દર્દીને B-7 વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને રાત્રે તે દર્દીને C-7 વૉર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
આ મુસાફરને જ્યાં રાખવામાં આવ્યા હતા, ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કોઈને પણ ત્યાં જવા દેવામાં આવતા ન હતા.
જોકે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે કરેલી વાતમાં આ મુસાફરના બચી ગયાની વાતની પુષ્ટિ કરી હતી.
આ મુસાફર બ્રિટિશ નાગરિક છે તથા તેમનું નામ વિશ્વાસકુમાર રમેશ છે. કેટલાક મીડિયા આઉટલેટ્સે વિશ્વાસ સાથે વાત કરી હતી અને તેમનો બૉર્ડિંગ પાસ પણ શૅર કર્યો હતો.
12 જૂનની સાંજે ડીએનએ સૅમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ થઈ

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/AFP via Getty Images
સાંજે સિવિલ હૉસ્પિટલ દ્વારા ડીએનએ સૅમ્પલ લેવાની જાહેરાત કરવામાં આવી હતી. બીજે મેડિકલ કૉલેજના કસોટી ભવન ખાતે દર્દીઓનાં સગાંના ડીએનએ સૅમ્પલ લેવાની વ્યવસ્થા કરવામાં આવી.
ડીએનએ સૅમ્પલ માટે માતાપિતા બાળકો કે ભાઈબહેનને ડીએનએના સૅમ્પલ આપવા માટેની અપીલ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોના નજીકના જ પરિવારના લોકો ન હોય, તો તેમનાં અન્ય સગાંસંબંધીના ડીએનએ સૅમ્પલ લેવાઈ રહ્યા હતા.
ડીએનએ સૅમ્પલ આપવા માટે આવેલા એક મહિલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "મામાની દીકરી તેમના પતિ અને ત્રણ બાળકો સાથે પાંચ લોકોનો પરિવાર લંડન શિફ્ટ થઈ રહ્યો હતો."
કસોટી ભવન પર એક મહિલા ખૂબ જ રડી રહ્યાં હતાં, તેમની સાથે વાત કરતાં તેમનાં બહેને માત્ર એટલી જ વાત કરી કે જે મહિલા રડી રહ્યાં હતાં, તેમનાં ગયા અઠવાડિયે લગ્ન થયાં હતાં. તેમના પતિ લગ્ન કરવા માટે જ આવ્યા હતા. તેમના પતિ આ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા. જોકે, તેઓ વધુ માહિતી આપી શક્યા ન હતા.
બીજે મેડિકલનાં ડીન મીનાક્ષી પરીખે 12 જૂનની રાત્રે 9.30 વાગ્યાની આસપાસ મીડિયાને માહિતી આપી હતી.
મીનાક્ષી પરીખે જણાવ્યું હતું, "ઘટનાસ્થળ પર તો એવી પરિસ્થિતિ હતી કે કંઈ પણ ખબર પડી શકે તેમ ન હતી. દરેક વર્ષમાં અભ્યાસ કરતાં અમારા વિદ્યાર્થીઓને એકઠા કરીને માહિતી મેળવી છે."
"એમાંથી મળેલી માહિતી અનુસાર, પહેલા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનાં મોત થયાં છે. ત્રણ વિદ્યાર્થીની હાલત ગંભીર છે અને 11 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ છે. બીજા વર્ષમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનાં મોત થયાં છે. બે વિદ્યાર્થીની હાલત ગંભીર છે અને ત્રણ વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ છે."
"ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી સુરક્ષિત છે. ત્રીજા વર્ષ ફાઇનલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીનો સંપર્ક થઈ શક્યો નથી. એક ડૉક્ટરનાં પત્નીનું મોત થયું છે. એક ડૉક્ટરના ત્રણ પરિવારના સભ્યો ગુમ છે, જેમાં તેમનાં માતા તથા અન્ય સગાં છે. બે સગાં ગંભીર રીતે ઘવાયેલા છે અને સારવાર હેઠળ છે."
પીડિતોનાં સગાં 12મી જૂનની રાત્રે પણ સિવિલ હૉસ્પિટલમાં જ રોકાયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













