ભારતમાં રહેવું કે પાકિસ્તાનમાં? ઉગ્ર વિવાદમાં પતિ-પત્નીનાં મોત, નવી મુંબઈમાં આખરે શું થયું?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સચદેવ દંપતી નવી મુંબઈ ખારઘર આત્મહત્યા
    • લેેખક, અલ્પેશ કરકરે
    • પદ, બીબીસી મરાઠી માટે

(આ અહેવાલનો અમુક ભાગ આપને વિચલિત કરી શકે છે)

નવી મુંબઈના ખારગર વિસ્તારમાં 9 જૂન, સોમવારે એક ચોંકાવનારી ઘટના બની છે.

પોલીસના કહેવા પ્રમાણે પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે એક વ્યક્તિએ સોમવારે સવારે પોતાની પત્નીની હત્યા કરી અને પછી પોતાને ચપ્પુ મારીને આત્મહત્યા કરી લીધી હતી.

આ ઘટનાએ ખારઘર અને નવી મુંબઈમાં સનસનાટી મચાવી દીધી છે. ખારઘર પોલીસે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આખો મામલો શું છે?

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સચદેવ દંપતી નવી મુંબઈ ખારઘર આત્મહત્યા
ઇમેજ કૅપ્શન, પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા તેવું સ્વજનોએ કહ્યું છે

9 જૂન, સોમવારની સવાર હતી. સચદેવ દંપતી પોતાનાં બે બાળકો સાથે નવી મુંબઈના ખારઘર સેક્ટર 24માં ડૉલ્ફિન પ્રાઈડ સોસાયટીના બીજા માળે છ મહિનાથી રહેતું હતું.

સોમવારે સવારે લગભગ 10 વાગ્યે સપના સચદેવ (ઉંમર વર્ષ 50) અને નોતનદાસ ઉર્ફે સંજય સચદેવ (ઉંમર વર્ષ 42)નાં બાળકો શાળાએથી પાછાં આવ્યાં. તે સમયે પતિ-પત્ની ઘરે હતાં. બાળકોએ ઘરે આવીને બૅલ વગાડી, પરંતુ અંદરથી કોઈ પ્રતિક્રિયા ન આવી.

બાળકોએ બહારથી મમ્મી-પપ્પાને બૂમો પાડી પણ દરવાજો ન ખૂલ્યો. તેથી બાળકોએ પડોશીઓની મદદથી ખારઘર સેક્ટર 26માં રહેતા સપનાનાં બહેન સંગીતા સેવક મખીજાને બોલાવ્યાં. ત્યાર પછી સંગીતા મખીજા ડૉલ્ફિન પ્રાઇડ સોસાયટીમાં આવ્યાં અને પડોશીઓની મદદથી પરિવારજનો બીજી બારીમાંથી ઘરમાં દાખલ થયાં.

ઘરમાં સચદેવ દંપતીનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો. એવું જાણવા મળ્યું કે પતિએ પત્નીની હત્યા કરી હતી અને પછી આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી

આ ઘટનાથી હંગામો મચી ગયો, પાડોશીઓ એકઠા થયા અને પોલીસને બોલાવી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને મૃતદેહોને કબજામાં લીધા. પોલીસે ઘટના તથા બંને વ્યક્તિઓ વિશે તેમના પરિવાર પાસેથી માહિતી ભેગી કરી. ઘટનાસ્થળેથી કેટલોક સામાન એકઠો કર્યો. પોલીસ આ મામલાની તપાસ કરે છે.

કિચનના ચપ્પુથી હુમલો કર્યો

પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે નોતનદાસને તેમનાં પત્ની સપના સાથે અજાણ્યા કારણોથી ઝઘડો થયો હતો. આ દરમિયાન તેમણે સપનાની ગરદન, પીઠ અને ખભા પર રસોડાના ચપ્પુથી હુમલો કર્યો હતો, જેનાથી તેનું મોત નીપજ્યું હતું. ત્યાર પછી ચપ્પુથી પોતાની ગરદન પર હુમલો કર્યો અને તેમનું પણ મોત થયું.

સચદેવ દંપતી મૂળ પાકિસ્તાની છે

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સચદેવ દંપતી નવી મુંબઈ ખારઘર આત્મહત્યા
ઇમેજ કૅપ્શન, નોતન દાસ સચદેવે પત્નીની હત્યા કરી એવું પોલીસનું માનવું છે

મૂળ પાકિસ્તાનના રહેવાસી નોતનદાસ સચદેવ અને તેમનાં પાકિસ્તાની પત્ની સપના સચદેવ છ મહિના અગાઉ બે બાળકો સાથે ભારત આવ્યાં હતાં. તેમને બે બાળકો છે જેમાંથી એકની ઉંમર 10 વર્ષ અને બીજાની ઉંમર 6 વર્ષ છે.

નવેમ્બર 2024માં તેઓ શૉર્ટ ટર્મ વિઝા પર ભારત આવ્યા હતા. છ મહિનાથી તેઓ બે બાળકો સાથે ખારઘરમાં એક ભાડાના મકાનમાં રહેતા હતા.

બંને વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા. સપનાને પાકિસ્તાન પાછું જવું હતું જ્યારે નોતનદાસને ભારતમાં જ રહેવું હતું. આ મામલે કેટલાય મહિનાથી ઝઘડા ચાલતા હતા.

પોલીસને શંકા છે કે આ વિવાદના કારણે જ નોતનદાસે સોમવારે સપનાને ચપ્પુના ઘા મારીને મારી નાખ્યાં હશે. પોલીસે કહ્યું કે તેના પરિવારજનોએ પણ આ વાત કરી છે.

અગાઉ પણ પોલીસ આવી હતી, પરંતુ..

ડેપ્યુટી કમિશનર પ્રશાંત મોહિતે ઘટનાની માહિતી આપતા કહ્યું કે આ મામલે હત્યાનો કેસ દાખલ થયો છે. પ્રથમ દૃષ્ટિએ લાગે છે કે પતિએ ચપ્પુથી પત્નીની હત્યા કરી છે અને પછી આત્મહત્યા કરી લીધી છે. બંને હિંદુ નાગરિકો છે અને શૉર્ટ ટર્મ વિઝા પર ભારત આવ્યાં હતાં.

સપના સચદેવની બંને બહેનો ભારતમાં રહે છે. સ્વજનોએ કહ્યું કે લગ્ન થયાં ત્યારથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો.

તેમણે કહ્યું કે પતિ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો હતો અને ઘણી વખત પત્નીને મારતો હતો. તેથી સપનાને પાકિસ્તાન પરત જવું હતું. જ્યારે નોતનદાસ ઉર્ફ સંજયને ભારતમાં જ રહેવું હતું. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ આ મામલે બંને વચ્ચે વારંવાર વિવાદ થતો હતો.

બીબીસી ગુજરાતી ભારત પાકિસ્તાન સચદેવ દંપતી નવી મુંબઈ ખારઘર આત્મહત્યા
ઇમેજ કૅપ્શન, સપના સચદેવને ભારતના બદલે પાકિસ્તાનમાં રહેવું હતું
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મોહિતે આ મામલાની માહિતી આપતા કહ્યું કે અગાઉ 25 મેએ પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. તે વખતે તેમણે પોતાની પત્નીને માર માર્યો હતો. તે વખતે આ મામલે 100 નંબર પર કૉલ આવ્યો હતો.

તેમણે કહ્યું કે કંટ્રોલ રૂમના નિર્દેશથી પોલીસ ત્યાં પહોંચી હતી, પરંતુ પત્નીએ ફરિયાદ નોંધાવવાની ના પાડી દીધી હતી. તે મામલે હજુ તપાસ ચાલુ છે.

સપના અને તેમના પતિ નોતનદાસ બંને મૂળ પાકિસ્તાનનાં વતની હતાં. પોલીસ તેમના વિઝા અને ઓળખપત્રોની તપાસ કરી રહી છે.

નવી મુંબઈ ખારઘર પોલીસે સેક્શન 103(1) હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે મૃતદેહો પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધાં છે. સ્વજનો અને બીજા સૂત્રો પાસેથી માહિતીના આધારે પોલીસ આગળ તપાસ કરી રહી છે.

નોતનદાસ અને સપનાનાં બંને બાળકો સપનાનાં બહેન સંગીતા મખીજાને સોંપવામાં આવ્યાં છે.

તમને આત્મહત્યાના વિચાર આવે તો મદદ મેળવવા માટે ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર કૉલ કરો.

સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલય 13 ભાષાઓમાં 18005990019 નંબરની હેલ્પલાઇન પણ ચલાવે છે.

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ હેલ્પલાઇનનો નંબર 08026995000 છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન