સ્પેનમાં પૂર બાદ બચાવ કામગીરીમાં સરકારની 'અવ્યવસ્થા' સામે રસ્તા પર ઉતર્યા લોકો

સ્પેન પૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પેનમાં પૂર બાદ રસ્તા પર કીચડ નજરે પડે છે
    • લેેખક, માર્ક લોવેન અને એન્ડ્રે રોડેન પૉલ
    • પદ, બીબીસી સંવાદદાતા

સ્પેનનું વેલેંસિયા શહેર ભયાનક પૂર આવવાને કારણે તબાહ થઈ ગયું છે. અહીં સોમવારે આવેલા પૂરને કારણે 200થી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને કેટલાક લોકો હજુ લાપતા છે.

દુ:ખના આ સમયમાં લોકો એકબીજા સાથે ઊભા છે અને પીડિતોની મદદ કરી રહ્યા છે.

વેલેંસિયા શહેરના મધ્યમાં આવેલી સંગ્રહાલયની ઇમારતમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો ડોલ, પોતું, ભોજન અને પાણીની સામગ્રી લેવાં માટે કતારમાં હતાં.

અહીંથી તેઓ બસમાં સવાર થઈને એ વિસ્તારમાં જવા રવાના થયા જ્યાં આ સપ્તાહની શરૂઆતમાં વિનાશકારી પૂરને કારણે ભયંકર તબાહી મચી હતી.

રાહત સામગ્રી વહેંચનારાઓનું માનવું છે કે શનિવારે સવારે 15 હજાર લોકો પહેલી વખત એકસાથે સફાઈ અભિયાન માટે આગળ આવ્યા.

તેમનું કહેવું છે કે તેઓ એ કામ કરવા માટે આગળ આવ્યા જે સરકારી અધિકારીઓએ અધુરું છોડી દીધું હતું.

16 વર્ષના પેડ્રો ફ્રાંસિસ્કો પોતાનાં માતા-પિતા સાથે ચાર કલાક કતારમાં ઊભાં હતાં અને મદદ માટે પોકાર લગાવતા હતા.

તેમણે જણાવ્યું કે તેમના એક મિત્રના દાદાનું પૂરમાં મૃત્યુ થયું હતું, પરંતુ હજુ તેમનો મૃતદેહ મળ્યો નથી.

‘આ હોનારતને ટાળી શકાઈ હોત’

સ્પેન પૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પેનમાં પૂર બાદ અસરગ્રસ્તોની મદદ માટે એકત્ર થયેલા લોકો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પેડ્રો કહે છે, “અમે જે કરી શકતા હતા તે કર્યું. અમે જે કરવું પડે તે કરીશું. જે થયું છે તેને જોવું ભયજનક છે.”

ઑસ્કાર માર્ટિનેઝ પણ પોતાનાં પત્ની અને પુત્ર સાથે આ જ કતારમાં ઊભાં હતાં.

તેઓ કહે છે, “મને ગુસ્સો આવે છે. આ એક એવી હોનારત હતી જેને ટાળી શકાઈ હોત. સ્થાનિક પ્રશાસને માત્ર એટલું જ કરવાનું હતું કે વરસાદની ચેતવણી આપવાની જરૂર હતી.”

સ્પેનના વેલેંસિયા અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોનો ગુસ્સો વધી રહ્યો છે. અહીં 200થી વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

આ વિસ્તારમાં પૂરથી મરનારા લોકોની સંખ્યા વધવાની સંભાવના છે કારણકે ઘણા હજુ લાપતા છે.

અહીં સોમવારે ભયંકર વરસાદ પડ્યો અને જેને કારણે ભયાનક પૂર આવ્યું. આ પૂરમાં પુલ નષ્ટ થઈ ગયો અને લોકો સંપર્ક વિહોણા થઈ ગયા અને ભોજન, પાણી અને વીજળી વગર ટળવળવા લાગ્યા.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજારો રાહત અને બચાવ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા. તેઓ લાપતા લોકોની તલાશ કરવામાં જોતરાઈ ગયા. તેઓ મૃતકોના મૃતદેહો અને કીચડ હઠાવવામાં વ્યસ્ત થઈ ગયા. માનવામાં આવે છે કે સ્પેનનું આ પૂર યુરોપમાં બીજું સૌથી ભયાનક પૂર છે.

વેલેંસિયામાં ટુરિયા નદીને પર બંધાયેલા પુલ પર એમ્પારો એસ્ટેવેએ બીબીસી સાથે વાત કરી.

તેઓ પોતાના શહેર પૈપોર્ટા સુધી પગપાળા જવાની તૈયારી કરી રહ્યાં હતાં કારણકે ત્યાંના રસ્તાઓ બંધ હતા અને પોતાના પડોશીઓ સાથે વાત કરવા માગતાં હતાં.

‘લાગે છે અમને અમારા હાલ પર છોડી દેવાયા’

એમ્પારો એસ્ટેવેનું કહેવું છે કે તેઓ ત્રણ દિવસ સુધી ઘરે હતાં પરંતુ ત્યાં ન તો પીવાનું પાણી હતું કે ન તો વીજળી
ઇમેજ કૅપ્શન, એમ્પારો એસ્ટેવેનું કહેવું છે કે તેઓ ત્રણ દિવસ સુધી ઘરે હતાં પરંતુ ત્યાં ન તો પીવાનું પાણી હતું કે ન તો વીજળી

અચાનક પૂર આવવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મારાં પડોશીઓએ મને કહ્યું કે જેટલી ઝડપથી ભગાય એટલું ભાગો.

“પાણી બહુ ઝડપથી વધી રહ્યું હતું. તે મારો પીછો કરતું હતું. હું ત્રણ દિવસ સુધી ઘરે જ હતી. ત્યાં ન વીજળી હતી, ન પાણી, ન ફોન, કંઈ પણ નહોતું.”

“હું મારાં માતાને ફોન કરીને એ પણ ન જણાવી શકી કે હું સલામત છું. અમારી પાસે ન ભોજન હતું, ન પીવા માટે પાણી.”

તેમણે સરકારી અધિકારીઓ સામે ગુસ્સો કરતાં કહ્યું, “અમારી મદદ કોઈ નથી કરી રહ્યું.”

એમ્પારો હવે પોતાનાં દાદા-દાદી સાથે રહે છે કારણકે પૂરગ્રસ્ત વિસ્તારમાં લૂંટારુઓનો ડરથી પરત ફરતાં તેઓ ડરી રહ્યાં છે.

વેલેંસિયા સરકારનું કહેવું છે કે લૂટફાટની ઘટનાઓને કારણે આ વિસ્તારમાં અસુરક્ષા વધી છે. સરકારે ચેતવણી આપી છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વેલેંસિયાના એક ગામ પિકન્યામાં દુકાન ચલાવનારાં વૃદ્ધા એમિલિયાનું પણ કહેવું છે કે તેમને એકલાં છોડી દેવામાં આવ્યાં છે.

લોકો સામાન ફેંકી રહ્યા છે

લોકો સામાન ફેંકી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્પેનમાં પૂર બાદ લોકો પોતાનો સામાન ફેંકી રહ્યા છે

એમિલિયાએ રૉયટર્સ સમાચાર એજન્સીના હવાલે કહ્યું, “સરકારે અમને અમારા હાલ પર છોડી દીધા છે. એવા ઘણા લોકો છે જેને હજુ મદદની જરૂર છે.”

તેમનું કહેવું છે કે બધો નહીં તો પણ લોકો પોતાનો થોડો સામાન ફેંકી રહ્યા છે.

“અમે પોતાનાં કપડાં પણ ધોઈ નથી શકતાં. સ્નાન પણ નથી કરી શકતાં.”

ટેલીવિઝન પર આપેલા એક સંદેશમાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે રાહતકામોમાં મદદ માટે સુરક્ષાદળોના વધારાની વાત કહી છે.

સાંચેઝે કહ્યું કે લાપતા લોકોની શોધખોળ અને સફાઈકામ માટે મદદ કરવા માટે પહેલાં જ 2500 સૈનિકો ઉપરાંત પાંચ હજાર અન્ય સૈનિકોને તહેનાત કરી દેવામાં આવ્યા છે.

તેમણે તેને શાંતિકાળમાં સ્પેનમાં સશસ્ત્રદળોનું આ સૌથી મોટું અભિયાન ગણાવ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે રાહત બચાવ કામગીરી માટે પાંચ હજાર પોલીસ અધિકારીઓ અને સિવિલ ગાર્ડોની તહેનાતી પણ કરાશે.

સ્પેનની સરકારનું કહેવું છે કે પૂરમાં 4,800 લોકોને બચાવવામાં આવ્યા. ત્રીસ હજાર લોકોને મદદ પહોંચાડવામાં આવી.

જોકે, અહીં ભારે વરસાદ અંગે પહેલાંથી જાહેર થતી ચેતવણીને લઈને ફેલાયેલી અવ્યવસ્થાની આલોચના થઈ રહી છે.

સાંચેઝે કહ્યું, “મને ખબર છે કે પ્રતિસાદ યોગ્ય નથી. સમસ્યા યથાવત છે. રાહતની ગંભીર કમી છે. શહેરો કીચડમાં ફસાયેલાં છે. હતાશ લોકો પોતાના સંબંધીઓની તલાશ કરી રહ્યા છે. અમારે વ્યવસ્થા સુધારવી પડશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.