You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નવજાત બાળકના પ્રથમ મળથી તેના ભવિષ્યના સ્વાસ્થ્ય વિશે શું જાણી શકાય?
- લેેખક, જાસ્મિન ફોક્સ-સ્કેલી
- પદ, બીબીસી ફ્યુચર્સ
શિશુના જન્મ પછીના દિવસોમાં તેના આંતરડાંમાં જે કંઈ પ્રવેશે છે તેની આજીવન અસર વિશેના સંશોધનમાં આશ્ચર્યજનક બાબતો બહાર આવી છે.
લંડનની ક્વીન્સ હૉસ્પિટલ પૅથોલૉજી લૅબોરેટરીના બે ટૅકનિશિયન 2017માં ટપાલ આવવાની ઉત્સકતાથી રાહ જોઈ રહ્યા હતા.
લૅબોરેટરીને એક દિવસ ચુસ્ત રીતે પૅક કરવામાં આવેલા 50 પૅકેટ્સ મળ્યાં હતાં અને દરેક પૅકેટમાં ખજાનો હતો. એ ખજાનો એટલે શિશુના મળનો નાનો નમૂનો, જે શિશુના ડાયપરમાંથી તેમના માતાપિતાએ કાળજીપૂર્વક કાઢીને મોકલ્યો હતો.
આ ટૅકનિશિયનો બેબી બાયોમનો અભ્યાસ કરતા મોખરાના લોકો પૈકીના એક છે. બેબી બાયોમના અભ્યાસનો હેતુ બાળકના પાચનતંત્રમાંના અબજો સૂક્ષ્મજીવાણુઓ તેમના ભાવિ સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે તે સમજવાનો છે.
ક્વીન્સ હૉસ્પિટલ પૅથોલૉજી લૅબોરેટરીએ 2016 અને 2017 દરમિયાન 3,500 નવજાત શિશુઓના મળનું વિશ્લેષણ કર્યું હતું.
અભ્યાસનો નવો આયામ
મળના અભ્યાસનું પરિણામ અત્યંત આશ્ચર્યજનક હતું.
યુનિવર્સિટી કૉલેજ લંડન (યુએલસી)ના ચેપી રોગશાસ્ત્રના પ્રોફેસર અને બેબી બાયોમ પ્રોજેક્ટનું નેતૃત્વ કરતા નિગેલ ફિલ્ડ કહે છે, "શિશુના જન્મના લગભગ ત્રણ-ચાર દિવસમાં જ તેમનાં આંતરડાંમાં સૂક્ષ્મજીવાણુઓ મળવાનું શરૂ થાય છે. તેમનો જમાવડો થવામાં થોડા દિવસ લાગે છે."
"શિશુ જન્મે ત્યારે મૂળભૂત રીતે જંતુરહિત હોય છે. તેથી રોગપ્રતિકારક તંત્ર માટે તે અસાધારણ ક્ષણ હોય છે, કારણ કે તે ક્ષણ સુધી શરીરની સમગ્ર સપાટી સૂક્ષ્મજીવાણુના સંપર્કમાં આવતી નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જીવનના પ્રારંભિક તબક્કાના એ દિવસો પછી આંતરડાંના માઇક્રોબાયોમ વિકસે છે. વિજ્ઞાનીઓ હવે માને છે કે બૅક્ટેરિયા, ફૂગ અને વાઇરસનો આ સમુદાય આપણા સ્વાસ્થ્યમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
પુખ્ત સ્વરૂપે તે પચવામાં મુશ્કેલ ફાઇબર્સને તોડવામાં મદદ કરે છે અને ચોક્કસ વિટામિન્સનું સંશ્લેષણ કરવા માટે જરૂરી ઉત્સેચકો પૂરા પાડે છે. તેનું અસ્તિત્વ જ આપણને હાનિકારક, રોગકારક જીવાણુઓ સામે રક્ષણ આપે છે.
એ પૈકીના કેટલાક આક્રમણકર્તા જીવાણુઓને મારવા માટે કુદરતી ઍન્ટિબાયોટિક્સ મુક્ત કરે છે.
આંતરડાંના સ્વસ્થ માઇક્રોબાયોમના ફાયદા આ કરતાં ઘણા વધારે છે. નવાં સંશોધનો સૂચવે છે કે સારી રીતે કાર્યરત આંતરડાંનું માઇક્રોબાયોમ ડિપ્રેશન, હતાશા અને અલ્ઝાઇમર્સ જેવા ન્યૂરોડિજનરેટિવ રોગો સામે પણ રક્ષણ આપી શકે છે.
જોકે, આ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે પુખ્ત વયે આંતરડાંના માઇક્રોબાયોમ "અસ્વસ્થ" હોવાને કારણે હૃદય રોગ, કોલોરેક્ટલ કૅન્સર, કિડનીના ક્રૉનિક રોગ, ડાયાબિટીસ, આંતરડાંના ઇન્ફ્લેમેટરી રોગ અને સ્થૂળતા સહિતની અનેક સમસ્યાઓ સર્જાય છે.
વિજ્ઞાનીઓએ પુખ્ત વયના લોકોના સ્વાસ્થ્ય પર આંતરડાંના બૅક્ટેરિયાની ભૂમિકા બાબતે ઘણા અભ્યાસ કર્યા છે, પરંતુ બાળપણમાં ગટ બૅક્ટેરિયાની અસર બાબતે હજુ હમણા સુધી તેઓ બહુ ઓછું જાણતા હતા. અલબત, હવે તેમાં પરિવર્તન શરૂ થયું છે.
ઑસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીનાં વરિષ્ઠ વ્યાખ્યાતા અર્ચિતા મિશ્રા માણસના જીવનના પ્રારંભમાં રોગપ્રતિકારક વિકાસમાં માઇક્રોબાયોમની ભૂમિકાનો અભ્યાસ કરે છે.
અર્ચિતા મિશ્રા કહે છે, "શિશુના આંતરડાંમાં પોતાની વસાહત બનાવતા પહેલાં સૂક્ષ્મજીવાણુઓ રોગપ્રતિકારક તંત્રના શિલ્પકારો જેવા હોય છે. તેઓ શરીરના દોસ્ત અને દુશ્મન વચ્ચેનો તફાવત પારખવાની 'તાલીમ' આપવામાં મદદ કરે છે."
"ફૂડ ઍન્ટિજેન્સ - નિર્દોષ સૂક્ષ્મજીવાણુઓ સાથે કેવી રીતે કામ પાર પાડવું અને રોગકારક જીવાણુઓ સામે કેવી રીતે રક્ષણ કરવું તે રોગપ્રતિકારક કોષોને શીખવે છે."
અર્ચિતા મિશ્રાના જણાવ્યા મુજબ, પ્રથમ છથી બાર મહિનામાં સ્થાપિત બૅક્ટેરિયલ સમુદાયો, ઍલર્જીના જોખમ માટે, રસીઓ સામે બાળક કેટલો સારો પ્રતિભાવ આપે છે તેના માટે અને ગટ બેરિયર એટલે કે આંતરડાંના સમગ્ર હિસ્સાના શરીરના બાકીના ભાગથી અલગ કરતું સ્તર કેટલી સારી રીતે કામ કરી શકે એ માટે જવાબદાર હોય છે.
અર્ચિતા મિશ્રા કહે છે, "જીવનના પ્રથમ 1,000 દિવસો એક બારી જેવા હોય છે. એ દરમિયાન આંતરડાંના માઇક્રોબાયોમ દાયકાઓ સુધીની છાપ છોડી જતા હોય છે."
મળભર્યો ચહેરો
પ્લેસેન્ટા જંતુમુક્ત ઝોન હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. તેનો અર્થ એ થાય કે બાળક ગર્ભાશયની અંદર હોય છે, ત્યારે તેના આંતરડાંમાં માઇક્રોબાયોમ હોતું નથી.
ગર્ભમાંના શિશુઓ તેમના મોટાભાગના બૅક્ટેરિયા, અગાઉ માનવામાં આવતું હતું તેમ તેમની માતાની યોનિમાંથી નહીં, પરંતુ માતાના પાચનતંત્રમાંથી વારસામાં મેળવે છે.
સિડનીની ન્યૂ સાઉથ વૅલ્સ યુનિવર્સિટી ખાતે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ માઇક્રોબાયોમના નિષ્ણાત વરિષ્ઠ વ્યાખ્યાતા સ્ટીવન લીચ કહે છે, "નવજાત શિશુના આંતરડાંના માઇક્રોબાયોમ સ્થાપિત કરવાની કુદરતની પદ્ધતિ ખૂબ જ શુદ્ધ છે."
"જન્મની પ્રક્રિયા વિશે વિચારીએ તો જન્મ વેળાએ શિશુનું મસ્તક માતાની કરોડરજ્જૂ તરફ હોય છે. તેની શરીર રચનાને ધ્યાનમાં લેતાં બાળકનું મસ્તક માતાના આંતરડાંમાંની સામગ્રીને બહાર ધકેલે છે. તેથી બાળકનો જન્મ થાય છે, ત્યારે તેનો ચહેરો મળથી ભરેલો હોય છે."
આંતરડાંના બૅક્ટેરિયા જન્મની ક્ષણથી જ માણસના સ્વાસ્થ્યને અસર કરવાનું શરૂ કરી દેતાં હોય એવું લાગે છે.
દાખલા તરીકે, શિશુના ચહેરા પરના મળ વિશેનું નિગેલ ફિલ્ડનું સંશોધન દર્શાવે છે કે જીવનની શરૂઆતના દિવસોમાં આંતરડાંના બૅક્ટેરિયા યોગ્ય હોવાથી શિશુઓને બાળપણમાં વાયરલ ચેપ સામે રક્ષણ મળી શકે છે.
ટુકડીએ 600 શિશુઓના જીવનના ચોથા, સાતમા અને એકવીસમા દિવસના મળનું વિશ્લેષણ કર્યું હતું. એ પૈકીના કેટલાક બાળકોનું છ મહિના કે એક વર્ષમાં ફરી ફોલોઅપ કરવામાં આવ્યું હતું.
નિગેલ ફિલ્ડ કહે છે, "વાસ્તવમાં સૌથી મોટો તફાવત જન્મની પદ્ધતિનો છે. તેથી સિઝેરિયન દ્વારા જન્મેલાં બાળકો યોનિમાર્ગ મારફત જન્મેલાં બાળકો કરતાં અલગ દેખાતાં હોય છે."
આ વાત સમજી શકાય એવી છે, કારણ કે સિઝેરિયન સેક્શન દ્વારા જન્મેલાં શિશુઓ, યોનિમાર્ગથી જન્મતાં શિશુઓની માફક "મળભર્યા ચહેરાનો આનંદ" માણવાનું ચૂકી જાય છે.
સિઝેરિયન સેક્શન એક જીવનરક્ષક અને ઘણીવાર તબીબી રીતે જરૂરી પ્રક્રિયા છે, પરંતુ સંશોધન દર્શાવે છે કે આ રીતે જન્મેલા શિશુઓ, તેમને શ્વસન સંબંધી ચેપથી બચાવી શકે તેવાં ફાયદાકારક બૅક્ટેરિયાથી વંચિત રહે છે.
2019ના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જન્મ પછીના પ્રથમ ત્રણ સપ્તાહમાં ત્રણ મુખ્ય પ્રજાતિઓ બિફિડોબૅક્ટેરિયમ લોંગમ (બી. લોંગમ), બિફિડોબૅક્ટેરિયમ બ્રેવ (બી. બ્રેવી) અથવા ઍન્ટરકોકસ ફેકાલિસ (ઈ. ફેકાલિસ) પૈકીની એક બાળકના આંતરડાંમાં ખુદને સ્થાપિત કરે છે.
નિગેલ ફિલ્ડ કહે છે, "એ મુજબ તમને બૅક્ટેરિયા મળે છે, જે બાદમાં શિશુના આંતરડાંમાં સ્થાન જમાવતી અન્ય પ્રજાતિઓ માટેનો માર્ગ નક્કી કરે છે."
યોનિમાર્ગ દ્વારા જન્મેલા શિશુ સાત દિવસના થાય ત્યાં સુધીમાં તેમના પાચનતંત્રમાં બી. લોંગમ અથવા બી. બ્રેવી હોવાની શક્યતા વધારે હોય છે, જ્યારે સિઝેરિયન સેક્શન મારફતે જન્મેલાં શિશુઓમાં ઈ.ફેકાલીસ જમાવટ કરે તેવી શક્યતા વધારે હોય છે.
યોનિમાર્ગ દ્વારા જન્મેલાં શિશુઓના ગટ માઇક્રોબાયોમ તેમની માતાના માઇક્રોબાયોમ સાથે મેળ ખાતા હોય છે, જે એ વાતની પુષ્ટિ કરે છે કે બૅક્ટેરિયા મોટે ભાગે માતાના આંતરડાંમાંથી આવે છે, માતાના યોનિમાર્ગમાંથી નહીં.
સિઝેરિયન સેક્શન દ્વારા જન્મેલા બાળકોમાં હૉસ્પિટલના વાતાવરણ સાથે સંકળાયેલા બૅક્ટેરિયા વધુ જોવા મળ્યા હતા.
નિગેલ ફિલ્ડ કહે છે, "ઈ.ફેકાલીસ એક એવો બૅક્ટેરિયા છે, જે ચેપ સાથે સંકળાયેલો છે. તેથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરતી ન હોય તો તે રોગનું કારણ બની શકે છે."
યોનિમાર્ગ મારફત જન્મેલા અને સિઝેરિયન દ્વારા જન્મ પામેલા શિશુઓઓ વચ્ચેનો આંતરડાંમાંના બૅક્ટેરિયાનો તફાવત, તેઓ એક વર્ષનાં થયાં ત્યાં સુધીમાં મોટાભાગે સમાન થઈ ગયો હોવાનું પણ સંશોધકોએ શોધી કાઢ્યું હતું.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો
અલબત, જન્મના દિવસથી જ સારા બૅક્ટેરિયા શિશુના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ હોવાના સંકેતો મળ્યા હતા. શિશુઓને કોઈ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કે નહીં તેની ખાતરી કરવા સંશોધકોની ટીમે 1,000થી વધુ શિશુઓની માહિતી મેળવી હતી.
નિગેલ ફિલ્ડ કહે છે, "જે બાળકોના આંતરડાંમાં બી. લોંગમનું વર્ચસ્વ હતું તેમને, બી. બ્રેવી અને ઈ. ફેકાલીસનું વર્ચસ્વ ધરાવતાં બાળકોની સરખામણીમાં જીવનના પહેલાં બે વર્ષમાં શ્વસન માર્ગે ચેપ લાગવાની શક્યતા લગભગ અડધોઅડધ હતી."
બીજા શબ્દોમાં કહીએ તો યોનિમાર્ગે જન્મેલાં શિશુઓને બી. લોંગમને કારણે શ્વસન રોગો સામે રક્ષણ મળે છે.
સિઝેરિયન સેક્શન દ્વારા જન્મ પામેલાં શિશુઓમાં અસ્થમા, ઍલર્જી, ઓટોઈમ્યુન રોગ અને સ્થૂળતા જેવા રોગો થવાની શક્યતા થોડા વધારે શા માટે હોય છે તે બી. લોંગમ જેવા આંતરડાંના ફાયદાકારક બૅક્ટેરિયાનો અભાવ સમજાવી શકે. અલબત, આ વાતની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે.
શિશુના ગટ બૅક્ટેરિયા તેમને ચેપથી કેવી રીતે બચાવી શકે છે, એ જાણી શકાયું નથી, પરંતુ એક મુખ્ય થિયરી એવી છે કે બી. લોંગમ જેવા બાયોફિડોબૅક્ટેરિયમ અથવા લેક્ટોબેસિલસ નામના એક અન્ય ફાયદાકારક બૅક્ટેરિયા માનવ દૂધમાં જોવા મળતી જટિલ શર્કરાને તોડવામાં નિષ્ણાત હોય છે.
એ શર્કરાને ઑલિગોસેકરાઇડ્સ કહેવામાં આવે છે. એ શર્કરા માનવ સ્તન દૂધનો મુખ્ય ઘટક છે, પરંતુ શિશુના પોતાના ઉત્સેચકો તેને પચાવી શકતા નથી.
બી. લોંગમ શર્કરાનું શૉર્ટ ચેઇન ફેટી ઍસિડ્સ (એસસીએફએ) નામના પરમાણુઓમાં રૂપાંતર કરે છે, જે રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરતા હોવાનું માનવામાં આવે છે. એ શિશુને ચેપ સામે વધુ સારી રીતે લડવામાં મદદ કરે છે.
એસસીએફએ શિશુની રોગપ્રતિકારક શક્તિને નિરુપદ્રવી, હાનિકારક ઉત્તેજનાને અવગણવાનું તથા તેનો સામનો કરવાનું શીખવવામાં પણ મદદ કરી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે રોગપ્રતિકારક શક્તિને વધુ સહનશીલ રોગપ્રતિકારક પ્રતિભાવ તરફ માર્ગદર્શિત કરવામાં મદદ કરે છે.
સ્ટીવન લીચ કહે છે, "પશ્ચિમી સમાજમાં આપણે હવે ખરેખર ઘાતક બૅક્ટેરિયાથી ઘણા દૂર છીએ. તેથી આપણને પશ્ચિમની વ્યાપક વસ્તીમાં સ્વાસ્થ્ય સંબંધી જે સમસ્યાઓ જોવા મળે છે તે વધુ પડતા સક્રિય રોગપ્રતિકારક પ્રતિભાવ સંબંધી છે."
બાયફિડોબૅક્ટેરિયમ આંતરડાંમાં એવું વાતાવરણ બનાવવામાં મદદ કરે છે, જે રોગકારક, રોગ પેદા કરતા બૅક્ટેરિયા માટે વધુ પ્રતિકૂળ હોય. પુખ્ત વયના આંતરડાંથી વિપરીત, નવજાત શિશુઓના આંતરડાં એરોબિક હોય છે એટલે કે તેમાં ઑક્સિજન હોય છે.
તે આંતરડાંને સપોર્ટ કરવા માટે હોય છે, કારણ કે તે પહેલીવાર પોષક તત્ત્વો શોષવાનું શરૂ કરતું હોય છે. જન્મ સમયે આંતરડાં પણ ઍસિડિક કે ઍલ્કલીન હોતાં નથી. (તેમનો pH તટસ્થ હોય છે).
સ્ટીવન લીચ કહે છે, "સમસ્યા એ છે કે જે બૅક્ટેરિયા નવજાત શિશુને સંભવિત રીતે નુકસાન કરી શકે છે તેને આ તટસ્થ pH ઍરોબિક પરિસ્થિતિ પસંદ હોય છે."
"બાયફિડોબૅક્ટેરિયમ ઝડપથી ઑક્સિજનનો ઉપયોગ કરીને તેમને ઍનારોબિક વાતાવરણ બનાવીને મદદ કરે છે. તેનાથી pHમાં ઘટાડો થાય છે અને સંભવિત હાનિકારક બૅક્ટેરિયાનો વિકાસ મર્યાદિત બની જાય છે."
જોકે, આ બધું એકસાથે કેવી રીતે બંધ બેસે છે તેની પ્રારંભિક બાબતો જ હજુ વિજ્ઞાનીઓ સમજી રહ્યા છે. નિગેલ ફિલ્ડ કહે છે, "તે 'સિઝેરિયન સેક્શન કરતાં યોનિમાર્ગ દ્વારા પ્રસૂતિ વધુ સારી છે' હોવા કરતાં વધારે સૂક્ષ્મ બાબત છે."
"યોનિમાર્ગે જન્મેલા બધાં બાળકોમાં, ઓછા જોખમ સાથે સંકળાયેલા હોય તેવા જંતુઓ મળ્યા નથી અને સિઝેરિયન સેક્શન દ્વારા જન્મ પામેલાં બધાં બાળકોમાં, આપણે ચિંતિત હતા એવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ જોવા મળી નથી."
માઇક્રોબ ઍન્જિનિયરિંગ
તેમ છતાં આ સંશોધનથી એવો સવાલ થાય છે કે આપણે બાળકોને (ખાસ કરીને સિઝેરયન સેક્શન દ્વારા જન્મેલાં બાળકોને) મદદરૂપ માઇક્રોબાયલ બૂસ્ટ આપવો જોઈએ કે નહીં?
અર્ચિતા મિશ્રા દલીલ કરે છે, "સિઝેરિયન સેક્શન જીવન બચાવે છે અને તેથી આપણું કામ અભાવ હોય તેવા માઇક્રોબાયોમનું સુરક્ષિત તથા ચોકસાઈપૂર્ણ પુનઃનિર્માણ કરવાનું છે."
સવાલ એ છે કે તે કેવી રીતે કરવાનું. ક્યારેક એક વિકલ્પ તરીકે "વજાઇનલ સીડિંગ"નો વિચાર કરવામાં આવે છે.
વજાઇનલ સીડિંગમાં યોનિમાર્ગના પ્રવાહીને નવજાત શિશુની ત્વચા તથા મોં પર લગાવવામાં આવે છે. ફાયદાકારક સૂક્ષ્મજીવાણુઓ શિશુનાં આંતરડાંમાં સ્થાન જમાવશે, તેવી આશામાં આવું કરવામાં આવે છે.
વજાઇનલ સીડિંગની લોકપ્રિયતા વધી રહી છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે તેનાથી ખતરનાક ચેપી રોગજનક જીવાણુઓ સ્થાનાંતરિત થઈ શકે છે.
વજાઇનલ સીડિંગનો વિકલ્પ
દાખલા તરીકે, 25 ટકાથી વધુ મહિલાઓ તેમની યોનિમાં ગ્રૂપ-બી સ્ટ્રેપ્ટોકોસનું વહન કરતી હોવાનું માનવામાં આવે છે. એ શિશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વળી બેબી બાયોમનો 2019નો અભ્યાસ દર્શાવે છે કે ફાયદાકારક માઇક્રોબ્સ માતાની યોનિમાંથી આવતા નથી.
સંભવિત માઇક્રોબાયોમ ઍન્જિનિયરિંગના અન્ય વિકલ્પો પણ છે. જેમ કે, ફેકલ માઇક્રોબાયોમ ટ્રાન્સપ્લાન્ટ. તેને સ્ટૂલ કે પૂ ટ્રાન્સપ્લાન્ટ પણ કહેવામાં આવે છે.
તેમાં માતાના મળને શિશુના જઠરના માર્ગમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ સંબંધે નાના પાયે કેટલાંક આશાસ્પદ પરીક્ષણો થયાં છે, પરંતુ હાલમાં તેની ભલામણ કરવામાં આવતી નથી.
નિગેલ ફિલ્ડ કહે છે, "માતાના યોનિમાર્ગનું કે ફેકલ માઇક્રોબાયોમ શિશુને આપવું યોગ્ય છે કે નહીં એ અમે અત્યારે જાણતા નથી. મને લાગે છે તે સારું નથી અને તે નુકસાન કરી શકે છે, જે આપણે હજુ સુધી સમજી શક્યા નથી."
જોકે, પ્રોબાયોટિક સપ્લિમેન્ટ્સ આંતરડાંના સ્વાસ્થ્યને બહેતર બનાવવાનો સલામત તથા અસરકારક માર્ગ હોવાનું જણાવવામાં આવે છે. કેટલીક ક્લિનિકલ ટ્રાયલ્સનાં તારણો સૂચવે છે કે તેનાથી પ્રિમેચ્યોર અથવા જન્મ સમયે અત્યંત ઓછું વજન ધરાવતાં શિશુઓને નેક્રૉટાઇઝિંગ ઍન્ટરકોલાઇટિસથી બચાવી શકાય છે.
નેક્રૉટાઇઝિંગ ઍન્ટરકોલાઇટિસ આંતરડાંની જીવલેણ બીમારી છે, જે મુખ્યત્વે પ્રિમેચ્યોર બાળકો માટે જોખમી હોય છે. અન્ય અભ્યાસો સૂચવે છે કે તેનાથી અકાળ જન્મનું જોખમ ઘટી શકે છે. અલબત, ક્યા બૅક્ટેરિયા આપવા એ હજુ સુધી જાણી શકાયું નથી.
સ્ટીવન લીચ કહે છે, "શિશુમાં માઇક્રોબાયમ સ્થાપિત કરવાનો કોઈ પણ ફેરફારનું ફોકસ આ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપના પ્રભાવને બહાલ કરવા કે સુધારવા પર હોવું જોઈએ. વજાઇનલ સીડિંગ અને મળ સુક્ષ્મજીવ પ્રત્યારોપ વાસ્તવમાં ગંદા પ્રોબાયોટિક્સ છે. તેમાં શું છે અને કેટલું જોખમ છે, એ તમે જાણતા નથી. તેથી પ્રોબાયોટિક્સ કદાચ સૌથી સારો માર્ગ છે."
અર્ચિતા મિશ્રા પણ જણાવે છે કે ઑરલ પ્રોબાયોટિક્સ સૌથી વ્યવહારૂ અને સલામત અભિગમ હોઈ શકે છે. અલબત, તેના પરિણામ વ્યાપક રીતે ભિન્ન હોઈ શકે છે, કારણ કે દરેક શિશુના આંતરડાં અલગ હોય છે.
ભવિષ્ય સંભવતઃ બાળકના આનુવંશિક, આહાર અને રોગપ્રતિકારક પ્રોફાઇલ મુજબના ચોક્કસ માઇક્રોબાયોમ હસ્તક્ષેપોમાં રહેલું છે, એમ જણાવતાં તેઓ ઉમેરે છે "તે વ્યક્તિગત માઇક્રોબાયલ દવા છે એવું વિચારવું જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન