ભારતમાં વિદ્રોહીઓએ જ્યારે આઝાદીની જાહેરાત કરી અને ઍરફોર્સે નાગરિકો પર જ બૉમ્બ વરસાવ્યા

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આ વાત 1966ની 21 જાન્યુઆરીની છે. ઇંદિરા ગાંધીને વડાં પ્રધાન બનવામાં ત્રણ દિવસ બાકી હતા. મિઝો નેશનલ ફ્રંટના નેતા લાલડેંગા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણોને પત્ર લખી રહ્યા હતા.

તેમણે એ પત્રમાં મિઝો ઇતિહાસનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે, “બ્રિટીશ શાસન દરમિયાન પણ અમે લોકો લગભગ સ્વતંત્રની સ્થિતિમાં હતા. અમારે ત્યાં રાજકીય જાગૃતિમાંથી ઉદભવેલો રાષ્ટ્રવાદ પરિપકવ થઈ ગયો છે. મારા લોકોની એકમાત્ર ઇચ્છા અને પ્રેરણા હવે પોતાનું અલગ વતન બનાવવાની છે.”

અહીં લાલડેંગા આ પત્ર પર સહી કરી રહ્યા હતા અને બીજી તરફ બહાર ઊભેલા બે છોકરાઓ તેમણે એકઠાં કરેલા ‘પીચ’ અને ‘અનાનસ’ની વાત કરી રહ્યા હતા. તેમની પાસે ઊભેલા લોકોને એ ખબર ન હતી કે એ છોકરાઓ તોપગાળા માટે પીચ અને હેન્ડગ્રૅનેડ માટે અનાનસ શબ્દનો ઉપયોગ કૉડ તરીકે કરી રહ્યા હતા.

એ જમાનામાં મિઝો બળવાખોરો ‘બામ્બુ ટ્યૂબ’ની વાત કરતા હોય તો તેનો અર્થ ત્રણ ઇંચનો મોર્ટાર બૉમ્બ હતો. તેઓ લાંબી ડોકવાળા ખડમાકડી જેવા જંતુનો ઉલ્લેખ કરતા ત્યારે તેનો અર્થ લાઈટ મશીનગન થતો અને ટુકલો નામના પહાડી પક્ષીની સુંદરતાની વાત કરતા ત્યારે વાસ્તવમાં ટૉમી ગનનો ઉલ્લેખ કરતા.

સરકારી ખજાનાની લૂંટ

મિઝો નેશનલ ફ્રંટના બળવાખોરોએ ભારતીય સલામતી દળોને મિઝોરમમાંથી બહાર કાઢવા માટે 1966ની 28 ફેબ્રુઆરીએ ઑપરેશન જેરિકો શરૂ કર્યું હતું. તેમાં સૌથી પહેલાં આઈઝોલ તથા લુંગલાઈમાંની આસામ રાઇફલ્સની છાવણીને નિશાન બનાવવામાં આવી હતી.

બીજા દિવસે મિઝો નેશનલ ફ્રંટે ભારતથી આઝાદ થવાની જાહેરાત કરી દીધી હતી. તેણે જોતજોતામાં આઈઝોલમાં સરકારી ખજાના અને ચંફાઈ તથા લુંગલાઈ જિલ્લામાંના લશ્કરી થાણાં કબજે કરી લીધાં હતાં.

નિર્મલા નિબેદને તેમના પુસ્તક ‘મિઝોરમઃ ધ ડેગર બ્રિગેડ’માં લખ્યું છે કે, “હુમલાખોરોની એક ટુકડીએ સબ ડિવિઝનના અધિકારીને તેમના કર્મચારીઓ સાથે બંધક બનાવ્યા હતા. બીજી ટુકડીએ જાહેર બાંધકામ વિભાગનો તમામ સામાન જીપોમાં લાદી દીધો હતો. બળવાખોરોની મુખ્ય ટુકડી આસામ રાઇફલ્સના મુખ્ય થાણા પર સતત ગોળીબાર કરી રહી હતી, જેથી જવાનો બહાર ન નીકળી શકે. લુંગલાઈના સરકારી ખજાના પર દરોડો પાડીને લોખંડની પેટીઓ જીપોમાં લાદવામાં આવી હતી. તેમને બાદમાં ખબર પડી હતી કે એ પેટીઓમાં રૂ. 18 લાખ હતા.”

ટેલિફોન કનેક્શન કાપી નાખ્યાં

સીમા પર આવેલા ચંફાઈ ગામમાં વન આસામ રાઇફલ્સના થાણા પર મધરાતે એવો ઝડપી હુમલો કરવામાં આવ્યો હતો કે સૈનિકોને તેમનાં હથિયાર લૉડ કરવાનો અને લુંગલાઈ તથા આઈઝોલ સુધી સમાચાર પહોંચાડવાનો સમય પણ મળ્યો ન હતો.

બળવાખોરોએ ત્યાંથી બધાં હથિયાર લૂંટી લીધાં હતાં. તેમના હાથમાં છ લાઇટ મશીનગન, 70 રાઇફલ્સ, 16 સ્ટેન ગન અને ગ્રૅનેડ ફાયર કરતી છ રાઇફલો આવી હતી. એક જૂનિયર કમિશન્ડ ઓફિસર અને 85 જવાનોને બંદી બનાવવામાં આવ્યા હતા.

માત્ર બે સૈનિક ત્યાંથી ભાગી છૂટવામાં સફળ થયા હતા અને તેમણે આ હુમલાની કથા બહારની દુનિયાને જણાવી હતી. બળવાખોરોની એક ટુકડીએ ટેલિફોન ઍક્સ્ચેન્જ જઈને બધા કનેક્શન કાપી નાખ્યાં હતાં. તેથી આઈઝોલનો સમગ્ર ભારત સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો.

મિઝો નેશનલ ફ્રંટના લડવૈયાઓએ લાલડેંગા તથા તેમની કૅબિનેટના છ સભ્યોને આઈઝોલ ખાતેના મિઝો નેશનલ ફ્રંટના વડામથકેથી ઉઠાવીને, તેનાથી પાંચ માઇલ દૂર આવેલા સાઉથ હીમેન વિસ્તારમાં પહોંચાડી દીધા હતા.

ભારતીય લશ્કરે હેલિકૉપ્ટરો મારફત પોતાના સૈનિકો તથા હથિયાર ત્યાં પહોંચાડવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ મિઝો નેશનલ ફ્રંટ દ્વારા કરવામાં આવતા ગોળીબારને કારણે હેલિકૉપ્ટરો જમીન પર ઉતારી શકાયાં નહોતાં.

તુફાની અને હંટર વિમાનો દ્વારા બૉમ્બમારો

ઇંદિરા ગાંધીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર એક મહિના પહેલાં જ સત્તારૂઢ થઈ હતી. મિઝોરમમાં બનેલી ઘટનાઓને કારણે કેન્દ્ર સરકાર દિગ્મૂઢ થઈ ગઈ હતી, પરંતુ તેણે ઝડપભેર જવાબી કાર્યવાહી કરી હતી.

1966ની પાંચમી માર્ચે સવારે 11 વાગ્યે ભારતીય હવાઈ દળના ચાર તુફાની તથા હંટર વિમાનોને આઈઝોલ પર બૉમ્બમારો કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેજપુર, કુંબીગ્રામ અને જોરહાટથી ઉડાન ભરીને એ વિમાનોએ સૌપ્રથમ મશીનગન વડે નીચે ફાયરિંગ કર્યું હતું. બીજા દિવસે તેઓ ફરી ત્યાં ગયાં હતાં અને એ વખતે તેમણે આગ લગાવે તેવા બૉમ્બ નીચે ફેંક્યા હતા.

આઈઝોલ તથા તેની આસપાસના વિસ્તારોમાં 13 માર્ચ સુધી બૉમ્બમારો કરવામાં આવ્યો હતો. એ દરમિયાન અસરગ્રસ્ત લોકોએ ભાગીને આજુબાજુના પહાડોમાં આશરો લીધો હતો. કેટલાક બળવાખોરો ભાગીને મ્યાંમાર તથા બાંગ્લાદેશના જંગલમાં છૂપાઈ ગયા હતા. એ સમયે તે વિસ્તાર પૂર્વ પાકિસ્તાન કહેવાતો હતો.

એ દિવસોને યાદ કરતાં મિઝો નેશનલ ફ્રંટના એક સભ્ય થંગસાંસાએ કહ્યું હતું કે, “અમારા નાનકડા શહેર પર જોરદાર અવાજ કરતાં ચાર વિમાનો ઊડવા લાગ્યાં હતાં. તેઓ ઉપરથી ગોળીબાર કરતાં હતાં અને બૉમ્બમારો કરતાં હતાં. અનેક ઇમારતોમાં આગ લાગી હતી અને મકાન તૂટીને ધરાશયી થતાં હતાં. ચારે તરફ ધૂળ ફેલાયેલી હતી અને લોકો આમતેમ ભાગી રહ્યા હતા.”

કેન્દ્ર સરકાર પોતાના વિસ્તારમાં જ બૉમ્બમારો કરશે તેની કલ્પના કોઈએ કરી ન હતી. ગ્રામ પરિષદના એક સભ્ય રામરુઆતાએ કહ્યું હતું કે, “જે સરકાર પાસે ચીનમાં પોતાનાં વિમાન મોકલવાની હિંમત ન હતી એ સરકાર આઈઝોલ પર બૉમ્બમારો કરવા માટે યુદ્ધ વિમાનોનો ઉપયોગ કરતી હતી એ જોઈને અમને આશ્ચર્ય થયું હતું.”

‘સારાં અને ક્રોધિત વિમાન’

એક સ્થાનિક નાગરિકે ખાસી વિધાનસભ્યો જીજી સ્વેલ તથા રેવરેંડ કોલ્સ રોયના નેતૃત્વ હેઠળની માનવાધિકાર સમિતિને કહ્યું હતું કે, “એ દિવસે સારાં અને ક્રોધિત એમ બે પ્રકારનાં વિમાન આઈઝોલ પર ઉડ્ડયન કરતાં હતાં. સારાં વિમાન ધીમી ગતિએ ઉડતાં હતાં. તેમાંથી બૉમ્બમારો થતો ન હતો, જ્યારે ક્રોધિત વિમાનનો અવાજ અમારા સુધી પહોંચે એ પહેલાં જ તેઓ આંખથી ઓઝલ થઈ જતાં હતાં અને અમારા પર આગ વરસાવતાં હતાં.”

મિઝો નેશનલ આર્મીના એક સભ્ય સી ઝામાએ ‘અનટૉલ્ડ સ્ટોરી’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે આ ઘટનાની વિગતવાર નોંધ કરી છે.

તેમણે લખ્યું છે કે, “બૉમ્બમારા દરમિયાન હું મારા દાદાના ઘર પાસે એક ઝાડની નીચે છુપાઈ ગયો હતો. વિસ્ફોટની દહેશતથી હું ગભરાયેલો હતો. મેં મારા હાથ બન્ને કાન પર મૂકી દીધા હતા. બૉમ્બમારો અટક્યો પછી હું ઘરે ગયો ત્યારે ત્યાં કોઈ ન હતું. પછી હું જંગલ તરફ ભાગ્યો હતો. જંગલમાં મારાં માતાને મળ્યો. તેમના ખોળામાં મારી નાની બહેન હતી. મેં જોયું કે તેની પીઠ તથા હાથમાંથી લોહી નીકળતું હતું.”

આઈઝોલ ઉપરાંત ખાવઝોલ, પુકપુઈ, વર્તેકાઈ, મુઆલથુઆમ, સંગાઉ અને બુંધમુનમાં પર બૉમ્બમારો કરવામાં આવ્યો હતો.

સમગ્ર જિલ્લામાં ઓળખપત્રો આપવામાં આવ્યાં

લુંગલાઈ તરફ આગળ વધી રહેલી સૈનિક ટુકડીએ ત્યાં પણ બૉમ્બમારાની ધમકી આપી હતી, કારણ કે એ સમયે તે શહેર પર મિઝો નેશનલ ફ્રંટનું નિયંત્રણ હતું.

ચોંગસૈલોવાએ તેમના ‘મિઝોરમ ડ્યુરિંગ 20 ડાર્ક યર્સ’ નામના પુસ્તકમાં લખ્યું છે કે, “ચર્ચના નેતાઓએ નિર્દોષ નાગરિકોના હિત ખાતર શહેર છોડી દેવાની વિનંતી મિઝો નેશનલ ફ્રંટને કરી હતી, જેથી શહેરને બૉમ્બમારાથી થતા જાનમાલના નુકસાનમાંથી બચાવી શકાય. મિઝો નેશનલ ફ્રંટે તે વિનંતીને માન આપીને શહેર છોડી દીધું હતું.”

“13 માર્ચે ભારતીય સૈન્ય તેમાં પ્રવેશ્યું ત્યારે તેણે કોઈ પણ પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ કથિત મિઝો સરકારે એ વિસ્તારમાં રહેતા તમામ બિન-મિઝો લોકોને 1967ની 17 ઑગસ્ટ સુધીમાં એ વિસ્તાર છોડવાનો આદેશ આપ્યો હતો. આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે જે બિન-મિઝો લોકો અમારા વહીવટી તંત્રમાં કામ ન કરતા હોય તેમણે ભારત સરકારના કર્મચારીઓએ અને હિંદુઓએ 1967ની પહેલી સપ્ટેમ્બર સુધીમાં મિઝોરમ છોડી દેવાનું છે.”

સરકારે સિલચર-આઈઝોલ-લુંગલાઈ માર્ગની બન્ને બાજુના 10 માઈલ વિસ્તારને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કરી દીધું હતું. બળવાખોરો અને સ્થાનિક લોકોની ઓળખ માટે સમગ્ર જિલ્લામાં ઓળખપત્રો આપવામાં આવ્યાં હતાં. માગવામાં આવે ત્યારે ઓળખપત્ર ન દેખાડે એ વ્યક્તિની તત્કાળ ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સરકારનું મૌન

બૉમ્બમારાને કારણે આઈઝોલ શહેરમાં ઘણું નુકસાન થયું હતું, પરંતુ ઈશ્વરની કૃપા કે એ સમગ્ર ઘટનામાં માત્ર 13 સામાન્ય નાગરિક જ મૃત્યુ પામ્યા હતા. આ મામલે સરકાર તથા હવાઈ દળે સંપૂર્ણ મૌન જાળવ્યું હતું અથવા તો આ સમાચારનું ખંડન કરવામાં આવ્યું હતું.

એ ઘટનાના સાક્ષીઓએ બહારની દુનિયાને વર્ષો પછી જણાવવાનું શરૂ કર્યું ત્યારે તેની વિગત બહાર આવી હતી. ભારતે ભારતની અંદર રહેતા લોકો પર જ હુમલો કરવા માટે હવાઈ દળનો ઉપયોગ કર્યો હોય તેવી એ એકમાત્ર તથા સૌપ્રથમ ઘટના હતી.

કોલકાતાથી પ્રકાશિત થતા ‘હિંદુસ્તાન સ્ટાન્ડર્ડ’ અખબારે વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ટાંકીને જણાવ્યું હતું કે યુદ્ધવિમાનોને સૈનિકો તથા સામગ્રી નીચે નાખવા માટે મોકલવામાં આવ્યાં હતાં, પરંતુ એ વખતે પણ સવાલ કરવામાં આવ્યો હતો કે ખાદ્યસામગ્રી મોકલવા માટે સપ્લાય પ્લેન હોય છે ત્યારે તેમાં યુદ્ધવિમાનોનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો?

ઇંદિરા ગાંધીની ભૂમિકા બાબતે સવાલ

મિઝો લોકો સામે ઇંદિરા ગાંધીએ વાયુ શક્તિનો ઉપયોગ કરીને યોગ્ય પગલું લીધું હતું કે કેમ એ વિશે પણ સવાલ ઊઠ્યો હતો. એ અગાઉ પાકિસ્તાને બલુચિસ્તાનમાં અને કર્નલ ગદ્દાફીએ લીબિયામાં પોતાના નાગરિકો સામે હવાઈ દળનો ઉપયોગ કર્યો હતો.

વિખ્યાત પત્રકાર અને ‘ધ પ્રિન્ટ’ના તંત્રી શેખર ગુપ્તાએ ‘ડેલીઓ’માં લખેલા “વોઝ ઇંદિરા ગાંધી રાઈટ યુ યૂઝ ઍર પાવર અગેઇન્સ્ટ હર ઓન કન્ટ્રીમૅન?” શિર્ષક હેઠળના લેખમાં તેમને લગભગ નિર્દોષ ઠરાવ્યાં હતાં.

શેખર ગુપ્તાએ લખ્યું હતું કે, “તમારી જાતને ઇંદિરા ગાંધીના સ્થાને રાખીને ઘટનાને મૂલવો. લાલબહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી તેમણે સત્તા સંભાળી તેને છ સપ્તાહ જ થયાં હતાં. પાકિસ્તાન સાથેનું ભારતનું યુદ્ધ થોડા મહિના પહેલાં સમાપ્ત થયું હતું. તેનું કોઈ નિશ્ચિત પરિણામ આવ્યું ન હતું. દક્ષિણમાં દ્રવિડ આંદોલન વેગ પકડી રહ્યું હતું. નાગાલૅન્ડમાં ચીન તથા પાકિસ્તાનને ખુલ્લા ટેકા સાથે અલગતાવાદી શક્તિઓએ માથું ઊંચક્યું હતું.”

1962માં ચીન સામે યુદ્ધમાં પરાજય પછી ભારતીય સીમા પર ચીનનું દબાણ ઓછું થયું ન હતું. દુકાળ બાદ ભારત કઠીન આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતું હતું. એ સમયે લાલડેંગાએ પણ વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યો હતો.

શેખર ગુપ્તાએ લખ્યું હતું કે, “એ સમયે મિઝોરમમાં ભારતીય સૈનિકોનું પ્રમાણ ઓછું હતું. અર્ધસૈનિક દળ આસામ રાઇફલ્સની જૂજ ટુકડીઓ જ એ વિસ્તારમાં હતી. બળવાખોરોએ આઈઝોલમાં સરકારી વડામથક પર મિઝો નેશનલ ફ્રંટનો ઝંડો ફરકાવી દીધો હતો. એ પરિસ્થિતિમાં, રામ મનોહર લોહિયા જેમને ‘ગૂંગી ગુડિયા’ કહેતા હતા તે ઇંદિરા ગાંધીએ ભારતીય હવાઈ દળના ઉપયોગનો નિર્ણય કર્યો હતો.”

રાજેશ પાયલટ અને સુરેશ કલમાડી હતા સામેલ

એ સમયે ભારતીય હવાઈ દળ પાસે પૂર્વ સેક્ટરમાં ખાસ કોઈ લડાયક ક્ષમતા ન હતી. તેથી એ ઑપરેશન માટે જૂના તુફાની અને હંટર વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

શેખર ગુપ્તાએ લખ્યું હતું કે, “તેનો મુખ્ય ઉદ્દેશ બળવાખોરોમાં ડર તથા ભ્રમ ફેલાવવાનો હતો, જેથી ભારતીય સૈનિકોને ત્યાં પહોંચવાનો સમય મળી જાય. ધીમી ગતિએ ઊડતાં વિમાનોના પાછલા ભાગમાં દારૂગોળો ભરવામાં આવ્યો હતો અને તેને આઈઝોલ પર કઢંગી રીતે ફેંકવામાં આવ્યો હતો. એ વિમાન બે પાઇલટ એવા હતા, જેઓ આગળ જતાં ભારતીય રાજકારણમાં ખ્યાતિ પામ્યા હતા. એકનું નામ રાજેશ પાઇલટ તથા બીજાનું નામ સુરેશ કલમાડી હતું. સમય જતાં બન્ને કેન્દ્ર સરકારમાં પ્રધાન બન્યા હતા.”

હવાઈ દળના ઉપયોગ માટે ભલે ગમે તેટલી દલીલ કરવામાં આવે, પરંતુ તેનાથી મિઝો બળવાખોરોને દુષ્પ્રચાર માટેનું હથિયાર મળી ગયું હતું. એ હથિયારનો તેમણે ભારત વિરુદ્ધ પૂરી તાકાતથી ઉપયોગ પણ કર્યો હતો.

ભારતને પોતાના નાગરિકોની કોઈ પરવા નથી અને તે તેમના પર બૉમ્બમારો કરવામાં પણ ખચકાતું નથી, એવી ધારણા બનાવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.

ગ્રામજનોના વિસ્થાપનની વિવાદાસ્પદ યોજના

બૉમ્બમારા પછી 1967માં સરકારે એક વિવાદાસ્પદ યોજના અમલી બનાવી હતી. એ યોજના હેઠળ ગામોની પુનર્રચના કરવામાં આવી હતી. પહાડી વિસ્તારમાં રહેતા હજારો મિઝો લોકોને તેમના ગામમાંથી હટાવીને મુખ્ય માર્ગની બન્ને બાજુ વસાવવામાં આવ્યા હતા, જેથી ભારતીય વહીવટી તંત્ર તેમના પર નજર રાખી શકે.

‘ઈકૉનોમિક ટાઇમ્સ’માં ‘ઍર ઍટેક ઇન મિઝોરમ, 1966 – અવર ડર્ટી લિટલ સિક્રેટ’ શિર્ષક હેઠળ પ્રકાશિત લેખમાં અભિક બર્મને લખ્યુ હતું કે, “દરેક જગ્યાએથી ગામલોકોને એકઠા કરીને મુખ્ય માર્ગની બન્ને બાજુ વસાવવાની સૈન્યની યોજના હતા. સૈન્યએ ગામલોકોને જણાવ્યું હતું કે તેઓ તેમની પીઠ પર ઊંચકી શકે તેટલો સામાન સાથે લઈ જાય. બાકીનો સામાન સળગાવી નાખે. આ રીતે અચાનક વિસ્થાપનને કારણે મિઝો લોકોની ખેતીને મોટું નુકસાન થયું હતું અને એ પછીનાં ત્રણ વર્ષ સુધી પ્રદેશમાં દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.”

20 વર્ષ પછી શાંતિ થઈ

ગ્રામજનોને બીજા સ્થળે વસાવવાનો વિચાર બ્રિટિશ સરકારના એક નિર્ણયના આધારે આવ્યો હતો. વીસમી સદીની શરૂઆતમાં બોઅર યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ આ જ રીતે અશ્વેત ખેડૂતોને વિસ્થાપિત કર્યા હતા, પરંતુ અંગ્રેજોએ તેમના ગુલામ હતા એ લોકો પર આ પ્રયોગ કર્યો હતો. અહીં ભારત સરકાર તેના પોતાના નાગરિકોને જ વિસ્થાપિત કરીને તેમના માટે મુશ્કેલી સર્જી રહી હતી.

મિઝોરમનાં કુલ 764 ગામ પૈકીનાં 516 ગામના રહેવાસીઓને તેમની જગ્યાએથી હટાવવામાં આવ્યા હતા. માત્ર 138 ગામ યથાવત રાખવામાં આવ્યાં હતાં. બૉમ્બમારાને લીધે મિઝો બળવો એ સમયે તો કચડાઈ ગયો હતો, પરંતુ એ પછીના બે દાયકા સુધી મિઝોરમમાં અશાંતિ છવાયેલી રહી હતી.

1986માં નવા પ્રદેશની રચના સાથે મિઝોરમમાં અશાંતિનો અંત આવ્યો હતો. રાજીવ ગાંધી સાથે સમજૂતી કરાર બાદ મિઝો નેશનલ ફ્રંટના પ્રમુખ લાલડેંગાએ રાજ્યના સૌપ્રથમ મુખ્ય મંત્રી તરીકે સોગંદ લીધા હતા.

એ પછી તેમણે એ જ સ્થળે ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, જે સ્થળે 20 વર્ષ પહેલાં મિઝો નેશનલ ફ્રંટનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો.