એ દેશ જ્યાં સદીઓ પહેલાં મૂત્ર દાંત અને કપડાં ચમકાવવા વપરાતું અને તેના પર ટેક્સ હતો

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર અને શોધકર્તા

રોમન સમ્રાટ વેસ્પાસિયને પોતાના દીકરા ટાઇટસના નાક પાસે સોનાનો એક સિક્કો રાખીને પૂછ્યું “શું આમાંથી દુર્ગંધ આવી રહી છે?”

ટાઇટસે જવાબ આપ્યો, "ના."

વેસ્પાસિયને કહ્યું, “સિક્કામાંથી વાસ તો નથી આવતી પણ આ સિક્કો મૂત્ર (પર લગાવાયેલા કર)ને કારણે મળે છે.”

વેસ્પાસિયન અને તેમના પુત્ર ટાઇટસ ફ્લાવિયસ વચ્ચે થયેલી વાતચીતનું વર્ણન રોમન ઇતિહાસકાર સુએટોનિયસે કર્યું છે.

તેમના મત મુજબ આ વાતચીત આશરે બે હજાર વર્ષ અગાઉ થઈ હતી, જ્યારે ટાઇટસે તેના પિતા વેસ્પાસિયને પેશાબના વેપાર પર લગાવેલા કરને 'ઘૃણાસ્પદ' ગણાવ્યો હતો.

જાયસ સુએટોનિયસ રોમના પ્રથમ 12 સીઝરોનાં જીવનચરિત્ર લખવા માટે જાણીતા છે. એમ કહેવાય છે કે રોમની રાજસત્તાની નિકટતાને કારણે તેમણે રોમન રાજવી પરિવાર વિશે ઘણું લખ્યું હતું.

પ્રાચીન રોમન સામ્રાજ્યમાં પેશાબ એક મૂલ્યવાન વસ્તુ હતી. તે સાર્વજનિક શૌચાલય અને રહેણાંક વિસ્તારોમાંથી એકત્ર કરાતું હતું. તેનો ઉપયોગ ટૂથપેસ્ટ બનાવવામાં કાચા માલ તરીકે થતો.

તેના પર ટૅક્સ લગાવાતો હતો જેને ‘વેક્ટિગલ યૂરીને’ કહેવાતો હતો. વેસ્પાસિયન ઉપરાંત નીરોએ પણ આ મૂત્રનાં ખરીદ-વેચાણ પર આ ખાસ કર લગાવ્યો હતો.

પેશાબના સંગ્રહ અને ઉપયોગ બંને પર આ કર ઈસુ પછીની પ્રથમ સદીમાં પાંચમા રોમન સમ્રાટ નીરો (જેના શાસન દરમિયાન રોમ સળગી ગયું હતું) એ લાગુ કર્યો હતો, પરંતુ પછી તે નાબૂદ પણ કરાયો હતો.

કહેવાય છે કે લોકો તેનો વિરોધ કરવા લાગ્યા હતા તેથી તેને દૂર કરાયો. વર્ષ 69માં, તેમના પછી આવેલા રોમન સમ્રાટ વેસ્પાસિયને ફરી એકવાર આ કર લાગુ કર્યો.

મૂત્રને મૂલ્યવાન કેવી રીતે બની ગયું?

ઓએફ રોબિન્સને 'એન્શિયન્ટ રોમ: સિટી પ્લાનિંગ ઍન્ડ ઍડમિનિસ્ટ્રેશન' નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તક અનુસાર, રોમમાં 144 જાહેર શૌચાલય હતાં.

તેઓ લખે છે, "આ સાર્વજનિક મૂત્રાલયોમાં બાલદીઓ (ડોલ) મૂકવામાં આવતી હતી. જેને 'ડોલિયા કાર્ટા' કહેવાતી. આ બાલદીઓમાં પેશાબ ભેગો કરાતો. આવુ કરવામાં વાર લાગે તો અધિકારીઓને સજાની જોગવાઈ પણ હતી."

વિજ્ઞાનના મુદ્દાઓ પર લેખ લખતા મોહી કુમાર મુજબ, "યુરીન એ યુરિયાનો મોટો સ્ત્રોત છે, જે નાઈટ્રોજન અને હાઈડ્રોજનનું ઓર્ગેનિક સંયોજન(કાર્બોનિક કમ્પાઉન્ડ) છે. તેને જો લાંબા સમય સુધી સંગ્રહિત કરવામાં આવે તો યુરિયા એમોનિયામાં ફેરવાઈ જાય છે."

કાચ, સ્ટીલ, તેલના ડાઘ વગેરે જેવી ઘણી વસ્તુઓને સાફ કરવા માટે આજે ઉપયોગમાં લેવાતા પ્રવાહીમાંથી એક એમોનિયા છે.

મોહી કુમાર અનુસાર પાણીમાં એમોનિયા કૉસ્ટિકની જેમ કામ કરે છે. આ માટે પેશાબનો ઉપયોગ પશુઓનાં ચામડાંને નરમ કરવા અને ટૅન કરવા માટે કરાય છે.

પશુઓનાં ચામડાંને પેશાબમાં પલાળવાથી ચામડાંના કારીગરોને ચામડાં પરથી વાળ અને માંસના ટુકડાઓને દૂર કરવાનું સરળ બની ગયું.

તેઓ લખે છે, "ગંદકી અને તેલના ડાઘ, જે સહેજ ઍસિડિક હોય છે, તેને એમોનિયાનો ઉપયોગ કરી દૂર કરી શકાય છે. પેશાબથી શ્વેતપણામાં ચમક આવવા ઉપરાંત રંગ પણ નીખરે છે."

ઓએફ રોબિન્સન તેમના પુસ્તકમાં લખે છે, "પેશાબને ડોલમાં ભરીને તડકામાં ત્યાં સુધી રાખવામાં આવતો જ્યાં સુધી તે જંતુરહિત થઈને એમોનિયામાં ફેરવાઈ ના જાય."

પેશાબનો ઉપયોગ અને ધોબી

નિકોલસ સોકિકે વેન્કુવર સનમાં છપાયેલા એક લેખમાં લખ્યું કે એમોનિયાના કારણે જ પ્રાચીન રોમના લોકો પોતાના પેશાબનો ઉપયોગ માઉથવૉશ તરીકે પોતાના દાંતને ચમકાવવા માટે કરતા હતા.

પણ રોમન સેના અને રોમન કલાત્મક વસ્તુઓ પર સંશોધન કરી ચૂકેલા ડૉ. માઇક બિશપ કહે છે કે “બધા રોમવાસીઓએ આમ કર્યું હોય એવું નથી અને કૅટલસ નામના શાયરે પોતાની એક કવિતામાં આવું કરવા માટે કોઈની મજાક પણ ઉડાવી છે.”

ઇતિહાસકાર અને મેરિસ્ટ કૉલેજમાં ફિલસૂફીના પ્રોફેસર જોશુઆ જે. માર્ક લખે છે કે પ્રાચીન રોમમાં, ધોબીઓ (જેને ફુલર્સ કહેવાતા) કપડાં સાફ કરવા અને તેમને ચમકાવવા કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે માનવ અને પ્રાણીઓના પેશાબનો ઉપયોગ કરતા હતા.

તેઓ એમ પણ લખે છે કે આવું કરવા બદલ તેમને અનાદરની નજરે જોવામાં આવતા. જોકે તે સમયે આવા ઘણા ધોબીઓ હતા, જેઓ સફળ હતા અને તેમને આ કામ માટે ઘણી કમાણી પણ થતી હતી.

પ્રાચીન રોમ પર સંશોધન કરનારા ઇતિહાસકાર બીકે હાર્વેએ લખ્યું છે કે "ધોબીઓને તેમના કામમાં પેશાબના ઉપયોગને કારણે તિરસ્કારની નજરે જોવામાં આવતા, પરંતુ બીજી તરફ તેઓ રોમમાં સૌથી વધુ પગાર મેળવતા વ્યાવસાયિકોમાંના એક હતા."

તેઓ લખે છે, "ઘણા ધોબીઓ આરામદાયક જીવન જીવતા હતા અને તેમના કામદારોને સારી ચૂકવણી કરતા હતા. પેશાબ તેમના માટે એટલો મૂલ્યવાન હતો કે તેની ખરીદી અને વેચાણ પર કર લાદવામાં આવ્યો હતો."

રોમન લોકો ઘરે નહોતા નહાતા અને ના તેઓ ઘરે કપડાં ધોતા હતા. આથી તેઓ તેમનાં કપડાં ધોવડાવવા ધોબીઓ પાસે લઈ જતા હતા. પ્રોફેસર જોશુઆ લખે છે કે ઇજિપ્ત અને ગ્રીસમાં પણ ધોબીઓ હોવાના પુરાવાઓ મળ્યા છે.

તેઓ લખે છે, "ધોબીઓ પ્રયાસ કરતા કે તેઓ સાર્વજનિક શૌચાલયોમાંથી શક્ય તેટલો વધારે પ્રમાણમાં પેશાબ એકઠો કરી શકે. તેઓ તેને એક મોટા વાસણમાં ભેગો કરી તેમાં કપડાં પલાળતાં હતાં. કેટલાક લોકોને આ કપડાંને મસળતાં તેના પર ચાલવાનું કહેવાતું. આનાથી આધુનિક સમયમાં વૉશિંગ મશીનમાં જેવી રીતે કપડાં ધોવાય છે તેવી રીતે કપડાં પર થોડું દબાણ કરી તેમાંથી ગંદકી અને ડાઘાં દૂર કરવામાં આવતા."

"કપડાં સાફ કરવાની આ પદ્ધતિ લાંબા સમય સુધી ચલણમાં હતી. રોમન સામ્રાજ્યના પતન પછી પણ, લોકો આવી જ રીતે કપડાં સાફ કરતા રહ્યા, જ્યાં સુધી પેશાબની જગ્યાએ સાબુ ન આવ્યો."

સાઇમન વર્નીસ અને સારા બેસ્ટે આ વિષય પર એક પેપર લખ્યું છે. તેણે પેશાબને 'લિક્વિડ ગોલ્ડ' કહ્યો અને લખ્યું કે "તેનો ઉપયોગ ચામડાંને નરમ કરવા અને કપડાં તથાં ઊનનાં કપડાંને સાફ કરવા અને રંગકામમાં કરવામાં આવતો હતો."

તેમણે લખ્યું, "1850ના દાયકા સુધી કપડાને રંગવા અને સાફ કરવા માટે પેશાબ એમોનિયાનો એક મૂલ્યવાન સ્રોત હતો."

પેશાબ પર કરવેરો

રોમન સમ્રાટ નીરોએ પેશાબ પર લાદવામાં આવેલા કરવેરાને ખતમ કરી દીધો હતો, પરંતુ તેમના ઉત્તરાધિકારી વેસ્પાસિયને તેને ફરી લાગુ કર્યો હતો.

ઇતિહાસ અને પુરાતત્ત્વનો અભ્યાસ કરી ચૂકેલા કર્ટ રીડમૅન લખે છે લોકોએ એનો વિરોધ કર્યો, તેથી નીરોએ ટૂંક સમયમાં પેશાબના વેચાણ પરના કરવેરાને રદ કરી દીધો.

સેમ્યુઅલ મેચૉક્સે લખ્યું છે કે નીરોએ તેની નીતિઓથી સમગ્ર સામ્રાજ્યને નાદાર કરી દીધું હતું. સેનેટે નીરોને લોકોનો દુશ્મન જાહેર કર્યો હતો, તેથી તેણે આત્મહત્યા કરી અને રોમમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું.

આ જ રાજકીય અરાજકતા વચ્ચે વેસ્પાસિયનનો ઉદય થયો. તે જનતાના એવા સેવક હતા જેમને તેમનાં નાણાકીય જવાબદારીઓ અને સૈન્ય અભિયાનો માટે ઓળખવામાં આવતા હતા.

જ્યારે વેસ્પાસિયન સમ્રાટ બન્યા ત્યારે તેમને ખબર પડી કે શાહી ખજાનો ખાલી છે.

કર્ટ રીડમૅન મુજબ, તેમના શાસનના દાયકા દરમિયાન તેઓ રોમની આર્થિક વ્યવસ્થાને સુધારવામાં સફળ રહ્યા.

વેસ્પાસિયને કહ્યું, “તેમની સામે કરવેરાની આવકને ત્રણ ગણી કરવાની જરૂરિયાત હતી. તેથી નીરોની જેમ તેમણે પેશાબ પરના કરવેરાને દૂર નહોતો કર્યો.”

જે લોકો આ કરવેરાની વિરુદ્ધ હતા તેઓ પેશાબમાંથી કમાણી કરતા હતા. આવા લોકોમાં પશુઓનાં ચામડાંનું કામ કરનાર, કાપડ ક્ષેત્રના કામદારો અને લોન્ડ્રી ચલાવનારા લોકોનો સમાવેશ થાય છે. તેમણે જાહેર શૌચાલયનું નામ બદલીને વેસ્પાસિયન રાખ્યું હતું.

વેસ્પાસિયન પછી પણ, જાહેર શૌચાલયો, ઇટાલીમાં 'વેસ્પાસિયાનો' અને ફ્રાન્સમાં 'વેસ્પાસિયન' કહેવાતા રહ્યા.

વર્ષ 79માં વેસ્પાસિયનનું અવસાન થયું ત્યારે રોમ એક સમૃદ્ધ દેશ બની ગયો હતો. તેમના શબ્દો 'પેકુનિયા નૉન ઓલેટ' આજે પણ ઇટાલિયનમાં પૈસાના મહત્ત્વને વર્ણવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનો અર્થ થાય છે “રૂપિયા ક્યારેય ગંધાતા નથી.” (રૂપિયામાં ક્યારેય દુર્ગંધ નથી આવતી.) સરળ શબ્દોમાં આને એવી રીતે સમજી શકાય કે પૈસા મહત્ત્વના છે તે ક્યાંથી આવે છે તે નહીં.