સોના કરતાં પણ મોંઘી એ વસ્તુ, જેના માટે રાજાની હત્યા સુધ્ધાં કરવામાં આવી હતી

    • લેેખક, ઝારિયા ગોર્વેટ
    • પદ, બીબીસી સંવાદદાતા

વાત વર્ષ 2002ની છે. સીરિયાના રણના એક ખૂણામાં આવેલા કાતના ખાતેના એક મહેલના ખંડેરમાં પુરાતત્વવિદો એક શાહી ખજાનાની શોધ કરી રહ્યા હતા.

તે મહેલનું ખંડેર વર્ષો પહેલાં સૂકાઈ ગયેલા સરોવરના કિનારે હતું. તેમાં કેટલાક ધાબા જેવા નિશાન દેખાઈ રહ્યાં હતાં. પુરાતત્વવિદોને ખબર ન હતી કે તેમની શોધ બહુ મહત્વની સાબિત થવાની છે.

એક મોટા વરંડા અને પછી કેટલાય સાંકડા કોરિડોરમાંથી પસાર થઈને તેઓ સીડી ઉતર્યા અને એક ઊંડા ઓરડામાં પ્રવેશ્યા. ઓરડાની એક તરફનો દરવાજો બંધ હતો. તેની બન્ને તરફ એકસમાન મૂર્તિઓ હતી.

તેમને શાહી કબર મળી ગઈ હતી. ઓરડામાં 2,000 વસ્તુઓ હતી. તેમાં ઘરેણાં અને સોનાનો એક મોટો હાથ હતો, પરંતુ ફરસ પર ગાઢ રંગના મોટા-મોટા ધાબા હતાં. તેના તરફ પુરાતત્વવિદોનું ધ્યાન ખેંચાયું.

તેમણે ધૂળ-માટી હટાવીને જાંબલી રંગના તે ધાબાના નમૂના તપાસ માટે મોકલી આપ્યા હતા.

સીરિયાના સૂકાઈ ગયેલા સરોવરની પાસેથી આ શોધકર્તાઓને અત્યંત મૂલ્યવાન અને મહત્ત્વપૂર્ણ ચીજ મળી આવી હતી.

તે એ ચીજ હતી, તેને લીધે સામ્રાજ્યો શક્તિશાળી બની રહ્યાં હતાં, રાજાઓની હત્યા થઈ હતી અને અનેક પેઢીઓ સુધી શાસકો બળવતર બન્યા હતા.

એ ચીજ માટે ઈજિપ્તની રાણી ક્લિયોપેટ્રા એટલી હદે ઝનૂની હતાં કે તેઓ તેનો ઉપયોગ તેમની હોડીના સઢ માટે પણ કરતા હતાં.

કેટલાક રોમન સમ્રાટોએ એવો આદેશ પણ બહાર પાડ્યો હતો કે તેમના સિવાય બીજું કોઈ આ રંગના કપડાં પહેરશે તો તેને મોતની સજા કરવામાં આવશે.

તે ચીજ હતી ટાયપિયન પર્પલ ડાય, જેને શાહી જાંબલી કે શાહી રંગ અને અંગ્રેજીમાં શેલફિશ પર્પલ કહેવામાં આવે છે.

પ્રાચીન કાળમાં એક એવો દૌર હતો, જ્યારે આ શાહી રંગ વડે સૌથી મોંઘી સામગ્રી બનાવવામાં આવતી હતી.

ઈસવી પૂર્વે 301માં બહાર પાડવામાં આવેલા એક રોમન આદેશ મુજબ, ટાયરિયન પર્પલ ડાયનું વેચાણ તેના વજનથી ત્રણ ગણા વજનના સોનાના બદલામાં કરવામાં આવતું હતું.

જોકે, ક્યારેક સમ્રાટોની માગ બની રહેલો આ રંગ સમય સાથે ગાયબ થઈ ગયો હતો. તેને બનાવવાની કળા પંદરમી સદી સુધીમાં ક્યાંક ગાયબ થઈ ગઈ હતી અને આજે પણ તેને બનાવવાની કળા ભાગ્યે જ કોઈ જાણે છે.

વર્તમાન સમયમાં તેને બનાવવાના પ્રયાસ ફરીથી કરવામાં આવી રહ્યા છે.

ટ્યૂનીશિયાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ક્યારેક ફોનીશિયાઈ શહેર (ભૂમધ્ય સમુદ્રના તટ પરની એક પ્રાચીન સંસ્કૃતિ) કાર્થેજનું અસ્તિત્વ હતું. ત્યાં એક નાની ઝૂંપડીમાં એક વ્યક્તિ છેલ્લા 16 વર્ષથી આ રંગ બનાવવાના પ્રયાસ કરી રહી છે.

તેઓ સમુદ્રી ગોકળગાયને પકડીને તેને ચીરી નાખે છે. તેના આંતરડામાંથી તેઓ કંઈક અંશે ટાયરિયન પર્પલ જેવી કોઈ ચીજ બનાવી શક્યા છે.

રંગનો ઈતિહાસ અને સામ્રાજ્ય

પ્રાચીન કાળની વાત કરીએ તો ટાયરિયન પર્પલ રંગ શક્તિ, સંપ્રભુતા અને ધનનું પ્રતિક માનવામાં આવતો હતો. તેનો ઉપયોગ સમાજમાં સૌથી ઉંચા હોદ્દા પર બેઠેલા લોકો જ કરી શકતા હતા.

પ્રાચીન કાળના લેખકો તેના ઉપયોગથી બનતા રંગનું ચોક્કસ સટીક વર્ણન કરે છે, જે તેના નામને અનુરૂપ છે. તે તેને થીજી ગયેલા લોહી જેવો, કંઈક અંશે કાળો, ઘેરો લાલ-જાંબરી રંગ કહે છે.

ઈસવી પૂર્વે 23માં જન્મેલા વિદ્વાન અને ઈતિહાસકાર પ્લિની દ એલ્ડરે તેને “પ્રકાશની સામે રાખવાથી ચમકદાર દેખાતો” રંગ ગણાવ્યો છે.

પોતાના વિશેષ ઘેરા રંગ અને ધોવા છતાં ઝાંખો ન પડતો હોવાને કારણે દક્ષિણ યુરોપ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમ એશિયાની પ્રાચીન સંસ્કૃતિઓના લોકોને આ રંગ પસંદ હતો.

ફોનીશિયા સંસ્કૃતિના લોકો માટે આ રંગ એટલો ખાસ હતો કે તેમણે તેનું નામ તેમના શહેર ટાયરના નામ પરથી રાખ્યું હતું. તેઓ જાંબલી લોકો તરીકે ઓળખાવા લાગ્યા હતા.

આ રંગની છાપ કપડાથી માંડીને નૌકાના સઢ, તસવીરો, ફર્નીચર, પ્લાસ્ટર, દિવાલોના પેન્ટિંગ, ઘરેણાં અને કફન પર પણ જોવા મળે છે.

ઈસવી પૂર્વે 40માં રોમન સમ્રાટે મોરટાનિયાના રાજાની હત્યાનો આદેશ અચાનક આપ્યો હતો.

કહેવાય છે કે તેઓ રોમન શાહી પરિવારના દોસ્ત હતા, પરંતુ તેમની ભૂલ એ હતી કે તેઓ ગ્લેડિયેટરની એક મેચ જોવા માટે જાંબલી રંગના વસ્ત્રો પહેરીને આવ્યા હતા. આ રંગને કારણે વધતી ઈર્ષ્યા, તેને મેળવવાની ઈચ્છાની સરખામણી ક્યારેક એક પ્રકારના પાગલપણા સાથે કરવામાં આવતી હતી.

સમુદ્રી જીવમાંથી બનતી ચીજ

આશ્ચર્યની વાત એ છે કે ક્યારેક બહુ મૂલ્યવાન ગણાતો આ રંગ તેના સમકાલીન લેપિસ લાજુલી (જાંબલી રંગનું રત્ન) કે પછી લાલ રંગ આપતા રોઝ મેડર(રૂબિયા ટિંક્ટરમ નામના છોડના મૂળ)ની માફક સુંદર રત્ન કે છોડ-વૃક્ષમાંથી આવ્યો ન હતો.

તે એક તરલ પદાર્થમાંથી નીપજ્યો હતો, જેને મ્યુરેકસ પરિવારમાં દરિયાઈ ગોકળગાય બનાવે છે. હકીકતમાં તે લાળ (સ્લાઈમ) જેવા મ્યુકસમાંથી આવ્યો હતો.

દરિયાઈ ગોકળગાયની ત્રણ પ્રજાતિઓની લાળમાંથી ટાયરિયન પર્પલનું ઉત્પાદન કરી શકાય છે. તેમાં દરેકમાંથી એક અલગ રંગ બનાવી શકાય છે. હેક્સાપ્લેક્સ ટ્રંકુલસમાંથી વાદળી-જાંબલી, બોલિનસ બ્રેંડારિસમાંથી લાલ-જાંબલી અને સ્ટ્રેમોનિટા રેમાસ્ટોમાંથી લાલ રંગ બનાવી શકાય છે.

મ્યૂરેક્સ દરિયાઈ ગોકળગાયને સમુદ્ર ખડકો પરથી હાથ વડે અથવા જાળમાં ફસાવીને પકડી શકાય છે. તેમને એકઠા કરીને તેમની સ્લાઈમ એકત્ર કરવામાં આવે છે.

ક્યારેક ગોકળગાયની શ્લેષ્મ ગ્રંથિ પર એક ખાસ ચાકુ વડે ચીરો પાડવામાં આવે છે.

એક રોમન લેખકના જણાવ્યા અનુસાર, ગ્રંથિ પર ચીરો પાડવાથી ગોકળગાયના ઘામાંથી આંસુની માફક સ્લાઈમ વહેવા લાગે છે. તેને એકઠી કરીને કૂટવામાં આવે છે. નાની પ્રજાતિની ગોકળગાયને સંપૂર્ણપણે કચડી નાખવામાં આવે છે.

ડાઈ કેવી રીતે બનતી હતી, કોઈ જાણતું ન હતું

પરંતુ આ રંગ બાબતે ઐતિહાસિક દસ્તાવેજોમાં આપણે જાણીએ છીએ એટલી જ માહિતી છે.

ગોકળગાયના રંગવિહિન સ્લાઈમમાંથી ગાઢ જાંબલી કલરનો રંગ કેવી રીતે તૈયાર થતો હતો એ વિશેનું વિવરણ કાં તો અસ્પષ્ટ છે અથવા તો ક્યાંક વિરોધાભાસી અને ક્યાંક ખોટું લાગે છે.

અરસ્તૂએ કહ્યું હતું કે મ્યૂકસ એટલે કે ગ્રંથીઓ જાંબલી માછલીના ગળામાંથી મળે છે.

ડાઈ ઉદ્યોગમાં આ માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવતી હતી. ડાઈ બનાવતા દરેક રંગારાના આગવા નુસખા હતા. તેમાં અનેક તબક્કાવાળી ફોર્મ્યુલા હતી. તેઓ તે ફોર્મ્યુલા કોઈની સાથે શેર કરતા ન હતા. મ્યૂકસમાંથી જાંબલી રંગ કેવી રીતે બન્યો એનું કારણ સમજવું મુશ્કેલ છે.

પોર્ટુગલના લિસ્બનસ્થિત નોવા યુનિવર્સિટીમાં કન્ઝર્વેશનના પ્રોફેસર મારિયા મેલો કહે છે, “સમસ્યા એ છે કે લોકોએ આટલા મહત્વપૂર્ણ નુસખાની નોંધ ક્યારેય કરી ન હતી.”

આ બાબતે સૌથી વિગતવાર માહિતી પ્લિનીએ આપી છે. તેમણે ઈસવી પૂર્વેની પહેલી સદીમાં આ પ્રક્રિયા બાબતે વિસ્તૃત આલેખન કર્યું હતું.

તેમણે લખ્યું હતું, “મ્યૂકસ ગ્રંથિથી અલગ કરીને તેમાં મીઠું નાખવામાં આવતું હતું અને ત્રણ દિવસ સુધી તેને ફર્મેન્ટ થવા માટે મૂકી દેવામાં આવતું હતું. એ પછી તેના પકાવવાનો તબક્કો શરૂ થતો હતો. તેને સંભવતઃ ટીન કે શીશાના વાસણોમાં મધ્યમ આંચ પર પકાવવામાં આવતું હતું. મિશ્રણ સંપૂર્ણપણે પાકીને થોડું ન થઈ જાય ત્યાં સુધી તેને પકાવવામાં આવતું હતું.”

“આ પ્રક્રિયાના દસમા દિવસે તેને કોઈ કપડામાં લગાવીની પરીક્ષણ કરવામાં આવતું હતું. કપડા પર ઈચ્છા અનુસાર રંગ ચડી જાય તો રંગ તૈયાર થઈ જતો હતો.”

મુશ્કેલી એ હતી કે પ્રત્યેક ગોકળગાયમાંથી મર્યાદિત પ્રમાણમાં મ્યૂકસ મળતું હતું. તેથી માત્ર એક ગ્રામ ટાયરિયન પર્પલ રંગ બનાવવા માટે પણ લગભગ 10,000 દરિયાઈ ગોકળગાયની જરૂર પડતી હતી.

જે વિસ્તારમાં આ ડાય બનાવવામાં આવતી હતી ત્યાંથી ગોકળગાયના અબજો કોચલા મળી આવ્યા છે.

વાસ્તવમાં ટાયરિયન પર્પલના ઉત્પાદનના ઇતિહાસને પહેલાંના રસાયણ ઉદ્યોગ તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે.

ગ્રીસના થેસાલોનિકીની ઍરિસ્ટૉટલ યુનિવર્સિટીમાં કન્ઝર્વેશન કેમિસ્ટ્રીના પ્રોફેસર આયોનિસ કરાપનાગિયોટિસ કહે છે, "ડાય બનાવવાનું અસલમાં આસાન નથી."

તેઓ સમજાવે છે, "બીજી ડાય બનાવવા માટે જરૂરી કાચો માલ આસાનીથી ઉપલબ્ધ હોય છે, પરંતુ ટાયરિયન ડાયની બાબતમાં એવું નથી. તે ગોકળગાયના મ્યૂકસમાંના કેમિકલમાંથી બને છે અને યોગ્ય પરિસ્થિતિમાં રંગમાં પરિવર્તિત થાય છે. તે આશ્ચર્યજનક છે."

ડાય બની ગઈ ઇતિહાસ

ઑટ્ટોમને 1453ની 29, મેએ કૉન્સ્ટેંટિનોપોલનું બાયઝેન્ટાઇન શહેર કબજે કરી લીધું હતું. એ સાથે રોમન સામ્રાજ્યનો અંત આવ્યો હતો અને ટાયરિયન પર્પલ પણ ઇતિહાસનો હિસ્સો બની ગયો હતો.

એ સમયે શહેરના ઉદ્યોગના કેન્દ્રમાં તેનો ડાય ઉદ્યોગ હતો. તે કેથૉલિક ખ્રિસ્તીઓ સાથે જોડાઈ ચૂક્યો હતો. કેથૉલિક પાદરીઓ આ ડાય વડે રંગવામાં આવેલા ઝભ્ભા પહેરતા હતા. આ રંગનાં કપડાંમાં પોતાનાં ધાર્મિક ગ્રંથો રાખતાં હતાં, પરંતુ વધારે ટૅક્સને કારણે આ ઉદ્યોગ પહેલાંથી જ બંધ થવાની અણીએ પહોંચી ગયો હતો.

ઑટ્ટોમનના કબજા બાદ તેના પરનું ખ્રિસ્તી ધર્મગુરુઓનું નિયંત્રણ ખતમ થઈ ગયું હતું. એ પછી પોપે નિર્ણય કર્યો હતો કે લાલ રંગ ખ્રિસ્તી ધર્મની શક્તિનું નવું પ્રતિક બનશે. તેને બનાવવામાં સ્કેલ કિટકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે બનાવવાનું આસાન અને સસ્તું હતું.

જોકે, ટાયરિયન પર્પલ ખતમ થવાના બીજાં કારણો પણ હોઈ શકે છે. 2003માં તુર્કીમાં વિજ્ઞાનીઓને ઍન્ડ્રિયાના પ્રાચીન બંદર નજીકથી દરિયાઈ ગોકળગાયના કોચલાનો મોટો ઢગલો મળી આવ્યો હતો. તેમના અનુમાન મુજબ, એ છઠ્ઠી સદીનો ઢગલો હતો અને તેમાં 600 લાખ ગોકળગાયના કોચલા હતાં.

રસપ્રદ વાત એ હતી કે એ ઢગલામાં સૌથી નીચે એટલે કે જૂના કોચલાં મોટાં હતાં, જ્યારે સૌથી ઉપરના ભાગમાં એટલે કે બાદમાં ફેંકવામાં આવેલા કોચલાં બહુ નાનાં હતાં. આ શોધ દર્શાવે છે કે એ સમયમાં બહુ મોટા પ્રમાણમાં દરિયાઈ ગોકળગાય પકડવામાં આવી હશે અને પછી એક સમય એવો આવ્યો હશે જ્યારે કોઈ પરિપકવ ગોકળગાય બચી નહીં હોય. શોધકર્તાઓના જણાવ્યા મુજબ, એ કારણે ટાયરિયન પર્પલનું ઉત્પાદન બંધ થઈ ગયું હોય તે પણ શક્ય છે.

જોકે, એ શોધનાં થોડાં વર્ષો પછી કરવામાં આવેલી એક શોધને લીધે આ પ્રાચીન રંગને ફરી બનાવવાની આશા જાગી હતી.

આધુનિક સમયમાં પ્રાચીન રંગ

ટ્યૂનીશિયાના ટ્યૂનિશ શહેરના બહારના વિસ્તારમાં રહેતા મોહમ્મદ ઘાસેન સપ્ટેમ્બર, 2007માં એક દિવસ દરિયા કિનારે આંટો મારી રહ્યા હતા.

તેઓ કહે છે, “આગલી રાતે તોફાન આવ્યું હતું. તેને કારણે કિનારાની રેતી પર જેલીફિશ, સમુદ્રી શેવાળ, નાના કરચલા અને મોલસ્ક જેવા અનેક જીવ મૃત પડ્યા હતા.”

તેમને એક જગ્યાએ લાલ-જાંબલી રંગ જોવા મળ્યો હતો, જે ફાટેલી ગોકળગાયની શરીરમાંથી નીકળતો હોય તેવું લાગતું હતું.

એ વખતે તેમને ટાયરિયન પર્પલ વિશે વાંચેલી માહિતી યાદ આવી હતી. તેમણે નજીકના બંદરે જઈને જોયું. ત્યાં તેમને માછીમારોની જાળમાં ફસાયેલી એવી અનેક ગોકળગાય મળી આવી હતી.

તેમણે તેમાંથી રંગ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને પ્રયોગની શરૂઆતમાં નિરાશા સાંપડી હતી, કારણ કે તેમણે દરિયાઈ ગોકળગાયના આંતરડા કાઢ્યાં તો તેમાંથી તેમને માત્ર સફેદ તરલ મ્યૂકસ મળ્યું હતું. તેઓ એ બધાને બેગમાં ભરીને ઊંઘી ગયા હતા.

તેમના જણાવ્યા મુજબ, બીજી સવારે ઊઠીને જોયું તો પાણી જેવો એ પદાર્થ બીજા રંગનો થઈ ગયો હતો.

આજે વિજ્ઞાનીઓ એ જાણે છે કે ગોકળગાયનું મ્યૂકસ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે ત્યારે તેનો રંગ બદલી જાય છે. એ પહેલાં પીળા, હલકા વાદળી, વાદળી અને પછી જાંબલી રંગનું થઈ જાય છે.

પ્રોફેસર આયોનિસ કરાપનાગિયોટિસ કહે છે, “સૂર્યપ્રકાશ હોય એ દિવસે તમે આવું કરો તો તેમાં પાંચ મિનિટથી પણ ઓછો સમય થાય.”

જોકે, આ પાક્કો ટાયરિયન પર્પલ રંગ નથી. પ્રોફેસર મારિયા મેલો કહે છે, "એ રંગમાં વાસ્તવમાં અનેક અલગ-અલગ મોલિક્યૂલ હોય છે, જે સાથે મળીને કામ કરે છે."

તેમના જણાવ્યા મુજબ, તેમાં વાદળી-જાંબલી, ગાઢ વાદળી અને લાલ રંગના મ#લિક્યૂલ હોય છે. તમે તમારી જરૂરિયાત અનુસાર રંગ મેળવી શકો છો, પરંતુ એ પછી તેમાંથી કપડાં પર ચડાવી શકાય તેવી ડાય બનાવવાની પ્રક્રિયા અલગ હોય છે.

એક વિજ્ઞાનીએ 12,000 ગોકળગાયના મ્યૂકસમાંથી 1.4 ગ્રામ પર્પલ રંગ બનાવ્યો હતો, પરંતુ એ કામ તેમણે રસાયણના ઉપયોગ વડે ઔદ્યોગિક રીતે કર્યું હતું.

મોહમ્મદ નોઈરા પ્રાચીન રીતે ટાયરિયન પર્પલ બનાવવા ઇચ્છે છે. તેના પ્રયાસ તેઓ છેલ્લાં 16 વર્ષથી કરી રહ્યા છે.

તેમણે અનેકવાર રંગ તો બનાવ્યો છે, પરંતુ ટાયરિયન પર્પલ નજીક પહોંચી શક્યા નથી. તેઓ પ્લિની લિખિત દસ્તાવેજો વાંચીને પ્રાચીન રીતે ડાય બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

તેઓ કહે છે, "હું હજુ સુધી એ પ્રાચીન રંગ બનાવી શક્યો નથી. એ રંગ જીવંત દેખાતો હતો. પ્રકાશની સાથે તેની ચમક બદલાતી રહેતી હતી. તે આપણી નજર સાથે રમી રહ્યો હોય તેવું લાગતું હતું."

નોઈરા રંગ બનાવવાના તેમના પ્રયાસ અને પ્રયોગ દુનિયામાં વિવિધ સ્થળે દેખાડી ચૂક્યા છે. તેમણે તેમના પ્રયાસોનું પ્રદર્શન લંડનના બ્રિટિશ મ્યુઝિયમ અને બૉસ્ટનના લલિત કળા સંગ્રહાલયમાં કર્યું છે.

એકવાર લુપ્ત થઈ ગયેલા ટાયરિયન પર્પલ રંગ પર ફરી એકવાર જોખમ સર્જાયું છે એ વાત પણ સાચી છે.

જોકે, પડકાર તેને બનાવવાની પ્રક્રિયા ગુપ્ત રાખવાનો નથી, પરંતુ નોઈરા કહે છે કે પ્રદૂષણ તથા આબોહવા પરિવર્તનને લીધે મ્યૂરેક્સ દરિયાઈ ગોકળગાયના અસ્તિત્વ પર જોખમ સર્જાયું છે.

સ્ટ્રેમોનિટા હેમાસ્ટોમા, લાલ રંગ આપતી ગોકળગાય પહેલાંથી ભૂમધ્ય સમુદ્રમાંથી ગાયબ થઈ ગઈ છે. તેથી ટાયરિયન પર્પલને ઇતિહાસના પાનામાંથી કોઈ પણ રીતે બહાર લાવવામાં આવે તો તે કાયમ માટે આપણી સાથે રહેશે તેની કોઈ ગેરંટી નથી. આ રંગ ફરીવાર ઇતિહાસ બની જાય તે શક્ય છે.