સ્વતંત્રતા દિવસ : તિરંગાનો ઇતિહાસ શું છે અને કેવી રીતે તૈયાર થયો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતના રાષ્ટ્રધ્વજની વિચારમાંથી હકીકત બનવા સુધીની કહાણી

  • સૌપ્રથમ ભારતનો રાષ્ટ્રધ્વજ બનાવવાનું શ્રેય કોને ફાળે જાય છે, તમને ખબર છે?
  • પિંગલીએ લગભગ પાંચ વર્ષ સુધી 30 દેશના ઝંડાનો અભ્યાસ કર્યો હતો, પછી તેમણે કૉંગ્રેસના વર્ષ 1921ના વિજયવાડા (એ સમયનું બેજવાડા) અધિવેશન દરમિયાન રજૂ કર્યો હતો. પિંગલીની મૂળ ડિઝાઇનમાં માત્ર લાલ અને લીલો રંગ હતા, પરંતુ ગાંધીજીએ તેમાં સફેદ રંગની પટ્ટીનો ઉમેરો કરાવ્યો હતો
  • દેશ આઝાદ થયો તેના 40 વર્ષ પહેલાં વિદેશમાં પ્રથમ વખત એક મહિલાએ ભારતીય ઝંડો ફરકાવ્યો હતો, તેમનું નામ હતું ભીખાજી કામા
  • કામાના ઝંડામાં લીલી, પીળી અને લાલ પટ્ટીઓ હતી. તેમના ઝંડામાં વચ્ચે 'વંદે માતરં' લખેલું હતું. ઝંડાની લીલી પટ્ટીમાં અષ્ટકમલ હતા, જે દેશના (એ સમયના) આઠ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરતા હતા
  • 1931માં કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રધ્વજના સ્વીકાર સંબંધિત વધુ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો

"કાં તો હું તિરંગો ફરકાવીને આવીશ અથવા તો તિરંગામાં વીંટળાઈને આવીશ, પરંતુ પાછો ચોક્કસ આવીશ." કારગિલ યુદ્ધમાં જતાં પહેલાં કૅપ્ટન વિક્રમ બત્રાએ આ વાત કહી હતી.

યુદ્ધમાં તેમણે અજોડ શૌર્યનું પ્રદર્શન કર્યું અને 'પરમવીર ચક્ર' વિજેતા સૈન્ય અધિકારી બન્યા.

તિરંગાને ઊંચો અને ફરકતો રાખવા માટે સશસ્ત્રબળો તથા અર્ધલશ્કરી દળોના જવાન પોતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે. સામાન્ય નાગરિક પણ તિરંગાને હાથમાં લઈને ગર્વની અનુભૂતિ કરે છે.

દરેક સ્વતંત્ર દેશનો પોતાનો ધ્વજ હોય છે, જે તેની સ્વતંત્રતાનું પ્રતીક પણ ગણાય છે.

પરંતુ શું તમને ખબર છે કે સામાન્ય નાગરિકોના હાથ સુધી તિરંગાને પહોંચતાં 50 વર્ષ કરતાં વધુનો સમય લાગી ગયો હતો. તિરંગાની મૂળ ડિઝાઇન આજે છે એવી ન હતી.

પીએમ અને પ્રેસિડન્ટની અલગ-અલગ રીત

15મી ઑગસ્ટના દિવસે હોદ્દાની રૂએ વડા પ્રધાન ઝંડો ફરકાવે છે, જેનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે આયોજિત થાય છે. કિલ્લાની પ્રાચી પરથી વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન પણ કરે છે.

26 જાન્યુઆરીના ભારત દેશનું શાસન નાગરિકોના હાથમાં આવ્યું હતું. ગણતંત્ર ભારતના પ્રથમ નાગરિક તથા સર્વોચ્ચ નેતાના રાષ્ટ્રપતિ હોય છે. જેનો મુખ્ય કાર્યક્રમ દેશની રાજધાની નવી દિલ્હીના રાજપથ ખાતે યોજાય છે. કોઈ અન્ય દેશના રાષ્ટ્રપતિ/રાજા કે વડા પ્રધાન મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં સામેલ થાય છે.

ભારત તેના સાંસ્કૃતિક વૈવિધ્ય, વૈજ્ઞાનિક કે સામાજિક સિદ્ધિઓ તથા સૈન્યશક્તિનું રાજપથ પર પ્રદર્શન કરે છે. શૂરવીરોને સન્માનિત કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ કોઈ પ્રજાજોગ સંબોધન નથી કરતા, પરંતુ આગલા દિવસે સાંજે તેમનું રાષ્ટ્રજોગ પ્રસારણ હોય છે.

તિરંગાનો પુરોગામી

હાલના ધ્વજની ડિઝાઇન પીંગલી વેંકૈયા દ્વારા તૈયાર કરવામાં આવેલા ધ્વજ પર આધારિત છે.

પીંગલી આંધ્ર પ્રદેશના (એ સમયનું માસુલીપટ્ટનમ) મછલીપટ્ટનમના નિવાસી હતા. તેમનો જન્મ બીજી ઑગસ્ટ 1876ના રોજ થયો હતો.

પીંગલીએ લગભગ પાંચ વર્ષ સુધી 30 દેશના ઝંડાનો અભ્યાસ કર્યો હતો, પછી તેમણે કૉંગ્રેસના વર્ષ 1921ના વિજયવાડા (એ સમયનું બેજવાડા) અધિવેશન દરમિયાન રજૂ કર્યો હતો. પીંગલીની મૂળ ડિઝાઇનમાં માત્ર લાલ અને લીલો રંગ હતા, પરંતુ ગાંધીજીએ તેમાં સફેદ રંગની પટ્ટીનો ઉમેરો કરાવ્યો હતો.

પિંગલી કૃષિવિજ્ઞાની તરીકે નિવૃત્ત થયા હતા, એ પહેલાં તેમણે રેલવેમાં ગાર્ડ તરીકે પણ નોકરી કરી હતી.

વર્ષ 2009માં પીંગલી વેંકૈયાની સ્મૃતિમાં ટપાલવિભાગ દ્વારા ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. તેમની સ્મૃતિને જીવંત રાખવા માટે મેમોરિયલ ટ્રસ્ટ કાર્યરત્ છે, જે સમયાંતરે પીંગલી માટે ભારતરત્નની માગ કરતું રહ્યું છે.

એ પછી લાલા હંસરાજના સૂચનથી તેમાં ચરખાનો ઉમેરો કરવામાં આવ્યો હતો, જે પ્રગતિનું સૂચક હતું. એ પછી 1931 સુધી કૉંગ્રેસના દરેક અધિવેશનમાં આ ઝંડાનો ઉપયોગ થતો રહ્યો, પરંતુ તેને કૉંગ્રેસની ઔપચારિક સ્વીકૃતિ મળી ન હતી.

વર્ષ 1931માં કરાચી (હાલ પાકિસ્તાનમાં) ખાતે મળેલા કૉંગ્રેસના અધિવેશનમાં કૉંગ્રેસને સ્વીકાર્ય હોય તેવા ઔપચારિક ધ્વજની જરૂરિયાત સંબંધિત પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

આ માટે સાત સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું, જેણે કેસરી રંગના ઝંડામાં ડાબી બાજુએ ઉપરની તરફ ભૂરા રંગનો ચરખો બનેલો હતો, પરંતુ તેનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો.

ભીખાજી કામાનો ધ્વજ

દેશ આઝાદ થયો તેનાં 40 વર્ષ પહેલાં વિદેશમાં પ્રથમ વખત એક મહિલાએ ભારતીય ઝંડો ફરકાવ્યો હતો.

46 વર્ષીય પારસી મહિલા ભીખાજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ટ ખાતે આયોજિત બીજી 'ઇન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કૉંગ્રેસ'માં તેને ફરકાવ્યો હતો.

સ્વતંત્રતા પૂર્વેના અનૌપચારિક ધ્વજોમાંથી તે એક હતો.

કામાના ઝંડામાં લીલી, પીળી અને લાલ પટ્ટીઓ હતી. તેમના ઝંડામાં વચ્ચે 'વંદે માતરં' લખેલું હતું. ઝંડાની લીલી પટ્ટીમાં અષ્ટકમલ હતા, જે દેશના (એ સમયના) આઠ પ્રાંતનું પ્રતિનિધિત્વ કરતા હતા.

લાલ પટ્ટી પર સૂરજ (ડાબી તરફ) અને ચંદ્ર (જમણી બાજુ) અંકિત હતા, જેમાં સૂર્ય એ હિંદુ ધર્મનું, જ્યારે ચંદ્ર એ ઇસ્લામનું પ્રતીક હતું.

અર્ધચંદ્રની સાથે તારો ન હતો. ગુજરાતી ઇન્દુલાલ યાજ્ઞિક (ઇન્દુચાચા) તેને ગુપ્ત રીતે ભારત લાવ્યા હતા. આ ઝંડો આજે પણ પુનાની 'કેસરી મરાઠા' લાઇબ્રેરીમાં પ્રદર્શિત છે.

'વંદે માતરં' બંગાળી લેખક બંકીમચંદ્ર ચેટરજી (કે ચટ્ટોપાધ્યાય)ના પુસ્તક 'આનંદમઠ'ના ગીત 'બંદે માતરમ્...' પરથી ઊતરી આવેલો શબ્દ હતો.

ઝંડાને ફરકાવતી વખતે કામાએ કહ્યું, "ઓ સંસારના કૉમરેડ્સ, જુઓ આ ભારતનો ઝંડો છે. તે ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, તેને સૅલ્યુટ કરો."

કેટલાક વિદ્વાનોનો દાવો છે કે વર્ષ 1906માં કોલકત્તાના (એ સમયનું કલકત્તા) પારસી બગાન ચોક ખાતે ઝંડો ફરકાવવામાં આવ્યો, ત્યારે તેમાં ચંદ્ર ન હતો. (સાંસ્કૃતિક સ્રોત તથા પ્રશિક્ષણ કેન્દ્ર, ચક્રધવજ, પેજ નંબર ચાર)

આ જ પુસ્તિકામાં પૃષ્ઠક્રમાંક છ પર જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે, વર્ષ 1917માં હોમરૂલ આંદોલન વખતે લોકમાન્ય ટિળક તથા ઍની બેસન્ટ દ્વારા અલગ પ્રકારનો ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. જેમાં પાંચ લીલી તથા ચાર લાલ પટ્ટીઓ એકાંતરે ગોઠવવામાં આવી હતી. જેમાં સપ્તર્ષિના આકારમાં સાત તારા પણ ગોઠવવામાં આવેલા હતા. આ ઝંડામાં ડાબી બાજુ ઉપરની તરફ બ્રિટિશ ધ્વજ (યુનિયન જૅક) હતો તથા જમણી તરફ અર્ધચંદ્ર તથા તારો અંકિત હતાં.

આ ઝંડામાં પ્રતીકાત્મક રીતે બ્રિટિશ સ્વામિત્વને રજૂ કરતું હતું, એટલે મોટા ભાગના લોકો દ્વારા તેનો અસ્વીકાર કરી દેવામાં આવ્યો હતો.

... અને મળ્યો તિરંગો

1931માં કૉંગ્રેસ દ્વારા રાષ્ટ્રધ્વજના સ્વીકાર સંબંધિત વધુ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો, જેમાં કેસરી, સફેદ તથા લીલા રંગની પટ્ટીઓ ઉમેરવામાં આવી હતી અને તેનો કોઈ ધર્મ સાથે સંબંધ ન હતો.

કેસરી રંગ હિંમત અને ત્યાગ, સફેદ રંગ સત્ય અને શાંતિ તથા લીલો રંગ વિશ્વાસ તથા શૌર્યનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ ઝંડાની સફેદ પટ્ટીમાં નીલવર્ણી ચરખો અધ્યારોપિત હતો. તેનું પ્રમાણ 3:2નું હતું.

22 જુલાઈ, 1947ના દિવસે મળેલી બંધારણસભાની બેઠકમાં (સાંસ્કૃતિક સ્રોત તથા પ્રશિક્ષણ કેન્દ્ર, ચક્રધવજ, પેજ નંબર આઠ) સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગાનો સ્વીકાર કરવામાં આવ્યો, જેમાં રંગ તો અગાઉ જેવા જ રહ્યા, પરંતુ ચરખાનું સ્થાન સમ્રાટ અશોકના 'ધર્મચક્ર'એ લીધું.

આ સંબંધિત પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ બંધારસભામાં રજૂ કરતી વેળાએ કહ્યું, "આપણે કૃતનિશ્ચયી છીએ કે ઘાટો કેસરી, સફેદ અને ઘાટો લીલો રંગ સમાન અનુપાતમાં હશે. સફેદ પટ્ટીની મધ્યમાં ચરખાનું પ્રતિનિધિત્વ કરતું ચક્ર ઘાટા નીલવર્ણનું ચક્ર હશે, જેની પરિકલ્પના સારનાથસ્થિત સમ્રાટ અશોક દ્વારા નિર્મિત સિંહસ્તંભમાં જોવા મળે છે. ચક્રનો વ્યાસ સફેદ પટ્ટીની પહોળાઈ જેટલો રહેશે. તેનું પ્રમાણ 2:3નો હતો."

અશોકચક્ર

એક ગોળાકાર સપાટી ઉપર ચાર એશિયન સિંહોની આકૃતિ છે, જોકે સામેથી જોતાં માત્ર ત્રણ સિંહ જ દેખાય છે. આથી જ આપણા રાષ્ટ્રીયચિહ્નની મુદ્રાઓમાં ત્રણ સિંહ જ જોવા મળે છે.

તેની નીચે ગોળાકાર તખ્તા પર 24 આરાવાળું ચક્ર છે. તેની ઉપર સિંહ, સાંઢ, ઘોડા તથા હાથી પણ અંકિત છે.

પ્રોફેસર ફાઉચરના કહેવા પ્રમાણે, "આ ચારેય પશુ સિદ્ધાર્થ (ગૌતમ બુદ્ધ)ના જીવન સાથે જોડાયેલાં છે. સિદ્ધાર્થના જન્મ સમયે વૃષભ લગ્ન હતું, તેમનાં માતાએ બૌદ્ધિસત્ત્વરૂપે સફેદ હાથીને ગર્ભમાં પ્રવેશ કરતાં જોયા હતા. સિદ્ધાર્થ તેમના ઘરનો ત્યાગ કરીને કંથક નામના ઘોડા ઉપર કપીલવસ્તુ નીકળ્યા હતા. આ સિવાય સિંહએ શાક્ય-સિંહનું પ્રતીક છે. જ્યારે તેમને બુદ્ધત્વની પ્રાપ્તિ થઈ અને જ્યારે આ મહાન જ્ઞાનનો ઉપદેશ આપવા માટે તેમણે ધર્મચક્ર ફેરવ્યું, કહેવાય છે કે ત્યારે સિંહગર્જના થઈ હતી.'

સારનાથનો સ્તંભ વર્ષ 1905માં મળી આવ્યો હતો. મૂળ સ્તંભ કમળ આકારના પ્લૅટફૉર્મ પર છે, પરંતુ તેને ભારતના રાષ્ટ્રચિહ્નમાં સામેલ કરવામાં નથી આવ્યું. સમ્રાટ અશોકના કાર્યકાળમાં તેનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે, જેથી તે 'અશોકસ્તંભ' તરીકે પણ ઓળખાય છે.

તેની નીચે દેવનાગરી લિપિમાં 'સત્યમેવ જયતે' લખેલું છે, જે 'મુંડક ઉપનિષદ'માંથી લેવામાં આવ્યું છે, તેનો મતલબ 'માત્ર સત્યનો જ વિજય થાઓ' એવો થાય છે.

રાષ્ટ્રધ્વજને ફરકાવતી વખતે શું ધ્યાન રાખવું?

અગાઉ સરકારી ફ્લૅગ કોડ ખૂબ જ કડક હતો. નાગરિકો પોતાના ઘરે, ઑફિસે કે ફેકટરીમાં ધ્વજ ન રાખી શકતા. માત્ર સાર્વજનિક કચેરીઓ, શાળા-કૉલેજો કે બંધારણીય સંસ્થાઓમાં જ 15મી ઑગસ્ટ કે 26મી જાન્યુઆરીના કાર્યક્રમ આયોજિત થતા.

જોકે, હાલમાં તેમાં ઘણી છૂટછાટો આપવામાં આવી છે. જોકે, રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે આપણે અમુક વાતોનું ખૂબ જ ધ્યાન રાખવાનું હોય છે.

ઉદ્યોગપતિ નવીન જિંદલ આને માટે સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડ્યા હતા, એ પછી નાગરિકોના હાથ તિરંગા સુધી પહોંચ્યા હતા. ફ્લૅગ કોડ-2002 દ્વારા ઝંડાના ઉપયોગનું નિયમન કરવામાં આવે છે, જેમાં સમયાંતરે ફેરફાર અને સુધાર થતાં રહે છે.

1. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ધ્યાનમાં રાખવું કે તે ફાટેલો, વળેલો કે કરચલી પડેલો ન હોવો જોઈએ. તેને યોગ્ય સ્થાને ફરકાવવો જોઈએ.

2. ભારતનો રાષ્ટ્રધ્વજ જે ઊંચાઈએ ફરકાવવામાં આવ્યો છે, તેના જેટલી જ કે વધુ ઊંચાઈએ અન્ય કોઈ ધ્વજ ન ફરકાવવામાં આવે.

3. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના શણગાર માટે ઉપયોગ ન થવો જોઈએ.

4. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે કેસરી રંગ ઉપરની તરફ રહે તેનું ધ્યાન રાખવું જોઈએ.

5. રાષ્ટધ્વજના દંડ કે રાષ્ટ્રધ્વજ પર ફૂલ, પાન, ફૂલહાર વગેરે ન મૂકવાં જોઈએ.

6. રાષ્ટ્રધ્વજ પર કોઈ પણ જાતનું લખાણ લખેલું ન હોવું જોઈએ. કોઈ વસ્તુને છુપાવવા માટે તેનો ઉપયોગ ન થવો જોઈએ.

7. રાષ્ટ્રધ્વજ જમીન પર ન પડેલો હોવો જોઈએ કે ન પાણીમાં તરતી અવસ્થામાં હોવો જોઈએ.

8. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તેમાં જો જરૂર હોય તો તેની અંદરની બાજુએ ફૂલ મૂકી શકાય છે.

9. રાષ્ટ્રધ્વજનો કોઈ પણ પ્રકારના કૉસ્ચ્યૂમ માટે ઉપયોગ ન થવો જોઈએ. તેમજ તેને કમરની નીચે ન બાંધવો જોઈએ. તેનો ઉપયોગ કાપડ, રૂમાલ, સોફા કવર, નેપકિન કે આંતર્વસ્ત્ર તરીકે ન થવો જોઈએ.

10. રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે તે દંડની જમણી તરફ હોવો જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો