You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇજિપ્તના એક ચર્ચમાં આગ લાગવાથી 41નાં મૃત્યુ, ઘણા ઈજાગ્રસ્ત - પ્રેસ રિવ્યૂ
ઇજિપ્તના ગીઝા શહેરમાં રવિવારે આગ લાગવાના કારણે એક ચર્ચ નષ્ટ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ દુર્ઘટનામાં ભારે સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળી રહ્યું છે સાથે જ ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
બીબીસી અરેબિક સેવાના રિપોર્ટ અનુસાર, દુર્ઘટનામાં 41 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 14 લોકોને ઇલાજ માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
સમાચાર એજન્સી રૉયટર્સે સુરક્ષાવિભાગનાં સૂત્રોના હવાલાથી લખ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 45ના ઘાયલ થવાના સમાચાર છે.
શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિએ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃત્યુ પામનારા પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
શૅરબજાર વેપારી રાકેશ ઝુનઝુનવાલાનું 62 વર્ષની વયે નિધન
જાણીતા શૅરબજારના વેપારી રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે અવસાન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.
રાકેશ ઝુનઝુનવાલાની ઉંમર 62 વર્ષની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે સવારે તબિયત ખરાબ થતા તેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ભારતના વોરેન બફેટ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરલાઈન્સના વિમાને આ મહિને પ્રથમ ઉડાન ભરી હતી. ઝુનઝુનવાલા એ સમયે જાહેરમાં જોવા મળ્યા હતા.
કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાકેશ ઝુનઝુનવાલાએ 400 કર્મચારીઓ સાથે આ કંપનીની શરૂઆત કરી હતી.
ગુજરાતમાં લમ્પી વાઇરસથી એક દિવસમાં 100થી વધુ પશુઓનાં મૃત્યુ
ગુજરાતમાં લમ્પી વાઇરસથી શનિવારે વધુ 108 પશુઓનાં મૃત્યુ થયાં છે. આ સાથે રાજ્યનો કુલ મૃત્યુઆંક 3,268 થયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ સરકારી આંકડાને ટાંકીને લખે છે કે શનિવારે 109 નવાં ગામોમાં લમ્પી વાઇરસના કેસ નોંધાયા છે. જેથી 23 જિલ્લામાં કુલ અસરગ્રસ્ત ગામોની સંખ્યા 3,775 થઈ ગઈ છે.
શનિવારે સૌથી વધુ 31 પશુઓનાં મૃત્યુ કચ્છમાં નોંધાયાં હતાં. જ્યારે બનાસકાંઠા અને રાજકોટમાં અનુક્રમે 21 અને 13 મૃત્યુ નોંધાયાં છે.
સૌથી વધુ દુધાળાં પશુઓ ધરાવતા જિલ્લામાંના એક બનાસકાંઠામાં સૌથી વધારે 1,078 કેસ, રાજકોટમાં 298, દેવભૂમિ દ્વારકામાં 239 અને પાટણમાં 217 નવા કેસ નોંધાયા છે.
સરકાર દ્વારા અત્યાર સુધી 37.25 લાખ પશુઓને રસી આપવામાં આવી છે અને હાલમાં 22,218 ઍક્ટિવ કેસ છે.
ગુજરાત બાદ બિહારમાં પણ લઠ્ઠાકાંડ?
બિહારના સારણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કથિતપણે ઝેરી દારૂ પીવાથી છથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
ગયા અઠવાડિયે આ જ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સારણના એસપી સંતોષકુમારે કહ્યું, "10 ઑગસ્ટથી અત્યાર સુધી સારણના મસૂધીમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે. ગ્રામજનોનો દાવો છે કે આ લોકોએ ઝેરી દારૂ પીધો હતો. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે."
તેમણે કહ્યું કે ઝેરી દારૂ વેચનારાઓને પકડવા માટે અભિયાન છેડવામાં આવ્યું છે. બિહારમાં દારૂબંધી હોવા છતાં ગત નવેમ્બરથી અત્યાર સુધી ઝેરી દારૂ પીવાથી રાજ્યમાં 60 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે તાજેતરમાં જ દેશમાં દારૂબંધી ધરાવતા અન્ય એક રાજ્ય ગુજરાતમાં પણ લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 40 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
તામિલનાડુના મુખ્ય મંત્રી સ્ટાલિને કહ્યું, 'શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ખર્ચ મફતની રેવડી નથી'
તામિલનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું છે કે સરકાર તરફથી શિક્ષણ અને સ્વાસ્થ્ય પર કરાયેલા ખર્ચને મફતની રેવડી કહી શકાય નહીં.
શનિવારે તેમણે કહ્યું હતું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ખર્ચ ગરીબો અને હાંસિયામાં ધકેલાયેલા લોકોની મદદ માટે કરવામાં આવે છે.
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, તેમણે સામાજિક કલ્યાણ કાર્યક્રમો માટે કરવામાં આવતા ખર્ચને લઇને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે તેઓ એ વિશે વધુ નહીં બોલે, કારણ કે બાદમાં તે રાજનીતિનો મુદ્દો બની જશે.
સ્ટાલિને કહ્યું, "ખુદ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મફતમાં વસ્તુઓ આપવી અને સામાજિક કલ્યાણ કાર્યક્રમો પર ખર્ચ કરવામાં અંતર છે."
વડા પ્રધાન મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે રેવડી કલ્ચર દેશને આત્મનિર્ભર બનવાથી રોકે છે. દેશના વિકાસ માટે એ જરૂરી છે કે સરકાર પાસે પૈસા હોય ત્યારે જ તે રોકાણ કરી શકશે. ભલે તેમણે કોઈનો ઉલ્લેખ ન કર્યો પણ તેમની આ ટિપ્પણીને આમ આદમી પાર્ટી પર પ્રહાર માનવામાં આવી રહી છે.
અમેરિકાએ લગાવ્યો આરોપ કે ભારતે રશિયન ઑઇલ અંગેની જાણકારી છુપાવી
અમેરિકાએ કહ્યું છે કે રશિયાનું ક્રૂડઑઇલ ભારત થઈને તેમને ત્યાં આવી રહ્યું છે. આ રીતે રશિયા પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અમેરિકન નાણા મંત્રાલયે ભારતને કહ્યું હતું કે એક ભારતીય જહાજે રશિયન ટૅન્કર પાસેથી મધદરિયે ઑઇલ લઇને તેને ગુજરાત પહોંચાડ્યું અને ત્યાં રિફાઇનિંગ કરીને મોકલી દીધું હતું.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, માઇકલ પાત્રાએ કહ્યું, "આ જહાજ પરના ક્રૂડઑઇલને રિફાઇન કર્યા બાદ તેમાં પાછું ચઢાવી દેવામાં આવ્યું હતું અને બેનામી ગંતવ્યસ્થાન તરફ મોકલી દેવામાં આવ્યું હતું. અધવચ્ચે ખબર પડી કે આ જહાજને ન્યૂયૉર્ક મોકલવાનું હતું."
ભારતમાં અમેરિકન દૂતાવાસે અત્યાર સુધી આ વિશે કોઈ ટિપ્પણી કરી નથી.
રશિયા વિરુદ્ધ લાદવામાં આવેલા પ્રતિબંધો સાથે જોડાયેલી ચિંતાઓ પર કોઈ ભારતીય અધિકારી તરફથી આ કદાચ પ્રથમ ટિપ્પણી છે.
યુક્રેન પર હુમલા બાદ અમેરિકાએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા હતા. ત્યાર બાદ અમેરિકામાં રિફાઇનિંગ પેટ્રોલની આયાત રોકી દેવામાં આવી હતી.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો