16,000 ફૂટ ઊંચે હવામાં વિમાનનો ભાગ તૂટ્યો ત્યારે પ્લેનમાં શું થયું હતું?

    • લેેખક, થૉમસ મેકિન્ટોશ
    • પદ, બીબીસી ન્યૂઝ

અલાસ્કા ઍરલાઇન્સના એક વિમાનના ફ્યુઝલેજ (પ્લેનનો મુખ્ય હિસ્સો)નો એક ભાગ જાન્યુઆરીમાં તૂટી પડ્યો હતો. તે વિમાનમાં પ્રવાસ કરતા એક પ્રવાસી કુઓંગ ટ્રાન કહે છે કે સીટ બૅલ્ટ બાંધેલો હોવાને કારણે તેમની વહાલી જિંદગી બચી ગઈ હતી.

કૅલિફોર્નિયામાં રહેતા આ અમેરિકને તેમને થયેલા આ ખરાબ અનુભવની બીબીસી સાથે ચર્ચા કરી હતી.

પોર્ટલૅન્ડ શહેરની નજીક 16,000 ફીટ (લગભગ 4,875 મીટર)ની ઊંચાઈ પર ઊડતા પ્લેનમાં અનિયંત્રિત ડિકમ્પ્રેશનને લીધે કુઓંગ ટ્રાંગના ફોન, મોજાં અને જૂતાં સહિતની દરેક વસ્તુ એક પહોળા મોટા બાકોરામાં ફસાઈ ગઈ હતી.

ટ્રાન એ સાત મુસાફરો પૈકીના એક છે, જેમણે પ્લેન ઉત્પાદક કંપની બૉઇંગ, સ્પિરિટ એરોસિસ્યમ્સ અને અલાસ્કા ઍરલાઇન્સ સામે દાવો માંડ્યો છે.

જોકે કંપનીઓએ આ ઘટના બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

તે ક્ષણની તસવીરો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ હતી અને નેશનલ ટ્રાન્સપૉર્ટેશન સેફટી બોર્ડે (એનટીએસબી) તેને એકત્ર કરી હતી. બૉઇંગ 737-9 મેક્સ મૉડલ પ્લેનની બાજુમાં એક મોટું બાકોરું તે તસવીરોમાં જોવા મળે છે.

પાંચમી જાન્યુઆરીએ બનેલી આ ઘટના દરમિયાન સમગ્ર પ્લેનમાં ઓક્સિજન માસ્ક લગાવવામાં આવ્યાં હતાં.

અમેરિકાના નિયમનકર્તાઓએ પ્રાથમિક તપાસમાં શોધી કાઢ્યું હતું કે કૅલિફોર્નિયા જઈ રહેલા આ વિમાનમાં વધારાનો દરવાજો હતો અને વધારાના દરવાજાને બંધ કરી રાખતા ચાર મહત્ત્વના બોલ્ટ્સ ખૂટતા હતા.

પ્લેનમાં પ્રવાસ કરી રહેલા 177 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ પૈકીના કોઈનો જીવ ગયો ન હતો, પરંતુ જે વિભાગમાં વિસ્ફોટ થયો હતો તેની પાછળની હરોળમાં પોતાના મિત્ર સાથે બેઠેલા ટ્રાનના પગ ઉપરાંત શરીરમાં બીજી ઘણી ઈજા થઈ હતી.

“પ્રિય જીવન બચાવવા મથતો રહ્યો”

40 વર્ષના ટ્રાને ટેકઓફના થોડા સમય પછી શું થયું તેની વાત બીબીસી સાથે કરી હતી. ટેકઓફ પછી ટ્રાન સામાન્ય રીતે સૂઈ જતા હોય છે.

ટ્રાન કહે છે, “પ્લેનના કૅપ્ટને કહ્યું હતું કે આપણે 10,000 ફીટની ઊંચાઈને વટાવી ગયા છે. એ પછી આવું બન્યું અને મને યાદ છે કે મારું શરીર ઊંચકાયું હતું. શરીરનો નીચલો હિસ્સો પવનમાં ખેંચાઈ ગયો હતો.”

તેમના જણાવ્યા મુજબ, ડીકમ્પ્રેશનની સ્થિતિ લગભગ 10-20 સેકન્ડ સુધી ચાલી હતી. એ ક્ષણોમાં તેઓ જોઈ શકતા હતા કે તેમની આસપાસના મુસાફરો જે થઈ રહ્યું હતું તેનાથી આશ્ચર્યચકિત હતા.

ટ્રાન કહે છે, “મારા જીવનમાં પરિસ્થિતિ મારા અંકુશની બહાર હોય તેવું ત્યારે પહેલી વાર લાગ્યું હતું. હું પરિસ્થિતિ પર વિશ્વાસ કરી શકતો ન હતો.”

“તમારું જીવન અંકુશમાં ન હોવાની લાગણી ખૂબ જ ભયાનક હોય છે. હું મારા પ્રિય જીવનને બચાવવા મથી રહ્યો હતો. મારા બન્ને જૂતાં ઊંડી ગયાં હતાં, તે ખૂબ ચુસ્ત પહેરેલાં હતાં છતાં પણ ઊડી ગયાં હતાં. મારા હાથમાંથી ફોન ગાયબ થઈ ગયો હતો.”

પ્લેન પોર્ટલૅન્ડ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર સફળ ઉતરાણ કરી શક્યું હતું અને ઇમરજન્સી સર્વિસે પ્રવાસીઓની સારવાર કરી હતી.

ટ્રાન ઉમેરે છે, “તેમણે કહ્યું હતું કે 30 મિનિટ હતી, પરંતુ તે બહુ લાંબી લાગતી હતી”

“મારી પાસે ફોન ન હતો અને મને ખ્યાલ ન હતો કે કેટલા વાગ્યા છે. તેથી હું આ સમયમાં એ છિદ્ર તરફ જોતો રહ્યો હતો અને તેને વધુ નુકસાન ન થાય તેની આશા રાખતો હતો.”

“ક્યારે ઉતરીશું તેની રાહ જોતી ક્ષણોએ મને સૌથી વધુ ડરાવ્યો હતો. મારું શરીર સ્વસ્થ થઈ રહ્યું છે, પરંતુ મારા પગ પર એક મોટો ડાઘ પડી ગયો છે. તે ક્યારેય ભૂંસાશે કે કેમ તેની મને ખબર નથી.”

પ્રવાસીઓની માગણીઓ

ટ્રાન સહિતના બીજા કેટલાક પ્રવાસીઓએ હવે અલાસ્કા ઍરલાઇન્સ, બૉઇંગ અને સ્પિરિટ એરોસિસ્ટમ સામે દાવો માંડ્યો છે. તેમણે આરોપ મૂક્યો છે કે આ ઘટનાથી તેમને શારીરિક ઈજાઓ થઈ હતી અને ગંભીર ભાવનાત્મક તકલીફ થઈ હતી, ડર અને આઘાત લાગ્યો હતો.”

અરજદારો શિક્ષાત્મક પગલાં, વળતરની માગણી કરી રહ્યા છે. જોકે, આ કેસમાં રકમનો કોઈ ઉલ્લેખ નથી.

સ્પિરિટ એરોસિસ્ટમ, બૉઇંગ અને અલાસ્કા ઍરલાઇન્સે જણાવ્યું હતું કે તેઓ વિચારાધીન દાવા બાબતે ટિપ્પણી નહીં કરે.

પ્રવાસીઓના વકીલ ટિમોથી એ. લોરેન્જરે બીબીસીને જણાવ્યું હતું કે અદાલતી પ્રક્રિયામાં બે વર્ષ લાગી શકે છે, કારણ કે તેમાં ઘણા બધા લોકો સામેલ છે.

તેમણે કહ્યું હતું કે “સીટ બેલ્ટ ન હોત તો ટ્રાનનો પગ પ્લેનમાંથી લગભગ ઊડી ગયો હોત. આ ભયાનક ઘટના હતી.”

આ મુકદ્દમો વૉશિંગ્ટન રાજ્યની કિંગ કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. અન્ય પ્રવાસીઓએ અલાસ્કા ઍરલાઇન્સ પર બેદરકારી દાખવવા બદલ એક અબજ ડૉલરનો દાવો કર્યો છે.

અલાસ્કા ઍરલાઇન્સે તેના 65 737 મેક્સ 9 પ્લેનના કાફલાને શરૂઆતમાં સેવામાંથી પડતો મૂક્યો હતો. એ પછી ફેડરલ એવિએશન ઍડમિનિસ્ટ્રેશને તમામ ઍરલાઇન્સને બૉઇંગ મૉડલને સેવામાંથી પડતા મૂકવાનો આદેશ આપ્યો હતો. વિશ્વભરમાં આવાં 171 પ્લેન છે.

ઉડ્ડયન ક્ષેત્રની વિરાટ કંપની બૉઇંગ, તેની ઉત્પાદન પ્રક્રિયામાં કંપનીના સલામતી તથા ગુણવત્તા સંબંધી માપદંડોની ફરિયાદોને લીધે ગંભીર તપાસ હેઠળ આવી ગઈ છે.

એનટીએસબીએ ગયા બુધવારે જાહેરાત કરી હતી કે આ ઘટનાની તપાસની બે દિવસની સુનાવણી ઑગસ્ટના આરંભે કરવામાં આવશે.

જોકે, એનટીએસબીના અધ્યક્ષ જેનિફર હોમેંડીએ જણાવ્યુ હતું કે જાન્યુઆરીની ઘટના પહેલાં અલાસ્કા ઍરલાઇન્સના વિમાન પર કરવામાં આવેલા કામ બાબતે મહત્ત્વપૂર્ણ માહિતી આપવામાં બૉઇંગ કંપની નિષ્ફળ રહી છે.

સૅનેટના નેતાઓને લખેલા પત્રમાં હોમેન્ડીએ જણાવ્યું હતું કે દરવાજાની સ્ટોપર રિવેટ્સના રિપૅરિંગ માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખોલવામાં આવી હતી.

અલાસ્કા ઍરલાઇન્સને 2023ની 31 ઑક્ટોબરે પ્લેનની ડિલિવરી આપતાં પહેલાં આ કામ બૉઇંગના રેન્ટન, વૉશિંગ્ટનસ્થિત કારખાનામાં કરવામાં આવ્યું હતું.

હોમેન્ડીએ કહ્યું હતું, “દુર્ઘટનાગ્રસ્ત પ્લેનના દરવાજાના પ્લગને ખોલવાનું, પુનઃસ્થાપિત કરવાનું અને બંધ કરવાનું કામ કોણે કર્યું હતું એ અમે આજ સુધી જાણતા નથી. તેનો કોઈ રેકૉર્ડ ન હોવાથી એનટીએસબીની આગળની તપાસ જટિલ બની જશે.”