આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા અને અંગ્રેજોના શાસન સાથે સમાપ્ત થતી ધારના કિલ્લાની કથા

- લેેખક, નીલેશ ધોત્રે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
પૂણેમાં ઑગસ્ટ, 1773માં નારાયણ રાવ પેશવાની હત્યા બાદ રાજકારણ ઝડપથી આગળ વધી રહ્યું હતું. બારભાઈએ રાઘોબાદાદાને પડકાર ફેંક્યો હતો. તેમની હકાલપટ્ટી અને બાદમાં બાજીરાવ દ્વિતીય પેશવા બન્યા હતા અને રાઘોબાદાદાનું સ્વપ્ન પૂર્ણ કર્યું હતું. આ તમામ ઘટનાઓના કેન્દ્રમાં ધારનો કિલ્લો હતો.
મધ્ય પ્રદેશનો ધારનો કિલ્લો સેંકડો વર્ષોનો સાક્ષી છે. સમયની સાથે જર્જરિત બની ગયેલા આ કિલ્લાને પુરાતત્ત્વ વિભાગે ફરી નવજીવન આપ્યું છે. ધારના કિલ્લાની કથા રાજા ભોજ અને પરમાર વંશથી શરૂ થાય છે તથા અંગ્રેજો સાથે સમાપ્ત થાય છે.
આ કિલ્લો મહારાષ્ટ્રથી દૂર હોવા છતાં મરાઠા અને પેશવા ઇતિહાસમાં તેનું ઘણું મહત્ત્વ છે. તેનું કારણ 1774ની 10 જાન્યુઆરીએ બાજીરાવ દ્વિતીય પેશવાનો જન્મ અને એ સમયના પૂણેનું રાજકારણ.
એ સમયે ખરેખર શું બન્યું હતું તેની માહિતી આપતાં પેશવાઓના ઇતિહાસના વિદ્વાન યશોધન જોશી કહે છે, “નારાયણ રાવ પેશવાની ઑગસ્ટ, 1773માં પૂણેના શનિવાર વાડામાં હત્યા કરવામાં આવી હતી. એ સમયે રાઘોબાદાદાએ ખુદને પેશવા જાહેર કર્યા હતા.
એ સમયે નારાયણ રાવ પેશવાનાં પત્ની ગંગાબાઈ ગર્ભવતી હતાં. તેથી સલામતીના કારણસર તેમને પુરંદરના કિલ્લામાં રાખવામાં આવ્યાં હતાં. તેઓ પુત્રને જન્મ આપશે તો એ આગામી પેશવા હશે, તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.”
મરાઠા સામ્રાજ્યમાં આ પ્રકારની હત્યાની ઘટના પહેલી વાર બની હતી. પહેલી વાર સત્તા માટે કોઈની હત્યા કરવામાં આવી હતી.
તેથી મરાઠા સામ્રાજ્યના તમામ રાજદ્વારીઓ એકઠા થયા હતા. શિંદે, હોલકર, સખારામ બાબુ, નાના ફડણવીસ, પટવર્ધન બધાએ સાથે મળીને રાઘોબાદાદા સામે યુતિ રચી હતી. તેને બારભાઈનું કારસ્તાન કહેવામાં આવે છે.
એ દરમિયાન એપ્રિલ, 1774માં ગંગાબાઈએ એક પુત્રને જન્મ આપ્યો હતો. તેનું નામ સવાઈ માધવરાવ રાખવામાં આવ્યું હતું. માધવરાવ 40 દિવસના થયા પછી તેમને પેશવાઈનાં વસ્ત્રો આપવામાં આવ્યાં હતાં. પરિણામે રાઘોબાદાદા પદભ્રષ્ટ થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેના પગલે મરાઠાઓ વચ્ચે સંઘર્ષ થયો. તેમાં એક બાજુ બારભાઈની તમામ શક્તિ અને બીજી બાજુ રાઘોબાદાદા એવી સ્થિતિ સર્જાઈ હતી.
પંઢરપુર નજીકના કાસેગાવ નજીક યુદ્ધ થયું હતું. તેમાં ત્ર્યંબકરાવ મામા પેઠેએ રાઘોબાદાદાને હરાવ્યા હતા. તેથી તેમણે ભાગવું પડ્યું હતું.
તેઓ બીજી કોઈ દિશામાં જવાને બદલે ઉત્તર તરફ ભાગ્યા હતા અને તેમણે થોડા સમય માટે ધારમાં આશરો લીધો હતો.
ધારના પવાર પહેલેથી પેશવા હતા. મોટા બાજીરાવ પેશવાએ તેમને પહેલેથી જ રાજ્ય આપી દીધું હતું.
એ જ સમયે આનંદીબાઈ ગર્ભવતી હતાં. આગળ પ્રવાસ કરવાનું તેમના માટે સરળ ન હતું એટલે રાઘોબાદાદાએ આનંદીબાઈને ત્યાં રાખવા પડ્યા હતા. પછી રાઘોબાદાદા ત્યાંથી નાસીને સુરત ગયા હતા.
પેશવા ઘરાણાની સ્ત્રી હોવાને નાતે આનંદીબાઈ સાથે ધારમાં સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. બાજીરાવ પેશવા દ્વિતીયે શરૂઆતના કેટલાક દિવસો ધાર કિલ્લાના ખારબુજા મહેલમાં વિતાવ્યા હતા.
પછી સવાઈ માધવરાવ પેશવા અને બાદમાં બાજીરાવ પેશવા દ્વિતીય ગાદી પર આવ્યા હતા.
જે ખારબુજા મહેલમાં આનંદીબાઈએ આશરો લીધો હતો તેને હવે નવજીવન આપવામાં આવ્યું છે.

હજુ પણ મજબૂત કિલ્લો

મહારાષ્ટ્રમાં જૂના કિલ્લાઓ ક્ષીણ થઈ રહ્યા છે ત્યારે ધારનો કિલ્લો ચારે બાજુથી મજબૂત છે. આ કિલ્લાની ચારેય દીવાલો હજુ પણ મજબૂત, અભેદ્ય અને સારી સ્થિતિમાં છે.
આ ઉપરાંત કિલ્લાના સંરક્ષણ માટે પુરાતત્ત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા અભિયાનને લીધે કિલ્લાની સુંદરતા વધી છે.
કિલ્લાના પ્રવેશદ્વાર પર હનુમાન મંદિર અને દરગાહ છે. અંદરના વિશાળ પરિસરમાં અંગ્રેજોએ કેદીઓ માટે બનાવેલી જેલ છે, જે હવે મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવી છે.
એ સિવાય કિલ્લામાં ખરબુજા મહેલ, આરસ મહેલ અને વિશાળ વાવ છે, જેના તળિયાનો તાગ મેળવવો મુશ્કેલ છે.
આ કિલ્લામાં કુલ છ દરગાહ છે અને તે કિલ્લાની અલગ-અલગ દિશામાં આવેલી છે. અહીં કેટલીક છત્રીઓ પણ છે.

ધાર કિલ્લાનો ઇતિહાસ

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કિલ્લાનું નિર્માણ રાજા ભોજ પરમારે સન 1010 અને 1055 દરમિયાન કરાવ્યું હોવાનો દાવો કેટલાક લોકો કરે છે. એ સમયે કિલ્લાનું નામ ધારાગિરિ લીલોદ્યાન હતું.
પુરાતત્ત્વવિદો પણ એવું જ માને છે. ધારના કરણસિંહ પવારના કહેવા મુજબ, એ સમયે માટીના બુરજવાળો કાચો કિલ્લો હતો, પરંતુ આ કિલ્લાનું નિર્માણ રાજા ભોજે કરાવ્યું હોવાના કોઈ નક્કર પુરાવા નથી.
કિલ્લાના હાલના સ્વરૂપનું નિર્માણ 1344માં કરવામાં આવ્યું હોવા બાબતે અને તે મહમદ તુગલક દ્વારા કરવામાં આવ્યું હોવા બાબતે ઘણા ઇતિહાસકારો સહમત છે. જોકે, કેટલાક ઇતિહાસકારો તુગલકને જીર્ણોદ્ધારકર્તા માને છે.
મહમદ તુગલકને તેના દક્ષિણના અભિયાન માટે અહીં એક કિલ્લાની જરૂર હતી, કારણ કે ત્યાં સુધીમાં તુગલકે માલવા પ્રદેશ પર પોતાનું વર્ચસ્વ જમાવી દીધું હતું.
માલવા કુદરતી સંસાધનોથી સમૃદ્ધ પ્રદેશ હતો અને ખેત ઉત્પાદનમાં અગ્રેસર હતો. તેથી તુગલકને આ વિસ્તારના રક્ષણ તથા જાળવણી માટે એક કિલ્લાની જરૂર હતી. તેથી તેણે આ કિલ્લો બનાવ્યો હતો.
તુગલકે આ કિલ્લો શા માટે બનાવ્યો હતો, તેનું બીજું કારણ જણાવતાં કરણસિંહ પવાર કહે છે, “મોગલ અને અન્ય વિદેશી શાસકોનું સૈન્ય ભાડૂતી સૈનિકોનું હતું. આ સૈન્યને રાખવા માટે તેમને આ પ્રકારના કિલ્લાની જરૂર હતી. ભારતીય રાજાઓ પાસે એ સમયે પૂર્ણકાલીન સૈન્ય ન હતું.”
મોગલ સમ્રાટ જહાંગીરે તેની આત્મકથા ‘જહાંગીરનામા’માં આ કિલ્લાનું વર્ણન કર્યું છે. તેણે રાજા ભોજ અને તુગલકના સ્થાપત્ય જ્ઞાનનાં વખાણ કર્યાં છે.
મોગલ સમ્રાટ શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહે મોગલ દરબારમાં સત્તા સંઘર્ષ દરમિયાન થોડા સમય માટે આ કિલ્લામાં આશરો લીધો હતો.

કિલ્લાની રચના

આ કિલ્લો એક લંબચોરસ ટેકરી પર બનેલો છે. તેની ચારેય રક્ષણાત્મક દીવાલ લગભગ અઢી કિલોમીટર સુધી ફેલાયેલી છે.
આ કિલ્લાની ડિઝાઈનમાં હિન્દુ, ઇસ્લામિક અને અફઘાન સ્થાપત્ય શૈલીની છાપ જોવા મળે છે.
આ કિલ્લાના ત્રણ દરવાજા છે, જેની મજબૂતિનું કામ ઔરંગઝેબના સમયગાળામાં કરવામાં આવ્યું હતું.
કિલ્લાના નિર્માણમાં કાળા, લાલ પથ્થર અને મોરમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અલાઉદ્દીન ખીલજી દિલ્હીની ગાદી પર આવ્યા પછી માલવા વિસ્તારમાં ઇસ્લામનો પ્રભાવ વધ્યો હતો, જે આ કિલ્લાના સ્થાપત્યમાં પણ જોવા મળે છે.
કિલ્લામાં જોવા મળતી ઇસ્લામી-અફઘાન સ્થાપત્ય શૈલી એ જ સમયગાળામાં આકાર પામી હતી.
આ કિલ્લામાં કુલ 14 બૂરજ છે. કેટલાક બૂરજ પર છત્રી છે. કેટલાક ટાવર્સમાં મંદિરો છે. અગાઉ આ કિલ્લાની આસપાસ ખાઈ હતી, પરંતુ હવે તે દેખાતી નથી. કિલ્લાની આસપાસ અતિક્રમણ થયું છે. નાની વસાહતોનું નિર્માણ પણ થયું છે.

ખરબુજા મહેલ

ખરબુજા મહેલ આ કિલ્લાની સૌથી મહત્ત્વપૂર્ણ અને અત્યંત મહત્ત્વની ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી ગણવામાં આવે છે.
આ મહેલ કસ્તૂરી તરબૂચના આકારના બૂરજ પર બાંધવામાં આવ્યો હોવાથી તેનું નામ ખરબુજા મહેલ પાડવામાં આવ્યું હતું.
વાસ્તવમાં આ મહેલ તરબૂચના આકારનો દેખાતો નથી, પરંતુ મહેલને આકાશમાંથી જોવામાં આવે ત્યારે તે તરબૂચના આકારનો દેખાય છે. કેટલાક મહેલનાં પગથિયાં પર ઊભા રહીને જોઈએ તો એ આકાર જોઈ શકાય છે.
કિલ્લાની વાયવ્ય દિશામાં આવેલી બે માળની ઇમારતને પુરાતત્ત્વ વિભાગ દ્વારા નવજીવન આપવામાં આવ્યું છે. તેથી આ ઇમારતમાં પ્રવેશતાં કોઈ સુવ્યવસ્થિત રાજસ્થાની મહેલમાં પ્રવેશતાં હોઈએ એવો અનુભવ થાય છે.
આ મહેલના ગ્રાઉન્ડ ફ્લોર પર નાના ઓરડા છે. તેમાં પ્રકાશ તથા હવા આવે એ માટે નાના ગવાક્ષ છે.
બાજીરાવ પેશવા દ્વિતીયનો જન્મ તેના નીચેના ઓરડામાં થયો હતો. તેઓ બે વર્ષના થયા ત્યાં સુધી માતા આનંદીબાઈ સાથે આ મહેલમાં રહ્યા હતા.
આ મહેલનું નિર્માણ મોગલોએ 16મી સદીમાં કરાવ્યું હતું. સૈન્ય અભિયાન દરમિયાન મોગલ રાજાઓ જુદા જુદા મહેલમાં રહેતા હતા.
1732માં ધારમાં પવાર સામ્રાજ્યની સ્થાપના પછી પવાર રાજવી પરિવાર પણ આ મહેલમાં થોડો સમય રહ્યો હતો.
આ મહેલમાંથી આખું ધાર શહેર જોઈ શકાય છે. તેથી આ મહેલને એ સમયે મહત્ત્વપૂર્ણ માનવામાં આવતો હતો.
અહીં કટોકટીની સ્થિતિ માટેનો એક ગુપ્ત દરવાજો હોવાનું કહેવાય છે. તેની મારફત આ મહેલમાંથી સીધું નીચે ઊતરી શકાય છે.
જોકે, હવે સલામતીના કારણસર મહેલની નીચેના તમામ ગુપ્ત દરવાજા અને ઓરડા બંધ કરી દેવામાં આવ્યા હોવાનું પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

શીશ મહેલ

આ મહેલ મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો, જેને રંગશાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પણ બે માળની ઈમારત છે. તેની સામે વિશાળ ચોક છે. લાલ સેન્ડસ્ટોનથી બનેલો આ મહેલ ભવ્ય છે.
મહમ્મદ તુગલક દૌલતાબાદથી દિલ્હી પરત ફરી રહ્યા હતા ત્યારે આ મહેલનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. બાદમાં જહાંગીરના શાસન દરમિયાન આ મહેલમાં વધુ બાંધકામ કરવામાં આવ્યું હોવાના રેકર્ડ મળે છે.
1857નું યુદ્ધ અને ધારનો કિલ્લો

આ કિલ્લાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1857ના યુદ્ધ દરમિયાન આ કિલ્લો થોડા મહિના માટે રોહિલાઓના તાબામાં હતો.
તત્કાલીન બ્રિટિશ જનરલ સ્ટુઅર્ડે તેનો તોપ વડે નાશ કરવાનો આદેશ આપ્યો હતો. છ દિવસ સુધી કિલ્લા પર સતત તોપમારો કરવામાં આવ્યો હતો.
છેવટે 1857ની 30 ઑક્ટોબરે બ્રિટિશ દળો આ કિલ્લામાં પ્રવેશ્યાં હતાં, પરંતુ તેમના હાથમાં કશું આવ્યું ન હતું. ત્યાં સુધીમાં કરણ ગુપ્ત માર્ગે કિલ્લામાંથી નીકળી ગયો હતો. એ પછી ભારત આઝાદ થયું ત્યાં સુધી આ કિલ્લો અંગ્રેજોના તાબામાં રહ્યો હતો.
અંગ્રેજોએ આ કિલ્લા પર હુમલા માટે જે તોપોનો ઉપયોગ કર્યો હતો એ આજે પણ આ કિલ્લાના સંગ્રહાલયમાં જોવા મળે છે.
અંગ્રેજોએ આ કિલ્લામાં તેમની જરૂરિયાત મુજબ ફેરફાર કર્યા હતા. પુરુષો તથા સ્ત્રીઓ માટે અલગ-અલગ જેલ બનાવી હતી.
અહીં કેટલાંક ક્વાર્ટર્સ પણ બનાવવામાં આવ્યાં હતાં. એ ઉપરાંત બ્રિટિશ અધિકારીઓના રહેઠાણ માટે ખરબુજા મહેલની ડાબી બાજુએ એક નાની ઇમારત પણ બનાવવામાં આવી હતી, જે આજે પણ જોઈ શકાય છે.
પુરાતત્ત્વ વિભાગે આપ્યું નવજીવન

જોકે, આઝાદી પછી ઘણાં વર્ષો સુધી આ કિલ્લો જર્જરિત અવસ્થામાં હતો. તેની જવાબદારી સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રની હતી.
અંગ્રેજોએ બનાવેલી જેલને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ધાર જિલ્લામાં ખોદકામ દરમિયાન મળી આવેલી વિવિધ પ્રાચીન મૂર્તિઓ શિલાલેખો, ફોટોગ્રાફ્સ અને અન્ય વસ્તુઓ તેમાં પ્રદર્શિત કરવામાં આવી છે.
આખો કિલ્લો નિંદણથી ભરાઈ ગયો હતો. ખરબુજા અને શીશ મહેલ જીર્ણશીર્ણ થઈ ગયા હતા. કિલ્લામાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ વધી ગયો હતો.
2027માં આ કિલ્લો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના પુનરોદ્ધારનું કામ શરૂ થયું છે.
2018 અને 2023માં મેં આ કિલ્લાની મુલાકાત લીધી ત્યારે જમીન-આસમાનનો ફરક જોવા મળ્યો હતો.
આ કિલ્લાના સોનેરી દિવસો પાછા ફરી રહ્યા હોય એવું લાગે છે.
નકામું ઘાસ સાફ થઈ ગયું છે. તેનાં પગથિયાં ફરી બનાવવામાં આવ્યાં છે. ખરબુજા અને શીશ મહેલને તેની ભૂતપૂર્વ ભવ્યતા પાછી મળી છે.
અહીં પુનર્નિમાણનું કામ હજુ પણ ચાલુ છે. આ કિલ્લાના પ્રભારી દિનેશ મંડલોઈએ જણાવ્યું હતું કે આ કામ આગામી બે વર્ષમાં પૂર્ણ થશે.
તેમણે આપેલી માહિતી મુજબ, આ કિલ્લાને પ્રવાસીઓ માટે વિકસાવવામાં આવી રહ્યો છે. કિલ્લામાં ખોટેખાની રેસ્ટોરાં અને વેચાણ કેન્દ્ર પણ બનાવવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કિલ્લાનો એક ભાગ લગ્ન માટે ખાનગી કંપનીઓને ભાડે આપવાની યોજના છે, જેથી તેમાંથી થનારી આવકનો ઉપયોગ કિલ્લાની જાળવણી માટે કરી શકાય.














