'મેં ઉત્તરાખંડની સુરંગમાંથી 41 મજૂરોના જીવ બચાવ્યા, તેમણે મારું ઘર તોડી પાડ્યું' - રૅટ માઇનર વકીલ હસનની કહાણી

વકીલ હસન

ઇમેજ સ્રોત, SERAJ ALI/BBC

ઇમેજ કૅપ્શન, વકીલ હસન

ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોનાં બચાવકાર્યમાં ભાગ લેનારા રૅટ માઇનર વકીલ હસનનું દિલ્હીના ખજૂરીખાસ વિસ્તારમાં આવેલું ઘર દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી (ડીડીએ)એ બુલડોઝરથી તોડી પાડ્યું છે.

ડીડીએના જણાવ્યા અનુસાર, જે જમીન પર આ ઘર બનાવવામાં આવ્યું હતું તે સરકારી જમીન હતી, પરંતુ વકીલ હસનનો દાવો છે કે આ કાર્યવાહી પહેલાં તેમને કોઈ નોટિસ મળી નથી.

બીબીસીના સહયોગી પત્રકાર આસિફ અલી સાથે વાત કરતા વકીલ હસને કહ્યું, "બુધવારે ડીડીએના અધિકારીઓ અને પોલીસ અચાનક બુલડોઝર સાથે મારા ઘરે પહોંચ્યા અને ઘરને તોડવાનું શરૂ કર્યું. મેં તેમને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ નોટિસ છે? પરંતુ તેમણે કોઈ નોટિસ બતાવી ન હતી."

વકીલ હસનના કહેવા પ્રમાણે, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને સરકારી કામમાં અવરોધનો આરોપ લગાવીને કલાકો સુધી બેસાડી રાખ્યા.

ફૂટપાથ પર બેસી રાત પસાર કરી

દિલ્હી

ઇમેજ સ્રોત, SERAJ ALI/BBC

વકીલ હસને કહ્યું કે તેનો પરિવાર આખી રાત ફૂટપાથ પર બેસી રહ્યો અને પડોશીઓએ તેમને ખાવાનું આપ્યું.

તેઓ કહે છે, "જ્યારે ઘર તોડવામાં આવી રહ્યું હતું ત્યારે મારાં પત્ની ઘરે નહોતાં. ખાલી મારાં બાળકો હાજર હતાં. તેમણે અધિકારીઓને એમ પણ કહ્યું કે અમારા પિતાએ ઉત્તરકાશીમાં મજૂરોને બચાવ્યા છે, તમે અમારું ઘર તોડશો નહીં."

વકીલ હસનના કહેવા પ્રમાણે, થોડા મહિના પહેલાં જ્યારે અમે મળીને સુરંગમાંથી કામદારોને બચાવ્યા હતા ત્યારે આખા દેશે અમને હીરો બનાવ્યા હતા અને આજે મારી સાથે આવું થયું છે.

તેમનો દાવો છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાળ કરશે.

તેમણે કહ્યું કે આ વિસ્તારમાં બીજાં ઘણાં ઘરો છે પરંતુ ડીડીએ અધિકારીઓ તેમને વારંવાર નિશાન બનાવતા રહ્યા અને પૈસાની માગણી કરતા રહ્યા.

વકીલ હસન કહે છે, "થોડા સમય પહેલાં જ્યારે સાંસદ મનોજ તિવારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અહીં આવ્યા હતા, ત્યારે મેં તેમને આ સમસ્યાનું નિરાકરણ લાવવા કહ્યું હતું, ત્યારે તેમણે મને વચન આપ્યું હતું કે તમારું ઘર ક્યાંય નહીં જાય. હું 14 વર્ષથી અહીં રહું છું."

ભાજપ અને ડીડીએની પ્રતિક્રિયા

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

X કન્ટેન્ટ પૂર્ણ

ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સાંસદ મનોજ તિવારીએ વકીલ હસનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "હા, હું તેમને મળ્યો હતો. મેં તેમને કહ્યું હતું કે તમારું ઘર ક્યાંય નહીં જાય, પરંતુ જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમને જાણવા મળ્યું કે ખરેખર જમીન સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ હતી. પરંતુ અમે તેમને કાયદાકીય માધ્યમથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપીશું. અમે આની ખાતરી આપીએ છીએ."

વકીલ હસનના ઘરનો કાટમાળ

ઇમેજ સ્રોત, SERAJ ALI/BBC

ઇમેજ કૅપ્શન, વકીલ હસનના ઘરનો કાટમાળ

વકીલ હસને કહ્યું કે તેમણે આ ઘર ભગવતી નામનાં મહિલા પાસેથી 38 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું.

મીડિયાને એક નિવેદન જારી કરીને ડીડીએએ કહ્યું, "28 ફેબ્રુઆરીએ અમે ખજૂરીખાસ વિસ્તારમાં ડીડીએની જમીન પરનું અતિક્રમણ હટાવ્યું. આ જમીન અમારી ડેવલપમેન્ટ જમીનનો ભાગ હતી."

પોલીસના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન તે વિસ્તારમાં ઘણા ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં હાજર બીબીસી સંવાદદાતા સેરાજ અલી કહે છે કે વકીલ હસનના ઘર સિવાય આ વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી ક્યાંય દેખાતી નથી.

સુંરગ રેસ્ક્યૂ ઑપરેશન

ઉત્તરાખંડ ટનલ બચાવ કામગીરી સમયે વકીલ હસન

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ઉત્તરાખંડ સુરંગ બચાવ કામગીરી સમયે વકીલ હસન

નવેમ્બર 2023માં, જ્યારે ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં 41 કામદારો ફસાયા હતા અને ઑગર મશીનો પણ કામદારોને બહાર કાઢવામાં સફળ થયાં ન હતાં, ત્યારે વકીલ હસન જેવા રૅટ માઇનર્સ આશાનું કિરણ બન્યા હતા.

આ રેસ્ક્યુ ઑપરેશનનો સૌથી મુશ્કેલ ભાગ અંતના 10 થી 12 મીટરના ભાગમાં ખોદકામનો હતો અને 'રૅટ-હોલ માઇનર્સ'એ આમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ સમગ્ર પ્રક્રિયામાં 10 થી વધુ રૅટહોલ માઇનર્સ સામેલ હતા. વકીલ હસન અને તેમના અન્ય સહયોગીઓએ સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરી હતી.

આ રૅટ-હોલ માઇનર્સ સતત પથ્થરથી ભરેલાં કાટમાળને હાથ વડે દૂર કરતા હતા. વકીલ હસન સહિત ટીમના સભ્યોએ માનવીય પદ્ધતિથી સુરંગમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે છીણી અને હથોડીથી પથ્થરો(ખડકો) તોડ્યાં અને દોરડાંનો ઉપયોગ કરીને કાટમાળને ઉપર મોકલ્યો હતો.

આ પદ્ધતિથી, સુરંગ ખૂબ જ ધીરે ખોદવામાં આવી હતી, પરંતુ આ પદ્ધતિથી કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની ખાતરી મળી હતી.

શું હોય છે રૅટ-હોલ માઇનિંગ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રૅટ-હોલ માઇનિંગ એ ખાણોમાંથી સાંકડા માર્ગે કોલસો કાઢવાની ખૂબ જૂની તકનીક છે અને મેઘાલય અને ઝારખંડની બંધ ખાણોમાં આ રીતે ગેરકાયદેસર ખાણકામ કરવામાં આવે છે.

રૅટ-હોલ એટલે જમીનની અંદર સાંકડા માર્ગો ખોદવા, જેનાથી વ્યક્તિ અંદર જઈ કોલસો બહાર કાઢી શકે. તેમનું કામ ઉંદરો દ્વારા બનાવાતાં સાંકડા દર બનાવવા સાથે મેળ ખાતું હોવાથી આવી રીતે થતાં ખોદકામને રૅટ-હોલ માઇનિંગ કહેવાય છે.

જોકે, 'નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ' એટલે કે એનજીટીએ 2014થી રૅટ-હોલ માઇનિંગ પર પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે તે અત્યંત જોખમી માનવામાં આવે છે.

13 ડિસેમ્બર, 2018ના રોજ કસનમાં એક ખાણમાંથી 'રૅટ હોલ માઇનિંગ'થી કોલસો કાઢી રહેલા 15 કામદારો ખાણમાં પાણી ભરાવાને કારણે મૃત્યુ પામ્યા હતા.

એ જ રીતે ઝારખંડના ધનબાદ, હજારીબાગ, દુમકા, આસનસોલ અને રાનીગંજની બંધ કોલસાની ખાણોમાંથી પણ 'રૅટ હોલ માઈનિંગ'થી ગેરકાયદેસર રીતે કોલસો કાઢવામાં આવે છે.

આ વિસ્તારોમાં પણ આવા ગેરકાયદે ખનનને કારણે અનેક મોટા અકસ્માતો થયા છે અને થતા રહે છે.

મેઘાલયના શિલોંગમાં આવેલી 'નૉર્થ ઈસ્ટ હિલ યુનિવર્સિટી'માં કામ કરતા જાણીતા ભૂસ્તરશાસ્ત્રી દેવેશ વાલિયાએ બીબીસીને જણાવ્યું કે 'રૅટ હોલ માઈનિંગ'ને ગેરકાયદેસર બનાવી દેવામાં આવ્યું હોય પરંતુ જે લોકો આ કામ કરે છે તેમને દુર્ગમ પહાડોને ખોદીને અંદર જવાનો અનુભવ છે.

તેમણે કહ્યું, "આ લોકો પર્વતોને જાણે છે. તેઓ પર્વતોમાં ખડકોની શ્રેણીને પણ જાણે છે. તેઓ તેનાં બંધારણમાં કેવી રીતે પ્રવેશ કરવો તે જાણે છે. આ કામ આધુનિક મશીનથી થઈ શકતું નથી કારણ કે તેની પોતાની મર્યાદાઓ છે.''

'ઑગર' મશીન પણ અહીં સફળ થઈ શક્યું નથી, કારણ કે તે ટેકનૉલૉજીથી પહાડોમાં પ્રવેશ કરી શકાતો નથી.

દેવેશ વાલિયા કહે છે કે જે લોકો 'રૅટ હોલ માઇનિંગ' કરે છે, તેઓ પહેલાં ખડકનું ટેક્સચર જોઈ તેની બનાવટ કેવી છે તે સમજીને તે મુજબ તેને કાપે છે.

બીબીસી
બીબીસી