ગુજરાત પર અત્યારે ક્યાં પહોંચી સિસ્ટમ, હજી કયા જિલ્લામાં કેટલા દિવસ સુધી ભારે, અતિભારે વરસાદનો ખતરો?

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થાય એટલો અનારાધાર વરસાદ પડ્યો છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલી અને મઘ્ય પ્રદેશ તથા રાજસ્થાન પર આવીને ખૂબ મજબૂત બનેલી સિસ્ટમ ગુજરાત પર પહોંચી ગઈ છે અને તેના કારણે સૌરાષ્ટ્ર તથા કચ્છના વિસ્તારોમાં હવે અત્યંત ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ છે.

હાલ આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન બની ગઈ છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સાથે-સાથે પવનની ગતિ પણ વધારે રહેવાની શક્યતા છે.

સોમવારે મોરબી, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહીસાગર તથા અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે અને કેટલાક તાલુકાઓમાં અત્યંત ભારે વરસાદ થયો છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હજી આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે.

અત્યંત ભારે વરસાદની સ્થિતિને જોતાં ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં પણ આવી છે તથા કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

ગુજરાતમાં સિસ્ટમ પહોંચી હવે કયા જિલ્લા તરફ જશે?

મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પર પહોંચીને ખૂબ મજબૂત બનેલી સિસ્ટમ હજી પણ ડીપ ડિપ્રેશન જ છે અને આગામી 24 કલાક સુધી તે નબળી પડે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નથી.

જેના કારણે ગુજરાતે હજી લગભગ બેથી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડે તેવી સંભાવના દેખાઈ રહી છે.

હાલ આ સિસ્ટમ ઉત્તર ગુજરાત પર છે અને ધીમે-ધીમે આગળ વધી રહી છે, હજી પણ લગભગ એકાદ-બે દિવસ સુધી આ સિસ્ટમ ગુજરાત પર રહે તેવી સંભાવના છે.

29 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને તેની પાસે આવેલા અરબી સમુદ્રની નજીક પહોંચે તેવી સંભાવના લાગી રહી છે.

હાલ ઉત્તર ગુજરાત પરથી આ સિસ્ટમ કચ્છ પર જશે અને ત્યાંથી આગળ વધીને તે પાકિસ્તાન અને અરબી સમુદ્રમાં જશે, એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છને તેની સૌથી વધારે અસર થાય તેવી સંભાવના છે.

ગુજરાત પર આ સિસ્ટમ પહોંચી તે પહેલાં લાગી રહ્યું હતું કે આ સિસ્ટમ કચ્છના અખાત તરફ આવશે, એટલે કે અડધી સૌરાષ્ટ્ર અને અડધી કચ્છ પરથી પસાર થશે, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે તે કચ્છ જિલ્લા પર જાય તેવી સંભાવના છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં પડશે અત્યંત ભારે વરસાદ?

હવામાન વિભાગે પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એટલે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની આગાહી છે.

હવે અત્યંત ભારે વરસાદનું ચિત્ર થોડું બદલાશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો પર આજથી વધારે વરસાદનો ખતરો વધવાનો છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી તથા બોટાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, પોરબંદર તથા સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે.

આ ઉપરાંત કચ્છ જિલ્લાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ જિલ્લામાં પણ સતત વરસાદ પડશે અને કેટલાંક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે પરંતુ 27 ઑગસ્ટની સાંજ સુધીમાં અહીંના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે.

સૌરાષ્ટ્ર તથા કચ્છ પર 30 ઑગસ્ટ સુધી ભારે વરસાદનો ખતરો તોળાયેલો છે, જ્યારે 28 ઑગસ્ટ સુધી અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં કયા વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાશે?

ગુજરાતમાં આ નવા વરસાદી રાઉન્ડમાં ભારેથી અતિભારે વરસાદની સાથે-સાથે ઘણા જિલ્લાઓમાં ઝડપી પવન પણ ફૂંકાવાની શક્યતા છે. રાજ્યમાં દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ આગામી બેથી ત્રણ દિવસ સુધી વધારે રહે તેવી સંભાવના છે.

ગુજરાતમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ તથા અમરેલીના વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે.

જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં પવનની ગતિ 50થી 55 કિમી પ્રતિકલાક સુધી રહેવાની સંભાવના દેખાઈ રહી છે. જ્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં 40થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, સુરત, નવસારી તથા ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ પવનની ગતિ 50 કિમી પ્રતિકલાકની આસપાસ રહે તેવી સંભાવના છે.

હાલ આ સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને ડીપ ડિપ્રેશન બનેલું છે તેના કારણે રાજ્યના વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધારે રહેવાની છે. જેના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. ઝડપી પવનને કારણે દરિયો પણ તોફાની રહેવાની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.