એમપી : આદિવાસી યુવક પર પેશાબ કરનારી વ્યક્તિનો ભાજપ સાથે શો સંબંધ છે?

પ્રવેશ શુક્લા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રવેશ શુક્લા

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક આદિવાસી યુવક પર પેશાબ કરવાના મામલામાં રાજ્યના પ્રશાસને આરોપીના ઘરે બુલડોઝર ચલાવીને કાર્યવાહી કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ અનુસાર આરોપી પ્રવેશ શુક્લાના ઘરના ગેરકાયદેસર દબાણવાળા બાંધકામને પ્રશાસને બુલડોઝરથી તોડી પાડ્યું છે.

આ પહેલાં મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આરોપી પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહીની વાત કરી હતી.

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ બુધવારે સવારે કહ્યું હતું કે, ‘ધરપકડ થઈ ચૂકી છે, તે થાણામાં છે. કાયદાકીય કાર્યવાહી થઈ છે. મુખ્ય મંત્રીજીએ કહ્યું છે કે આરોપી પર એનએસએ લાગશે.’

આ ઘટના બાદથી સોશિયલ મીડિયા સહિત કૉંગ્રેસ તરફથી પણ એ દાવો કરાવાઈ રહ્યો છે કે 'આરોપી પ્રવેશ શુક્લા ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો પ્રતિનિધિ છે, એવામાં શું તેમના વિરુદ્ધ પણ બુલડોઝરથી કાર્યવાહી થશે?'

નરોત્તમ મિશ્રાએ બુલડોઝર ચલાવવાના સવાલ પર કહ્યું હતું કે, ‘કૉંગ્રેસના હિસાબથી બુલડોઝર નહીં, કાયદાના હિસાબથી બુલડોઝર ચલાવવામાં આવશે. ગેરકાયદે દબાણ હશે તો બુલડોઝર ચાલશે.’

આ અંગેનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસે આ મામલે એસ.સી.એસ.ટી ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

મધ્યપ્રદેશના સીધિના એસ.પી.એ ટ્વીટ કરીને જણાવ્યું, "સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ સિગારેટ પીતાં સામે બેઠલી વ્યક્તિ પર પેશાબ કરી રહી છે. જે મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને આરોપી પ્રવેશ શુક્લા વિરુદ્ધ એસ.સી.એસ.ટી ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

બીબીસી ગુજરાતી

પત્નીની પ્રતિક્રિયા

પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચલાવાયું ત્યારની તસવીર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચલાવાયું ત્યારની તસવીર

મધ્યપ્રદેશના સીધીમાં જે આદિવાસી યુવક પર પેશાબ કરવાની ઘટના ઘટી, તેમનાં પત્નીની પ્રતિક્રિયા પણ આવી છે.

સમાચાર એજન્સી એએનઆઈએ આદિવાસી યુવકનાં પત્ની સાથે વાત કરી છે.

આદિવાસી યુવકનાં પત્નીએ કહ્યું કે, "મારા પતિ મજૂર છે. કામ કરીને ઘરે આવે છે. જમે છે. કાલે સાંજે જ્યારે ઘરે ના આવ્યા તો ચિંતા થઈ. કોણ ઉઠાવીને લઈ ગયું અમને નથી ખબર. એટલે તો આખી રાત બેઠાં રહ્યાં. પોલીસે કોઈ જાણકારી ના આપી. આખી રાત ઘરે ના આવ્યા તો હું જાગતી રહી. "

એએનઆઈના રિપોર્ટરએ જ્યારે યુવકની પત્નીને પૂછ્યું કે તેઓ શું ઇચ્છે છે?

તેના જવાબમાં પત્ની બોલ્યાં, ‘વીડિયો જોયો, એમાં મારા જ પતિ છે. હું ઇચ્છું છું કે ખોટું કામ કર્યું છે તો જે થવાનું હશે તે થશે. જો કોઈએ ખોટું કર્યું છે તો સજા તો થશે જ. બસ કંઈ પણ કરીને અમને કોઈ મુશ્કેલી ના આવે. મારું કહેવું છે કે ખોટું કર્યું છે તો સજા થાય.’

બીબીસી ગુજરાતી

શું છે સમગ્ર મામલો?

મધ્યપ્રદેશના સીધીમાં એક આદિવાસી યુવક પર પ્રવેશ શુક્લા નામની વ્યક્તિનો પેશાબ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. મધ્યપ્રદેશ પોલીસે આરોપી પ્રવેશ શુક્લાની ધરપકડ કરી લીધી છે.

રાજ્યના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ આ મામલામાં કડક પગલાં લેવાની વાત કરી છે.

બંને નેતાઓનું કહેવું છે કે આરોપી વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવશે. કૉંગ્રેસ સહિત સોશિયલ મીડિયા પર લોકો દાવો કરી રહ્યા છે કે પ્રવેશ શુક્લા ભાજપ ધારાસભ્ય કેદારનાથ શુક્લાનો પ્રતિનિધિ છે.

જોકે, કેદારનાથ શુક્લાએ મીડિયા સાથે વાત કરતા આ દાવાને નકાર્યો છે.

બીબીસી ગુજરાતી

ભાજપ સાથે શો સંબંધ?

ભાજપ સાથે પ્રવેશ શુક્લાનો સંબંધ

ઇમેજ સ્રોત, S NIAZI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે મંગળવારે ટ્વીટ કરતા કહ્યું કે, ‘આ ઘટનાએ સમગ્ર મધ્યપ્રદેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધું છે. દોષિતને કડકમાં કડક સજા થવી જોઈએ અને મધ્યપ્રદેશમાં આદિવાસી પર થતો અત્યાચાર પણ બંધ થવો જોઈએ.’

મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આરોપી સામે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો એટલે એનએસએ લાગુ કરવામાં આવશે.

તો આ દરમિયાન કૉંગ્રેસના પ્રવક્તા અબ્બાસ હાફીઝે આરોપ લગાવતાં કહ્યું હતું કે પ્રવેશ શુક્લાના સંબંધો ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લા સાથે રહેલા છે. હાફીઝે બંનેની સાથે એક તસવીર પર શૅર કરી છે.

આ મામલે પ્રવેશ શુક્લાનું નિવેદન આવવાનું બાકી છે, પરંતુ તેમના પિતા રમાકાંતે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમના દીકરાને નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે ‘તે ભાજપના ધારાસભ્યનો પ્રતિનિધિ છે.’

તેમણે કહ્યું, "આશા રાખું છું કે આ મામલાની ઊંડાણમાં તપાસ થાય અને ન્યાય મળે"

જોકે, ભાજપના ધારાસભ્ય કેદારનાથ શુક્લાએ આરોપી સાથેનો સંબંધ હોવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે "તેમને આરોપી કોણ છે તેની કોઈ જાણકારી જ નથી.'

તેમણે ઉમેર્યું, "જ્યારે હું મારા મતવિસ્તારમાં જાઉં ત્યારે ઘણા લોકો મારી સાથે આવે છે. હું ઘણા કાર્યક્રમોમાં હાજરી આપું છું. તે ભાજપનો સભ્ય નથી."

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી