રાજકોટ આગ દુર્ઘટના: 'બહેનને સાંત્વના આપું છું કે એનો દીકરો ક્યાંક ભાગી ગયો છે'

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના
ઇમેજ કૅપ્શન, રાજકોટના અરુણભાઈનો ભાણો ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને તેની શોધખોળ ચાલી રહી છે

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાત સહિત રાજકોટને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનાનો સત્તાવાર મૃત્યુઆંક 27 પર પહોંચ્યો છે.

જોકે હજુ પણ મૃત્યુઆંક વધે તેવું સ્થાનિક લોકોનું અનુમાન છે.

ગુજરાતના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, હજુ પણ કેટલાક લોકો તેમના સ્વજનોને શોધી રહ્યા છે, કેટલાક લોકો ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે.

આગ એટલી વિકરાળ હતી કે મૃતકોની ઓળખ પણ થઈ શકતી નથી અને એટલે સ્વજનોના ડીએનએ ટેસ્ટ કરાવાઈ રહ્યા છે.

હૉસ્પિટલ પર લોકોની ભીડ ઊમટી રહી છે અને ક્યાંક પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના સમાચાર પણ મળી રહ્યા છે.

મૃતકોમાં મોટી સંખ્યામાં બાળકોનું હોવાનું જણાતા સ્થાનિકોનો રોષ પણ ચરમસીમાએ છે.

બીબીસીએ રાજકોટ પહોંચીને કેટલાક લોકો સાથે વાત કરી હતી, જેમના સ્વજનો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે.

'અમે બહેનને આશ્વાસન સિવાય કશું આપી શકતા નથી'

વીડિયો કૅપ્શન, રાજકોટ આગ: ‘મારા પાંચ લોકોની ભાળ નથી, પરિવાર વેરવિખેર થઈ ગયો’

રાજકોટના અરુણભાઈનું કહેવું છે કે તેમનો ભાણેજ ટીઆરપી ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને તેની શોધખોળ ચાલી રહી છે.

અરુણભાઈએ બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે વાત કરી હતી.

અરુણભાઈએ કહ્યું કે "મારો ભાણેજ ત્યાં નોકરી કરતો હતો. અમને છ વાગ્યે ખબર પડી કે રાજકોટમાં આવી દુર્ઘટના થઈ છે. પછી આખો પરિવાર ત્યાં ગયો હતો. પણ ત્યાં અંદર જવાની મંજૂરી નહોતી. પછી અમને કહેવામાં આવ્યું કે સિવિલમાં જાવ અને અમે સિવિલ ગયા."

અરુણભાઈએ કહ્યું કે અમારા પરિવારના ડીએનએ સૅમ્પલ પણ લીધાં છે અને હજુ તેઓ રિપોર્ટની રાહ જુએ છે.

અરુણભાઈનો ભાણો ગુમ હોવાથી તેમના પરિવારની હાલત પણ નાજુક છે.

તેઓ બીબીસીને જણાવે છે, "અમારી બહેનને અમે એવું કહ્યું છે કે એ (ભાણો) ત્યાંથી નીકળીને ભાગી ગયો છે અને પોલીસની બીકને લીધે તેણે મોબાઇલ બંધ કરેલો છે. એટલે આપણે તેની તપાસ કરીએ છીએ."

તેઓ કહે છે, "એને (બહેન) અમે આશ્વાસન સિવાય કશું આપી શકતા નથી."

બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથેની વાતચીતમાં રાજકોટના ચંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે તેમના પરિવારના સાતમાંથી પાંચ સભ્યો ગુમ છે. બે સભ્યોને હાલ સારું છે.

બીબીસી તેમની સાથે 26 તારીખે વાત કરી હતી ત્યાર પછી તેમની સાથે સંપર્ક થઈ શક્યો નથી.

ઘટના અંગે લોકોનો રોષ

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હજુ પણ કેટલાક લોકો તેમના સ્વજનોને શોધી રહ્યા છે, કેટલાક લોકો ડીએનએ ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અરુણભાઈ સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહે છે, આ ઘટના પર તેઓ કહે છે, "આ બેદરકારી કૉર્પોરેશન છે, આ બધાની મિલીભગત છે. અત્યારે વૅકેશનનો માહોલ હતો. 499ની ટિકિટ હતી અને 99 કરી નાખી હતી. તમે સમજો કે ત્યાં કેટલી ભીડ થઈ હશે."

"આવાં બૉક્સમાં ગેમઝોન ચલાવે છે, એમાં બબ્બે હજાર લિટર પેટ્રોલ રાખેલું હતું. ગેમ ઝોન ચાલુ હતો અને વૅલ્ડિંગ વગેરેનું કામ ચાલતું હતું. આવું કામ ગેમ ઝોન બંધ હોય ત્યારે કરવું જોઈએ."

રાજકોટમાં આજે વેપારી ઍસોસિએશને બજાર બંધ પાળીને ગેમ ઝોનના પીડિતો પ્રત્યે સંવેદના દર્શાવી હતી.

વેપારીઓએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકારી તંત્રે યોગ્ય કાળજી રાખવી જોઈએ અને લોકોએ પણ કાળજી રાખવી જોઈએ.

વેપારીઓએ આ સમયે ગુજરાતમાં અગાઉ બનેલી અન્ય ઘટનાઓને પણ યાદ કરી હતી અને "સરકારની બેદરકારી" તરફ આંગળી ચીંધી હતી.

અન્ય લોકોએ પણ પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો હતો.

એક વેપારીએ કહ્યું કે "આવી ઘટના બને ત્યારે એસઆઈટી વગેરેની રચના થાય છે, યોગ્ય પગલાં લેવાશે અને જવાબદાર અધિકારીઓને છોડવામાં નહીં આવે તેવી વાતો થાય છે, પણ પછી કશું બનતું નથી."

વેપારીઓનો સૂર હતો કે ગુજરાતમાં હવે આવું સામાન્ય થઈ ગયું છે.

આ ઘટના બાદ સરકારે એસઆઈટીની રચના કરી છે અને બે પોલીસ અધિકારીઓ સહિત સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.

રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને અન્ય બે પોલીસ અધિકારીઓની બદલી પણ કરી નાખવામાં આવી છે.

આ ઉપરાંત ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીરકુમાર દેસાઈ અને એડિશનલ પોલીસ કમીશનર વિધી ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ઍન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, રાજકોટ રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના એમ.આર.સુમા, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં સ્ટેશન ઑફિસર તરીકે ફરજ બજાવતાં રોહિત વિગોરા તથા નાયબ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયા સામેલ છે.

રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના: અત્યાર સુધીમાં શું શું થયું?

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

  • રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયાનક આગ પછી મૃત્યુઆંક 27એ પહોંચ્યો છે
  • રાજકોટ ગેમ ઝોન આગના મામલામાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે
  • 27 વ્યક્તિઓનો ભોગ લેનાર આ દુર્ઘટનામાં પોલીસે છ આરોપીઓ સામે ગઈ કાલે જ ગુનો નોંધ્યો હતો
  • અત્યાર સુધીમાં પોલીસે ગેમ ઝોનના માલિક સામે ગુનો નોંધાયો છે અને તેની અટકાયત પણ કરી છે
  • બીજી તરફ ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી છે અને રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ માગ્યો છે
  • આ દુર્ઘટનાની તપાસ માટે સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરાઈ છે
  • રાજકોટ દુર્ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થઈ રહ્યા છે અને કેટલી મિનિટોમાં આગ વિકરાળ બની એ પણ જોઈ શકાતું હતું
  • પ્રાથમિક અહેવાલોમાં વૅલ્ડિંગ તથા શોર્ટ-સર્કિટની વાત સામે આવી હતી
  • કેટલાક મીડિયામાં અહેવાલો અનુસાર, ગેમ ઝોનમાં કામકાજ ચાલુ હતું અને ત્યાં પેટ્રોલ-ડીઝલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેને કારણે પણ આ આગ ઝડપથી ફેલાઈ
  • નજરે જોનારાઓનું કહેવું છે કે આખો ડૉમ કે શેડ ટૅમ્પરરી હોવાને કારણે અને તેમાં આરસીસીનો ઉપયોગ ન થવાને કારણે આગ લાગવાથી તે તૂટી ગયો અને અંદર રહેલા લોકો તેની નીચે ફસાઈ ગયા હતા
બીબીસી