રાજકોટ ગેમ ઝોન આગ: પોલીસ કમિશનર, મ્યુનિ. કમિશનરની બદલી, અન્ય અધિકારીઓ પર શું પગલાં લેવાયાં?

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ મામલો

ઇમેજ સ્રોત, ANI

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

રાજકોટ ગેમ ઝોન આગના મામલામાં ગુજરાત સરકારે કડક પગલાં ભરતાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

27 વ્યક્તિઓનો ભોગ લેનાર આ દુર્ઘટનામાં પોલીસે છ આરોપીઓ સામે ગઈકાલે જ ગુનો નોંધ્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ અંગે સરકારની ઝાટકણી કાઢી તેના ગણતરીના કલાકોમાં જ સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરી છે. રાજુ ભાર્ગવના સ્થાને રાજકોટ પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર ઝાની નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીરકુમાર દેસાઈ અને એડિશનલ પોલીસ કમીશનર વિધી ચૌધરીની પણ બદલી કરવામાં આવી છે.

વિધી ચૌધરીના સ્થાને મહેન્દ્ર બગરિયાની રાજકોટના એડિશનલ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકારે કુલ સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમાં બે પોલીસ અધિકારીઓ અને પાંચ મહાનગરપાલિકાના અધિકારીઓ સામેલ છે.

સસ્પેન્ડ કરવામાં આવેલા અધિકારીઓમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ઍન્જિનિયર જયદીપ ચૌધરી, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, રાજકોટ રોડ અને બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટના એમ.આર.સુમા, રાજકોટ મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ શાખામાં સ્ટેશન ઑફિસર તરીકે ફરજ બજાવતાં રોહિત વિગોરા તથા નાયબ કાર્યપાલક ઇજનેર પારસ કોઠિયા સામેલ છે.

જ્યારે વીઆર પટેલ અને એનએલ રાઠોડ નામના પોલીસ ઇન્સપેક્ટરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સુઓમોટો સુનાવણી વખતે ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?

રાજકોટ ગેમ ઝોન આગ, હાઈકોર્ટ, સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GUJARAT HC

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ. દેસાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાત હાઈકોર્ટમાં સોમવારે જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ. દેસાઈની બેન્ચે સુઓમોટો પિટિશનની સુનાવણી કરી હતી.

હાઈકોર્ટના એડવોકેટ બ્રિજેશ ત્રિવેદી અને અમિત પંચાલ દ્વારા કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી.

સુનાવણી કરતાં સમયે બેન્ચે સરકારને પૂછ્યું હતું કે, “શું તમે ઊંઘતા હતા? શહેરમાં છેલ્લાં બે વર્ષથી આ ગેમ ઝોન ચાલતો હતો અને તેની પાસે જરૂરી મંજૂરી ન હતી.”

કોર્ટે ઉગ્ર સ્વરમાં કહ્યું હતું કે, “બે ગેમ ઝોન છેલ્લા 24 મહિનાથી જરૂરી મંજૂરી વગર ચાલી રહ્યા હતા અને તેમની પાસે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ ન હતું.”

જ્યારે કોર્ટને ગેમ ઝોનમાં ગયેલા અધિકારીઓની તસવીર બતાવવામાં આવી ત્યારે કોર્ટે પૂછ્યું હતું કે, “આ અધિકારીઓ કોણ છે? શું તેઓ ત્યાં રમવા માટે ગયા હતા?”

એનડીટીવીના એક અહેવાલ પ્રમાણે, હાઈકોર્ટ સરકારને ઝાટકતાં પણ કહ્યું હતું કે, “શું તમને આ બધું દેખાતું નથી? તમે ઊંઘી ગયા છો? અમને હવે સ્થાનિક તંત્ર અને સરકાર પર ભરોસો રહ્યો નથી.”

હાઈકોર્ટે એ નોંધ્યું હતું કે, “અમે ભૂતકાળમાં પણ ઘણા આદેશો આપ્યા છે અને સૂચનાઓ પણ આપી છે તેમ છતાં આ ચાર વર્ષમાં આવી ચાર ઘટનાઓ બની હતી.”

મહાનગરપાલિકાઓને આદેશ આપતાં કોર્ટે શું કહ્યું?

રાજકોટ ગેમ ઝોન આગ, હાઈકોર્ટ, સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GUJARATHIGHCOURT.NIC.IN

કોર્ટે અમદાવાદ, વડોદરા અને સુરત મહાનગરપાલિકાને પણ આડેહાથ લીધી હતી અને કહ્યું હતું કે, “રાજકોટની ઘટના પછી જ તેઓ એક્શનમાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સત્તાવાળાઓની આંખો ખોલી હોય તેવું લાગે છે.”

“હાલમાં અમે કોઈને સસ્પેન્ડ કરવાથી કે અન્ય કડક પગલાંઓ ભરવાથી બચી રહ્યા છીએ.”

કોર્ટે રાજકોટ સહિત આ ત્રણેય મહાનગરપાલિકાઓના કમિશનરને જુલાઈ 2021થી અત્યાર સુધી જીડીસીઆર રેગ્યુલેશન, ફાયર એનઓસી, સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી વગેરે અંગે અલગ-અલગ સ્થળોએ શું પગલાંઓ લીધાં તેના વિશે ઍફિડેવિટ ફાઇલ કરીને કોર્ટને જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો છે.

એ સિવાય કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે ચીફ ફાયર ઑફિસરોએ પણ સમયાંતરે ફાયર હાઇડ્રન્ટ્સ, ફાયર સેફ્ટી ઍક્ઝિટ, ફાયર સેફ્ટી સાધનો, મંજૂરીઓ અંગે આ સમયગાળામાં શું પગલાંઓ લીધાં હતાં તે અંગે કોર્ટ સમક્ષ ઍફિડેવિટ ફાઇલ કરવાની રહેશે.

3 જૂન સુધીમાં તેમને કોર્ટમાં જવાબ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

સરકારે બનાવેલી એસઆઈટીને પણ કોર્ટે આ ઘટનાનો વચગાળાનો રિપોર્ટ તત્કાળ એકથી બે દિવસમાં આપવાનો નિર્દેશ આપ્યો છે.

હાઈકોર્ટે ગઈકાલે શું કહ્યું હતું?

રાજકોટ ગેમ ઝોન આગ, હાઈકોર્ટ, સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આ ઘટનાની સુઓમોટો નોંધ લીધી હતી અને કહ્યું હતું કે આ માનવસર્જિત દુર્ઘટના છે.

બૅન્ચે કહ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટયા જ આ માનવસર્જિત આપત્તિ છે જેમાં નિર્દોષ બાળકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટનાને કારણે અનેક પરિવારો શોકગ્રસ્ત છે અને તેમનાં સ્વજનો ગુમાવ્યા છે.”

ગઈકાલની સુનાવણી દરમિયાન ઍડવોકેટ અમિત પંચાલે વિવિધ અંગ્રેજી અખબારોનાં ક્લિપિંગ્સ કોર્ટમાં રજૂ કર્યાં હતાં.

તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, “રાજકોટના ટીઆરપી ગેમ ઝોને જરૂરી મંજૂરી મેળવી નથી. ખાસ કરીને ફાયર ડિપાર્ટમેન્ટ માટેની મંજૂરી મેળવવામાં આવી ન હતી.”

તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે કૉર્પોરેશને એકપણ જગ્યાને મંજૂરી વગર ચાલવા દેવી ન જોઈએ. આ ઘટનાને તેમણે સત્તાવાળાઓની ગંભીર બેદરકારી ગણાવી હતી.

કોર્ટે સુનાવણીમાં ગુજરાતી અખબારોને ટાંક્યાં હતાં અને એમ પણ કહ્યું હતું કે અખબારોએ કરેલા ખુલાસાઓથી અમે ચકિત છીએ. જે રીતે તમામ પ્રક્રિયાઓને નજરઅંદાજ કરીને અથવા તો જરૂરી મંજૂરીઓ વગર આ ગેમ ઝોન ચાલી રહ્યું હતું એ ખરેખર ગંભીર બાબત છે.

બેન્ચે કહ્યું હતું કે, “અખબારોના રિપોર્ટની કોર્ટે નોંધ લીધી છે. તેમાંથી એ પણ ધ્યાનમાં આવ્યું છે કે રાજકોટ સિવાય અમદાવાદમાં પણ સિંધુભવન રોડ અને એસજી હાઇવે પર આવા ગેમ ઝોન છે જેના કારણે બાળકો તથા અન્ય લોકોને ગંભીર ખતરો છે.”

મૃતકોના ડીએનએ રિપોર્ટની રાહ

રાજકોટ ગેમ ઝોન આગ, હાઈકોર્ટ, સરકાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટથી બીબીસી સહયોગી બિપીન ટંકારિયાએ આપેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં ચાર ડીએનએ સેમ્પલનાં પરિણામો આવી ગયાં છે અને લોકોની ઓળખ થઈ ગઈ છે.

તેમને ડૉક્ટરો દ્વારા મૃત જાહેર કરીને તેમના મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.

અન્ય લોકોના ડીએનએ સેમ્પલ મૅચ કરવાની પ્રક્રિયા એફએસએલ ગાંધીનગર દ્વારા ચાલુ છે.

તે દરમિયાન સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રાજકોટ સિવિલ હૉસ્પિટલે હાજર પરિવારજનોએ સરકારને તાત્કાલિક ડીએનએ રિપોર્ટ વિશે માહિતી માંગી હતી.

ગઈકાલે પણ બીબીસી ટીમે લીધેલી સિવિલ હૉસ્પિટલની મુલાકાત દરમિયાન લોકોએ કહ્યું હતું કે તેમને તેમના પરિવારજનો વિશે કોઈ માહિતી નથી, તેઓ કઈ હૉસ્પિટલમાં છે તેના વિશે પણ તેમને ખ્યાલ નથી.