રાજકોટ : ટીઆરપી ગેમ ઝોનમાં એવું શું હતું કે આગ સેકન્ડોમાં જ ચોતરફ ફેલાઈ ગઈ?

રાજકોટ ગેમ ઝોન, આગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, રાજકોટમાં નાનાં મવા રોડ પર આવેલા ટીઆરપી મોલમાં ભીષણ આગ લાગી હતી.
    • લેેખક, જય શુક્લ
    • પદ, બીબીસી ગુજરાતી

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભયંકર આગને કારણે મૃત્યુઆંક વધીને 27 થયો છે. હજુ એક વ્યક્તિ લાપતા માનવામાં આવે છે. મૃતકો 27 પૈકી નવ બાળકો હોવાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાત સરકારે આગના કારણોની તપાસ માટે એસઆઈટી બનાવી છે.

પોલીસે ગેમ ઝોનના માલિક અને મેનેજર સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. વિપક્ષ તેને સરકારની સદંતર નિષ્ફળતા ગણાવે છે. તેમનો સવાલ છે કે ગુજરાતમાં આ પ્રકારની દુર્ઘટના વારંવાર કેમ થાય છે અને ભૂતકાળમાંથી સરકારે બોધપાઠ કેમ નથી લીધો?

ફાયર બ્રિગેડનું કહેવું છે કે ગેમ ઝોનના સંચાલકોએ તેમની પાસેથી જરૂરી એનઓસી એટલે કે 'નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ' મેળવ્યું નહોતું.

બીજી તરફ જે 27 લોકોનાં મૃત્યુ થયાં છે તેમની ઓળખવિધિ માટે ડીએનએ સૅમ્પલિંગ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ આખી પ્રક્રિયા પૂર્ણ થતા 48 કલાકનો સમય જાય તેવી સંભાવના છે. ત્યાં સુધી મૃતકોના સ્વજનોએ તેમના પ્રિયજનના અંતિમવિધિ માટે રાહ જોવી પડશે.

ડીએનએથી ઓળખવિધિ એટલા માટે કરવામાં આવી રહી છે. કારણકે મૃતદેહો એટલા સળગી ગયા છે કે બાહ્યદેખાવના આધારે તેમની ઓળખ શક્ય નથી.

ગુજરાત પોલીસે રાજ્યભરમાં જ્યાં ગેમ ઝોન અને ફન પાર્ક હોય તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે અને તેની ફાયર સેફ્ટીને રિવ્યૂ કરીને જ શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યો છે.

જાણકારો આ દુર્ઘટનાને સરકારી તંત્રની ઘોર બેદરકારી ગણાવે છે.

ત્યારે સવાલ એ થાય કે આ દુર્ઘટના ઘટી કેવી રીતે? આગ લાગી કેવી રીતે? ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું હતું કે કેમ? આ સવાલોના જવાબ જાણવા માટે અમે કેટલાક નિષ્ણાતો સાથે વાતચીત કરી.

ફાયર સેફ્ટી માટેની એનઓસી નહોતી

રાજકોટ ગેમ ઝોન આગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આગ એટલી ભયંકર હતી કે તેના ધૂમાડા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાયા. તેને ઓલવવામાં અને રેસ્ક્યૂ ઑપરેશનમાં ચાર કલાકનો સમય લાગ્યો.

આગ તો કાબૂમાં આવી ગઈ પણ બાળકો માટે બનાવાયેલો આ ગેમ ઝોન કાટમાળમાં ફેરવાઈ ગયો અને તેમાં 9 બાળકો સહિત 27 લોકો બળી મર્યા.

રાજકોટનો ફાયર વિભાગ ગેમ ઝોનના સંચાલકો પર આરોપ લગાવતા કહે છે કે તેમણે ફાયર સેફ્ટી અંગેની એનઓસી લીધી નહોતી.

રાજકોટ ફાયરબ્રિગેડ વિભાગના અધિકારી વી. આર. ખેર બીબીસી ગુજરાતી સાથે આ મામલે વાતચીત કરતાં કહે છે, “તેમણે ફાયર સેફ્ટી માટેની એનઓસી માટેની કોઈ અરજી કરી નહોતી. તેમણે ફાયર સેફ્ટીનાં સંસાધનો ઇન્સ્ટોલ કરાવ્યાં હતાં. જ્યારે આગ લાગી ત્યારે તેમણે તેને ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ એ સાધનો કોઈ કામ લાગ્યાં નહોતાં. લગભગ ફાયર સેફ્ટીનાં સંસાધનોનું 80 ટકા ઇન્સ્ટોલેશન થઈ ગયું હતું.”

વી. આર. ખેરે વધુમાં જણાવ્યું, “ગેમ ઝોન ચાલુ કરવા માટે જરૂરી પર્ફોર્મન્સ લાઇસન્સ જરૂરી હોય તે તેમણે પોલીસ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા પાસેથી મેળવવાનું હોય છે. ત્યારબાદ તેઓ અમને ફાયર સેફ્ટીનું એનઓસી મેળવવા માટેની અરજી કરે છે. હવે ગેમ ઝોન શરૂ થયો એટલે તેમણે આ પ્રકારની જરૂરી પરવાનગી લીધી છે કે નહીં તે અમને ખબર નથી.”

રાજકોટના વરિષ્ઠ પત્રકાર સુનીલ જોશી બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, “ફાયર સેફ્ટીનાં સંસાધનો પેટી-પૅક હતાં. તેમને ખોલવામાં પણ આવ્યાં નહોતાં તો ઇન્સ્ટોલ થવાની તો વાત જ ક્યાં આવે? તમે જુઓ તો આખું સ્ટ્રક્ચર બળીને ખાખ થઈ ગયું છે. લોખંડ પણ પીગળી ગયું છે. આ દૃશ્યો જોતાં લાગે છે કે તમામ નિયમોની અવગણના કરવામાં આવી છે.”

ફોમનાં બનેલાં સ્ટ્રક્ચરે આગમાં ઘી હોમવાનું કર્યું કામ

રાજકોટ ગેમ ઝોન આગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

જાણકારો કહે છે કે જ્યાં આગ લાગી તે ટીઆરપી ગેમ ઝોનમાં સિમેન્ટ કોંક્રીટનું બાંધકામ નહોતું.

વી. આર. ખેર જણાવે છે, “આખું સ્ટ્રક્ચર પૈકી કેટલુંક બાંધકામ ફોમથી બનેલું હતું. તે પૈકી કેટલીક જગ્યાએ થર્મોકોલ કે પ્લાયવુડની શીટ લગાડેલી હતી. બાળકો માટે ગેમ ઝોન હતો એટલે તેમને વાગે નહીં તે માટે તેમણે વિવિધ જગ્યાએ ફોમનું લેયર બનાવ્યું હતું. શેડનાં પાર્ટિશન પણ વૂડનશીટનાં બનેલાં હતાં.”

વી. આર. ખેર વધુમાં જણાવે છે, “આ ફોમ અને થર્મોકોલ અતિજ્વલનશીલ પદાર્થો છે જેને કારણે આગ કાબૂ બહાર ફેલાઈ ગઈ.”

રાજકોટના નાયબ પોલીસ કમિશનર ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ફોરેન્સિક સાયન્સની ટીમ આગનાં કારણોની તપાસ કરી રહી છે, પરંતુ આ એક ફોમ બેઇઝ્ડ સ્ટ્રક્ચર હતું જે અતિજ્વલનશીલ હોવાને કારણે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ.”

રાજકોટના સ્ટ્રક્ચરલ એન્જિનિયર સુરેશ સંઘવી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “જે સ્થળે લોકોની અવરજવર હોય કે પછી જાહેરસ્થળ હોય તેવી જગ્યાએ ફોમ બેઇઝ્ડ સ્ટ્રક્ચર બનાવવા પર રોક હોવી જોઈએ. કારણકે આ બહુ જોખમકારક છે.”

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ફોમ કાર્બનના ઘન જ્વલનશીલ સામગ્રીથી બનેલાં હોય છે. જે પોલીથિન, પોલીયુરેથિન, પોલીસ્ટાઇરિનમાંથી બને છે.

તે વજનમાં હલકાં હોય છે અને તે આઘાત સહન કરી શકે તેવા હોવાથી તેનો ઉપયોગ ટૅમ્પરરી સ્ટ્રક્ચરમાં કે સુશોભનની સામગ્રી તરીકે અથવા ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં થાય છે.

આગ કેવી રીતે લાગી?

રાજકોટ ગેમ ઝોન આગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, રાજકોટ સિવિલ હૉસ્પિટલના પ્રાંગણમાં કલ્પાંત કરતાં પીડિતોના પરિવારજનો

વી. આર. ખરે કહે છે, “અમે જોયું કે જ્યાં વેલ્ડિંગનું કામ ચાલતું હતું, ત્યાં આ પ્રકારનાં ફોમનો જ્યાં ઉપયોગ થયો હતો તે સ્ટ્રક્ચરમાં અમે તણખાને કારણે પડેલા ખાડા જોયા. જેથી પ્રાથમિક તારણ એ જ હતું કે વેલ્ડિંગનું કામ ચાલતું હતું તેને કારણે આગ લાગી હોવી જોઈએ.”

માહિતી એ પણ મળી હતી કે આ ગેમ ઝોનમાં બે દિવસ પહેલાં પણ શોર્ટ સર્કિટ થઈ હતી. જોકે તેને કારણે કોઈ નુકસાન નહોતું થયું, પણ શનિવાર સવાર સુધી ગેમ ઝોન બંધ રાખવામાં આવ્યો હતો.

કેટલાક મીડિયામાં અહેવાલો હતા કે આ ગેમ ઝોનમાં કામકાજ ચાલુ હતું તેથી ત્યાં પેટ્રોલ અને ડિઝલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો જેને કારણે પણ આ આગ ઝડપથી ફેલાઈ.

એ પણ કારણ આપવામાં આવતું હતું કે ગો કાર્ટિંગ માટે જે ટાયરો મૂકવામાં આવ્યા હતા તેને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી.

જોકે વી. આર. ખરે આ વાતનો ઇન્કાર કરે છે પણ સાથે ઉમેરે છે, “શેડની આગળ કામકાજ ચાલતું હતું. રંગકામ પણ થઈ રહ્યું હતું. સાથે ટર્પેઇન્ટાઇનનાં ટીન પણ જોવાં મળ્યાં છે. તેઓ સ્પ્રે કરીને રંગકામ કરતાં હતાં જે પણ જ્વલનશીલ હોય છે. તેને કારણે પણ આગ વધુ ફેલાઈ હોઈ શકે.”

પહેલાં શોર્ટ સર્કિટથી આગ ફેલાઈ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે તંત્ર કહે છે કે આ બધા તર્ક છે. જોકે કારણોની તપાસ કરવામાં એફએસએલની મદદ લેવાઈ રહી છે.

આગ વધારે ફેલાવવાનાં અન્ય કારણો ગણાવતાં વી. આર. ખરે જણાવે છે, “સૅન્ટ્રલ એસી હતું. ઍન્ટ્રી અને ઍક્ઝિટ માટે એક જ પ્રવેશદ્વાર હતો. જેને કારણે આગ વધારે ફેલાઈ.”

નજરે જોનારાઓનું કહેવું છે કે આખો ડૉમ કે શેડ ટૅમ્પરરી હોવાને કારણે અને તેમાં આરસીસીનો ઉપયોગ ન થવાને કારણે આગ લાગવાથી તે તૂટી ગયો અને અંદર રહેલા લોકો તેની નીચે ફસાઈ ગયા.

આગ લાગી ત્યારે પવન વધારે હતો. તેને કારણે પણ તે વધારે ફેલાઈ હોવાનું ફાયર બ્રિગેડનું માનવું છે.

શું નિયમોનો ભંગ થયો?

રાજકોટ ગેમ ઝોન આગ

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA

ઇમેજ કૅપ્શન, સર્કલમાં દેખાડેલ વ્યક્તિ રાજકોટ ગેમ ઝોનના સંચાલક યુવરાજ સોલંકી છે જેમની પોલીસે ધરપકડ કરી છે.

જાણકારો કહે છે કે ફાયર સેફ્ટી ઍક્ટ, લાઇફ સેફ્ટી એક્ટનો આ ખુલ્લેઆમ ભંગ છે.

કાયદાના જાણકાર અને વરિષ્ઠ વકીલ રાજેન્દ્ર શુક્લ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “આ કામ ટાઉનપ્લાનિંગનું છે એટલે કે રાજકોટ અર્બન ડૅવલપમૅન્ટ ઑથોરિટીનું. રાજકોટમાં કોઈ પણ પાકું કે કાચું બાંધકામ થાય અને ત્યાં કોઈ આ પ્રકારની કૉમર્શિયલ પ્રવૃત્તિઓ થતી હોય તો પોલીસે કે અધિકારીએ ત્યાં જઈને પૂછવું જોઈએ કે તમે વિવિધ વિભાગોની પરવાનગી લીધી છે કે નહીં?”

“મહાનગરપાલિકાની પરવાનગી લેવાની હોય, ટાઉનપ્લાનિંગની પરવાનગી લેવાની હોય છે. ઍન્ટરટેઇનમૅન્ટ હોય તો પોલીસની પરવાનગી લેવાની રહે છે. લોકો વધારે ભેગા થતા હોય તો આરોગ્યની દૃષ્ટિએ આ સ્થળ કેટલું હાઇજેનિક છે, તેની પરવાનગી લેવી જરૂરી છે. ફાયર સેફ્ટીની પરવાનગી પણ લેવાની હોય છે. પણ જે પ્રકારે આ દુર્ઘટના ઘટી છે આ બધા કાયદા કે નીતિ-નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો છે.”

જાણકારો કહે છે કે સંચાલકો ટૅમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને કાયદામાં રહેલાં છીંડાનો લાભ ઉઠાવે છે.

રાજકોટના સ્ટ્રક્ચરલ એન્જિનિયર કિશોર ત્રિવેદી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “ટૅમ્પરરી સ્ટ્રક્ચરને પણ ગંભીરતાથી લેવામાં આવતાં નથી. ટૅમ્પરરી સ્ટ્રક્ચરનાં ઓથાં હેઠળ એવું પરમેનન્ટ સ્ટ્રક્ચર જેવું ડેકોરેશન કરવામાં આવે છે જે યોગ્ય નથી.”

રાજકોટની આગ

સુરેશ સંઘવી જણાવે છે, “ડેવલપર્સ ઘણીવાર પરવાનગીની પળોજણમાં ન પડવું હોય એટલે ટૅમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરે છે. જેને કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાવાની સંભાવના વધે છે. જાહેર સ્થળ હોય તેવાં સરકારી કે બિનસરકારી મકાનોમાં વાયરીંગ કરવા માટે પણ રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિશિયન મારફતે ઇલેક્ટ્રિકલ કામ કરાવવાની જરૂર છે. કારણકે શોર્ટ સર્કિટના બનાવો પણ વધી રહ્યા છે.”

“આ જગ્યાએ તો બાળકો રમવા માટે આવતા હતા. તેથી આવા કિસ્સામાં તો નિયમોનું પાલન કડકાઈથી થવું જોઈતું હતું.”

તેઓ ઉમેરે છે, “ફાયર સેફ્ટીના ઘણા નિયમો છે. પણ આ કિસ્સામાં તેનું પાલન થયું હોય તેવું લાગતું નથી.”

સુનીલ જોશી કહે છે, “નિયમો, કાયદાઓ, નીતિનું પાલન થયું નથી. હવે તંત્ર જે કરે છે તે પાછોતરાં પગલાં છે. જેનો કોઈ અર્થ નથી.”

તેઓ વધુમાં જણાવે છે, “નિયમો પ્રમાણે પરમેનન્ટ સ્ટ્રક્ચર બનાવે તો વધારે વિભાગોની પરવાનગી મેળવવી પડે છે. આ ઉપરાંત ખર્ચો પણ વધી જાય છે. તેથી ટૅમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને ડેવલપર્સ લોકોના જીવ સાથે રમત કરે છે.”

ફાયર સેફ્ટી ઍક્સ્પર્ટ સતિષ પાટીલ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવે છે, “જે જગ્યા પર પેઇન્ટિંગ ચાલતું હોય, વેલ્ડિંગ ચાલતું હોય, ફાયર સેફ્ટીની પરવાનગી ન હોય ત્યાં બાળકો માટેનો ગેમ ઝોન ચલાવી કેવી રીતે શકાય?”

તેઓ કહે છે કે ટૅમ્પરરી સ્ટ્રક્ચરમાં આ પ્રકારની ગતિવિધિ થવી જ ન જોઈએ. તે ગુજરાત લાઇફ સેફ્ટી ઍક્ટ-2013નો સ્પષ્ટ ભંગ છે.

રાજકોટના પૂર્વ મેયર અને કૉંગ્રેસના નેતા અશોક ડાંગર કહે છે, “પહેલાં અહીં પાર્ટી પ્લોટ હતો. પછી તેને હોટેલ બનાવી દેવાઈ. પાછળથી તેમાં ગેમ ઝોન બનાવાયો. આ બધું ક્યારે થયું અને તેમાં નિયમો અને કાયદાનું પાલન થયું છે કે નહીં? ફાયર સેફ્ટી નહોતી ત્યારે મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર ગેમ ઝોનને ચાલવા માટે પરવાનગી કેવી રીતે આપી શકે? અને જો પરવાનગી ન આપી હોય તો તેને રોકવા માટેની કાર્યવાહી કેમ ન કરી?”

SIT શું તપાસ કરશે?

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કે હાલ આખી ઘટનાની તપાસ એસઆઈટી કરી રહી છે.

રાજ્ય સરકારે નીમેલી આ એસઆઈટીને તપાસ કરીને 72 કલાકમાં સરકારને અહેવાલ આપવાનું કહેવાયું છે.

એસઆઈટી નીચે જણાવેલા મુદ્દાઓ વિશે તપાસ હાથ ધરશે.

  • કયા સંજોગોમાં અને કયા કારણોસર આગનો બનાવ બન્યો હતો?
  • ગેમિંગ ઝોનને મંજૂરી આપવામાં આવી હતી કે નહીં?
  • ગેમિંગ ઝોનને મંજૂરી આપતી વખતે કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી?
  • ગેમિંગ ઝોનનું બાંધકામ નિયમાનુસાર કરવામાં આવ્યું હતું કે નહીં?
  • ગેમિંગ ઝોન પાસે ફાયર વિભાગનું એનઓસી છે કે નહીં?
  • ગેમિંગ ઝોનમાં ઇમર્જન્સી ઍક્ઝિટ માટે શું વ્યવસ્થા હતી?
  • ગેમિંગ ઝોનમાં આકસ્મિક સંજોગોમાં રાહત અને બચાવ કાર્ય માટે શું વ્યવસ્થા કરવામાં આવી હતી?
  • આ બનાવમાં સ્થાનિક તંત્ર કે ગેમિંગ ઝોનના સંચાલકની બેદરકારી છે કે કેમ?
  • ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે કેવાં પગલાં લેવાં જોઈએ?

આ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, "આ દુખદ ઘટના છે. તેની તપાસ માટે જ આ એસઆઈટી બનાવાઈ છે. અમે આ મામલે તમામ સંલગ્ન વિભાગો અને લોકોની શું ભૂલ છે તે અંગેની તપાસ કરીશું. આ પ્રકારની ઘટના બીજીવાર ન થાય તે માટે અમે તેના મૂળ સુધી પહોંચીશું."

તેમણે કહ્યું હતું કે, “અમે સંપૂર્ણ નિષ્ઠા અને ઇમાનદારીથી આ દુર્ઘટનામાં માર્યા ગયેલાં બાળકોને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

સુરેશ સંઘવી કહે છે, “ફાયર સેફ્ટી ઍક્ટ પ્રમાણે ફાયર ઍલાર્મ સિસ્ટમ હોવી જોઈએ, પાણીનો છંટકાવ કરે તે માટે સ્પ્રિંક્લિંગ સિસ્ટમ જોઈએ, આગ લાગે ત્યારે ઇમર્જન્સી ઍક્ઝિટ હોવી જોઈએ. આ બધા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણેના નિયમો છે, પણ તેનું પાલન થતું નથી. જો બિલ્ડિંગમાં પેટ્રોલ, ડિઝલ જેવાં જ્વલનશીલ પ્રવાહીઓ હોય તેવા સંજોગોમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ.”