જાપાન : ઍરપૉર્ટ પર બે વિમાન અથડાતાં ભીષણ આગ, પ્લેન કઈ રીતે બની ગયું 'અગનગોળો?'

જાપાન, વિમાન દુર્ઘટના

ઇમેજ સ્રોત, REUTERS/ISSEI KATO

ટોક્યોના હાનેડા ઍરપૉર્ટ પર જાપાન ઍરલાઇન્સના વિમાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

ન્યૂઝ એજન્સી રૉયટર્સ અનુસાર રનવે પર પાર્ક કરેલા કૉસ્ટગાર્ડના વિમાન સાથે સંભવિતપણે અથડાવાને કારણે આ દુર્ઘટના બની હતી.

રાહતની વાત એ છે કે જાપાન ઍરલાઇન્સના વિમાનમાં સવાર તમામ 379 મુસાફરો અને ક્રૂ મૅમ્બરને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.

જાપાનના સરકારી પ્રસારણકર્તા એનએચકે દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વિમાન રનવે પર બીજા વિમાનને ટક્કર મારીને આગળ વધે છે અને બંનેમાં આગ ફાટી નીકળે છે.

રૉયટર્સે કૉસ્ટગાર્ડને ટાંકીને કહ્યું છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

જ્યારે જાપાન ઍરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન હોકાઈડોના શિન-ચિટોસે ઍરપૉર્ટથી રવાના થયું હતું.

જાપાન વિમાનમાં ભીષણ આગ

ઇમેજ સ્રોત, SCREENGRAB

જાપાનીઝ મીડિયા 'ટીબીએસ' અને 'એનએચકે'ના જણાવ્યા અનુસાર કૉસ્ટગાર્ડના વિમાનમાં સવાર એક વ્યક્તિ બહાર નીકળવામાં સફળ રહી છે, જ્યારે અન્ય પાંચ અંગે હાલ કોઈ માહિતી નથી.

બીજી તરફ પૅસેન્જર વિમાનમાં સવાર 379 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાની માહિતી મળી રહી છે. આ અંગે વાત કરતાં જાપાન ઍરલાઇન્સે એનએચકે મીડિયાને જણાવ્યું છે, "કેટલું નુકસાન થયું છે એની અમે ગણતરી કરી રહ્યા છીએ."

જાપાન ઍરલાઇન્સનું આ વિમાન ફ્લાઇટ 516, ન્યૂ ચિતોસે ઍરપૉર્ટ પરથી સ્થાનિક સમયાનુસાર 4 વાગ્યે ઊડ્યું હતું અને હાનેદા ઍરપૉર્ટ પર 5:40 વાગ્યે ઊતરવાનું હતું.