વિમાનમાં આગ, બેંગલુરુમાં ઇમરજન્સી લૅન્ડિંગ, મુસાફરોએ શું કહ્યું?

એર ઇન્ડિયા એક્સપ્રેસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બેંગલુરુથી કોચ્ચિ જઈ રહેલી ઍર ઇન્ડિયાની ઇન્ડિયા એક્સપ્રેસની એક ફલાઇટને શનિવારે રાતે એન્જિનમાં આગ લાગવાને કારણે આપાત લૅન્ડિંગ કરવું પડ્યું.

વિમાનમાં પ્રવાસ કરી રહેલા મુસાફરોએ જમણી તરફ આવેલા એન્જિનથી ધુમાડો ઊડતો જોયો. ત્યાર બાદ વિમાન લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.

ફલાઇટ નંબર આઈએક્સ 1132એ બેંગલુરુના કેમ્પેગૌડા ઍરપૉર્ટ પર રાતે 11:12 મિનિટે 177 પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ સાથે લૅન્ડિંગ કર્યું હતું.

ઍરપૉર્ટ ઑથૉરિટીએ આપાત સ્થિતિની ઘોષણા કરી હતી. ઍરપૉર્ટના અધિકારીઓ પ્રમાણે વિમાનના લૅન્ડ થયા પછી થોડાક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.

ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે કોઈ પણ પ્રવાસીને ઈજા થઈ નથી. ક્રૂ મેમ્બર્સ બધા જ પ્રવાસીઓને બહાર કાઢવામાં સફળ રહ્યા છે. પ્રવાસીઓને થયેલી તકલીફ માટે અમને ખેદ છે. પ્રવાસીઓને એક વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા જલદીથી જલદી કોચ્ચિ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું.

ઍરલાઇને બીબીસીને જણાવ્યું, “122 યાત્રીઓને રવિવારની સવારની ફલાઇટથી કોચ્ચિ મોકલી દેવાયા છે. બાકી પ્રવાસીઓને અન્ય ફલાઇટ થકી કોચ્ચિ પહોંચાડાશે.”

એક પ્રવાસી ડૉય જેફી ચૈરીએ બીબીસીને જણાવ્યું કે બે કે ત્રણ પ્રવાસીને જ હૉટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના યાત્રીઓને ઍરપૉર્ટના બૅગેજ એરિયામાં પ્લાસ્ટિકની ખુરશી પર બેસવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે મારાં માતા 72 વર્ષનાં છે, તેમને પણ ખુરશીમાં બેસવું પડ્યું. 10-15 વરિષ્ઠ નાગરિકો અને કેટલાંક નાનાં બાળકોને પણ પ્લાસ્ટિકની ખુરશી પર જ બેસાડવામાં આવ્યાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડૉ. ચેરીએ કહ્યું, “જોકે, ખાવાનો સામાન અને પાણી આપવામાં આવ્યું હતું. ઍરલાઇને અમને સવારની ફ્લાઇટથી મોકલ્યા, એટલે તેમને અમારા રહેવાની સુવિધા પણ કરવાની જરૂર હતી. ઍરલાઇને શરૂઆતમાં અમને જણાવ્યું હતું કે અમને જલદી જ ફલાઇટ મળશે. જોકે, સવારના આઠ વાગ્યા, દસ વાગ્યા અને 12 વાગ્યા. અંતે 122 પ્રવાસીઓ માટે ફલાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.”

ડૉ. ચેરીએ કહ્યું કે જેવી વિમાનમાં આગ લાગી ત્યારે પાઇલટે કહ્યું કે ગભરાશો નહીં.

તેમણે જણાવ્યું, “આપણે જલદી જ લૅન્ડિંગ કરીશું. અમને હેન્ડ બૅગેજ લીધા વગર જ વિમાનથી ઊતરવા માટે કહેવામાં આવ્યું હતું. કેટલાક પ્રવાસીઓ પોતાની હેન્ડ બૅગેજ માગી રહ્યા હતા. અધિકારીઓએ શરૂઆતમાં જણાવ્યું કે હેન્ડ બૅગેજને બીજી ફલાઇટમાં શિફ્ટ કરવામાં આવી છે. શરૂઆતમાં તેમણે (અધિકારીઓએ) મનાઈ કરી પરંતુ અંતે બૅગેજ આપી દીધું, કારણ કે કેટલાક લોકોની દવાઓ બૅગેજમાં હતી.”

શનિવારે, તિરુવનંતપુરમથી બેંગલુરુ જતી અન્ય ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને તિરુચિરાપલ્લી ઍરપૉર્ટ પર ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું. આ ફ્લાઇટમાં 137 પ્રવાસી હતા.

અહેવાલો અનુસાર, 17 મેના રોજ બેંગલુરુ આવી રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટને ઍરક્રાફ્ટના સહાયક પાવર યુનિટમાંથી ચેતવણીનો સંકેત મળ્યા બાદ દિલ્હી પરત ફરવું પડ્યું હતું. આ ફ્લાઇટમાં 175 પ્રવાસી હતા.

ઍર ઇન્ડિયાના નિવેદનમાં બેંગલુરુ કોચી ફ્લાઇટ અંગે કહેવામાં આવ્યું છે કે, "ઘટનાનું કારણ નક્કી કરવા માટે રેગ્યુલેટરની સાથે મળીને તપાસ કરવામાં આવશે."

કાશ્મીરમાં બે અલગઅલગ ચરમપંથી હુમલામાં એકનું મૃત્યુ, બે ઈજાગ્રસ્ત

કાશ્મીરમાં બે ચરમપંથી હુમલા થયાં છે

ઇમેજ સ્રોત, ANI

ભારતીય પ્રશાસિત કાશ્મીરમાં લોકસભા બેઠકના મતદાનના પહેલાં બે ચરમપંથી હુમલા થયા છે, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે લોકોને ઈજા પહોંચી છે. બંને ચરમપંથી હુમલા દક્ષિણ કાશ્મીરમાં થયા છે. અત્રે નોંધનીય છે કે આવતીકાલે કાશ્મીરના બારામૂલા બેઠકમાં મતદાન થવાનું છે.

પોલીસે સોશિયલ મીડિયા ઍક્સ પર માહિતી આપતા કહ્યું કે એક ચરમપંથી હુમલો શોપિયાંમાં થયો છે, જેમાં એઝાઝ અહમદ નામની વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેઓ સરપંચ રહી ચૂક્યા છે અને હાલમાં ભાજપ સાથે જોડાયલા હતા.

બીજો હુમલો અનંતનાગના યાન્નાર વિસ્તારમાં થયો છે, જેમાં બે પ્રવાસીઓને ઈજા પહોંચી છે.

ઈજાગ્રસ્તોની ઓળખ રાજસ્થાનના જયપુરમાં રહેતાં ફરાહ અને તેમનાં પતિ તબરેઝ તરીકે થઈ છે. બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

જમ્મુ કાશ્મીરના રાજકીય પક્ષો પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને નૅશનલ કૉન્ફરન્સે ચરમપંથી હુમલાની ઘટનાને વખોડી કાઢી છે. પક્ષના નેતાઓએ શાંતિની અપીલ કરી છે.

ગુજરાતમાંથી ચૂંટણી દરમિયાન 1200 કરોડથી વધુના ડ્રગ્સ, દારૂ પકડાયા: ઇલેક્શન અપડેટ

મુદ્દામાલ કબજો લેવાના મામલામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે પરંતુ આચારસંહિતા દરમિયાન રોકડ રકમ, ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ કબજે કરવાના મામલામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.

રાજ્યમાંથી આઠ કરોડ 61 લાખ રૂપિયા રોકડ, 29 કરોડ અને 71 લાખ રૂપિયાની કિંમતનો દારૂ, 128 કરોડ રૂપિયાના કિંમતી ધાતુઓ અને 1187 કરોડ રૂપિયાના ડ્રગ્સ પકડવામાં આવ્યા છે. ગુજરાત ઍન્ટી ટેરેરિસ્ટ સ્કવૉડ (એટીએસ) અને વિવિધ એજન્સીઓએ આચાર સંહિત લાગુ થઈ તે દરમિયાન ડ્રગ્સ કબજે કર્યું છે.

આમ આચાર સંહિતા દરમિયાન ગુજરાતમાંથી સૌથી વધુ મુદ્દામાલ પકડવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 1461 કરોડ રૂપિયા છે.

ચૂંટણીપંચ અનુસાર લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધી જે મુદ્દામાલ કબજામાં લેવામાં આવ્યો છે તેની કુલ કિંમત આઠ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. આમાંથી સૌથી વધુ માત્રામાં ડ્રગ્સ પકડાયું છે, જેની બજારકિંમત ત્રણ હજાર નવસોને અઠ્ઠાવન કરોડ રૂપિયા છે.

લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થઈને બે મહિના થયા છે અને દેશમાંથી ચૂંટણીપંચે રૅકર્ડ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચૂંટણીપંચ અનુસાર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન જે કુલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેના કરતાં વધુ 2024ની લોકસભા ચૂંટણીના બે મહિનામાં કબજે કરવામાં આવ્યો છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું, 'આજે ભાજપ કચેરીએ કૂચ કરીશ'

અરવિંદ કેજરીવાલ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે 12 વાગ્યે પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે દિલ્હી સ્થિત ભાજપ ઑફિસે કૂચ કરશે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે કે તેઓ ઇચ્છે તે વ્યક્તિને જેલમાં મોકલી શકે છે.

શનિવારે એક વીડિયો બહાર પાડીને કેજરીવાલે કહ્યું કે, ''ભાજપ આમ આદમી પાર્ટીના માણસો પાછળ પડી ગયા છે. પાર્ટીના મોટા નેતાઓને જેલ મોકલવામાં આવી રહ્યા છે. હું વડા પ્રધાનને કહેવા માગું છું કે, વડા પ્રધાનજી તમે જેલ-જેલ રમી રહ્યો છે. હું આવતીકાલે 12 વાગ્યે ભાજપ મુખ્યાલય પર કૂચ કરવાનો છું. તમે ઇચ્છો તેને જેલમાં નાખી શકો છો.''

કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાન આમ આદમી પાર્ટીને કચડી નાખવા માગે છે પરંતુ આપ એ પક્ષ નહીં પરંતુ એક વિચારધારા છે, જે સમગ્ર દેશવાસીઓના દિલમાં છે. આપના જેટલાં પણ નેતાઓને જેલમાં નાખશો તેના કરતાં 100 ગણા વધુ નેતાઓ આ દેશ પેદા કરશે.

ભાજપે કેજરીવાલની આ જાહેરાતને એક નાટક ગણાવ્યો છે. દિલ્હી ભાજપના પ્રમુખ વીરેન્દ્ર સચદેવે કહ્યું છે કે કેજરીવાલ સ્વાતિ માલીવાલના મુદ્દે મૌન છે અને ડ્રામા કરી રહ્યા છે.