ઇમરાન ખાનને તોશાખાના મામલામાં ત્રણ વર્ષની સજા, વીડિયોમાં કહ્યું 'મારી ધરપકડ મુદ્દે ચૂપ ન રહેતા'

ઇસ્લામાબાદની જિલ્લા અને સેશન્સ કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને દોષિત જાહેર કરીને ત્રણ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. તેમજ તેમની ધરપકડ પણ કરી લેવાઈ છે.

શનિવારે બપોરે 12 વાગ્યે બ્રેક બાદ જ્યારે તોશાખાના મામલામાં ત્રીજી વખત સુનાવણી શરૂ થઈ ત્યારે ઇમરાન ખાનના વકીલ તેમાં હાજર રહ્યા નહોતા.

કોર્ટે તેમના વકીલને 12 વાગ્યા સુધી હાજર થવા માટેનો સમય આપ્યો હતો, જે બાદ કોર્ટે નિર્ણય આપ્યો.

ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફે નિર્ણયને પક્ષપાતપૂર્ણ ગણાવતાં કહ્યું કે આને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

પાર્ટીના પ્રવક્તાએ નિવેદન જાહેર કરીને કહ્યું, “ઇતિહાસના આ સૌથી ખરાબ કેસમાં એક પક્ષપાતી જજે ન્યાયની હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે અને મામલામાં તથ્યોને એક ખાસ એજન્ડા અંતર્ગત સામે લાવવામાં આવ્યા છે.”

પાકિસ્તાન ચૂંટણીપંચના વકીલ અમજદ પરવેઝનું કહેવું છે કે આ સજા બાદ ઇમરાન ખાન હવે પાંચ વર્ષ સુધી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે ગેરલાયક થઈ જશે.

તોશાખાના શું છે?

ઇમરાન ખાન પર આરોપ છે કે તેમણે વડા પ્રધાન તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન જે ભેટો સ્વીકારી હતી તે વિશે અધિકારીઓને યોગ્ય જાણકારી નહોતી આપી.

તોશાખાન એક સરકારી વિભાગ હોય છે, જ્યાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ કે બીજા મોટા અધિકારીઓ વિદેશયાત્રા દરમિયાન મળતી કીમતી ભેટસોગાદોને રાખવામાં આવે છે.

અમુક વિદેશયાત્રા દરમિયાન, વિદેશમંત્રાલયના અધિકારી આ ભેટોનો રેકૉર્ડ રાખે છે અને વતન પરત ફર્યા બાદ એ બધું તોશાખાનામાં જમા કરાવાય છે.

તોશાખાનામાં રાખવામાં આવેલી વસ્તુઓને સ્મૃતિચિહ્ન તરીકે જોવામાં આવે છે. કૅબિનેટની મંજૂરી બાદ જ અહીં રાખવામાં આવેલી વસ્તુઓ વેચી શકાય છે.

પાકિસ્તાનમાં જો મળેલી ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી હોય તો વ્યક્તિ તેને ફ્રીમાં પોતાની પાસે રાખી શકે છે.

પરંતુ જો ભેટની કિંમત 30 હજાર રૂપિયાથી વધુ હોય, તો તે કિંમતના 50 ટકા જમા કરીને ખરીદી શકાય છે. વર્ષ 2020 પહેલાં સામાનની મૂળ કિંમતના માત્ર 20 ટકા જ જમા કરાવવા પડતા હતા.

આ ભેટોમાં સામાન્ય રીતે મોંઘી ઘડિયાળો, સોના અને હીરાના દાગીના, મૂલ્યવાન સજાવટનો સામાન, સ્મૃતિચિહ્ન, હીરા જડેલી પેન, ક્રોકરી અને જાજમનો સમાવેશ થાય છે.

100 કરતાં વધુ કેસ

ઇમરાન ખાન વર્ષ 2018માં પાકિસ્તાનના વડા પ્રધાન ચૂંટાયા હતા, પરંતુ ગત વર્ષે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ હારી જવાને કારણે પદ પરથી હઠી જવું પડ્યું હતું.

એપ્રિલ 2022માં વડા પ્રધાનપદેથી હઠાવાયા બાદ તેમના પર 100 કરતાં વધુ કેસો દાખલ કરાયા હતા. ઇમરાન ખાન આ બધા કેસોને ખોટા ગણાવતા રહ્યા છે અને તેઓ તેમના પરના તમામ આરોપોથી ઇનકાર કરતા રહ્યા છે.

ઇમરાન ખાનની આ પહેલાં પણ એક વાર ધરપકડ કરવાની કોશિશ કરાઈ હતી પરંતુ એ સમયે તેમના સમર્થકો તેમને પોલીસ કસ્ટડીથી બચાવવા માટે રસ્તે ઊતરી આવ્યા હતા.

આ વર્ષે મે માસમાં ઇમરાન ખાનની કોર્ટનો આદેશ અનુસરીને રજૂ ન થવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. પરંતુ બાદમાં તેમની ધરપકડ ગેરકાયદેસર હોવાનું જણાવીને તેમને છોડી દેવાયા હતા.

ત્યારથી અત્યાર સુધી પાર્ટીના ઘણા વરિષ્ઠ કાર્યકરોએ પાર્ટી છોડી દીધી, હજારો કાર્યકરોની ઇમરાન ખાનની ધરપકડ બાદ થયેલી હિંસામાં સામેલ થવાના આરોપસર ધરપકડ કરાઈ હતી.

ઇસ્લામાબાદની સુરક્ષા ‘હાઇ ઍલર્ટ’ પર

ઇસ્લામાબાદ પોલીસના પ્રવક્તા પ્રમાણે ઇમરાન ખાનના મામલાની સુનાવણીને જોતાં પાટનગર ઇસ્લામાબાદમાં હાઇ ઍલર્ટ જાહેર કરાયો છે અને કડક સુરક્ષા બંદોબસ્ત ખડકી દેવાયો છે.

કોર્ટનો નિર્ણય જ્યારે કોર્ટ બહાર ઊભેલી ભીડને સંભળાવાયો ત્યારે ત્યાં ઊભેલા કેટલાક લોકો, જેમાં અમુક સરકારી વકીલો પણ સામેલ હતા, ઇમરાન ખાન વિરુદ્ધ નારાબાજી કરવા લાગ્યા.

ઇમરાન ખાને શું કહ્યું?

આ દરમિયાન ઇમરાન ખાનનો એક વીડિયો તેમના સોશિયલ મીડિયા હૅન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો જેમાં તેઓ કહી રહ્યા છે કે, “મારી ધરપકડ થઈ શકે છે તેથી એ પહેલાં મેં તમારા માટે આ સંદેશો રેકૉર્ડ કર્યો છે.”

એક મિનિટ 57 સેકન્ડના આ વીડિયોમાં ઇમરાન ખાન કહે છે કે, “જ્યાં સુધી મારો આ સંદેશો તમારા સુધી પહોંચશે મારી ધરપકડ થઈ ગઈ હશે અને હું જેલમાં હોઈશ. મારી તમને અપીલ છે કે તમે તમારાં ઘરોમાં ચૂપ થઈને ન બેસી જતા, હું આ તમારા માટે કરી રહ્યો છું અને તમારાં બાળકોના ભવિષ્ય માટે કરી રહ્યો છું.”

“જો તમે તમારા હકો માટે નહીં ઊભા થાઓ તો તમે ગુલામ બની જશો અને ગુલામ જમીન પરની કીડીઓ માફક હોય છે. પાકિસ્તાન એક સ્વપ્નનું નામ હતું, અમે કોઈ માણસ સામે શીશ નથી ઝુકાવતા. આ ન્યાય માટેની લડત છે, તમારા હકોનો જંગ છે, તમારી સ્વતંત્રતા માટેની લડાઈ છે. જ્યાં સુધી તમારો હક ન મળે ત્યાં સુધી તમારે લડતા રહેવાનું છે.”

તેમણે પશ્ચિમના દેશો તરફ ઇશારો કરતાં કહ્યું કે, “તમારે વોટ મારફતે આ લડાઈ લડવાની છે, જે તમારો મૂળભૂત અધિકાર છે. કોઈ અન્ય દેશ આપણા દેશ પર કબજો ન કરી લે, જેવી રીતે હાલ થઈ રહ્યું છે.”

આ બદલો નથી?

ઇમરાન ખાનની ધરપકડ પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાન સરકારમાં સૂચનામંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું છે કે ઇમરાનની રાજકીય બદલો લેવાની ભાવના સાથે ધરપકડ નથી કરાઈ.

ઇસ્લામાબાદમાં એક પત્રકારપરિષદમાં મરિયમ ઔરંગઝેબે કહ્યું, “જો કોઈને એ વાતને લઈને શંકા હોય કે ઇમરાન ખાનની ધરપકડ રાજકીય બદલાની ભાવના સાથે કરાઈ છે તો તેમણે કોર્ટનો નિર્ણય વાંચવો જોઈએ. જેમાં લખાયું છે કે ઇમરાન ખાનને તેમનો પક્ષ મૂકવાની ઘણી તકો અપાઈ છે.”

તેમણે કહ્યું, “કાયદાની મર્યાદામાં રહીને કાયદાકીય જોગવાઈઓ અનુસરીને તેમની ધરપકડ કરાઈ છે.”

તેમણે કહ્યું, “ઇમરાન ખાને એક નૅરેટિવ બનાવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે તેમને કોઈ વાતને લઈને સવાલ કરાતા ત્યારે તેઓ અન્ય વાતો સાથે તેને સાંકળીને સંસ્થાનો પર હુમલા કરતા. જ્યારે પણ જવાબ આપવાની વાત આવી ત્યારે તેમની પાસે કોઈ જવાબ નહોતો.”

તેમણે આરોપ કર્યો કે આ સમગ્ર મામલાની સુનાવણી દરમિયાન ઇમરાન ખાન માત્ર ત્રણ વખત જ કોર્ટમાં હાજર રહ્યા અને ત્યારે પણ જૂઠું બોલતા રહ્યા.

શું છે સમગ્ર મામલો?

ઑક્ટોબર 2022માં પાકિસ્તાનના ચૂંટણીપંચે તોશાખાના મામલામાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને આગામી પાંચ વર્ષ માટે ચૂંટણીમાં ઉમેદવારી નોંધવવા માટે અયોગ્ય જાહેર કરી દીધા હતા.

ચૂંટણીપંચે કહ્યું હતું કે ઇમરાન ખાને સત્તામાં હતા એ દરમિયાન જે ભેટો સ્વીકારી હતી એ વિશે અધિકારીઓને યોગ્ય જાણકારી નહોતી આપી. ઇમરાને આ આરોપ ફગાવી દીધા હતા.

ઇમરાન પર આરોપ છે કે વડા પ્રધાનપદ પર હતા એ દરમિયાન તેમણે કીમતી ભેટો પોતાના લાભ માટે વેચી. ઇમરાન ખાને ચૂંટણીપંચને અપાયેલ પોતાની સંપત્તિની ઘોષણામાં આ વાતનો ઉલ્લેખ નહોતો કર્યો.

ચૂંટણીપંચે બાદમાં જિલ્લા અદાલતમાં ફરિયાદ કરી હતી કે વડા પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન ઇમરાન ખાનને જે ભેટસોગાદો મળી હતી તે તેમણી વેચી દીધી હતી. આ મામલામાં તેમને આપરાધિક કાયદા અંતર્ગત સજા અપાય તેવી માગ કરાઈ હતી. આરોપો અનુસાર ઇમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન તોશાખાનાના મોંઘી ગિફ્ટો, ઘડિયાળો પોતાના લાભ માટે વેચી હતી.