ગુજરાત ચૂંટણી : દેવામાં ડૂબેલા માછીમારોની શું છે સમસ્યા અને મજબૂરી?

વીડિયો કૅપ્શન, ગુજરાતના માછીમારોની કથળતી આર્થિક સ્થિતિ પાછળના જવાબદાર કારણો

દુનિયાનો ત્રીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદન કરતો દેશ ભારત છે અને લગભગ 1200 કિલોમીટરના લાંબા દરિયાકિનારા સાથે ગુજરાત તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

એક આંકડા મુજબ, ગયા વર્ષે ગુજરાતમાંથી 5,000 કરોડ રૂપિયાની આસપાસની દરિયાઈ નિકાસ થઈ હતી અને તેમાં 1700 કરોડ રૂપિયાનો સામાન ચીનમાં ગયો હતો.

એટલે કે રાજ્યના દરિયાઈ ઉદ્યોગ સાથે લાખો લોકોની આજીવિકા જોડાયેલી છે.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડીઝલ અને અન્ય ચીજવસ્તુઓના વધતા ભાવ, કોવિડ અને યુક્રેનની કટોકટીએ ગુજરાતના માછીમારો અને ઉદ્યોગ માટે સમસ્યા ઊભી કરી દીધી છે.

માછલી ઉદ્યોગના ગઢ ગણાતા વેરાવળમાં આર્થિક સંકટનાં વાદળો સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે.

બીબીસી
વેરાવળ

વેરાવળના વ્યસ્ત બંદર પર અમે હરજી જીવા લોઢારીને મળ્યા. દિવસના ધમધમતા તાપમાં તેઓ તેમની લાકડાની માછીમારીની બૉટમાં તળિયે ભરાયેલા પાણીને બહાર કાઢી રહ્યા હતા.

ઊભા રહેવા છતાં પાણી બૉટમાં ઘૂસી જ જાય છે. બૉટની સારસંભાળ રાખવાનું હરજી જીવા લોઢારીનું રોજ સવાર-સાંજનું કામ છે.

વધતી જતી મોંઘવારી અને માછલીમાં ઘટાડો થવાના કારણે તેમની ત્રણ બૉટ બંધ પડી છે. બે ચાલુ છે અને બે તેમણે ભંગારમાં વેચી દીધી છે.

લગભગ 60 લોકોના સંયુક્ત પરિવારમાં રહેતા હરજી જીવા પર એક કરોડ રૂપિયાનું દેવું છે. 51 વર્ષના લોઢારી 300-400 રૂપિયાની દૈનિક મજૂરીથી ઘર ચલાવે છે.

તેઓ કહે છે કે, “સમસ્યા તો ઘણી છે. તેની કોઈ સીમા નથી.”

માછીમારોના જણાવ્યા મુજબ, વેરાવળમાં 800 બૉટ અને ટ્રૉલર્સ માટે બનેલી જગ્યામાં આજે 5000થી વધુ બૉટ ઊભી છે, જેમાંથી 25-30 ટકા બંધ હાલતમાં છે.

ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જિતુભાઈ મોહનભાઈ કુહાડા કહે છે કે, “પાંચ- છ વર્ષમાં આ બધું ખતમ થઈ ગયું.”

તેમની 19 બૉટમાંથી 14 બંધ પડી છે. કુહાડાના જણાવ્યા અનુસાર, માછીમારોની મજબૂરી છે કે તેઓ માછલીઓને લાંબા સમય સુધી રાખી શકતા નથી અને ખરીદદાર કંપનીઓ તેમની આ મજબૂરીનો ફાયદો ઉઠાવે છે.

બીબીસી
બીબીસી