You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીની 'ન્યાય યાત્રા' આસામમાં ફરીથી રોકવામાં આવી, રાહુલે કહ્યું- "અમે બેરિકેડ તોડ્યા છે, કાયદો નહીં તોડીએ"
આસામમાંથી પસાર થઈ રહેલી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'ભારત જોડો ન્યાયયાત્રા' રાજકીય ઘર્ષણમાં ઘેરાઈ ગઈ છે. દરરોજ થઈ રહેલા વિવાદો વચ્ચે આજે કૉંગ્રેસે ફરી દાવો કર્યો છે કે આસામના જોરાબાટમાં તેમની યાત્રાને પોલીસે રોકી છે.
પોલીસ સાથે ઘર્ષણમાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ બેરિકેડ તોડ્યા હોવાની વાત સામે આવી છે.
આ મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, "અમે બેરિકેડ તોડ્યા છે પરંતુ કાયદો નહીં તોડીએ."
આ મામલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસના બેરિકેડ દેખાઈ રહ્યા છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓ તેના પર ચઢીને 'રાહુલ ગાંધી ઝિંદાબાદ'ના નારાઓ લગાવી રહ્યા હતા.
સમાચાર ઍૅજન્સી પીટીઆઈ અનુસાર, યાત્રાને ગુવાહાટીમાં ઘૂસવાથી રોકવામાં આવી રહી છે.
મંગળવારે 23 જાન્યુઆરીએ જ્યારે રાહુલ ગાંધીએ 'ભારત જોડો ન્યાય યાત્રા' ની દસમા દિવસની શરૂઆત કરી ત્યારે જ ખાનાપાડા વિસ્તારમાં સુરક્ષા દળોની ભારે તહેનાતી કરી દેવામાં આવી હતી.
ગુવાહાટી જનારા તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આસામના સીએમ, ગૃહમંત્રી અને વડા પ્રધાન ભલે કાયદો તોડે પરંતુ કૉંગ્રેસનો કોઈ કાર્યકર કાયદો તોડે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "પરંતુ તમે એવું ન વિચારો કે આપણે નબળા છીએ. કૉંગ્રેસના કાર્યકર્તાઓ બબ્બર શેર છે. તમારી તાકાતને ઓળખો."
એ પહેલાં મંગળવાર રાહુલ ગાંધી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ કરવાના હતા પરંતુ તેમને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવા દેવામાં આવ્યા ન હતા.
કૉંગ્રેસે વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીની વાતચીતનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, "ભારતના ગૃહમંત્રીએ આસામના મુખ્યમંત્રીને ફોન કરીને કહ્યું - રાહુલ ગાંધીને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળવા ન દો. ત્યારબાદ હિમંતા સરમાએ યુનિવર્સિટી મેનેજમેન્ટને ફોન કર્યો અને કહ્યું કે રાહુલ ગાંધીને આસામ અને નૉર્થ-ઇસ્ટના વિદ્યાર્થીઓને મળવા દેવામાં ન આવે. તેથી જ હું તમારી યુનિવર્સિટીમાં તમને મળવા ન આવી શક્યો."
રાહુલને મંદિરમાં જતા પણ રોકવામાં આવ્યા હતા
22 જાન્યુઆરીએ રાહુલ ગાંધીનો બટાદ્રવાસ્થિત શ્રી શ્રી શંકરદેવ સત્ર (મઠ) મંદિર જવાનો કાર્યક્રમ હતો, પણ સ્થાનિક તંત્રે તેમને આશરે 17 કિલોમીટર દૂર હૈબરગાંવમાં જ રોકી લીધા.
પોતાને આસામી સમાજમાં પ્રતિષ્ઠિત વૈષ્ણવ સંત શ્રીમંત શંકરદેવના જન્મસ્થળ બટાદ્રવા સત્ર મંદિર જતા અટકાવાયાને કારણે નારાજ થયેલા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાના કાર્યકર્તાઓ સાથે હૈબરગાંવમાં જ ધરણાં પર બેસી ગયા.
આ અગાઉ એક વીડિયોમાં રાહુલ ગાંધી કારમાંથી ઊતરીને પોલીસ કર્મચારીઓને તેમને રોકવાનું કારણ પૂછતા જોવા મળ્યા હતા.
ધરણાં પર બેસતા અગાઉ રાહુલ ગાંધીએ અધિકારીઓની ટીકા કરતાં મીડિયા સામે કહ્યું, “એવું લાગે છે કે આજે માત્ર એક વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશવાની પરવાનગી છે. શું પીએમ મોદી નક્કી કરશે કે મંદિરોમાં કોણ જાય છે?”
તેમણે આગળ કહ્યું, "11 જાન્યુઆરીએ શંકરદેવના જન્મસ્થળે આવવાનું આમંત્રણ મળ્યું હતું. પણ રવિવારે અમને જણાવાયું કે કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ સ્થિતિ જોખમી છે. કાયદો અને વ્યવસ્થાના સંકટ દરમ્યાન ગૌરવ ગોગોઈ સહિત અન્ય બધા લોકો વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળે જઈ શકે છે, પણ માત્ર રાહુલ ગાંધી નથી જઈ શકતા."
રાહુલ ગાંધી જે જગ્યા પર ધરણાં પર બેઠા હતા, ત્યાં તેમના સમર્થક “રઘુપતિ રાઘવ રાજારામ, ,પતિત પાવન સીતારામ” ભજન ગાતા જોવા મળ્યા.
તેમજ કૉંગ્રેસસમર્થકો શંકરદેવનાં કીર્તન ગાતા પણ જોવા મળ્યા.
બાદમાં સ્થાનિક સાંસદ અને કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ મંદિરમાં ગયા અને પ્રાર્થના કરી.
તેમણે બહાર આવી જણાવ્યું કે તેમને રાહુલ ગાંધીની જગ્યાએ શ્રીમંત શંકરદેવના જન્મસ્થળે જવાની તક મળી.
ગૌરવ ગોગોઈએ એક તસવીર શૅર કરીને જણાવ્યું, “શ્રી શ્રી શંકરદેવ સ્થાન બિલકુલ ખાલી હતું. કોઈ ભીડ નહોતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમી હોવા અંગે અફવા ફેલાવાઈ હતી. મુખ્ય મંત્રી બટાદ્રવા થાના અને શ્રી શંકરદેવના વારસા માટે એક કાળો દિવસ લઈ આવ્યા છે.”
શ્રીમંત શંકરદેવનું આસામમાં મહત્ત્વ
જ્યારથી કૉંગ્રેસે જાહેર કર્યું હતું કે 22 જાન્યુઆરીની સવારે રાહુલ ગાંધી બટાદ્રવા શ્રી શ્રી શંકરદેવ સત્ર જશે, ત્યારથી કૉંગ્રેસ અને સત્તાધારી ભાજપમાં ઘર્ષણ અને નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી.
આસામમાં બે દાયકા કરતાં પણ વધુ સમયથી પત્રકાર રહેલા સમીર કે. પુરકાયસ્થ કહે છે કે 15મી-16મી સદીના સંત-વિદ્વાન અને સામાજિક-ધાર્મિક સુધારક શ્રીમંત શંકરદેવ આસામની સમાવેશી સંસ્કૃતિના પ્રતીક મનાય છે.
તેથી હાલ દેશમાં ચાલી રહેલા હિંદુત્વવાદી રાજકારણમાં રાહુલ ગાંધીનું બટાદ્રવા પહોંચવું એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
પુરકાયસ્થ કહે છે, “જો સરળ શબ્દોમાં કહીએ તો રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં રાહુલ ગાંધીના ન જવાને કારણે ભાજપ જે રીતે તેમને રાજકીય રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, શ્રીમંત શંકરદેવ જવું એ આનો જ જવાબ હતો.”
આસામના મુખ્ય મંત્રીએ શું કહ્યું?
આ અગાઉ આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને 22 જાન્યુઆરીએ બટાદ્રવામાં શ્રીમંત શંકરદેવના જન્મસ્થળના પ્રવાસથી દૂર રહેવાની સલાહ આપી હતી.
મુખ્ય મંત્રીએ એક પત્રકારપરિષદમાં કહ્યું, “અમે રાહુલ ગાંધીને અનુરોધ કરીએ છીએ કે તેઓ સોમવારે રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ દરમિયાન બટાદ્રવા ન જાય, કારણ કે તેનાથી આસામની ખોટી છબિ ઘડાશે.”
તેમણે કહ્યું હતું કે ભગવાન રામ અને રાજ્યમાં એક પ્રતીક સ્વરૂપે પ્રતિષ્ઠિત મધ્યયુગના વૈષ્ણવ સંત વચ્ચે કોઈ સ્પર્ધા ના થઈ શકે.
આ ઉપરાંત મુખ્ય મંત્રીએ એવું પણ કહ્યું હતું કે સોમવાર માટે કૉંગ્રેસે મોરીગાંવ, જગીરોડ અને નેલ્લીના “સંવેદનશીલ વિસ્તારો”માંથી પસાર થતો રસ્તો પસંદ કર્યો છે, જેને ટાળી શકાયો હોત.
તેમણે કહ્યું, ''આ વિસ્તાર સંવેદનશીલ છે અને હું અહીં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી ન થાય એવું હું ના કહી શકું. આથી 22 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની યાત્રા દરમિયાન લઘુમતીની વધુ વસતીવાળા વિસ્તારોમાં સંવેદનશીલ માર્ગો પર કમાન્ડો તહેનાત કરી દેવાયા છે.''
લાંબા સમય સુધી કૉંગ્રેસમાં રહેલ હિમંત બિસ્વા સરમા 2015માં ભાજપમાં સામેલ થયા બાદથી રાહુલ ગાંધીની ટીકા કરતા રહ્યા છે.
રાહુલ ગાંધી અને હિમંતા વચ્ચે શાબ્દિક જંગ
14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી ભારત જોડો ન્યાયયાત્રા જ્યારે ગત ગુરુવારે આસામ પહોંચી, ત્યારથી રાહુલ ગાંધી અને હિમંત બિસ્વા સરમા વચ્ચે શાબ્દિક જંગ ચાલી રહ્યો છે.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની એક સભામાં આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાને દેશના સૌથી ભ્રષ્ટ મુખ્ય મંત્રી ગણાવ્યા હતા અને એવું પણ કહ્યું હતું કે તેઓ ભાજપ મુખ્ય મંત્રીઓને “ભ્રષ્ટાચાર શીખવી શકે છે.”
આના જવાબમાં સરમાએ ગાંધી પરિવારને ‘દેશનો સૌથી ભ્રષ્ટ પરિવાર’ ગણાવ્યો.
આ પછી જ્યારે રાહુલ ગાંધીની યાત્રા જોરહાટ શહેરમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તંત્રે નક્કી કરેલા માર્ગનું ઉલ્લંઘન કરવાના આરોપમાં યાત્રાના આયોજક સામે કેસ દાખલ કરવામાં આવ્યો.
આ દરમ્યાન કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે ઉત્તર લખીમપુરમાં કૉંગ્રેસની કેટલીક કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં પાર્ટીનાં પોસ્ટર અને બેનર ફાડી નખાયાં.
આ બાબતે કૉંગ્રેસે લખીમપુરમાં એક કેસ નોંધાવ્યો છે. આ પછી રવિવારે જ્યારે યાત્રા અરુણાચલ પ્રદેશથી પાછી આસામ ફરી રહી હતી, ત્યારે આસામ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભૂપેન બોરા પર ભાજપના સમર્થકોએ કથિત રીતે હુમલો કરી દીધો, જેમાં તેઓ ઘાયલ થયા હતા.
જોકે, આ મામલા પછી મુખ્ય મંત્રી સરમાએ પોલીસ મહાનિદેશકને એક મામલો નોંધી દોષિતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.