You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'રામ વિવાદ નહીં સમાધાન છે', રામમંદિર પ્રાણપ્રતિષ્ઠામાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાના અવસરને ‘અલૌકિક’ ગણાવ્યો અને કહ્યું કે 'ન્યાયના પર્યાય પ્રભુ રામનું મંદિર પણ ન્યાયબદ્ધ રીતે બન્યું છે.'
તેમણે કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરતાં ન્યાયપાલિકાનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું, "હું આભાર વ્યક્ત કરીશ ભારતની ન્યાયપાલિકાનો, જેણે ન્યાયની લાજ રાખી લીધી."
રામમંદિર સાથે જોડાયેલા વિવાદ તરફ સંકેત આપતાં પીએમ મોદીએ કહ્યું, "કેટલાક લોકો કહેતા હતા કે રામમંદિર બનશે તો આગ લાગી જશે. આવા લોકો ભારતના સામાજિક વિવેકને નથી જાણી શક્યા."
તેમણે ઉમેર્યું, "રામ આગ નથી, રામ ઊર્જા છે. રામ વિવાદ નથી, રામ સામાધાન છે."
"સદીઓની પ્રતીક્ષા બાદ આપણા રામ આવ્યા છે. ત્યાગ, તપસ્યા અને બલિદાન બાદ આપણા પ્રભુ આવી ગયા છે. આપણા રામલલ્લા હવે તંબુમાં નહીં રહે. હવે દિવ્ય મંદિરમાં રહેશે. આ ક્ષણ અલૌકિક છે.”
વડા પ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે, “22 જાન્યુઆરી, 2024નો આ સૂરજ એક અદ્ભુત આભા લઈને આવ્યો છે. આ તારીખ કેલેન્ડર ઉપર લખાયેલી એક તારીખ નથી. આ નવા કાળચક્રનો ઉદ્ગમ છે. આજે સદીઓના ધૈર્યની ધરોહર મળી છે. આજે મંદિર મળ્યું છે. આજથી હજાર વર્ષ બાદ પણ લોકો આજની તારીખને યાદ કરશે. આજથી આ ક્ષણની ચર્ચા કરશે.”
“ભારતના બંધારણમાં, તેની પહેલી કૉપીમાં પણ ભગવાન રામ બિરાજમાન છે. દુનિયાનો ઇતિહાસ એ વાતનો સાક્ષી રહ્યો છે કે અનેક રાષ્ટ્રો તેમના ઇતિહાસમાં ગૂંચવાઈ જાય છે. ઘણા દેશોએ ઇતિહાસની આ ગાંઠ ખોલવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં તેમને અસફળતા હાથ લાગી છે. પરંતુ ભારતે જે ગંભીરતાથી અને ભાવુકતાથી આ ગાંઠને ઉકેલી, એ દર્શાવે છે કે આપણું ભવિષ્ય ખૂબ સુંદર હશે.”
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત મંદિરના ગર્ભગૃહમાં હાજર રહ્યા. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રાણપ્રતિષ્ઠાની વિધિઓ કરી હતી. ગર્ભગૃહમાં યુપીનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને જોતાં અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંતો, નેતાઓ અને બોલીવૂડની સેલેબ્રિટીઝે હાજરી આપી હતી.
મંદિરનિર્માણના કામની સંભાળ રાખતી રામમંદિર કમિટીએ પ્રાણપ્રતિષ્ઠા આયોજનમાં ભાગ લેવા માટે 7,000 સાધુ-સંતો સિવાય બીજા 4,000 લોકોને નિમંત્રણ આપ્યું હતું.
દસ હજાર સીસીટીવી કૅમેરા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સવાળાં ડ્રોન્સ અહીં સુરક્ષાવ્યવસ્થામાં તહેનાત કરવામાં આવ્યાં હતાં. પોલીસ પણ સાદી વરદીમાં તહેનાત હતી.
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ 23 જાન્યુઆરીથી સામાન્ય લોકો દર્શન કરી શકે તે માટે મંદિર ખોલવામાં આવશે.
506 મહેમાનોનું એક એ-લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં મોટા નેતા, ઉદ્યોગપતિ, અભિનેતા, રાજદ્વારી, જજો અને અન્ય હાઇપ્રોફાઇલ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અનુસાર, રામની મૂર્તિને રવિવારના રોજ વિભિન્ન તીર્થસ્થળોથી લાવવામાં આવેલા "ઔષધિયુક્ત" જળ અને પવિત્ર જળથી ભરાયેલા 114 ઘડાઓથી સ્નાન કરાવવામાં આવ્યું.
22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના બધા કર્મચારીઓ માટે હાફ-ડે રાખવામાં આવ્યો છે.
માત્ર અયોધ્યાના લોકો જ નહીં, પણ દેશભરમાં શ્રદ્ધાળુઓ રામનામના જાપ કરી, રામધૂન અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી રહ્યા છે.
સરયુ નદીના કિનારે અનેકવિધ દીપ પ્રગટાવી દીપમાળાનું સર્જન કરાશે તો અયોધ્યામાં હજારોની સંખ્યામાં ઊમટનારા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખી સ્થાનિકોએ પણ કેટલીક તૈયારીઓ કરી છે.
કાર્યક્રમની શરૂઆતમાં શું શું થયું?
ગાયક સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ, શંકર મહાદેવને રામભજન ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી.
ત્યાર બાદ શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંદિર વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપી.
- જે પથ્થરથી મૂર્તિ બની છે, તે પથ્થર કર્ણાટકનો છે. મૂર્તિ બનાવનાર મૂર્તિકાર અરુણ યોગીરાજ છે.
- મંદિરનો પાયો 14 મીટરનો છે. એક હજાર વર્ષ સુધી આ મંદિર હલશે નહીં.
- 25 હજાર યાત્રિકો પોતાનાં જૂતાં, મોબાઇલ રાખી શકે એવાં કેન્દ્રો બનાવાયાં છે.
- મંદિરનો પાયો નાખવામાં નિષ્ણાતોની મદદ લેવામાં આવી.
મુકેશ અંબાણીએ કહ્યું -'22 જાન્યુઆરી ભારત માટે રામદિવાળી હશે'
ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમનાં પત્ની નીતા અંબાણી સાથે સમારોહમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં.
સમાચાર સંસ્થા એએનઆઇ અનુસાર મુકેશ અંબાણીએ પત્રકારોએ કહ્યું કે આ દિવસ અત્યંત વિશેષ છે.
મુકેશ અંબાણીએ કહ્યું, "આજે શ્રીરામ પધારી રહ્યા છે. 22 જાન્યુઆરી સંપૂર્ણ દેશ માટે રામદિવાળી હશે."
નીતા અંબાણીએ પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું, "આજનો દિવસ ઐતિહાસિક છે."
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પર અખિલેશ યાદવે શું કહ્યું?
સોમવારના અયોધ્યા રામમંદિરમાં રામની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે લખનૌમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે જે મૂર્તિ અત્યાર સુધી પથ્થર હતી, તે આજે પ્રાણપ્રતિષ્ઠા બાદ ભગવાનનું રૂપ લઈ લેશે. જે લોકો નીતિ, રીતિ અને મર્યાદાનું સન્માન કરે છે, તે ભગવાન રામના સૌથી મોટા ભક્તો છે.
અખિલેશ યાદવ આ સમારોહમાં સામેલ નથી થઈ રહ્યા. આ આયોજનનું નિમંત્રણ મળવા બાબતે તેમણે કહ્યું કે તેઓ પોતાના પરિવાર સાથે બાદમાં રામમંદિરના દર્શન કરશે.
આ આયોજનમાં કૉંગ્રેસે પણ સામેલ થવાનો ઇનકાર કર્યો હતો. કૉંગ્રેસનું કહેવું છે કે આ ધાર્મિક આયોજન નથી, ભાજપ આને રાજકીય બનાવી રહ્યો છે.
એનસીપી નેતા શરદ પવાર અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ બાદમાં રામમંદિર દર્શન કરવા આવશે.
અયોધ્યામાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા?
અયોધ્યાના તમામ મુખ્ય ચોક પર સુરક્ષા માટે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. વીવીઆઈપી મૂવમૅન્ટ માટે પોલીસ જવાનો આ તારનો ઉપયોગ કરે છે.
અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી પોલીસ નિદેશક (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંતકુમાર અને પોલીસ ટીમ સંભાળી રહી છે.
તેના માટે યલો ઝોન, રેડ ઝોન સાથે જોડાયેલા તમામ રસ્તા પર અને અયોધ્યા જિલ્લામાં સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
કોને મળ્યો રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાનો મહાપ્રસાદ?
પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આવનારા લોકોમાં મહાપ્રસાદનું વિતરણ કરવાની પણ તૈયારીઓ કરવામાં આવી હતી.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સમારોહમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત લોકોને મહાપ્રસાદ અપાયો હતો. મહાપ્રસાદના 20 હજાર પૅકેટ બનાવવામાં આવ્યાં છે.
મહાપ્રસાદ શુદ્ધ ઘી, પંચમેવા, ખાંડ અને ચણાના લોટમાંથી બનાવવામાં આવ્યો છે. મહાપ્રસાદ બનાવવા માટે 5000 કિલો સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 200 લોકોની ટીમ પ્રસાદ બનાવી રહી છે.
રામજન્મભૂમિ ટ્રસ્ટ પહેલેથી જ દરરોજ પાંચ હજાર સંતો માટે ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે. તેમની રહેવાની વ્યવસ્થા ઉદાસીન આશ્રમ રાણોપાલીમાં કરવામાં આવી છે.
તેમને ધાબળા, ગાદલા અને બેડશીટની કિટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત અલગ-અલગ મંદિર પરિસરમાં સાધુઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
નેતા અને બોલીવૂડ સ્ટાર્સ પહોંચ્યા
આયોજનમાં સામેલ થવા માટે બોલીવૂડના સેલેબ્રિટીથી લઈને રાજનેતા અયોધ્યા પહોંચ્યા હતા.
અભિનેતા અમિતાભ બચ્ચન, રજનીકાંત, ધનુષ, રણદીપસિંહ હુડ્ડા અને તેમનાં પત્ની લિન લૈશરામ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, ડાયરેક્ટર રોહિત શેટ્ટી, કટરીના કૈફ, વિક્કી કૈશલ, કંગના રનૌત, માધુરી દીક્ષિત અને આયુષ્માન ખુરાના સહિત અનેક સેલેબ્રિટી અયોધ્યા પહોંચ્યાં હતાં.
પૂર્વ ક્રિકેટર સચીન તેંડુલકર પણ અયોધ્યા પહોંચ્યા હતા. સોમવારની સવારે રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચ્યા હતા.
સુપરસ્ટાર રજનીકાંત પણ અયોધ્યામાં રામમંદિર પરિસરમાં પહોંચ્યા હતા. ક્રિકેટ ખેલાડી અનિલ કુમ્બલે અને વેંકટેશ પ્રસાદ પણ અયોધ્યા પહોંચ્યા હતા. બૅડમિન્ટન સ્ટાર સાયના નેહવાલે અયોધ્યા પહોંચ્યા બાદ કહ્યું હતું કે, "આ મારું સૌભાગ્ય છે કે હું અહીં સુધી પહોંચી શકી છું. "
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પર જનસેનાના વડા પવન કલ્યાણે કહ્યું કે, "આ લોકોનું લાંબા સમયથી પ્રિય સપનું હતું અને 500 વર્ષ પછી આખરે તે વાસ્તવિકતા બની રહ્યું છે, અમે ખૂબ જ ખુશ છીએ."
રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે સમારોહ
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે સમગ્ર અયોધ્યાને રોશનીથી શણગારવામાં આવ્યું છે અને ઉજવણી કરવામાં આવી રહી છે.
રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહ પહેલાં મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરને પણ રોશનીથી સજાવવામાં આવ્યું હતું.
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહે ધામીએ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત દીપોત્સવમાં ભાગ લીધો હતો.
પુષ્કરસિંહ ધામીએ કહ્યું, "લાંબા સમયગાળા પછી, આપણને બધાને આ દીપોત્સવ ઊજવવાની તક મળી છે. ભગવાન રામ દરેક કણમાં વિરાજમાન છે. સમગ્ર ઉત્તરાખંડમાં દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે."
પશ્ચિમ બંગાળના વિપક્ષના નેતા અને ભાજપના ધારાસભ્ય સુવેન્દુ અધિકારીએ કહ્યું, "આવતી કાલે અભિષેક સમારોહ છે, આ પ્રસંગે મારા મતવિસ્તાર નંદીગ્રામમાં 50 હજાર લોકો આનંદ સાથે શોભાયાત્રામાં ભાગ લઈ રહ્યા છે. બધા ખુશ છે, સાંજે દિવાળી ઊજવવામાં આવશે. "
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ વી.ડી. શર્મા સાથે ભાજપ કાર્યાલય ખાતે રામભજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તો મુંબા દેવી મંદિર પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.
કેવું છે રામમંદિર?
રામમંદિરના નિર્માણકાર્ય સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે મંદિર ઓછામાં ઓછું એક હજાર વર્ષ સુધી ટકે તે પ્રકારનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.
રામમંદિરની ડિઝાઇન તૈયાર કરનાર ચંદ્રકાંત સોમપુરાના પુત્ર આશિષ સોમપુરાના કહેવા પ્રમાણે, મંદિરના તળિયામાં મકરાણાનો માર્બલ વાપરવામાં આવ્યો છે. મકરાણાના માર્બલની વચ્ચે કાળા, ગુલાબી, ક્રીમ, પીળા વગેરે રંગના ભારતમાં મળી આવતાં પથ્થરોનું ઇન-લે વર્ક છે.
32 દાદર ચઢીને જમીનથી લગભગ સાડા સોળ ફૂટ ઉપર આવેલા સિંહદ્વાર સુધી ભાવિકો પહોંચી શકે તેવી વ્યવસ્થા છે. દિવ્યાંગો તથા વૃદ્ધોને માટે લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરની જગતીની ફરતે પથ્થર ઉપર થ્રી-ડાઇમેન્શનમાં વાલ્મીકિ રામાયણના વિવરણના આધારે રામના જીવનના 100 જેટલા પ્રસંગ કંડારવામાં આવ્યા છે. સૌપ્રથમ તેનાં પેઇન્ટિંગ બનાવાયાં, જેના આધારે ક્લે-વર્ક તૈયાર કરાયો. તે પછી ફાઇબર અને તેના આધારે પથ્થર પર પ્રસંગોને ઉતારાયા.
અયોધ્યામાં હાલમાં જે મૂર્તિની પૂજા થાય છે તે સ્વયંભૂ પ્રગટ થઈ હોવાનું શ્રદ્ધાળુઓનું માનવું છે. જૂની મૂર્તિને નવસર્જિત મૂર્તિની પાસે પ્રસ્થાપિત કરવામાં આવશે અને બંનેની અલગથી પૂજા કરવામાં આવશે.
આ સિવાય શ્રદ્ધાળુ અને મૂર્તિની વચ્ચે 25થી 30 ફૂટનું અંતર છે. અલબત્ત, લગભગ મૂર્તિની ઊંચાઈ, તેની નીચે પડઘી અને કમળને કારણે મૂર્તિનો ચહેરો દૂરથી જ જોઈ શકાય છે.
જોકે, આ પછી પણ બીજા તથા ત્રીજા માળ માટે નિર્માણકાર્ય ચાલતું રહેશે અને મંદિરને પૂર્ણપણે તૈયાર થવામાં વધુ બે વર્ષ જેટલો સમય લાગી શકે છે.
શું હતો અયોધ્યા વિવાદ?
- વર્ષ 1528
અયોધ્યામાં એક એવા સ્થળે મસ્જિદનું નિર્માણ કરાયું હતું, જેને કેટલાક હિંદુઓ પોતાના આરાધ્ય દેવતા રામનું જન્મસ્થળ માનતા હતા. માનવામાં આવે છે કે મોઘલ સમ્રાટ બાબરે અહીં મસ્જિદ બનાવી હતી, જેના લીધે આ બાબરી મસ્જિદના નામે ઓળખાતી હતી.
- વર્ષ 1855
અહીં હિંદુ મુસ્લિમો વચ્ચે એક હુલ્લડ થયું અને મસ્જિદની સામે એક વાડ બનાવી દેવામાં આવી. આ કાર્યવાહીને લીધે હિંદુઓ અંદરના વિસ્તારમાં પ્રવેશી નહોતા શકતા, જેને લીધે તેમને બહારના આંગણામાં એક મંચ પર પ્રસાદ ચઢાવવા માટે પ્રેરિત કરાયા.
- વર્ષ 1856-57
આ દરમ્યાન હનુમાનગઢી અને બાબરી મસ્જિદ નજીક એક સાંપ્રદાયિક તોફાન થયું. ઐતિહાસિક વૃંત્તાત પ્રમાણે હુલ્લડો પહેલાં હિંદુ મુસ્લિમ બંને માટે પૂજા કરવાની પરવાનગી મસ્જિદ ક્ષેત્ર સુધી હતી. હુલ્લડો બાદ સત્તા હસ્તાંતરણ થયું, એટલે મસ્જિદની બહાર એક ઈંટની દીવાલ ચણી દેવામાં આવી.
- વર્ષ 1859
બ્રિટનના શાસકોએ વિવાદિત સ્થળ પર વાડ બનાવી અને પરિસરના અંદરના ભાગમાં મુસલમાનોને અને બહારના ભાગે હિંદુઓને પ્રાર્થના કરવાની અનુમતિ આપી.
- વર્ષ 1885
મહંત રઘુવરદાસે રામના જન્મસ્થાનના મહંત હોવાનો દાવો કરતા એક કેસ દાખલ કર્યો. જેને 1885ના કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે બહારના પ્રાંગણમાં રામ ચબૂતરા પર રામમંદિર બનાવવાની મંજૂરી માગી.
- વર્ષ 1934
1934માં એક સાંપ્રદાયિક ઘટના બની જેમાં મસ્જિદને નુકસાન થયું. જોકે બાદમાં તેને બહાલ કરી દેવામાં આવી. દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે સંસ્થાનવાદી પ્રશાસને મસ્જિદનાં સમારકામ અને નવીનીકરણને મંજૂરી આપી દીધી. સાથે જ ઘટના દરમ્યાન મસ્જિદને થયેલા નુકસાન બદલ હિંદુઓ પર દંડ ફટકાર્યો.
- વર્ષ 1949
ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી. કથિતપણે કેટલાક હિંદુઓએ આ મૂર્તિઓ અહીં રખાવી હતી. મુસલમાનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો અને બંને પક્ષોએ અદાલતમાં કેસ દાખલ કર્યો. સરકારે આ સ્થળને વિવાદિત જાહેર કરીને તાળાં મારી દીધાં.
16 ડિસેમ્બર 1949ને કેકે નૈય્યરે ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ ગોવિંદ નારાયણને બાબરી મસ્જિદના સ્થળ પર એક ઐતિહાસિક મંદિર વિશે સૂચિત કર્યું. ત્યાર બાદ નૈય્યર ભારતીય જનસંઘના ઉમેદવારના રૂપે લોકસભાના સભ્ય બન્યા.
- વર્ષ 1984
કેટલાક હિંદુઓએ વિશ્વ હિંદુ પરિષદના નેતૃત્વમાં ભગવાન રામના જન્મસ્થળને 'મુક્ત' કરવા માટે અને અહીં રામમંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું. ત્યાર બાદ આ અભિયાનનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યું. પહેલી રથયાત્રા વર્ષ 1984માં બિહારના સીતામઢીથી શરૂ થઈ અને ઑકટોબરમાં અયોધ્યા પહોંચી.
- વર્ષ 1986
જિલ્લા મેજિસ્ટ્રેટે હિંદુઓને પ્રાર્થના કરવા માટે વિવાદિત મસ્જિદના દરવાજાનું તાળું ખોલવાનો આદેશ આપ્યો. મુસલમાનોએ આના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિનું ગઠન કર્યું.
- વર્ષ 1989
વિશ્વ હિંદુ પરિષદે રામમંદિર નિર્માણ માટે અભિયાનને વેગ આપ્યો અને વિવાદિત સ્થળ નજીક રામમંદિરની ઈંટ મૂકી.
- વર્ષ 1990
વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદને કેટલુંક નુકસાન પહોંચાડયું. તત્કાલીન વડા પ્રધાન ચંદ્રશેખરે વાતચીત મારફતે વિવાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો. પણ આગામી વર્ષે વાતચીત નિષ્ફળ રહી. લાલકૃષ્ણ અડવાણીએ આંદોલન માટે સમર્થન વધારવાના હેતુ સાથે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી. આ દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી.
- વર્ષ 1992
વિશ્વ હિંદુ પરિષદ, શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બરના બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી નાખી. જેના પરિણામ સ્વરૂપ દેશભરમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી, જેમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા.
- વર્ષ 1993
નરસિમ્હારાવ સરકારે લગભગ 68 એકર જમીન અધિગ્રહણ કરવા અધ્યાદેશ બહાર પાડયો. ત્યાર બાદ તેને કાયદામાં પરિવર્તિત કરાયો.
- ફેબ્રુઆરી 2002
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ચૂંટણીઢંઢેરામાં રામમંદિરના નિર્માણના મુદ્દાને સામેલ કરવાની ના પાડી દીધી. વિશ્વ હિંદુ પરિષદે 15 માર્ચથી રામમંદિર નિર્માણકાર્ય શરૂ કરવાની જાહેરાત કરી.
- 13 માર્ચ 2002
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે અયોધ્યામાં યથાસ્થિતિ જાળવવામાં આવશે અને કોઈને પણ સરકાર દ્વારા અધિગ્રહિત જમીન પર શિલાપૂજનની અનુમતિ નહીં હોય. કેન્દ્ર સરકારે કહ્યું કે અદાલતના નિર્ણયનું પાલન કરાશે.
- એપ્રિલ 2003
અલાહાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર પુરાતાત્ત્વિક સર્વેક્ષણ વિભાગે વિવાદિત સ્થળનું ખોદકામ શરૂ કર્યું. જૂન મહિના સુધી ખોદકામ ચાલ્યા બાદ આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેમાં મંદિરથી મેળ ખાતા અવશેષો મળ્યા છે.
- મે 2003
સીબીઆઈએ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવાના કેસમાં તત્કાલીન નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત આઠ લોકો વિરુદ્ધ પૂરક આરોપપત્ર દાખલ કર્યું.
- ઑગસ્ટ 2003
ભાજપના નેતા અને વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર નિર્માણ માટે એક વિશેષ બિલ લાવવાના VHPના અનુરોધનો ફગાવી લીધો.
- એપ્રિલ 2004
અડવાણીએ અયોધ્યામાં અસ્થાયી રામમંદિરમાં પૂજા કરી અને કહ્યું કે રામમંદિરનું નિર્માણ જરૂર કરવામાં આવશે.
- 28 જુલાઈ 2005
લાલકૃષ્ણ અડવાણી 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ગુરુવારે રાયબરેલીની એક અદાલતમાં હાજર રહ્યા. અદાલતે લાલકૃષ્ણ અડવાણી સામે આરોપ ઘટ્યા.
- 20 એપ્રિલ 2006
કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે લિબ્રહાન આયોગ સમક્ષ લેખિત નિવેદનમાં આરોપ મૂક્યો કે બાબરી મસ્જિદને પાડી નાખવી સુનિયોજિત ષડ્યંત્રનો ભાગ હતું અને તેમાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગદળ અને શિવસેનાની 'મિલીભગત' હતી.
- 24 નવેમ્બર 2009
લિબ્રહાન આયોગના રિપોર્ટ સંસદના બંને સદનમાં રજૂ કરવામાં આવ્યા. આયોગે અટલ બિહારી વાજપેયી અને મીડિયાને જવાબદાર ગણાવ્યા અને નરસિમ્હારાવને ક્લીનચિટ આપી.
- 30 સપ્ટેમ્બર 2010
અલાહાબાદ ઉચ્ચ ન્યાયલયની ત્રણ જજની ખંડપીઠે અયોધ્યામાં વિવાદિત ભૂમિને ત્રણ ભાગમાં વહેંચી દીધી. સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનને મુસ્લિમ અને હિંદુઓ વચ્ચે બે જેમ એક રીતે ભાગ કરી એક તૃતીયાંશ ભૂમિ ફાળવી હતી.
- 21 માર્ચ 2017
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ખેહરે બધા પક્ષોને અદાલતની બહાર સમાધાન કરવાનું સૂચન કર્યું.
- વર્ષ 2019
સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ વિવાદિત જગ્યાને રામલલ્લાને સોંપવાનો આદેશ કર્યો અને સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવી
- વર્ષ 2020
પાંચ ઑગસ્ટે રામમંદિર માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.
- 22 જાન્યુઆરી 2024
અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન