You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં મંગળવારથી SIR હાથ ધરાશે, ચૂંટણીપંચે કરી જાહેરાત
દેશના ચૂંટણીપંચે બીજા તબક્કાનું સ્પેશિયલ ઇન્ટેન્શિવ રિવિઝન શરૂ કરવાની વાત કરી છે, જે મુજબ ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં બીજા તબક્કાનું સુધાર અભિયાન હાથ ધરવામાં આવે છે.
ગુજરાત ઉપરાંત ગોવા, છત્તીસગઢ, અંદમાન અને નિકોબાર, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડ્ડુચેરી, રાજસ્થાન, તામિલ નાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ચૂંટણીપંચનું કહેવું છે કે દરેક ચૂંટણી પહેલાં મતદારયાદીમાં સુધાર કરવામાં આવે છે અથવા તો ચૂંટણીપંચને લાગે ત્યારે સુધાર કરવામાં આવે છે. જેમાં પાત્ર મતદારના નામ ઉમેરવામાં આવશે તથા અપાત્ર વ્યક્તિના નામ દૂર કરવામાં આવે છે.
વર્ષ 1951થી 2004 દરમિયાન ભારતમાં આઠ વખત એસઆઈઆર હાથ ધરવામાં આવ્યું છે અને બે દાયકાથી તેમાં સુધાર નથી થયો. એટલે સોમવાર મધ્યરાત્રિથી નામ ઉમેરા કે બાદબાકીની કાર્યવાહી અટકી જશે. બૂથ લેવલ ઑફિસરો ઘરે-ઘરે જઈને મતદારનાં નામોની જૂની યાદી કે માતા-પિતાનાં નામો સાથે 'લિંકિંગ અને મૅચિંગ' કરશે.
આ કામગીરી કરનાર સરકારી કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવશે. એ પછી મતદાર યાદીનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવશે. આ દરમિયાન વ્યક્તિ અપીલ કરી શકે છે. આ માટે અમુક દસ્તાવેજ આપવાની જરૂર રહેશે. એ પછી આખરી યાદી બહાર પાડવામાં આવશે.
વ્યક્તિ જાતે પણ ઑનલાઇન આ કામ કરી શકશે. વ્યક્તિ જિલ્લાસ્તરે કે ચૂંટણી અધિકારી પાસે અપીલ દાખલ કરી શકશે.
પંચનું કહેવું છે કે પ્રગિત માટે વ્યક્તિ હિજરત કરી જાય, નવા સ્થળે મતદાર યાદીમાં નામ હોય અને જૂનું નામ પણ ચાલુ રહે, વિદેશી નાગરિકનું નામ દાખલ થવું કે મૃત્યુ બાદ પણ નામ કમી ન થવાને કારણે મતદારયાદીમાં સુધારની જરૂર પડે છે.
બિહારની મતદાર યાદીમાં સુધાર પછી ઝીરો અપીલ થઈ હોવાનો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે દાવો કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે વ્યક્તિ ભારતની નાગરિક હોય, 18 વર્ષથી વધુની ઉંમર હોય, મતદાનક્ષેત્રમાં રહેતી હોય તથા અન્ય કોઈ કાયદા દ્વારા મતદાન માટે ગેરલાયક ઠરી ન હોય, તેમના નામ મતદાર યાદીમાં રહેશે.
મતદાર યાદી સુધાર કાર્યક્રમ સાથે જોડાયેલા સરકારી કર્મચારીઓની તાલીમ મંગળવારથી શરૂ થશે, જે ત્રીજી નવેમ્બર સુધી ચાલશે.
ચોથી નવેમ્બરથી ઘરે-ઘરે જઈને મૅચિંગ અને લિંકિંગનું કામ હાથ ધરવામાં આવશે. આ કામગીરી ચોથી ડિસેમ્બર સુધી ચાલશે. એ પછી નવમી ડિસેમ્બરના રોજ મતદારયાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.
નવમી ડિસેમ્બરથી આઠમી જાન્યુઆરી 2026 સુધી મતદાર વાંધા અને દાવા કરી શકશે.
નવમી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી 2026 દરમિયાન સુનાવણી અને ખરાઈ અભિયાન હાથ ધરવામાં આવશે.
તા. સાતમી ફેબ્રુઆરી 2026ના રોજ સુધારેલી મતદારયાદી પ્રકાશિત કરવામાં આવશે.
SIRનો વિવાદ શું છે?
જૂન 2025માં ચૂંટણીપંચે કંઈક એવી જાહેરાત કરી જેના કારણે બિહારના રાજકારણમાં આક્ષેપોનો ક્રમ શરૂ થઈ ગયો.
ચૂંટણીપંચે બિહારમાં મતદાર 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઈઆર) કરાવવાનો નિર્ણય લીધો હતો.
વિપક્ષી દળોના 'ઇન્ડિયા' ગઠબંધને તેનો વિરોધ કર્યો જ્યારે ભાજપે આ જાહેરાતને બિરદાવી હતી.
કેન્દ્રીય ચૂંટણીપંચે કરેલી જાહેરાત અનુસાર આ કાર્યવાહીથી તમામ યોગ્ય નાગરિકોના નામ વૉટર લિસ્ટમાં હોય એ બાબત સુનિશ્ચિત કરવામાં આવશે.
ચૂંટણીપંચે મતદારોને એક ફૉર્મ ભરવા કહ્યું જેની સાથે જે પુરાવા સામેલ કરવાના હતા, તેમાં આધાર કાર્ડનો સમાવેશ કરાયો ન હતો.
જોકે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ચૂંટણીપંચને આધાર કાર્ડને સામેલ કરવા સલાહ આપી હતી.
આ મામલે એટલો વિવાદ થયો કે વિપક્ષે કેન્દ્રીય ચૂંટણીપંચ પર 'ભાજપના સેલ' તરીકે કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો.
એસઆઈઆરની પ્રક્રિયાના કારણે ઘણા લોકો મતદારયાદીની બહાર રહી જશે એવી શક્યતા દર્શાવવામાં આવી હતી.
મતદારોને કેવી અસર પડશે?
24 જૂન 2025ના રોજ ચૂંટણીપંચે જણાવ્યું કે બિહારમાં છેલ્લે 2003માં મતદારયાદીનું 'ઇન્ટેન્સિવ રિવિઝન' કરાયું હતું. ત્યાર બાદ ઘણા લોકોનાં મૃત્યુ, પ્રવાસ અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને કારણે એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જરૂર છે. તેથી જે લોકોનાં નામ 2003ની યાદીમાં સામેલ છે, તેમણે ચૂંટણીપંચ તરફથી જાહેર કરાયેલ એક ફૉર્મ માત્ર ભરવાનું રહેશે.
જેમનું નામ એ યાદીમાં નથી, તેમણે જન્મના વર્ષ પ્રમાણે દસ્તાવેજો આપવાના રહેશે.
જેમનો જન્મ 1 જુલાઈ, 1987 પહેલાં થયો છે, તેમણે પોતાના જન્મસ્થળ કે જન્મતિથિ માટે દસ્તાવેજ આપવા પડશે.
જેમનો જન્મ 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે થયો છે, તેમણે પોતાની સાથોસાથ પોતાનાં માતાપિતા પૈકી કોઈ એકનો દસ્તાવેજ આપવાનો રહેશે. જેમનો જન્મ 2 ડિસેમ્બર 2004 બાદ થયો છે, તેમણે પોતાના દસ્તાવજે સાથે પોતાનાં માતાપિતાના દસ્તાવેજ પણ આપવાના રહેશે.
જેમનાં માતાપિતાનું નામ 2003ની મતદારયાદીમાં સામેલ છે, તેમણે પોતાનાં માતાપિતાના દસ્તાવેજ જમા કરાવવાની કોઈ જરૂર નહીં રહે. જોકે, તમામ મતદારોએ ચૂંટણીપંચ તરફથી જાહેર કરાયેલા ફૉર્મ ભરવાનું રહેશે.
એસઆઈઆર બે પ્રકારે થશે. પ્રથમ બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) ઘરે ઘરે, એક પ્રી-ફિલ્ડ ફૉર્મ ગણના પ્રપત્ર (મતદારની જાણકારી અને દસ્તાવેજ) લઈને જશે.
બીજી રીતમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈને આ ફૉર્મ ડાઉનલોડ કરીને તેને ભરી શકે છે.
વોટ ચોરીના આરોપો અને વિવાદ
ઑગસ્ટ 2025માં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારના સાસારામમાં ચૂંટણીપંચ પર 'વોટ ચોરી'નો આરોપ લગાડીને એક રેલીને સંબોધિત કરી હતી.
ત્યાર પછી તરત દિલ્હીમાં ચૂંટણીપંચ તરફથી આ આરોપોનો જવાબ આપવા માટે એક પ્રેસ કૉન્ફરન્સ કરાઈ.
રાહુલ ગાંધીએ આરોપ કર્યો કે ભાજપ અને ચૂંટણીપંચ સાથે મળીને 'વોટ ચોરી' કરી રહ્યાં છે અને 'બિહારમાં સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન (એસઆઈઆર) વોટ ચોરી કરવાની કોશિશ' છે.
તેના જવાબમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું, "કાયદા અંતર્ગત દરેક રાજકીય દળનો જન્મ ચૂંટણીપંચમાં રજિસ્ટ્રેશનથી જ થાય છે, તો પછી ચૂંટણીપંચ એ જ રાજકીય દળો સાથે કેવી રીતે ભેદભાવ કરી શકે."
જ્ઞાનેશકુમારનું કહેવું છે કે ચૂંટણીપંચના ખભે બંદૂક મૂકીને રાજકારણ રમાઈ રહ્યું છે અને રાહુલ ગાંધીએ સોગંદનામું આપવું પડશે અથવા દેશની માફી માગવી પડશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે 2024ના લોકસભા અને મહારાષ્ટ્ર, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં મતદારયાદીમાં મોટા પાયે 'હેરાફેરી' થઈ, જેનાથી ભાજપને ફાયદો થયો હતો.
તેમણે ખાસ કરીને બૅંગ્લુરૂની મહાદેવપુરા વિધાનસભામાં એક લાખ કરતાં વધુ નકલી મતદાર અને ઘણાં અમાન્ય સરનામાં હોવાના આરોપ કર્યા હતા. રાહુલ ગાંધીએ ડુપ્લિકેટ મતદારો (જેમ કે, એક જ વ્યક્તિનું નામ ઘણાં રાજ્યોમાં મતદાર તરીકે રિજસ્ટર્ડ) અને ખોટાં સરનામાં ( જેમ કે, એક નાના રૂમમાં સેંકડો મતદાર)નાં ઉદાહરણ આપ્યાં.
ચૂંટણીપંચે આ આરોપોને 'નિરાધાર' અને 'બેજવાબદાર' ગણાવીને ફગાવી દીધા. પંચે કહ્યું કે 'વોટ ચોરી' જેવા શબ્દોનો ઉપયોગ કરોડો મતદારો અને લાખો ચૂંટણીકર્મીની પ્રામાણિકતા પર હુમલો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન