SIR એટલે શું, તેનાથી શું નાગરિકતા જાય, સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચ શું કહે છે?

ભારતમાં દરવર્ષે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાતી હોય છે. આ વર્ષે દિલ્હીની વિધાનસભા ચૂંટણી બાદ બિહારમાં ધારાસભાની ચૂંટણી યોજાવાની છે.

એટલે ભાજપના નેતૃત્વવાળા એનડીએ તથા કૉંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધને આ ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીં ભાજપ, જનતાદળ યુનાઇટેડ, રાષ્ટ્રીય જનતા દળ, કૉંગ્રેસ સહિત નાના-મોટા અનેક રાજકીયપક્ષો ચૂંટણીજંગમાં છે.

ચૂંટણીપંચ દરેક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી કે પેટાચૂંટણી પહેલાં મતદાર યાદીનું સુધારણાઅભિયાન હાથ ધરતું હોય છે. જોકે, આ વખતે એસઆઈઆર હાથ ધર્યું છે.

જેનો કૉંગ્રેસ સહિત વિપક્ષે વિરોધ કર્યો છે. તેમણે ચૂંટણીપંચના આ અભિયાન સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે અને તેના પર સુનાવણી ચાલી રહી છે. સામાન્ય લોકોનાં મનમાં પણ આ અંગે કેટલાક સવાલ છે.

સુપ્રીમ કોર્ટે મતદારયાદીમાંથી મોટાપાયે નામ કમી સામે કડક વલણ અપનાવ્યું છે, તો ચૂંટણીપંચે પોતાના પગલાનો બચાવ કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અને ચૂંટણીપંચનો જવાબ

કેન્દ્રીય ચૂંટણીપંચે સુપ્રીમ કોર્ટમાં ફરી કહ્યું છે કે કોઈપણ કાયદેસરના મતદાતાનું નામ બાકાત ન થાય, તે માટે તે શક્ય તમામ પ્રયાસ કરી રહ્યું છે તથા જેમનાં નામ યાદીમાંથી બાકાત કરવામાં આવશે, તેમને નોટિસ કાઢવામાં આવશે.

મંગળવારની સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવ બે એવા લોકોને સર્વોચ્ચ અદાલતમાં લઈને પહોંચ્યા હતા, જેમનાં નામ મૃત જણાવીને કાઢી નાખવામાં આવ્યાં હતાં.

ત્યારે ચૂંટણીપંચના વકીલ રાકેશ દ્વિવેદીએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે "આ ડ્રામા ટીવી માટે સારો છે." સાથે જ ઉમેર્યું હતું કે જો કોઈનું નામ બાકાત રહી જતું હોય તો તેને ઉમેરવામાં મદદ કરવી જોઈએ.

સુનાવણી દરમાયન જસ્ટિસ સૂર્યકાંતે અવલોક્યું હતું કે યોગેન્દ્ર યાદવનું વિશ્લેષણ "સારું" છે. ચાહે અદાલત તેની સાથે સહમત હોય કે ન હોય.

ચૂંટણીપંચે ઉમેર્યું હતું કે જો કોઈનું નામ મતદારયાદીમાંથી બાકાત થાય, તો તેનો મતલબ એવો નથી કે તેની ભારતીય નાગરિકતા સમાપ્ત થઈ ગઈ છે. ચૂંટણીપંચે સર્વોચ્ચ અદાલતમાં 88 પન્નાનું સૌગંધનામું દાખલ કર્યું હતું.

ચૂંટણીપંચનું કહેવું છે, "કોઈપણ ભ્રામક કે આધારવિહીન આરોપો માટે તે જવાબદાર નથી તથા કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે."

કપિલ સિબ્બલે સુપ્રીમ અદાલતમાં દલીલ આપી હતી કે દસ્તાવેજોની ખરાઈ દરમિયાન વધુ નામો બાકાત થઈ શકે છે.

જેમની પાસે દસ્તાવેજો નહીં હોય તેમના વિશે ઇલેક્શન રજિસ્ટ્રેશન ઑફિસર નિર્ણય લેશે. બિહારમાં આ કામ માટે 243 ઈ.આર.ઓ. તથા લગભગ ત્રણ હજાર સહાયક ઈ.આર.ઓ. નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પાસે જરૂર પડ્યે અન્ય રાજ્યના મતદારને ભૌતિક રીતે હાજર થવા માટે કહેવાના અધિકાર છે.

એક તબક્કે અરજદારોના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે, "કોઈની નાગરિકતા નક્કી કરવા અંગેનો અધિકાર ચૂંટણીપંચ પાસે નથી. આ સમગ્ર પ્રક્રિયા તેના અધિકારક્ષેત્રની બહારની છે. તે બે મહિનાની અંદર આઠ-નવ કરોડ લોકોની નાગરિકતા નક્કી ન કરી શકે."

ત્યારે ખંડપીઠે અવલોક્યું હતું કે ભારતીય નાગરિક હોવાના આધારે કોનું નામ મતદાર યાદીમાં રાખવું તથા કોનું નહીં, તે નક્કી કરવાનો અધિકાર ચૂંટણીપંચ પાસે છે.

સર્વોચ્ચ અદાલતે એસ.આઈ.આર.ની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે તેને અટકાવવાનો કે સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો.

65 લાખ મતદાતા બાકાત

ચૂંટણીપંચ દ્વારા એક મહિનાના સુધાર અભિયાન બાદ મતદારયાદીનો પહેલો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે તથા તેમાંથી લગભગ 65 લાખ લોકોનાં નામ બાકાત થયાં છે.

અગાઉ સાત કરોડ 89 લાખ મતદાર નોંધાયેલા હતા, પરંતુ આ અભિયાન બાદ મતદારોની સંખ્યા સાત કરોડ 24 લાખ જેટલી રહેવા પામી છે. ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, તે 99.8 ટકા મતદાર સુધી પહોંચ્યું હતું.

આ વર્ષે 7 જાન્યુઆરીના રોજ ચૂંટણીપંચે મતદારોની અંતિમ યાદી પ્રકાશિત કરી હતી. જે મુજબ, બિહારમાં કુલ 7,80,22,933 મતદાર છે, જેમાં 3,72,57,477 મહિલા 4,07,63,352 પુરુષ અને 2,104 થર્ડ જેન્ડર છે.

ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, 22 લાખ મતદાતા મૃત્યુ પામ્યા છે, એટલે તેમનાં નામ બાદ કરવામાં આવ્યાં છે. સાત લાખ નામો એક કરતાં વધુ સ્થળોએ મતદાર તરીકે નોંધાયેલાં છે. જ્યારે 36 લાખ લોકો રાજ્ય છોડી ગયા છે.

જોકે, પહેલા ડ્રાફ્ટમાં કેટલીક વિસંગતીઓ હોવાનું બહાર આવ્યું છે. કેટલાક કિસ્સામાં મતદારના નામ અને તસવીરો અલગ-અલગ છે, તો અમુક મૃત લોકોનાં નામ પણ ડ્રાફ્ટની યાદીમાં સામેલ છે.

ડ્રાફ્ટમાં સુધાર માટે 30મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. આ માટે પહેલા પખવાડિયામાં લગભગ એક લાખ 65 હજાર જેટલી અરજીઓ મળી હતી.

ઘણી વખત વિધાનસભા ચૂંટણીમાં અમુક સો મતથી હારજીતની બાજી પલટાઈ જતી હોય છે, એટલે રાજકીયપક્ષો નામ ઉમેરા અને કમીની પ્રક્રિયાની ઉપર ચાંપતી નજર રાખતા હોય છે.

રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટની સંખ્યામાં 16 ટકા જેટલો વધારો થયો હતો. જેમણે મતદારને આ અભિયાન દરમિયાન મદદ કરી હતી.

મુસ્લિમ મતદારોનાં નામ કમીનો આરોપ

વિપક્ષનો આરોપ છે કે ચૂંટણીપંચે જે નામો હઠાવ્યાં છે, તેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ મતદારો સામેલ છે.

વિપક્ષનું કહેવું છે કે આગામી ચૂંટણી દરમિયાન સત્તારૂઢ ભાજપ તથા એનડીએને લાભ પહોંચાડવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તથા આને 'વોટચોરી' કહે છે.

એસઆઈઆર મુદ્દે વિપક્ષે સંસદમાં ચર્ચાની માગ કરી હતી, જેથી કરીને વારંવાર સંસદની કાર્યવાહીને મોકૂફ કરવી પડી હતી.

જોકે, સરકારનું કહેવું હતું કે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હોવાથી નિયમ મુજબ, તેના વિશે સંસદમાં ચર્ચા ન થઈ શકે.

વિપક્ષના સંસદસભ્યો સંસદમાં મિંતા દેવીની તસવીરવાળી ટીશર્ટ પહેરીને પહોંચ્યા હતા. ચૂંટણીપંચની સુધારેલી યાદી પ્રમાણે, તેમની ઉંમર 124 વર્ષ છે અને તેઓ મતદાર છે. વિપક્ષના સંસદસભ્યોએ તેના ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

બાદમાં બૂથ લેવલ અધિકારીની ટાઇપિંગની ભૂલ હોવાની વાત પણ સામે આવી હતી અને તેમાં સુધારપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જોકે, ત્યાર સુધીમાં મિંતા દેવી તસવીર સોશિયલ મીડિયા ઉપર પણ વાઇરલ થઈ ગઈ હતી.

ચૂંટણીપંચ દ્વારા જાતિ કે ધર્મના આધારે મતદાર યાદી જાહેર કરવામાં નથી આવતી, એટલે વિપક્ષના આરોપોની સ્વતંત્રપણે તપાસ થઈ શકે તેમ નથી.

આ સિવાય ચૂંટણીપંચ દ્વારા કોઈ વિદેશ નાગરિક મળ્યું છે કે નહીં, તેના વિશે કોઈ ખુલાસો નથી કર્યો.

ભાજપના નેતા અગાઉ આરોપ મૂકી ચૂક્યા છે કે બિહાર અને ઝારખંડમાં નેપાળ તથા પશ્ચિમ બંગાળના રસ્તે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી થઈ રહી છે. તેઓ મતદારયાદીમાં નામ નોંધાવી દે છે અને તેની અસર ચૂંટણીપરિણામો ઉપર પડે છે.

શું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન?

તા. 24 જૂનના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચે જાહેર વિજ્ઞપ્તિ બહાર પાડીને બિહારમાં એસ.આઈ.આર. હાથ ધરવાની વાત કહી હતી. આ પ્રક્રિયા 25 જૂનથી 26 જુલાઈ સુધી ચાલી હતી.

ચૂંટણીપંચે છેલ્લે વર્ષ 2003માં બિહારમાં એસ.આઈ.આર. (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, વિશેષ ગહન પુનઃનિરીક્ષણ) અભિયાન હાથ ધર્યું હતું.

આ અભિયાન હેઠળ જે લોકો અન્યસ્થળોએ હિજરત કરી ગયા હોય, જેમનાં મૃત્યુ થયા હોય, મહિલાઓ લગ્ન કરીને અન્યત્ર જતાં રહ્યાં હોય, તથા ઘૂસણખોરોના નામ આવી ન જાય તે માટે સમયાંતરે આ પ્રકારના અભિયાન હાથ ધરવામાં આવતા હોય છે.

ચૂંટણીપંચનું કહેવું છે, જે લોકોનાં નામ વર્ષ 2003ની મતદાર યાદીમાં છે, તેમણે મતદારસૂચિની સાથે માત્ર એન્યૂમરેશન ફૉર્મ ભરવાનું હતું. જેમનો જન્મ 1 જુલાઈ, 1987 પહેલાં થયો છે, તેમણે પોતાના જન્મસ્થળ કે જન્મતિથિ માટે દસ્તાવેજ આપવાના હતા.

જેમનો જન્મ 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે થયો હોય, તેમણે પોતાની સાથોસાથ પોતાનાં માતાપિતા પૈકી કોઈ એકનો દસ્તાવેજ આપવાનો હતો. જેમનો જન્મ 2 ડિસેમ્બર 2004 બાદ થયો હોય, તેમણે પોતાના દસ્તાવેજ સાથે પોતાનાં માતાપિતાના દસ્તાવેજ પણ આપવાના હતા.

જેમનાં માતાપિતાનું નામ 2003ની મતદારયાદીમાં સામેલ છે, તેમણે પોતાનાં માતાપિતાના દસ્તાવેજ જમા કરાવવાની કોઈ જરૂર ન હતી.

ચૂંટણીપંચે ઓળખની પુષ્ટિ માટે 11 દસ્તાવેજની યાદી સાર્વજનિક કરી હતી, જેમાં આધારકાર્ડ તથા પાસબુકનો સમાવેશ થતો ન હતો. જોકે, મેટ્રિક સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર સાથે સંકળાયેલા દસ્તાવેજનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

ચૂંટણીપંચના કહેવા પ્રમાણે, આધાર કાર્ડ એ બંધારણના અનુચ્છેદ 326 હેઠળ મતદાર તરીકેની પાત્રતાની પુષ્ટિમાં આધારકાર્ડ મદદ નથી કરતું, જોકે, તેનો પૂરક દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાય છે.

આધારકાર્ડ ઉપરની સૂચનામાં પણ સ્પષ્ટપણે લખેલું હોય છે કે તે ભારતની નાગરિકતાનો પુરાવો નથી.

આ સિવાય મોટાપાયે બનાવટી રાશનકાર્ડ બનતા હોવાની વાત કરીને તેને પણ માન્ય દસ્તાવેજ તરીકે નહીં રાખવાની વાત ચૂંટણીપંચે કહી હતી.

ચૂંટણીપંચે વોટર આઈડીકાર્ડ, મનરેગા કાર્ડ, પાનકાર્ડ તથા ડ્રાઇવિંગ લાઇસન્સને પણ એસ.આઈ.આર. દસ્તાવેજોની યાદીમાં સામેલ કર્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે એસ.આઈ.આર. અભિયાન દરમિયાન મતવિસ્તારમાં વ્યક્તિની ઉપલબ્ધતા, શિક્ષણનો અભાવ, ઓછી જાગૃતિ, રહેણાંકનું પ્રમાણપત્ર લેવામાં મુશ્કેલી, દસ્તાવેજોની યાદી, ટૂંકો સમયગાળો અને વ્યાપક અભિયાન જેવી વ્યવહારુ મુશ્કેલીઓ ગણાવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન