જમ્મુ-કાશ્મીરમાં યોજાઈ રહેલી ચૂંટણીથી કાશ્મીરી પંડિતોની પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે?

જમ્મુ-કાશ્મીર, કાશ્મીરી પંડિતો, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ. પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, ભાજપ, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, અનંતનાગમાં આવેલું એક કાશ્મીરી પંડિતનું વેરાન ઘર
    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, બીબીસી માટે, શ્રીનગરથી

શું જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સુધરી ગઈ છે? શું હિંસાની ઘટનાઓ બંધ થઈ ગઈ છે? શું ત્યાંના મૂળ વતનીઓ અને સ્થાનિકો માટે ત્યાં રહેવું સુરક્ષિત થઈ ગયું છે? શું કલમ 370 હઠી ગયા બાદ ત્યાં બધું સામાન્ય થઈ ચૂક્યું છે? કલમ 370 નાબૂદ થઈ ગઈ તે પછી શું સરકાર એવું વાતાવરણ બનાવી શકી છે કે ત્યાં કાશ્મીરી પંડિતો રહી શકે?

આ તમામ સવાલોને લઇને જમ્મુ-કાશ્મીરમાં રહેતા તથા ત્યાંથી વિસ્થાપિત થઈ ચૂકેલા કાશ્મીરી પંડિતો મિશ્ર પ્રતિસાદ આપે છે.

જમ્મુ-કાશ્મીરમાં અંદાજે એક દાયકા પછી વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. અહીં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઑક્ટોબરે એમ ત્રણ તબક્કામાં ચૂંટણી થવાની છે. 8 ઑક્ટોબરે આ ચૂંટણીનું પરિણામ આવશે.

‘કંઈ બદલાયું નથી’

જમ્મુ-કાશ્મીર, કાશ્મીરી પંડિતો, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ. પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, ભાજપ, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ભાજપ, નેશનલ કૉન્ફરન્સ (એનસી), પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (પીડીપી) અને કૉંગ્રેસ પોતપોતાના ચૂંટણીઢંઢેરામાં કાશ્મીરી પંડિતો અંગેની તેમની યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ કાશ્મીરી પંડિતો આ ચૂંટણીને લઇને કેટલા ઉત્સાહિત છે?

શું તેમને કોઈ પરિવર્તનની આશા છે?

નેવુંના દાયકામાં જ્યારે કાશ્મીરમાં ઉગ્રવાદનો કાળ શરૂ થયો ત્યારે અનેક કાશ્મીરી પંડિતોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમની હત્યાઓ થઈ. તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું. તેના કારણે અનેક કાશ્મીરી પંડિતોનું ત્યાંથી વિસ્થાપન થઈ ગયું. તેઓ જમ્મુ સહિત ભારતના અલગ-અલગ શહેરોમાં રહેવા લાગ્યા.

પરંતુ કેટલાક કાશ્મીરી પંડિતો ક્યારેય કાશ્મીર ખીણમાં વિસ્થાપિત નથી થયા. શ્રીનગરમાં જ રહેતા સંજય ટિક્કૂ પણ તેમાંથી જ એક છે.

સંજય ટિક્કૂ કાશ્મીરી પંડિતો માટે કામ કરનારી સંસ્થા ‘કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિ’ના અધ્યક્ષ પણ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિધાનસભા ચૂંટણીને લઇને તેઓ કહે છે કે, “કાશ્મીરી પંડિતોને ફરીથી એ જ બધા વાયદાઓ કરવામાં આવી રહ્યા છે જે વર્ષો પહેલાં કરવામાં આવતા હતા. મતલબ સ્પષ્ટ છે કે આટલાં વર્ષો વીતી ગયા પરંતુ કંઈ બદલાયું નથી.”

બીબીસી સાથે વાત કરતાં સંજય ટિક્કૂ કહે છે, “આજે જે વિધાનસભા ચૂંટણી જમ્મુ-કાશ્મીરમાં થઈ રહી છે, તેનું કોઈ મહત્ત્વ નથી. તેનું મહત્ત્વ એટલે નથી કારણ કે જે પણ અધિકાર વિધાનસભા પાસે હોય છે તે ઉપરાજ્યપાલને આપી દેવામાં આવ્યા છે. સરકાર માત્ર એટલા માટે જ ચૂંટણી કરાવી રહી છે કે જેથી કરીને દુનિયાને દેખાડી શકાય કે બધું નોર્મલ થઈ ગયું છે અને અમે અહીં વિધાનસભાની ચૂંટણી કરાવી રહ્યા છીએ.”

સંજય ટિક્કૂ કહે છે કે ભાજપ, કૉંગ્રેસ અને અન્ય તમામ સ્થાનિક પક્ષોના ચૂંટણીઢંઢેરામાં કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ છે ખરો પરંતુ આ માત્ર વાયદાબાજી છે, બીજું કંઈ નથી.

તેઓ કહે છે કે જે કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા છે તેમને પાછા લાવવાના વાયદાઓ જરૂર કરવામાં આવ્યા છે પરંતુ જે કાશ્મીરી પંડિતો હજુ ખીણમાં રહે છે તેમની વાત કોઈ કરતું નથી.

સંજય ટિક્કૂ અનુસાર, “અમારા જેવા અનેક કાશ્મીરી પંડિતો છે જેમણે અહીં રહીને અમારા મુસ્લિમ ભાઇઓ સાથે જ તમામ કષ્ટોને સહન કર્યાં છે. પણ અમારી કોઈ વાત કરતું જ નથી. દરેક ચૂંટણીમાં વિસ્થાપિત થયેલા કાશ્મીરી પંડિતોને પાછા લાવવાની વાતો કરવામાં આવે છે. પરંતુ જે લોકો અહીં રહે છે તેમનું શું.”

કાશ્મીરી પંડિતોના પુનર્વસનનો કાર્યક્રમ

જમ્મુ-કાશ્મીર, કાશ્મીરી પંડિતો, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ. પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, ભાજપ, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં આવેલું શારદા મંદિર

નેવુંના દાયકા પછી આજ સુધીમાં અનેક સરકારોએ કાશ્મીર ખીણમાંથી વિસ્થાપિત થઈ ચૂકેલાં પંડિતોના પુનર્વસનની વાતો કરી. આ દિશામાં અમુક પગલાંઓ પણ ભરવામાં આવ્યાં. પરંતુ અનેક કાશ્મીરી પંડિતોને લાગે છે કે આ પગલાં પૂરતાં નથી.

વર્ષ 2010માં તત્કાલીન મનમોહનસિંહની સરકારે એક યોજના હેઠળ વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે સરકારી નોકરીની એક યોજના બહાર પાડી હતી જેને ‘પ્રધાનમંત્રી પૅકેજ કે પીએમ પૅકેજ’ કહેવામાં આવે છે.

સરકારી આંકડાઓ પ્રમાણે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા છ હજાર કાશ્મીરી પંડિત વિસ્થાપિતોને કાશ્મીરમાં સરકારી નોકરી આપવામાં આવી છે.

આ યોજના હેઠળ જે કાશ્મીરી પંડિતોને નોકરી આપવામાં આવી તેમના માટે કાશ્મીરના અનેક જિલ્લાઓમાં રહેવા માટે ટ્રાન્ઝિટ કૅમ્પસ બનાવવામાં આવ્યાં છે.

ગત બે વર્ષોમાં મોદી સરકારે વિસ્થાપિત થઈ ગયેલા કાશ્મીરી પંડિતોને બે હજારથી વધુ સરકારી નોકરી આપવાનો દાવો પણ કર્યો છે.

એ સિવાય જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટે પણ એક આદેશ જાહેર કરીને સરકારને કહ્યું હતું કે કાશ્મીરમાં મંદિરોની સુરક્ષા હવે સરકાર કરે.

હાલની વિધાનસભા ચૂંટણી માટે જાહેર કરેલા પોતાના ચૂંટણીઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરના રાજકીયપક્ષો જેવા કે પીડીપી, નેશનલ કૉન્ફરન્સ અને જમ્મુ કાશ્મીર અપની પાર્ટીએ કાશ્મીરી પંડિતોના કાશ્મીરમાં પુનર્વસનની વાત કરી છે.

‘ચૂંટણી બેકાર, ઉપરાજ્યપાલનું શાસન જ સારું’

જમ્મુ-કાશ્મીર, કાશ્મીરી પંડિતો, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ. પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, ભાજપ, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

ઇમેજ કૅપ્શન, શ્રીનગરમાં બની રહેલું એક મંદિર

પરંતુ ‘સેવ શારદા કમિટી કાશ્મીર’ ના સંસ્થાપક રવિન્દર પંડિતાને ન તો આ સ્થાનિક પક્ષો પાસેથી કોઈ આશા છે કે ન તો કૉંગ્રેસ કે ભાજપ જેવા રાષ્ટ્રીય પક્ષો પાસેથી કોઈ આશા છે.

તેઓ કહે છે, “કોઈને કાશ્મીરી પંડિતોના અધિકારોથી કોઈ મતલબ નથી. કેન્દ્ર સરકારે ન તો અમને રાજકીય અધિકારો આપ્યા, કે ન તો સામાજિક કે આર્થિક અધિકારો આપ્યા. અમે ખૂબ નિરાશ છીએ.”

રવિન્દર પંડિતા કહે છે, “પીડીપી અને નેશનલ કૉન્ફરન્સ જેવા પક્ષોએ અમારા પુનર્વસનની વાત તો કરી છે પણ શું માત્ર વાયદો કરવાથી અમારું પુનર્વસન થઈ જશે? હકીકતમાં આ પક્ષોએ તેમના ચૂંટણીઢંઢેરામાં જે અન્ય વાતો કરી છે એ અમને ડરાવનારી છે. તેઓ કાશ્મીરમાંથી આફસ્પા(આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ) અને પબ્લિક સેફ્ટી ઍક્ટ (પીએસએ) હઠાવવાની વાત કરી રહ્યા છે. એ રીતે તો પછી આતંકવાદીઓને પણ જેલમાંથી છોડી દેવામાં આવશે. પછી કાશ્મીરી પંડિતો પાછા કેવી રીતે ફરી શકશે? ”

જમ્મુ-કાશ્મીર, કાશ્મીરી પંડિતો, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ. પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, ભાજપ, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, X/@PANDITAAPMCC63

જોકે, ગૃહમંત્રી અમિત શાહે પણ આ વર્ષે માર્ચમાં જમ્મુ-કાશ્મીરની એક ચૅનલ ગુલિસ્તાન ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અહીં આફસ્પા હઠાવવા અંગે વિચાર કરી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રવાદનો યુગ શરૂ થયા પછી કેન્દ્ર સરકારે આર્મ્ડ ફૉર્સીસ સ્પેશિયલ પાવર્સ ઍક્ટ (આફસ્પા) લાગુ કર્યો હતો. તે અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રવાદને અંકુશમાં લેવા માટે ત્યાં તહેનાત સુરક્ષાદળોને ઘણી સત્તાઓ આપવામાં આવી હતી.

આ સિવાય પબ્લિક સેફ્ટી ઍક્ટ (પીએસએ) હેઠળ કોઈપણ વ્યક્તિને બે વર્ષ સુધી ટ્રાયલ વગર જેલમાં રાખી શકાય છે.

આ બંને કાયદાઓને લઈને જમ્મુ-કાશ્મીરમાં વિવાદ ચાલી રહ્યો છે. સુરક્ષાદળો પર આ કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. પરંતુ સરકાર અને સુરક્ષા દળો આ આરોપોને નકારી રહ્યાં છે.

રવિન્દર પંડિતા કહે છે કે તેઓ ચૂંટણીને લઈને બિલકુલ ઉત્સાહિત નથી અને તેઓ વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર શાસનને વધુ સારું માને છે.

ખીણમાંથી વિસ્થાપિત થયા બાદ પંડિતા દિલ્હીમાં રહે છે અને વિસ્થાપિત કાશ્મીરીઓ માટે બનાવવામાં આવેલી વિશેષ યોજના હેઠળ તેઓ દિલ્હીમાં જ રહીને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે છે.

‘પરિસ્થિતિ સુધરી રહી છે’

જમ્મુના રહેવાસી કાશ્મીરી પંડિત રંજન પંડિતાને આ વિધાનસભા ચૂંટણીથી ઘણી આશાઓ છે. તેઓ પ્રધાનમંત્રી પૅકેજ યોજના હેઠળ કાશ્મીરના અનંતનાગમાં સરકારી નોકરી કરે છે.

તેમનો પરિવાર જમ્મુમાં રહે છે.

તેઓ કહે છે, "અત્યાર સુધી મેં ત્રણ પ્રાદેશિક રાજકીય પક્ષો (પીડીપી, નેશનલ કૉન્ફરન્સ અને જમ્મુ કાશ્મીર અપની પાર્ટી)ના મૅનિફેસ્ટો જોયા છે. એ બધાએ કાશ્મીરી પંડિતો વિશે વાત કરી છે.”

“તેમના મૅનિફેસ્ટોમાં સન્માન સાથે અમારા પુનર્વસનની વાત કરવામાં આવી છે. આ સકારાત્મક બદલાવ છે. કારણ કે પહેલાં તો અમારા વિશે કોઈ ઉલ્લેખ ન હતો. ભલે ગમે તે પક્ષની સરકાર બને, મને આશા છે કે તેઓ અમારા ભલા માટે પગલાં ભરશે. હવે એવું લાગવા માંડ્યું છે કે પરિસ્થિતિ સારી થઈ રહી છે અને અમારા પુનર્વસન માટે કામ શરૂ થશે."

કાશ્મીરી પંડિતો નિશાના પર

જમ્મુ-કાશ્મીર, કાશ્મીરી પંડિતો, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ. પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, ભાજપ, નરેન્દ્ર મોદી, બીબીસી ગુજરાતી

2014ની વિધાનસભા ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા પછી, ભાજપ અને પીડીપીએ ગઠબંધન કર્યું અને માર્ચ 2015માં ગઠબંધન સરકારની પણ રચના કરી. પરંતુ જૂન 2018માં મતભેદો બાદ આ ગઠબંધન તૂટી ગયું અને જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવ્યું.

વર્ષ 2019માં સરકારે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 હઠાવી દીધી હતી.

સરકારે દાવો કર્યો હતો કે આનાથી પ્રદેશમાં શાંતિ આવશે અને ઉગ્રવાદનો અંત આવશે.

પરંતુ એ પછી પણ કાશ્મીરી પંડિતો, સ્થળાંતર મજૂરો અને બિન-કાશ્મીરી કર્મચારીઓની મોટાપાયે હત્યાના કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે.

  • 6 ઑક્ટોબર, 2021- 70 વર્ષના કૅમિસ્ટ માખનલાલ બિન્દ્રાની શ્રીનગરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
  • બીજા જ દિવસે, 7 ઑક્ટોબર, 2021ના રોજ શ્રીનગરમાં જ એક કાશ્મીરી પંડિત અને એક શીખ શિક્ષકની હત્યા કરવામાં આવી હતી.
  • 13 મે, 2022 - કાશ્મીરના બડગામ જિલ્લામાં કાશ્મીરી પંડિત અને સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની ગોળી મારીને હત્યા કરવામાં આવી.
  • 17 ઑગસ્ટ, 2022- શોપિયાંમાં સુનીલકુમાર નામના કાશ્મીરી પંડિતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
  • 26 ફેબ્રુઆરી, 2023- કાશ્મીરી પંડિત સંજય શર્માની દક્ષિણ કાશ્મીરના પુલવામામાં તેમના ગામની બજારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

રવિન્દર પંડિતા તેના વિશે જ સવાલો ઉઠાવતા કહે છે, “સરકાર પ્રમાણે કાશ્મીરમાં કલમ 370 હઠી ગયા બાદ પથ્થરમારો બંધ થઈ ગયો. હડતાળો બંધ થઈ ગઈ પરંતુ કાશ્મીરી પંડિતોની હત્યાનો સિલસિલો તો ચાલુ જ છે. એવામાં અમે કેવી રીતે માની લઇએ કે પરિસ્થિતિ સુધરી ગઈ છે અને કાશ્મીરી પંડિતો માટે માહોલ સારો થઈ ગયો છે.”

રાજકીય પક્ષો શું કહી રહ્યા છે?

પીડીપીના પ્રવક્તા મોહિત ભાન કહે છે કે, “કાશ્મીરી પંડિતો માટે અમારી પહેલી પ્રાથમિકતા હશે તેમનું કાશ્મીરમાં ફરીથી આવવું અને તેમનું પુનર્વસન કરવું.”

તેઓ કહે છે, “જે પણ કાશ્મીરી પંડિતો કાશ્મીર પાછા ફરવા માગે છે તેમને અમે ઓરડાવાળો ફલૅટ આપીશું. બેઘરોને જમીન આપવાની સરકારે જે યોજના બનાવી છે તે યોજનાનો લાભ કાશ્મીરી પંડિતોને પણ મળે તેવું અમે કરીશું. જેટલા પણ મંદિરો છે તેને અમે મફત વીજળી આપીશું.”

પરંતુ ઘણા કાશ્મીરી પંડિતોએ તેમની પાર્ટીના ચૂંટણીઢંઢેરા સામે વાંધો ઉઠાવ્યો છે કારણ કે તેમાં આફસ્પા અને પીએસએ હઠાવવાનો પણ ઉલ્લેખ છે.

જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મોહિત ભાન કહે છે, “જ્યારે ચૂંટણીઢંઢેરો બનાવવામાં આવે છે ત્યારે તે વિસ્તારના રાજકીય લૅન્ડસ્કેપને ધ્યાનમાં રાખીને બનાવવો પડે છે. કાશ્મીરી લોકોની સમસ્યાઓ અને સમસ્યાઓ પણ અમારે ધ્યાનમાં રાખવાની છે. લોકશાહીમાં આ બધું કરવું પડે છે.”

નેશનલ કૉન્ફરન્સનું પણ કહેવું છે કે તેઓ કાશ્મીરી પંડિતોનું પુનર્વસન અને કાશ્મીરમાં તેમની વાપસી ઇચ્છે છે.

પાર્ટીના પ્રવક્તા ઇમરાન નબી ડારે બીબીસીને કહ્યું, "અમે કાશ્મીરી પંડિતોને પાછા લાવવા અને તેમના પુનર્વસન માટે, તથા કાશ્મીરમાં પીએમ યોજના હેઠળ કામ કરતા પંડિત કર્મચારીઓ માટે વધુ સારી રીતે રહેવાની વ્યવસ્થા કરીશું."

ભાજપના જમ્મુ-કાશ્મીરના પ્રવક્તા સુનીલ સેઠી કહે છે, “કાશ્મીરી પંડિતોનું પુનર્વસન અને તેમનું સન્માન સાથે કાશ્મીર પરત ફરવું જરૂરી છે, પરંતુ તેના માટે તેમની સુરક્ષા વ્યવસ્થા અને તેમના રોજગારની ચિંતા કરવી પણ જરૂરી છે. પાછા આવનારાઓ માટે કોઈ ખાસ પૅકેજ હોવું જોઈએ. અમારી યોજના તેમને તેમના વ્યવસાય માટે ટૅક્સ-ફ્રી લૉન આપવાની છે.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.