કાશ્મીરમાં 'શાંતિ'નો સરકારનો દાવો, કેટલા સહમત છે સ્થાનિક લોકો?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
“5 ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ શાંતિ અને સમૃદ્ધિનો દોર શરૂ થઈ ગયો છે. આ વિસ્તારની પરિસ્થિતિ સામાન્ય છે અને રોજેરોજની હડતાલ, બંધ અને પથ્થરમારો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.”
કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સમર્થનમાં સુપ્રીમ કોર્ટમાં નવું સોગંદનામું દાખલ કર્યું છે.
આ સોગંદનામામાં સરકારે દાવો કર્યો છે કે છેલ્લાં ચાર વર્ષમાં ન માત્ર કાશ્મીરની પરિસ્થિતિમાં પહેલાં કરતાં સુધારો થયો છે, પણ ચરમપંથી ગતિવિધિઓ 45 ટકા ઓછી થઈ ગઈ છે.
2 ઑગસ્ટથી જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા સંબંધિત અરજી પર દરરોજ સુનાવણી થશે, જેમાં કોર્ટ નક્કી કરશે કે સરકારનો નિર્ણય બંધારણની જોગવાઈઓ અનુસાર હતો કે નહીં.
જોકે આ અગાઉ ગૃહ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં 19 પાનાંનું સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં 40 મુદ્દાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે 2019માં રાજ્યને આપવામાં આવેલો વિશેષ દરજ્જો હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાથી આ વિસ્તારને ‘ઘણો ફાયદો થયો છે અને પહેલાં કરતાં પરિસ્થિતિ સામાન્ય’ થઈ છે.

પ્રત્યક્ષ જોયેલી કાશ્મીરની પરિસ્થિતિ

ઇમેજ સ્રોત, EPA
ગયા વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી મેં એક રિપોર્ટર તરીકે કાશ્મીરમાં ત્રણ મહિના વિતાવ્યા અને સરકારે કરેલા દાવા અનુસાર મને જે વાત જમીન પર જોવા મળી એ એ છે કે શ્રીનગરમાં ડાઉનટાઉન વિસ્તારથી લાલ ચોક, શોપિયાં, કુલગામ, પુલવામા સહિત દક્ષિણ કાશ્મીરના કેટલાક જિલ્લાઓમાં હડતાલ જોવા મળી નહીં, બંધનું એલાન પણ ન હતું.
શ્રીનગરના રસ્તાઓ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોવા મળી રહ્યા છે અને સરકારી આંકડાઓ પણ આ વાતની પુષ્ટિ કરે છે કે કાશ્મીરમાં લૉકડાઉન પછી ટૂરિઝમે તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે.
જોકે આ પરિસ્થિતિને જોતા અમે ઘણા કાશ્મીરીઓ સાથે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ સોગંદનામામાં સરકાર દ્વારા કરવામાં આવેલા દાવાઓને કઈ રીતે જુએ છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નામ ન આપવાની શરતે શ્રીનગરને અડીને આવેલા ગાંદરબલ જિલ્લામાં રહેતી એક વ્યક્તિએ અમને જણાવ્યું કે, “સરકાર જેને શાંતિ કહી રહી છે, એ લોકોનું મૌન છે. એ મૌન લોકોને ડરાવીને કરાવવામાં આવ્યું છે. ઉપરાજ્યપાલના શાસનની આડકતરી રીતે પણ ટીકા કરનાર કંઈ પણ કહે તો તે વ્યક્તિને તરત જ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવે છે.”
તેઓ કહે છે કે, “હડતાલ અને બંધ ન થવાનું સૌથી મોટું કારણ એ છે કે હુર્રિયતના કાર્યાલયને તાળું મારી દેવામાં આવ્યું છે. હુર્રિયતના નેતા જેલમાં છે અથવા આટલાં વર્ષો પછી પણ નજરકેદ છે, હુર્રિયત જ મોટા ભાગે બંધનું એલાન કરતું હતું, પરંતુ તેને લગભગ નાબૂદ કરી દેવામાં આવ્યું છે. જો બધું જ સામાન્ય છે, તો મીરવાઇઝ ઉમર ફારુકને નજરકેદ કેમ રાખવામાં આવ્યા છે. તમામ સ્થળોએ સૈન્યના જવાનોની આટલી કડક નાકાબંધી કેમ છે?”

સરકારના દાવા પ્રમાણે બધું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2022માં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જમ્મુ-કાશમીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે, કોઈ પણ અલગતાવાદી નેતાને નજરકેદ રાખવામાં આવ્યા નથી, પરંતુ જ્યારે બીબીસીએ આ દાવાનું ફૅક્ટ ચેક કર્યું ત્યારે પરિસ્થિતિ અલગ જ સામે આવી હતી.
આજે પણ મીરવાઇઝ ઉમર ફારુકને ઘરથી મસ્જિદ સુધી જવાની અનુમતિ મળી નથી.
કાશ્મીરમાં ભાગ્યે જ કોઈ સ્વતંત્ર માનવાધિકાર સંસ્થાઓ બચી છે, સપ્ટેમ્બર 2021માં કાશ્મીરના જાણીતા કાર્યકર ખુર્રમ પરવેઝની એનઆઈએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર યુએપીએ 43(2) (બી) જેવી કલમો સાથે આરોપ મૂકવામાં આવ્યો હતો. લગભગ અઢી વર્ષથી પરવેઝ જેલમાં છે.
શ્રીનગરના ડાઉનટાઉન વિસ્તારમાં રહેતા 28 વર્ષીય એક યુવક કહે છે કે, કાશ્મીરની પરિસ્થિતિને કેન્દ્ર સરકાર જે પ્રોજેક્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે, એવી પરિસ્થિતિ વાસ્તવમાં નથી.
તેઓ કહે છે કે, “કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય ત્યારે જ કહી શકાય, જ્યારે દરેકની વિચારસરણી એક જેવી જ હોય. હજુ પણ ઘણા લોકોને લાગે છે કે અમને કેદ જેવી હાલતમાં રાખવામાં આવ્યા છે. બેરોજગારી છે. તમે કોઈ પણ રસ્તા પર જાવ, ત્યારે સુરક્ષા દળોની એક મોટી સંખ્યા જોવા મળશે. સુરક્ષાના નામે તમને રોકવામાં આવે છે, વાહનો રોકવામાં આવે છે. ઍમ્બ્યુલન્સ રોકવામાં આવે છે. જો સરકારને આને જ સામાન્ય કહે તો ઠીક છે. પરંતુ અમારા મતે આ સામાન્ય પરિસ્થિતિ નથી.”
શ્રીનગરના બજારનો ભીડવાળો વિસ્તાર છે રીગલ ચોક. આ ચોકમાં દુકાન ચલાવનારા 42 વર્ષના દુકાનદાર માને છે કે વાતાવરણ શાંત છે, હવે હડતાલ થતી નથી, પરંતુ આ માહોલને કલમ 370 સાથે જોડવું યોગ્ય નથી.
તેઓ કહે છે કે, “અમે ખુશ છીએ કે હવે હડતાલ થતી નથી અને અન્ય ચીજો પણ સામાન્ય છે. આ વાતનું શ્રેય સરકારને જવું જોઈએ, જેમણે આવો માહોલ તૈયાર કર્યો છે. પરંતુ આ તમામ વાતોને કલમ 370 સાથે જોડવી ન જોઈએ. કલમ 370 કાશ્મીરીઓના પાયાનો અધિકાર છે, જે અમારી પાસેથી છીનવી લેવાયો.”
કાશ્મીરમાં એક વર્ગ એ વાત જરૂર માને છે કે ઉપરાજ્યપાલના શાસનમાં ભ્રષ્ટાચાર, છેતરપિંડી પહેલાં કરતાં ઓછી થઈ છે.
શ્રીનગરમાં રહેતા 70 વર્ષીય એક વૃદ્ધ આ વાતથી ખુશ છે કે કર્મચારી હવે ડ્યૂટી માટે બંધાયેલા છે. દરેક કર્મચારી જવાબદાર છે. કામ કરવા માટે પૈસા આપવાનું ચલણ હવે લગભગ બંધ થઈ ગયું છે.

પીએસએ બાદ યૂએપીએનો વધતો ઉપયોગ

ઇમેજ સ્રોત, Getty Images
સરકારના ‘શાંતિ’ના દાવાને કેટલાક સંદર્ભો સાથે જોવા પડશે. લગભગ છેલ્લાં ચાર વર્ષમાં અહીં ગેરકાયદેસર ગતિવિધિઓ અધિનિયમ એટલે કે યુએપીએનો ઉપયોગ રેકૉર્ડ સ્તરે કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 2019 પછી કાશ્મીર ઘાટીમાં યુએપીએ અને પબ્લિક સેફ્ટી ઍક્ટ એટલે કે પીએસએ અંતર્ગત લોકોની ધરપકડના કેસ વધ્યા છે.
આરટીઆઈ કાર્યકર્તા વેંકટેશ નાયકની એક આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું હતું કે, વર્ષ 2014માં યુએપીએ અંતર્ગત કાશ્મીરમાં માત્ર 45 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2019માં યુએપીએ અંતર્ગત 255 કેસ દાખલ થયા છે.
જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, વર્ષ 2019થી ઑગસ્ટ 2021 સુધી કાશ્મીરમાં 2300થી વધુ લોકો પર યુએપીએ લાદવામાં આવ્યો અને 1200 કેસ તેની કલમો સાથે દાખલ થયા છે.
વર્ષ 2021ના નેશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દેશમાં યુએપીએના સૌથી વધુ કેસ જમ્મુ-કાશ્મીરમાં નોંધાયા છે.
તમામ કેન્દ્રશાસિત રાજ્યોમાં સૌથી વધુ રમખાણોના મામલા પણ જમ્મુ-કાશ્મીરમાં થયા છે. અહીં 2021માં 751 રમખાણોના કેસ નોંધાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
હવે પીએસએની વાત કરીએ. પીએસએના કેસ 2019 કરતાં ઘટ્યા છે. વર્ષ 2019માં પીએસએના 699 કેસ હતા, પરંતુ વર્ષ 2020માં તે ઘટીને 160 થઈ ગયા છે. વર્ષ 2021માં 95 કેસ નોંધાયા છે.
કાશ્મીરના માનવાધિકારોના કેસ લડનારા ઘણા વકીલ કહે છે કે, વર્ષ 2019થી આ ચલણ સામાન્ય થતું જઈ રહ્યું છે. જે લોકો પીએસએ ઍક્ટ અંતર્ગત સજા ભોગવી રહ્યા છે, જેવા હાઈકોર્ટ તેમના કેસ રદ કરે, તેવા જ તેમની પર યુએપીએની કલમ લગાડવામાં આવે છે અને તેઓ જેલમાં જ રહી જાય છે.
આ પ્રકારે જે આરોપી એક વાર ફસાઈ જાય છે અને તેમનું જેલની બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. કાશ્મીરમાં પીએસએ અને યુએપીએનો ઉપયોગ સુરક્ષા એજન્સીઓ મળીને કરવા લાગી છે.
પબ્લિક સેફ્ટી ઍક્ટ એટલે કે પીએસએ વર્ષ 1978માં શેખ અબ્દુલ્લાની સરકાર લઈને આવી હતી. તેને લાકડાની દાણચોરીના વિરોધમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે 90ના દાયકામાં કાશ્મીરમાં ચરમપંથ વધી ગયો તો આ કાયદાનો ઉપયોગ ‘દેશ-વિરોધી’ ગતિવિધિઓમાં સામેલ લોકો વિરુદ્ધ થવા લાગ્યો.
પીએસએ કાયદા અંતર્ગત કોઈ પણ આરોપીને ટ્રાયલ વિના બે વર્ષ સુધી જેલમાં બંધ કરીને રાખવામાં આવી શકે છે.
સાથે યુએપીએના કેસમાં કોઈ પણ આરોપીને વર્ષો સુધી જેલમાં ટ્રાયલ વિના બંધ કરીને રાખવામાં આવી શકે છે. યુએપીએની કલમો એટલી જટિલ હોય છે કે તેમાં કોઈ પણ આરોપીને જામીન મળવાની શક્યતા લગભગ નહિવત્ હોય છે.

ઇમેજ સ્રોત, @AneesZargar
ગાંદરબલના એક રહેવાસી કહે છે કે, “લોકોમાં પીએસએ અને યુએપીએનો એટલો ડર છે કે જો તમે તેમનો અભિપ્રાય પૂછશો તો તેઓ કંઈ પણ કહેતા અચકાય છે. પત્રકાર, માનવાધિકાર વકીલોનાં ઘરો પર રેડ પડે છે. ભલે કેસ નોંધવામાં ન આવે, પરંતુ તેમનામાં એવો ડર છે કે પ્રશાસન વિરુદ્ધ કંઈ પણ બોલવું કે લખવું નહીં. એવામાં તમે કહો કે શું સામાન્ય લોકો વિરોધપ્રદર્શન કરશે.”
5 ઑગસ્ટ 2021. કલમ 370 નાબૂદીની બીજી વર્ષગાંઠ દરમિયાન કાશ્મીરના લાલ ચોક અને પોલો વ્યૂ બજારની તસવીરો ઘણી વાઇરલ થઈ હતી.
આ દિવસે જ્યારે કાશ્મીરના સ્થાનિક દુકાનદારોએ કલમ 370 નાબૂદ કરવા સામે તેમની દુકાનો બંધ કરી તો સુરક્ષા એજન્સીઓએ કેટલાક દુકાનદારોને જબરદસ્તી તેમની દુકાનો ખોલાવડાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
ગયા વર્ષે એટલે કે 5 ઑગસ્ટ 2022ના રોજ હું શ્રીનગરની એક હોટલમાં હતી. એ દિવસે જ્યારે હું ઊઠી ત્યારે મારા ફોનમાં પોસ્ટપેડ કનેક્શન હોવા છતાં ઇન્ટરનેટ ચાલતું નહોતું. જ્યારે મેં મારા સર્વિસ પ્રોવાઇડર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે સરકારી આદેશ પર ઇન્ટરનેટ સેવા આ વિસ્તારમાં બંધ કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા સુધી મારા ફોનનું ઇન્ટરનેટ બંધ રહ્યું હતું.
રોકાણની વાત કરીએ તો આ વર્ષે માર્ચમાં કાશ્મીરમાં પહેલું વિદેશી રોકાણ થયું છે. આ રોકાણ દુબઈના ઇમાર ગ્રૂપનું છે, જે શ્રીનગરમાં 6 કરોડ ડૉલરના ખર્ચે શૉપિંગ કૉમ્પ્લેક્સ બનાવી રહ્યું છે.
ઘણી વાર સરકાર તરફથી નિવેદન જાહેર કરવામાં આવે છે કે કાશ્મીરમાં ખાડી દેશોએ રોકાણનો વાયદો કર્યો કે પ્રસ્તાવ મૂક્યો. જોકે ઇમાર ગ્રૂપના આ રોકાણ સિવાય અન્ય તમામ રોકાણનો પ્રસ્તાવ હાલ કાગળ પર છે.
સરકારી આંકડાનું માનીએ તો આ વર્ષે માર્ચ સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 66,000 કરોડ રૂપિયાના રોકાણનો પ્રસ્તાવ અપાઈ ચૂક્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે કાશ્મીરમાં એક વર્ગ માને છે કે વાસ્તવિક પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ તેમનું કહેવું છે કે આ પરિસ્થિતિ સરકાર કલમ 370 નાબૂદ કર્યા વગર પણ બદલી શકતી હતી.
શ્રીનગરમાં રહેતાં 35 વર્ષીય એક મહિલાનું માનવું છે કે, “કાશ્મીરની સ્થિતિ સામાન્ય થઈ છે, પરંતુ તે કલમ 370 નાબૂદ કર્યા વિના પણ શક્ય બન્યું હોત. કાશ્મીરની પરિસ્થિતિમાં પહેલાં જે તણાવ થતો હતો, તે હવે ઓછો થઈ ગયો છે. જ્યારે અમે ઘરમાંથી બહાર નીકળીએ છીએ તો ક્યાંય રમખાણોના સમાચાર નથી મળતા. કેટલીક હદ સુધી આવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો છે, પરંતુ તેના માટે અમારી ઓળખ છીનવી લેવામાં આવી છે.”
(શ્રીનગરથી માજિદ જહાંગીરના ઇનપુટ સાથે)














