You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૅનેડાના મંત્રીનો સ્વીકાર, અમેરિકન અખબારને લીક કર્યું હતું અમિત શાહનું નામ
કૅનેડા સરકારના નાયબ વિદેશ મંત્રી ડૅવિડ મૉરિસને દેશની નાગરિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને જણાવ્યું છે કે ભારત સરકારના વરિષ્ઠ મંત્રીએ કૅનેડાઈ નાગરિકોને ધમકી આપવા કે પછી તેમની હત્યા કરવાના અભિયાનને મંજૂરી આપી હતી.
મંગળવારે કૅનેડામાં નાગરિક સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સુનાવણી ચાલી રહી હતી, ત્યારે મૉરિસને આ વાત કહી હતી.
સુનાવણી દરમિયાન સમિતિનાં ઉપાધ્યક્ષ અને કન્ઝર્વેટિવ સાંસદ રેક્વેલ ડાંચોએ કૅનેડામાં નાગરિક અને રાષ્ટ્રીય સુરક્ષા વિશે ગંભીર સવાલ પૂછ્યા હતા.
ગત વર્ષે જૂન મહિનામાં 45 વર્ષના હરદીપસિંહ નિજ્જરની વૅનકુંવર નજીક બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કૅનેડાના વડા પ્રધાને આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો.
સંસદીય સમિતિની કાર્યવાહીમાં શું થયું?
સમિતિનાં ઉપાધ્યક્ષ અને કન્ઝર્વૅટિવ સાંસદ રેક્વેલ ડાંચોએ સમિતિની સુનાવણી દરમિયાન કૅનેડાનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નથાલી ડ્રૂઇનને પૂછ્યું કે કૅનેડાની સરકાર તરફથી વૉશિંગ્ટન પોસ્ટને કૅનેડામાં થઈ રહેલા અપરાધ મામલામાં ભારતના ગૃહ મંત્રી સામેલ હોવા મામલે કોણે જાણકારી આપી હતી?
તેના જવાબમાં નથાલી ડ્રૂઇને જણાવ્યું કે સરકારે આ પ્રકારની માહિતી કોઈ પત્રકારને નહોતી આપી.
રેક્વેલ ડાંચોએ અમેરિકાના વર્તમાનપત્ર વૉશિંગ્ટન પોસ્ટમાં તા. 14 ઑક્ટોબરના રોજ છપાયેલા રિપોર્ટ મામલે સવાલો પૂછ્યાં હતાં.
એ રિપોર્ટમાં સૂત્રોને ટાંકતા અખબારે લખ્યું હતું કે ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કૅનેડામાં શીખ અલગતાવાદીઓ સામેની કાર્યવાહીને લીલીઝંડી આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડાંચોએ આ સુનાવણીમાં ઉપસ્થિત નાયબ વિદેશ મંત્રી ડૅવિડ મૉરિસને આ મામલે સવાલો પૂછીને તેમને ઘેર્યા હતા.
તેના જવાબમાં ડૅવિડ મૉરિસને સમિતિને જણાવ્યું, “પત્રકારે મને ફોન કરીને પૂછ્યું. મેં તે વ્યક્તિને આના વિશે માહિતી આપી.”
"એ પત્રકારે આના વિશે ઘણું લખ્યું હતું. પત્રકારો અનેક સ્રોતોમાંથી માહિતી મેળવે છે. તેમણે મને એ વ્યક્તિ વિશે પુષ્ટિ કરવા કહ્યું. મેં તે (નામની) પુષ્ટિ કરી હતી."
ડૅવિડ મૉરિસને ભારતના ગૃહ મંત્રી અમિત શાહ વિશે આનાથી વધુ કોઈ માહિતી આપી ન હતી.
સમગ્ર ઘટનાક્રમ મંગળવારે બહાર આવ્યો હતો, આમ છતાં ભારતીય રાજદૂતાવાસ કે વિદેશ મંત્રાલયે સમગ્ર ઘટનાક્રમ વિશે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
ભારતે આરોપોને નકાર્યા હતા
આ પેહલાં જ્યારે સૌપ્રથમ વૉશિંગ્ટન પોસ્ટમાં નિજ્જરની હત્યાના અહેવાલ છપાયા હતા, ત્યારે ભારતીય વિદેશ મંત્રાલયે આ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, "આ રિપોર્ટમાં એક ગંભીર વિષય ઉપર અયોગ્ય અને આધારહીન આરોપ મૂકવામાં આવ્યા છે."
કૅનેડાની સરકારનું કહેવું છે કે તેના દેશમાં થયેલા હત્યા, ખંડણી અને ધમકી આપવી જેવા ગુનામાં ભારતીય ઍજન્ટોનો હાથ છે. આ ઍજન્ટોએ કૅનેડાના નાગરિકોને નુકસાન પહોંચે તેવી પ્રવૃત્તિઓ કરી હતી.
મંગળવાર પહેલાં કૅનેડાના અધિકારીઓ સત્તાવાર રીતે એટલું જ કહેતા હતા કે આના વિશે વધુ ભારતીય સરકારના ઉચ્ચઅધિકારીઓ પાસેથી મળશે.
રૉયલ કૅનેડા માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ દાવો કર્યો હતો કે કૅનેડામાં થયેલા ગુનાઓમાં ભારતીય ઍજન્ટોની વ્યાપક સંડોવણી છે. લગભગ બે અઠવાડિયાં પહેલાં આરસીએમપીએ આ પત્રકાર પરિષદ કરી હતી અને સંસદીય સમિતિમાં સામેલ સાંસદો તેના વિશે તપાસ કરી રહ્યા છે.
કૅનેડિયન પોલીસના વડા માઇક ડુહેમે મંગળવારે કમિટી સમક્ષ જુબાની આપી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે ભારતીય રાજદ્વારીઓ તથા હાઈકમિશનના કર્મચારીઓએ ભારતીય સરકાર માટે માહિતી એકઠી કરી હતી. કૅનેડાની પોલીસને આના વિશે પુરાવા પણ મળ્યા છે.
ક્રિમિનલ ગૅંગોને કૅનેડામાં હિંસક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. આ ગુનાઓમાં હત્યા, ખંડણી અને ધમકી આપવી જેવા કૃત્યોનો પણ સમાવેશ થાય છે.
આ પહેલાં કૅનેડાની સરકારી ન્યૂઝ ચૅનલ સીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં માઇકે કહ્યું હતું કે કૅનેડાની પોલીસ પાસે હત્યામાં ભારતની ઉચ્ચસ્તરે ભૂમિકા હોવા વિશે માત્ર માહિતી જ નથી, પરંતુ નક્કર પુરાવા છે.
માઇકે દાવો કર્યો હતો કે સપ્ટેમ્બર-2023થી અત્યારસુધીમાં કૅનેડાના 13થી વધુ નાગરિકોને ભારતીય ઍજન્ટોથી સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
માઇકે દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી વિશે કૅનેડાની પોલીસ પાસે જે પુરાવા છે કે તે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન સામે આવશે.
ભારત-કૅનેડા સંબંધ વણસવાની આશંકા
કૅનેડાના મંત્રીના નિવેદન પછી ભારત-કૅનેડાના સંબંધ ખરાબ થશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે.
કૅનેડામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારતવિરોધી પ્રદર્શન તથા ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી બંને દેશ વચ્ચેના સંબંધ સતત વણસતા રહ્યા છે.
કૅનેડા વારંવાર અનેકસ્તરે આરોપ મૂકી રહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે અને ભારતે આ આરોપોને નકાર્યા છે.
તાજેતરમાં બંને દેશો વચ્ચેના સંબંધમાં કડવાશ વધી ગઈ હતી અને બંને દેશોએ એકબીજાના છ-છ રાજદ્વારીઓને દેશ છોડી દેવાના આદેશ આપ્યા હતા.
ભારતનું કહેવું છે કે કૅનેડામાં ભારતીય રાજદૂતોની સલામતી ન હોવાથી તેમને પરત બોલાવી લેવાયા હતા, જ્યારે કૅનેડાનું કહેવું છે કે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. ભારતે પણ કૅનેડાના હાઈ કમિશનર સહિત છ રાજદ્વારીઓને દેશ છોડી દેવા આદેશ આપ્યા હતા.
કૅનેડાએ ત્યાં કામ કરતા ભારતીય રાજદૂત તથા અન્ય રાજદ્વારીઓને 'પર્સન્સ ઑફ ઇન્ટ્રૅસ્ટ' જાહેર કર્યા હતા. જ્યારે તપાસકર્તાઓને લાગે કોઈ શખ્સ પાસે ચોક્કસ ગુના સંબંધે મહત્ત્વપૂર્ણ માહિતી હોય શકે છે, ત્યારે તેઓ જે-તે વ્યક્તિને 'પર્સન ઑફ ઇન્ટ્રૅસ્ટ' જાહેર કરી શકે છે.
ભારતનું કહેવું છે કે કૅનેડાએ 'અંશમાત્ર પુરાવો' પણ નથી દેખાડ્યો અને ટ્રુડો રાજકીય લાભ લેવા માટે ભારતને બદનામ કરે છે.
નિજ્જરની હત્યા બાદ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા સંદર્ભે દેશની સંસદમાં નિવેદન આપ્યું હતું. ટ્રુડોએ કહ્યું હતું કે ભારતની સંડોવણી અંગે 'વિશ્વસનીય આરોપ' છે. જોકે, એ સમયે કૅનેડાએ કોઈપણ જાતના પુરાવા સાર્વજનિક નહોતા કર્યા.
જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં કહ્યું હતું કે નિજ્જર મામલે ભારતે ભયંકર ભૂલ કરી છે, સાથે જ સ્વીકાર્યું હતું કે તેમની પાસે નક્કર પુરાવા નથી.
નિજ્જર હત્યાથી વકર્યો વિવાદ
તા. 18 જૂન 2023ના કૅનેડાના ગુરૂદ્વારાના પાર્કિંગમાં હુમલાખોરોએ હરદીપસિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દીદી હતી. તેઓ કૅનેડાના વૅનકુંવરસ્થિત ગુરૂદ્વારાના અધ્યક્ષ પણ હતા.
એ પછી કૅનેડાએ સાર્વજનિક રીતે ભારતની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવ્યા હતા તથા બંને દેશો વચ્ચેના સંબંધ વકરવાની શરૂઆત થઈ હતી.
નિજ્જર જલંધરના ભારસિંહ પુરા ગામના રહેવાસી હતા. ભારત સરકારનું કહેવું છે કે નિજ્જર ખાલિસ્તાન ટાઇગર ફૉર્સના વડા હતા. તેઓ સંગઠનના સભ્યોને નેટવર્કિંગ, તાલીમ તથા નાણાકીય સહાય આપતા.
ઑક્ટોબર-2023માં ભારતે કૅનેડાના 40 રાજદ્વારીઓને મળતી ઇમ્યુનિટી રદ્દ કરી હતી, જેના કારણે કૅનેડાની હાઈ કમિશનના લગભગ બે-તૃતીયાંસ રાજદ્વારીઓએ ભારત છોડી દેવું પડ્યું હતું.
ભારતનું કહેવું છે કે કૅનેડામાં શીખ ભાગલાવાદીઓને છૂટોદોર મળેલો છે, જે કેવળ ભારત માટે, પરંતુ કૅનેડા માટે પણ બરાબર નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન