બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં, ક્યારે યોજાશે મતદાન અને કઈ તારીખે થશે મતગણતરી?

બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર થઈ ગઈ છે. બિહારની ચૂંટણી બે તબક્કામાં થશે. પહેલા તબક્કામાં 6 નવેમ્બર અને બીજા તબક્કામાં 11 નવેમ્બરે વોટિંગ કરવામાં આવશે. 14 નવેમ્બરે મત ગણતરી થશે. 16 નવેમ્બર સુધીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે.

ચૂંટણીની જાહેરાતની સાથે જ બિહારમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

પહેલા તબક્કા માટે 10મી ઑક્ટોબરે નૉટિફિકેશન જાહેર થશે અને બીજા તબક્કા માટે 13 ઑક્ટોબરે નૉટિફિકેશન બહાર પાડવામાં આવશે.

પહેલા તબક્કા માટે ઉમેદવારીપત્રક ભરવાની છેલ્લી તારીખ 17 ઑક્ટોબર અને બીજા તબક્કા માટે ઉમેદવારીપત્રક કરવાની છેલ્લી તારીફ 20 ઑક્ટોબર છે.

પહેલા તબક્કા માટે ઉમેદવારી પરત લેવાની છેલ્લી તારીખ 20 ઑક્ટોબર અને બીજા તબક્કા માટે ઉમેદવારી પરત કરવાની છેલ્લી તારીખ 23 ઑક્ટોબર છે.

ચૂંટણી પંચે કહ્યું છે કે બિહાર ચૂંટણીમાં આ વખતે 17 નવાં પગલાં ઉઠાવવામાં આવ્યાં છે. જે બાદમાં આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પોલિટિકલ પાર્ટીઓ અને ગઠબંધનો ચૂંટણી સમીકરણો સાધવામાં લાગી ગયાં છે.

ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે "બિહારની ચૂંટણી 'મધર ઓફ ઑલ ઇલેક્શન' હશે. દુનિયામાં માત્ર 10થી 12 દેશો એવા છે જ્યાં બિહાર કરતા વધુ મતદારો છે."

તેમણે કેટલીક મહત્ત્વની જાહેરાતો કરી હતી. જેમ કે પોલિંગ સ્ટેશન બહાર મતદારો પોતાના મોબાઇલ ફોન જમા કરાવી શકશે. મતદાન પછી મોબાઇલ લઈ જઈ શકશે.

બિહારમાં લગભગ 7.43 કરોડ મતદારો છે જેમાં 3.92 કરોડ પુરુષ અને 3.50 કરોડ મહિલાઓ છે. 1725 ટ્રાન્સજેન્ડર મતદારો રજિસ્ટર થયેલા છે. 14 લાખથી વધુ મતદારો પહેલી વખત મતદાન કરશે.

ચૂંટણી પંચે જણાવ્યું કે આ વખતે કુલ 90,712 મતદાન મથકો બનાવાયાં છે જેમાંથી 76,801 ગ્રામીણ વિસ્તારમાં અને 13,911 શહેરી વિસ્તારમાં છે.

તેમણે કહ્યું કે, "મતદારોને ધમકાવવાનાં કોઈ પગલાં સાંખી લેવામાં નહીં આવે. સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવાશે તો તેની સામે પગલાં લેવાશે."

હિંસા ફેલાવવાનો કે ઉશ્કેરવાનો પ્રયાસ કરનારા તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પંચે ચેતવણી આપી હતી. પહેલી વખત ચૂંટણી પંચ દ્વારા જિલ્લા સ્તરના બૂથ લેવલના એજન્ટોને તાલીમ અપાશે.

અગાઉ રવિવારે ચૂંટણી પંચે એસઆઈઆરના (ગહન મતદાતા પુનઃનિરીક્ષણ) આંકડા બહાર પાડ્યા છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે પટણામાં પત્રકાર પરિષદને સંબોધી હતી.

જ્ઞાનેશકુમારે કહ્યું કે બિહારમાં સફળતાપૂર્વક એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ ચૂંટણીપ્રક્રિયામાં 17 સુધાર જાહેર કરવામાં આવ્યા હતા, જે સૌ પહેલાં બિહારની ચૂંટણીમાં લાગૂ થશે અને આગામી સમયમાં દેશવ્યાપી તેનો અમલ કરવામાં આવશે.

આધારકાર્ડના કાયદા અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે આધારકાર્ડનો ઉપયોગ ઓળખપત્ર તરીકે કરી શકાશે, પરંતુ તેને જન્મનું કે નાગરિકત્વનું પ્રમાણપત્ર માની ન શકાય.

ચૂંટણીપંચે બિહાર વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલાં એસઆઈઆર શરૂ કર્યું હતું.

વિરોધ પક્ષોએ તેના ટાઇમિંગ અંગે ઘણા પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે ચૂંટણીપંચે તેને મતદારયાદીમાં સુધારો કરવાની એક પ્રક્રિયા તરીકે વર્ણવી હતી.

બિહાર વિધાનસભાનો કાર્યકાળ ક્યારે સમાપ્ત થાય છે?

બિહાર વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 22 નવેમ્બર, 2025ના રોજ સમાપ્ત થાય છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ (2020) 28 ઑક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન ત્રણ તબક્કામાં યોજાઈ હતી.

કોરોના મહામારી દરમિયાન ભારતમાં આ પહેલી મોટી ચૂંટણી હતી, તેને લઈને ઘણી ગાઇડલાઇન પણ જાહેર કરાઈ હતી.

2020 પછી રાજકારણમાં શું થયું?

2020ની ચૂંટણી પછી, રાજ્યમાં એનડીએની સરકાર બની, પરંતુ ઑગસ્ટ 2022માં, નીતીશકુમારે ભાજપ સાથેના સંબંધો તોડીને મહાગઠબંધનમાં જોડાયા હતા.

ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધો એટલા ખરાબ થઈ ગયા હતા કે નીતીશકુમારે એવું નિવેદન પણ આપી દીધું હતું કે તેઓ મરવાનું પસંદ કરશે પણ ભાજપ સાથે ક્યારેય નહીં જાય.

બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે નીતીશકુમાર માટે NDAના દરવાજા હંમેશાં માટે બંધ છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલાં અખિલ ભારતીય ગઠબંધન બનાવવાના પ્રયાસોમાં નીતીશકુમારને મુખ્ય વ્યક્તિ માનવામાં આવતા હતા.

પરંતુ જાન્યુઆરી 2024માં, તેઓ ફરી એક વાર એનડીએમાં જોડાયા અને આરજેડીથી અલગ થઈ ગયા.

જેડીયુ અને આરજેડી 2015ની વિધાનસભા ચૂંટણી સાથે લડી હતી અને બહુમતી સાથે સરકાર બનાવી હતી, જોકે એ ગઠબંધન વર્ષ 2017માં તૂટી ગયું હતું.

બિહાર વિધાનસભાની સ્થિતિ શું છે?

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ કે ગઠબંધન પાસે 122 બેઠકો હોવી જરૂરી છે.

બિહારમાં હાલમાં જેડીયુ અને ભારતીય જનતા પાર્ટીના ગાંઠબંધનથી બનેલી એનડીએની સરકાર છે, જેમાં આરજેડીના તેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિરોધપક્ષના નેતા છે.

હાલમાં, બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 80, આરજેડી પાસે 77, જેડીયુ પાસે 45 અને કૉંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે.

ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના (માર્ક્સવાદી-લેનિનવાદી) (લિબ્રેશન) 11, હિન્દુસ્તાની આવામ મોરચાના (સેક્યુલર) ચાર, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના (માર્ક્સવાદી) બે, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના બે, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના એક અને બે અપક્ષ ધારાસભ્યો છે.

કયાં ગઠબંધનો ચૂંટણી મેદાનમાં છે?

આ વખતે ફરીથી, રાજ્યમાં મુખ્ય સ્પર્ધા એનડીએ અને મહાગઠબંધન વચ્ચે માનવામાં આવી રહી છે.

એનડીએમાં જેડીયુ, બીજેપી, એલજેપી(આર), જીતનરામ માંઝીની હમ (સેક્યુલર) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે.

મહાગઠબંધનમાં આરજેડી, કૉંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, સીપીઆઈ (એમએલ), વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી), જેએમએમ અને નૅશનલ એલજેપીનો સમાવેશ થાય છે.

અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ, એઆઈએમઆઈએમ બંનેમાંથી કોઈ પણ ગઠબંધનનો ભાગ નથી. 2020ની ચૂંટણીમાં તેમની પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી, પરંતુ તેના ચાર ધારાસભ્યો પાછળથી આરજેડીમાં જોડાયા હતા.

બેઠકોની વહેંચણી અને નવા લોકો કોણ છે?

એનડીએ કે મહાગઠબંધન બંનેમાંથી કોઈએ હજુ સુધી બેઠકોની વહેંચણીના આંકડા જાહેર કર્યા નથી. બે મુખ્ય ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણી અંગે મડાગાંઠ જોવા મળી રહી છે.

બેઠકોની વહેંચણી અંગે અનેક તબક્કાની વાટાઘાટ થઈ છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

નીતીશકુમારના ખરાબ સ્વાસ્થ્ય, જેડીયુમાં તેમના ઉત્તરાધિકારી અંગેની અટકળો, પ્રશાંત કિશોરની ઍન્ટ્રી અને ક્યારેક ચિરાગ પાસવાન પણ ચૂંટણી લડશે એવા સ માચારોને કારણે આગામી ચૂંટણી વધુ રસપ્રદ બની રહી છે.

નીતીશકુમારથી અલગ થયા પછી પોતાની પાર્ટી બનાવનાર પ્રશાંત કિશોરને જ્યારે બીબીસી દ્વારા એક ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તેમને કેટલી બેઠકો જીતવાનો વિશ્વાસ છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેમનો પક્ષ કાં તો ટોચ પર હશે અથવા એકદમ તળિયે.

તેમની પાર્ટી બધી 243 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે અને બેરોજગારી, સ્થળાંતર અને શિક્ષણના મુદ્દાઓ પર ચૂંટણી લડશે.

આ સિવાય બિહારમાં એક અને નવી પાર્ટીનો ઉદય થયો હતો કે ત્રણ મહિના પહેલાં આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ તેમના દીકરા તેજ પ્રતાપ યાદવને તેમની એક ફેસબુક પોસ્ટ પછી પાર્ટીથી નીકળ્યા હતા ત્યારે તેજ પ્રતાપ યાદવે તેમની નવી પાર્ટી બનાવી છે અને તેનું નામે રાખ્યું છે "જનશક્તિ જનતા દલ".

ચૂંટણીના મુખ્ય મુદ્દા શું છે?

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ એવો દાવો કરી રહ્યું છે કે અમે રાજ્યમાં વિકાસ કર્યો છે અને યુવાનોને રોજગાર સાથે મહિલાઓ માટે પણ ઘણી યોજનાઓ શરૂ કરી છે.

સાથે મહાગઠબંધન રોજગાર, પેપર લીક સહિત એસઆઈઆરને લઈને એનડીએને ઘેરી રહ્યું છે, અને યુવાઓ માટે રોજગાર અને નોકરીઓ તથા રોજગાર સર્જન સહિત ઘણાં વચનો આપી રહ્યું છે.

વોટ અધિકાર યાત્રામાં તેજસ્વી યાદવ સાથે રાહુલ ગાંધીએ વારંવાર 'એસઆઈઆર' અને 'વોટ ચોરી'નો મુદ્દો ઉઠાવ્યો હતો.

જોકે, ભાજપ અને જેડીયુ તેને વિપક્ષી પક્ષોનું હતાશામય રાજકારણ ગણાવી રહ્યા છે અને તેમનો આરોપ છે કે જો મહાગઠબંધન સરકાર બનશે તો રાજ્યનો વિકાસ અટકી જશે.

અત્યાર સુધીમાં કેટલી વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે?

બિહારમાં વિધાનસભા ચૂંટણીઓ 1952માં શરૂ થઈ હતી. ત્યારથી 2020 સુધી બિહારમાં 17 વખત વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ છે.

ફેબ્રુઆરી 2005માં યોજાયેલી ચૂંટણીઓમાં સરકાર ન બનવાથી, ઑક્ટોબરમાં ફરીથી નવી ચૂંટણીઓ યોજાઈ હતી.

સ્વતંત્રતા પછીની પહેલી ચૂંટણીમાં શું થયું?

વર્ષ 2016માં ભારત સરકારે બિહારના પ્રથમ મુખ્ય મંત્રી શ્રી કૃષ્ણ સિંહાની સ્મૃતિમાં એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી.

આઝાદી પછીની પહેલી ચૂંટણી 1951માં ઘણા પક્ષોએ ભાગ લીધો હતો હતી, પરંતુ તે સમયે કૉંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી.

આ ચૂંટણીઓમાં કૉંગ્રેસે 322માંથી 239 બેઠકો જીતી હતી.

1957ની ચૂંટણીમાં, કૉંગ્રેસ 312માંથી 210 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી રહી.

1962ની ચૂંટણીમાં, કૉંગ્રેસે 318માંથી 185 બેઠકો સાથે બહુમતી મેળવી હતી. ત્યારબાદ સ્વતંત્ર પાર્ટીએ 50 બેઠકો સાથે બીજા ક્રમે સૌથી વધુ 50 બેઠકો જીતી હતી.

શ્રી કૃષ્ણ સિંહા બિહારના પ્રથમ મુખ્ય મંત્રી બન્યા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન