આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2025: ક્રિકેટમાં પુરુષો પહેલાં મહિલાઓએ બનાવ્યા હતા બેવડી સદી અને 400 રનની ઇનિંગના રેકૉર્ડ

    • લેેખક, જહાન્વી મૂળે
    • પદ, બીબીસી મરાઠી સંવાદદાતા

સામાન્યતઃ એવી ગેરમાન્યતા છે કે મહિલા ક્રિકેટ છેલ્લાં અમુક વર્ષોથી જ શરૂ થયું છે અને કેટલાકને લાગે છે કે તે પુરુષોના ક્રિકેટ કરતાં ઘણું પાછળ છે.

જોકે, મહિલાઓ છેક 18મી સદીથી ક્રિકેટ રમે છે. પહેલી મૅચ જુલાઈ-1745માં રમાઈ હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. પહેલી સત્તાવાર આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ મૅચ વર્ષ 1934માં રમાઈ હતી.

પુરુષોના ક્રિકેટની સરખામણીમાં મહિલા ક્રિકેટનો વિકાસ ધીમો રહ્યો છે, છતાં મહિલાઓને કારણે આ રમતમાં મોટા સુધાર અને સંશોધન થયાં છે.

વિશેષ કરીને વન-ડે ઇન્ટરનૅશનલમાં. અનેક રેકૉર્ડ્સ સૌપ્રથમ મહિલાઓએ બનાવ્યા હતા, જેમાંથી અમુકનો શ્રેય ભારતીય મહિલા ખેલાડીઓને પણ મળે છે.

આવા જ કેટલાક રેકૉર્ડ્સ ઉપર નજર કરીએ.

પહેલી બેવડી સદી

જ્યારે આપણે વન-ડે ક્રિકેટમાં બેવડી સદીનો વિચાર કરીએ, ત્યારે સચીન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા તથા ક્રિસ ગેઇલ જેવા ખેલાડીઓનાં નામ આપણાં મનમાં આવે.

જોકે, વન-ડે ક્રિકેટમાં પહેલી બેવડી સદી ઑસ્ટ્રેલિયાનાં બેલિન્ડા ક્લાર્કે વર્ષ 1997માં ફટકારી હતી. એનાં 13 વર્ષ બાદ સચીન તેંડુલકરે વર્ષ 2010માં ગ્વાલિયર ખાતે ડબલ સેંચુરી ફટકારી હતી.

તા. 16 ડિસેમ્બર 1997ના રોજ ડેન્માર્ક સામે ક્લાર્કે 155 બૉલમાં 229 રન બનાવ્યા હતા. આ માટે તેમણે 22 ચોક્કા ફટકાર્યા હતા.

આ મૅચ વુમન્સ વર્લ્ડકપ 1997ના ભાગરૂપે મુંબઈના મિગ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી.

વન-ડેની એક ઇનિંગમાં 400 રન

ઉપોરક્ત મૅચમાં જ ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે 50 ઓવરમાં ત્રણ વિકેટે 412 રનનો જુમલો ખડક્યો હતો. પુરુષ કે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 રન કરતાં વધુનો સ્કોર ખડકનારી તે પ્રથમ ઇન્ટરનૅશનલ ટીમ બની હતી.

પુરુષોના ક્રિકેટમાં આ સિદ્ધિ નવ વર્ષ બાદ નોંધાઈ હતી. વર્ષ 2006માં ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા એમ બંને ટીમોએ જોહાનિસબર્ગ ખાતે રમાયેલી વન-ડે મૅચમાં 400 કરતાં વધુ રન કર્યા હતા.

વન-ડે ક્રિકેટમાં પહેલી વખત પાંચ વિકેટ

વર્ષ 1973માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ઑસ્ટ્રેલિયાની ટીમના મૅકફેર્સને વન-ડે ક્રિકેટમાં પહેલી વખત પાંચ વિકેટ લીધી હતી. તેમણે 12 ઓવરમાં 14 રન આપીને પાંચ વિકેટ લીધી હતી.

બે વર્ષ બાદ વર્ષ 1975ના પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન ડેનિસ લીલીએ આવી જ સિદ્ધિ મેળવી હતી.

વિકેટ કિપરે છ ખેલાડીઓને પેવોલિયન ભેગાં કર્યાં

વર્ષ 2000માં ઑસ્ટ્રેલિયાના વિકેટ કીપર ઍડમ ગિલક્રિસ્ટે એક જ મૅચમાં છ બૅટ્સમૅનને પેવોલિયન ભેગાં કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.

જોકે તેનાં પણ સાત વર્ષ પહેલાં વર્ષ 1993માં ભારતનાં કલ્પના વેંકટાચર અને ન્યૂ ઝીલૅન્ડનાં સારા ઇલિંગવર્થે એક જ મૅચમાં છ બૅટિંગપર્સનને પેવોલિન ભેગાં કર્યાં હતાં.

કલ્પનાએ ડેન્માર્ક સામેની મૅચ દરમિયાન છ ખેલાડીઓને સ્ટમ્પઆઉટ કર્યાં હતાં અને એક કૅચ પકડ્યો હતો. જ્યારે સારાએ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ચાર કૅચ અને બે સ્ટમ્પિંગ કર્યાં હતાં.

ટેસ્ટ મૅચમાં સદી અને 10 વિકેટ

ઇયાન બોથમ (ઇંગ્લૅન્ડ) અને ઍલન ડેવિડસને (ઑસ્ટ્રેલિયા) ટેસ્ટ મૅચમાં સદી ફટકારવાનો અને 10 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. જોકે, ઑસ્ટ્રેલિયાનાં બૅટી વિલ્સને વર્ષ 1958માં પ્રથમ વખત આ કારનામો કરી દેખાડ્યો હતો.

બૅટીએ ઑસ્ટ્રેલિયાના મૅલબૉર્ન ખાતે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં સાત અને બીજી ઇનિંગમાં ચાર વિકેટ લીધી. આ સિવાય તેમણે સદી પણ ફટકારી.

વનડે મૅચમાં પહેલી ટાઈ

ઇતિહાસની પહેલી વન-ડે મૅચ મહિલા ક્રિકેટમાં ટાઈ થઈ હતી. વર્ષ 1982માં ઇંગ્લૅન્ડ અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી મૅચ દરમિયાન બંને મૅચોએ 147 રન કર્યા હતા.

સૌથી યુવા ક્રિકેટર

યુવાનવયે ક્રિકેટમાં પદાર્પણ કરવા બદલ સચીન તેંડુલકર તથા હસન રાજા જેવા ખેલાડીઓનાં નામ વારંવાર લેવામાં આવે છે. જોકે, વર્ષ 2000માં પાકિસ્તાનનાં મહિલા ખેલાડી સાજિદા શાહે માત્ર 13 વર્ષની વયે ઇન્ટરનૅશનલ ડેબ્યૂ કર્યું હતું.

શેફાલી વર્મા તમામ પ્રકારના ક્રિકેટ ફૉર્મેટમાં સૌથી યુવા વયે રમનાર ભારતીયનો કિર્તીમાન ધરાવે છે.

પહેલી વર્લ્ડકપ અને ટી20 મૅચ

મહિલાઓની પહેલી ક્રિકેટ વર્લ્ડકપ વર્ષ 1973માં રમાઈ હતી, તેના બે વર્ષ બાદ વર્ષ 1975માં પુરુષોનો વર્લ્ડકપ યોજાયો હતો.

પહેલી ઇન્ટરનૅશનલ ટી20 મૅચ પણ મહિલાઓ દ્વારા રમાઈ હતી. તા. પાંચમી ઑગસ્ટ 2004ના રોજ ઇંગ્લૅન્ડ તથા ન્યૂ ઝીલૅન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ટક્કર થઈ હતી.

પુરુષોની ટી20 ઇન્ટરનૅશનલ ફેબ્રુઆરી-2005થી શરૂ થઈ હતી.

પિંક બૉલ ક્રિકેટ

ટેસ્ટ ક્રિકેટમાં લોકોને ફરીથી રસ જાગે તે માટે પિંક બૉલ સાથે ડે-નાઇટ ટેસ્ટ મૅચ આયોજિત કરવામાં આવ્યા.

જોકે, પહેલી પિંક બૉલ ક્રિકેટ મૅચ મહિલા ક્રિકેટમાં રમાઈ હતી. વર્ષ 2008માં ક્વિસલૅન્ડ તથા વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ટી20 નિદર્શન મૅચ દરમિયાન ગુલાબી રંગના બૉલનો ઉપયોગ થયો હતો.

આંતરરાષ્ટ્રીયસ્તરે વર્ષ 2009માં ઇંગ્લૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે યોજાયેલી મૅચ દરમિયાન પ્રથમ વખત પિંક બૉલનો ઉપયોગ થયો હતો.

વર્ષ 2015માં એડિલેડ ખાતે ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડની વચ્ચે ટેસ્ટ મૅચ રમાઈ, જેમાં પુરુષોએ પહેલી વખત પિંક બૉલ અજમાવ્યો.

ઓવરઆર્મ બૉલિંગ

ઓવર આર્મ બૉલિંગનો શ્રેય 19મી સદીની શરૂઆતમાં થઈ ગયેલાં મહિલા ક્રિકેટર ક્રિસ્ટિના વિલિસને આપવામાં આવે છે.

વર્ષ 1805માં બૉલિંગ કરતી વખતે સ્કર્ટ વચ્ચે ન આવે, એટલા માટે તેમણે ઓવરઆર્મ બૉલિંગની શરૂઆત કરી હતી. આ રીતે આધુનિક બૉલિંગ સ્ટાઇલની શરૂઆત થઈ હતી.

જેને આધુનિક ક્રિકેટની શરૂઆતના પ્રથમ પગથિયા તરીકે જોવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન